【સૂરએ નબા】
➥ લોકો કયામત વિશે મતભેદ રાખે છે, પરંતુ એક સમયે તેઓ હકીકત જાણી લેશે, ધરતીનું રહેવા માટે સુરક્ષિત હોવું, ધરતીના હલન ચલનના નિયંત્રણ માટે પહાડોનું અસ્તિત્વ, ઇન્સાનોના સ્ત્રી અને પુરુષના જોડા, શારીરિક અને માનસિક આરામ માટે ઊંઘ, રાતનું(ચીજોને ઢાંકી લેવામાં)લિબાસની માફક હોવું, દિવસનું રોઝી રોટી કમાવવા માટે અનુકૂળ હોવું,સાત આસમાન, ધગધગતો સૂરજ, પાણી વરસાવતા વાદળો અને તેનાથી ઉગતા અનાજ, વનસ્પતિ, ફળોથી ભરેલા બગીચા બધું જ અલ્લાહની કારીગરી છે, તેના માટે પુનઃજીવિત કરવું કોઈ મુશ્કેલ કામ છે?
➥ ફેસલાનો દિવસ (કયામત) નક્કી છે,ફેસલો થયા બાદ કાફિરોનું ઠેકાણું જહન્નમ અને નેકલોકો માટે જન્નતની નેઅમતો છે, તે દિવસે કાફિર તમન્ના કરશે કે કાશ... હું માટી થઈ ગયો હોત કે હિસાબ કિતાબ અને અઝાબથી છુટકારો મળી ગયો હોત.
【સૂરએ નાઝિઆત】
➥ કસમ છે એ ફરિશ્તાઓની જે મોતના સમયે મોમિનની રૂહ આસાનીની સાથે અને કાફિરની રૂહ સખ્તીની સાથે ખેંચે છે,કસમ છે એ ફરિશ્તાઓની જે દુનિયાના વહીવટમાં પોતાની જવાબદારી નિભાવે છે, કયામતના દિવસે બધાએ એક ખુલ્લા મેદાન(મેદાને હશ્ર) માં ભેગું થવાનું છે.
➥ ફિરઓનની તબાહીના કિસ્સામાં સમજદારો માટે ઈબ્રત છે, જયારે સૂર ફૂંકવામાં આવશે, ત્યાર બાદ પોતાની મનેચ્છાઓ પર ચાલવાવાળા અને ફક્ત દુનિયાને પ્રાથમિકતા આપવાવાળાનું ઠેકાણું જહન્નમ અને અલ્લાહથી ડરીને જિંદગી જીવનારનું ઠેકાણું જન્નત હશે, કયામતનો નિશ્ચિત સમય ફક્ત અલ્લાહને ખબર છે, તે દિવસે માણસને એવું લાગશે કે દુનિયાનું રોકાણ ફક્ત એક સવાર કે સાંજ જેટલું જ હતું.
【સૂરએ અબસ】
➥ એક વખત નબી સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ મક્કાના અમુક સરદારને દીનની દઅવત આપી રહ્યા હતા. એ દરમ્યાન હઝરત અબ્દુલ્લાહ બિન ઉમ્મે મકતૂમ (રદિ.), જે દ્રષ્ટિહીન હતા આવીને નબી સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમથી કોઈ સવાલ પૂછવા લાગ્યા. આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે મક્કાના સરદારોને ઈસ્લામ તરફ બોલાવવાના કામને મહત્વ આપી તરત જવાબ ન આપ્યો. ત્યારબાદ, અલ્લાહ તઆલાએ સૂરએ અબસની આયતો ઉતારી અને હુકમ આપ્યો કે જે આતુરતાથી દીન શીખવા આવે, તેને પ્રાથમિકતા આપવી જોઈએ, ભલે તે ગરીબ હોય અને સામાજિક રીતે નબળા હોય, કુર્આન નસીહતની કિતાબ છે, જે ચાહે તે નસીહત લઈ શકે છે.
➥ કયામતના દિવસે માણસ પોતાના ભાઈ, માં-બાપ, બીવી, અવલાદ બધાથી દૂર ભાગશે, દરેકને ફક્ત પોતાની જ ફિકર હશે, અમુક ચેહરા ચમકદાર અને અમુક ચેહરા પર નહૂસત છવાયેલી હશે.
【સૂરએ તકવીર】
➥ કયામતના દિવસે (૧) સૂર્ય લપેટી મુકાશે.(૨) તારાઓ ખરી પડશે.(૩) પર્વતો ઉખેડી દેવામાં આવશે.(૪) કિંમતી ઉંટણીઓ પણ છોડી દેવામાં આવશે.(લોકોને પોતાના માલની પણ ફિકર નહીં હોય.)(૫) જંગલી પ્રાણીઓ પણ ભેગા રહેશે (એક બીજા પર હુમલો પણ નહીં કરે.).(૬) સમુદ્રો આગથી ધગધગશે.(૭) લોકોને તેમના કર્મ અનુસાર અલગ અલગ જૂથોમાં વહેંચી દેવામાં આવશે.(૮) જીવંત દાટી દેવામાં આવેલી બાળકીને ન્યાય માટે બોલાવાશે.(૯) આમાલનામા ખોલી મૂકાશે.(૧૦) આકાશ ઉઘાડી નાખવામાં આવશે.(૧૧) જહન્નમ સળગાવવામાં આવશે.(૧૨) જન્નત ઈમાનવાળાઓ માટે લાવવામાં આવશે.(૧૩) દરેક માણસ પોતાના કર્મોને જાણી લેશે.
➥ હે લોકો! કુર્આન એવા ફરિશ્તા દ્વારા ઉતારવામાં આવેલું કલામ છે જે અમાનતદાર અને શક્તિશાળી છે,શૈતાન કોઈ પણ રીતે તેના સુધી નથી પહોંચી શકતો,હકીકતો સ્પષ્ટ હોવા છતાં લોકો ખોટા માર્ગે ચાલી રહ્યા છે.
【સૂરએ ઇન્ફિતાર】
➥ જે અલ્લાહે માણસને પૈદા કર્યો અને અને બેહતરીન શકલમાં બનાવ્યો તેનાથી કેવી રીતે ગાફિલ થઈ શકે છે?
➥ દરેક માણસની સાથે ફરિશ્તાઓ લાગેલા છે,જે તેના દરેક અમલને લખી લે છે.
【સૂરએ મુતફ્ફિફીન】
➥ માપ તોલમાં કમી કરવાવાળાઓ માટે આખિરતમાં હલાકત છે, જેમની આદત આ છે કે પોતાનો હક લેવાનો હોય તો પૂરેપૂરો લે છે, અને લોકોને હક આપવાની વાત હોય ત્યારે કમી કરીને આપે છે, શું આ પ્રકારના લોકોને ખબર નથી કે મર્યા પછી બીજી વાર જીવીત થઈને આમાલનો હિસાબ આપવાનો છે.
➥ કાફિરો અને ફાસિકોનું આમાલનામું ' સિજ્જીન'(જે સાત જમીનની નીચે છે, જેમાં કાફિરો અને ફાસિકોના આમાલનામા ભેગા કરવામાં આવે છે.)માં રાખવામાં આવે છે, અને નેકલોકોના આમાલનામા ' ઈલ્લિય્યીન'(જે જન્નતમાં એક ઉચ્ચ સ્થાન છે, જેમાં મોમિનો અને નેકલોકોના આમાલનામા ભેગા કરવામાં આવે છે.) માં હોય છે.
➥ કાફિરો કુર્આનની આયતો સાંભળીને તેને પ્રાચીન વાતો કહી નકારી કાઢતા જેનું કારણ આ છે કે ગુનાહોના અસરથી દિલ પર કાટ લાગી ગયો છે.
➥ જન્નતમાં નેકલોકો માટે એવું પીણું હશે જેના ઉપર મુશ્ક (કસ્તુરી) નું સીલ લાગેલું હશે, પીણામાં તસનીમ(જે ખાસ લોકો માટે જન્નતમાં એક ઝરણું છે.) ની મિલાવત હશે.
➥ દુનિયામાં કાફિરો મોમિનોની મજાક ઉડાવતા, ટાણા મારતા અને તેમના ઉપર હંસતા હતા,આખિરતમાં મોમિનો કાફિરો ઉપર હસીને કહેશે કે આજે કાફિરોને બરાબરની સજા મળી રહી છે.
【સૂરએ ઇન્શિકાક】
➥ કયામતનો કિસ્સો સંભળાવી અલ્લાહ તઆલા ફરમાવે છે કે હે ઇન્સાન! તુ સારા અથવા ખરાબ આમલ કરીને પોતાના રબ પાસે જવાનો જ છે, જેને આમાલનામું જમણા હાથમાં મળી જશે તેનો આસાન હિસાબ થશે, અને જેને પીઠ પાછળથી ડાબા હાથમાં મળશે તે મોતને પુકારશે, હે ઇન્સાન! તારે તબક્કાવાર મોત, પુનઃ જીવન, અલ્લાહના દરબારમાં હાજરી, જિંદગીના હિસાબ-કિતાબના તબક્કાઓથી પસાર થઈને પોતાના કર્મો મુજબ જન્નત અથવા જહન્નમમાં જવાનું છે.
【સૂરએ બુરૂજ】
➥ આ સૂરતમાં અલ્લાહ તઆલાએ આકાશ, કયામત વગેરેની કસમ ખાયને અસહાબુલ ઉખદૂદની ઘટના વર્ણવી છે, જેમાં એક ઝાલિમ બાદશાહે ઈમાનદારોને માત્ર અલ્લાહ પર ઈમાન રાખવાના કારણે ખાઇમાં નાખી આગમાં સળગાવી દીધા, પરંતુ અલ્લાહની પકડ ઘણી મજબૂત હોય છે, પાછલી કોમોના વિનાશના કિસ્સાઓ ધ્યાનમાં રાખો,જો આવા અત્યાચારીઓએ તૌબા ન કરી તો દુનિયામાં અથવા આખિરતમાં જહન્નમમાં સળગવાની સજા મળશે.
【સૂરએ તારિક】
➥ ચમકતા તારાની કસમ ખાઈને અલ્લાહ તઆલા ફરમાવે છે કે માણસે મર્દની પીઠ અને ઓરતની છાતીના ભાગમાંથી નીકળતા પાણીથી થયેલ પોતાની પૈદાઈશ વિશે વિચારી આખિરત પર ઈમાન લાવવું જોઈએ, અને આસમાનની કસમ ખાઈને કહેવામાં આવ્યું કે કુર્આન કોઈ ખાલી મઝાકની વાત નથી, બલ્કે સચ્ચાઈ અને જૂઠ વચ્ચે ફર્ક કરનારી કિતાબ છે, કાફિરો પોતાનો દાવ રમે છે, અને અલ્લાહ પોતાનો દાવ રમે છે.
【સૂરએ અઅલા】
➥ અલ્લાહની પાકી બયાન કરો જેણે દરેક વસ્તુને એકદમ ઠીક રીતે બનાવી છે, તેણે નબી સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને કુર્આન પઢાવીને યાદ પણ રખાવ્યું,કુર્આનથી તે માણસ બોધ ગ્રહણ કરે છે જે અલ્લાહનો ખોફ રાખે છે, અને જે માણસ દૂર ભાગે છે તે દોઝખમાં દાખલ થશે, આખિરત દુનિયાથી બેહતર છે, પરંતુ માણસ દુનિયાને પ્રાથમિકતા આપે છે, અને આ વાત મૂસા (અલ.) અને ઈબ્રાહીમ (અલ.)ના સહીફાઓ(આસમાની નાની કિતાબો)માં પણ મોજૂદ છે.
【સૂરએ ગાશિયહ】
➥ કયામતના દિવસે ઘણા લોકોના ચેહરા થાકેલા હશે, તેમને ઉકળતું પાણી અને એવો ખોરાક આપવામાં આવશે જેનાથી ન શરીરનો વિકાસ થઈ શકે ન ભૂખ દૂર થઈ શકે, અને અમુક ચેહરા ખીલેલા હશે, એવી જન્નતમાં હશે જ્યાં કોઈ પણ પ્રકારનો શોર-બકોર નહીં હોય, ત્યાં વહેતા ઝરણા, ઊંચા તખત, સોફા અને ગાલીચા હશે.
➥ ઊંટની અનોખી બનાવટ,આસમાનની ઊંચાઈ, પહાડોની મજબૂતી અને જમીનની સપાટ બનાવટમાં વિચાર કરી અલ્લાહને ઓળખો, નબીનું કામ ફક્ત નસીહત કરવાનું હોય છે, નબી કોઈની ઉપર બળજબરી નથી કરતા, છેવટે બધાને અલ્લાહ પાસે જઈને હિસાબ આપવાનો છે.
【સૂરએ ફજર】
➥ ફજર, દસ મુબારક રાતો(જિલ્હજની પહેલી દસ રાતો)વગેરેની કસમ ખાઈને અલ્લાહ તઆલા ફરમાવે છે તમારો રબ ઝાલિમો માટે ઘાત લગાવીને બેઠો છે, આદ, સમૂદ, ફિરઓનના વિનાશને યાદ રાખો.
➥ માણસને જ્યારે અલ્લાહ તઆલા સારી પરિસ્થિતિઓમાં રાખે છે,રોઝીમાં બરકત આપે છે, તો કહેવા લાગે છે કે મારા રબે મારું સન્માન કર્યું, અને જ્યારે આઝમાઈશના હેતુસર રોઝીમાં કમી કરી દે તો કહેવા લાગે છે કે મારા રબે મારું અપમાન કર્યું, જ્યારે કે ઇન્સાનની હાલત આ છે કે તેને માલ સાથે એટલી મોહબ્બત છે કે વિરાસત અને યતીમનો માલ ખાઇ જાય છે, ગરીબોની મદદથી પાછો ખસે છે.
➥ કયામતના દિવસે માણસ અફસોસ કરશે કે હે કાશ.. પોતાના માટે નેકીઓ કરી હોત, જ્યારે કે નફસે મુતમઇન્નહને મોત વખતે જ કહેવામાં આવે છે કે તુ પોતાના રબ પાસે એવી હાલતમાં જા કે તુ રબથી રાજી અને રબ તારાથી રાજી, અલ્લાહના ખાસ બંદાઓમાં અને જન્નતમાં દાખલ થઈ જા.
【સૂરએ બલદ】
➥ મક્કા શહેરની કસમ ખાઈને અલ્લાહ તઆલા ફરમાવે છે કે માણસ પૈદાઈશથી મોત સુધી તકલીફો અને મુસીબતોમાં રહે છે, છતાં તે સમજે છે કે તેની ઉપર કોઈનો હાથ નથી, ઇસ્લામની દુશ્મનીમાં પોતાનો માલ ખર્ચ કરી તેના પર ઘમંડ કરે છે.
➥ અલ્લાહે ઇન્સાનને બે આંખો, ઝબાન અને બે હોંઠની નેઅમતો આપી અને તેની સામે નેકી અને બુરાઈના બે રસ્તા ખુલ્લા મુક્યા, શું ઇસ્લામની દુશ્મનીમાં પોતાનો માલ ખર્ચ કરનારાઓ પોતાના માલથી કેદીઓને છોડાવીને ,યતીમને ખવડાવીને, ઈમાન લાવીને અને બીજાને પણ સબ્ર અને દયાની તાકીદ કરીને(આ બધા આમાલ એક મુશ્કેલ ચઢાણ ચઢવા બરાબર છે.) પોતાને જન્નતના હકદાર બનાવવાની ફિકર નથી કરી શકતા?
【સૂરએ શમ્સ】
➥ સૂર્ય, ચાંદ, દિવસ,રાત, આસમાન, જમીન અને ઇન્સાની નફસ(જેમાં અલ્લાહ તઆલાએ નેકી અને બુરાઈ બંને કરવાની શક્તિઓ રાખેલી છે.)ની કસમ ખાઈને અલ્લાહ તઆલા ફરમાવે છે કે જેણે પોતાના નફસને પવિત્ર બનાવ્યો તે કામયાબ છે અને જેણે તેની ઇચ્છાઓ પૂરી કરી અપવિત્ર બનાવ્યો તે નિષ્ફળ રહ્યો, ત્યાર બાદ સૂરતમાં કોમે સમૂદના વિનાશનો કિસ્સો છે.
【સૂરએ લયલ】
➥ રાત, દિવસની કસમ ખાઈને અલ્લાહ ફરમાવે છે કે માણસની કોશિશો વિવિધ પ્રકારની છે,અમુક એવા છે જે માલને ખર્ચ કરે છે,પરહેઝગારી અપનાવે છે અને સત્ય અને સારી વાતોને માને છે, આ પ્રકારના લોકો માટે અલ્લાહ નેકીનો રસ્તો આસાન બનાવે છે,જ્યારે અમુક માલને રોકીને રાખે છે, અવલાદના ઘમંડમાં પોતાને સ્વતંત્ર સમજે છે, સત્ય અને સારી વાતોને નકારે છે, આ પ્રકારના લોકો માટે નાફરમાનીનો રસ્તો આસાન થઈ જાય છે.
➥ જે માણસ પોતાના દિલને બુરાઈઓથી પવિત્ર બનાવવા અને અલ્લાહની ખૂશી હાસિલ કરવા માટે (ન કે કોઈનું એહસાન ઉતારવા માટે) માલ ખર્ચ કરે છે, તે આખિરતમાં જન્નતનો હકદાર બની ખૂશ થઈ જશે.
【સૂરએ ઝુહા】
➥ આ સૂરતમાં નબી સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને સાંત્વના આપવા માટે અલ્લાહ તઆલાએ કસમ ખાઈને જે વાતો કહી છે તે નીચે મુજબ છે:(૧) અલ્લાહે આપને ન તો છોડ્યા છે અને ન આપથી કોઈ દુશ્મની છે.(૨) આપના માટે આખિરતનો બદલો દુનિયાથી બેહતર છે, અલ્લાહ આપને એટલું આપશે કે આપ ખૂશ થઈ જશો.(૩) અલ્લાહે આપ પર ત્રણ પ્રકારના એહસાન કર્યા,આપ યતીમ,સાચા રસ્તાના શોધક અને ગરીબ હતા તો અલ્લાહે આપને સહારો, સાચો માર્ગ અને માલ આપ્યો, માટે યતીમ અને સવાલી સાથે અણગમો વર્તાવ ન કરો અને પોતાના રબની નેઅમતોને બયાન કરો.
【સૂરએ ઇન્શિરાહ】
➥ આ સૂરતમાં અલ્લાહના વધુ ત્રણ એહસાનનું બયાન છે.(૧) વહી માટે આપના સીનાને ખોલી દીધો.(૨) આપના ઉપરથી દીનની તબ્લીગનો બોજ હલકો કરી દીધો, એ રીતે કે આપને એવા સાથીદારો આપ્યા જે દીન માટે પોતાની જાનને દાવ પર લગાવવા પણ તત્પર રહેતા હતા.(૩) આપનું નામ એટલું ફેલાવી દીધું કે દુનિયાનો કોઈ દેશ અને કોઈ વસ્તી નથી જ્યાં આપનું નામ ન લેવાતું હોય . આ ત્રણ એહસાન યાદ અપાવ્યા બાદ અલ્લાહ ફરમાવે છે કે તકલીફમાં ગભરાશો નહીં,તકલીફની સાથે આસાની હોય છે, જ્યારે તમે દીનની દઅવતથી ફારિગ થાઓ તો ઈબાદતમાં મેહનત કરો અને પોતાના દરેક કામમાં રબની ખૂશીને ધ્યાનમાં રાખો.
【સૂરએ તીન】
➥ અંજીર, ઝયતૂન, તૂર પહાડ અને મક્કા શહેરની કસમ ખાઈને અલ્લાહ તઆલા ફરમાવે છે કે ખરેખર અમે શ્રેષ્ઠ સ્વરૂપમાં ઇન્સાનનું સર્જન કર્યું છે, ત્યાર બાદ ઇન્સાન નાફરમાની કરી પોતાને સૌથી નીચલા સ્તરે પહોંચાડી દે છે, પરંતુ નેક લોકો માટે જે જાહેરી સ્વરૂપના શ્રેષ્ઠ હોવાની સાથે દિલ પણ સુંદર બનાવે છે તેમના માટે ખતમ ન થનાર ઇનામો અને નેઅમતો છે.
【સૂરએ અલક】
➥ આ સૂરતની પ્રથમ પાંચ આયતો સૌ પ્રથમ વહી છે, જેમાં કહેવામાં આવ્યું કે પોતાના મહેરબાન રબનું નામ લઈને પઢો જેણે જામેલા લોહી(જે વીર્યનું એક સ્વરૂપ છે.) થી ઇન્સાનનું સર્જન કર્યું અને કલમ દ્વારા એવી વાતો શિખવાડી જેનાથી તે અજાણ હતો.
➥ ઈન્સાનોમાંથી ઘણા જાતે પણ ગુમરાહ હોય છે અને અલ્લાહના બીજા બંદાઓને પણ નમાઝ,તકવા અને નેકીના રસ્તાથી રોકે છે, આ પ્રકારના લોકોની પેરવી ન કરો, જો તેઓ પોતાના કુકર્મોથી તૌબા નહીં કરે તો તેમના કપાળને પકડીને દોઝખમાં ફેંકવામાં આવશે, તેઓ બચાવ માટે સાથીદારોને પણ બોલવી શકે છે.
【સૂરએ કદ્ર】
➥ અલ્લાહ તઆલાએ શબે કદ્રમા લવ્હે મહફૂઝથી કુર્આન ઉતાર્યું,આ રાતની ઈબાદત હજાર મહિનાની ઈબાદતથી શ્રેષ્ઠ છે,આ રાત્રે ફરિશ્તાઓ અને હજરત જિબ્રઈલ (અલ.) અલ્લાહના હુકમ લઈને ઉતરે છે, સલામતીવાળી રાત છે જે પોતાની બરકતો સાથે અને ફજર સુધી બાકી રહે છે.
【સૂરએ બય્યિનહ】
➥ એહલે કિતાબ (યહૂદીઓ અને ઈસાઈઓ) પોતાનો દીન ત્યાં સુધી ન છોડવાના હતા જ્યાં સુધી કોઈ ખુલ્લો સબૂત ન આવી જાય, પરંતુ જ્યારે મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ અને કુર્આનના સ્વરૂપમાં સબૂત આવી ગયો ત્યારે મતભેદો ઉભા કરીને ઇન્કારનો રસ્તો અપનાવ્યો, ત્યાર પછીની આયતોમાં મોમિનોનો બદલો અને કાફિરોની સજાનું વર્ણન છે.
【સૂરએ ઝિલઝાલ】
➥ કયામતના દિવસે પૃથ્વી તીવ્ર ભૂકંપથી હચમચી જશે અને મૃતકોને બહાર ફેંકી દેશે. દરેક વ્યક્તિના સારા અને ખરાબ અમલ (કર્મો) તેને બતાવવામાં આવશે. અલ્લાહની ન્યાયવ્યવસ્થા એટલી સંપૂર્ણ અને અચૂક હશે કે માણસ નાનું સરખું સારું અથવા ખરાબ કામ પણ જોઈ લેશે.
【સૂરએ આદિયાત】
➥ પ્રથમ પાંચ આયતોમાં યુદ્ધના ઘોડાઓનું ઉદાહરણ આપવામાં આવ્યું છે, જે પોતાના માલિકની આજ્ઞાપાલનમાં શત્રુ પર ઝડપથી આક્રમણ કરે છે, તેનાથી ઇમાનદારોને અલ્લાહના હુકમોને માનવાની પ્રેરણા આપવામાં આવી છે, ત્યાર પછીની આયતોમાં ઇન્સાનની બેદરકારી બતાવવામાં આવી છે, કે તે પોતાના રબના એહસાન ભૂલનારો છે અને માલથી ખુબ મુહબ્બત કરે છે.પણ કિયામતના દિવસે, જ્યારે કબરમાંથી મૃતકો બહાર કાઢવામાં આવશે અને દિલની ગુપ્ત વાતો પણ ખુલ્લી પડી જશે,ત્યારે અલ્લાહ ઇન્સાનના દરેક અમલ અંગે પૂરતો જાણકાર હશે.
【સૂરએ કારિઅહ】
➥ કયામતના દિવસે લોકો પોપટિયાની જેમ ઉડી જશે, પર્વતો ઊન જેવી ધૂળ બની ઉડી જશે. ત્યારે, જે લોકોની નેકીઓનું પલ્લું ભારે હશે, તેઓ માટે આનંદમય જીવન હશે, અને જેમના ગુનાહોનું પલ્લું ભારે હશે તેમને હાવિયા (જહન્નમની ભયાનક ખીણ) માં નાખવામાં આવશે, જે આગથી ભરેલી હશે.
【સૂરએ તકાષુર】
➥ ઇન્સાન ધન દોલત વધારવાની લાલચમાં એટલો મગ્ન થઈ જાય છે કે આ જ હાલતમાં કબરમાં જવાનો સમય આવી જાય છે, પરંતુ મૃત્યુ પછી તમામ હકીકતો જાણી લેશે, જ્હન્નમને પોતાની આંખોથી જોશે, અને અલ્લાહ તઆલા દુનિયામાં મળેલ દરેક નેઅમતના સારા અથવા ખરાબ ઉપયોગ વિશે સવાલ કરશે.
【સૂરએ અસર】
➥ અલ્લાહ "સમય" ની કસમ ઉઠાવીને જણાવે છે કે બધા ઇન્સાનો નુકશાનમાં છે, સિવાય જે ઈમાન લાવે, સારા કાર્યો કરે, એક બીજાને સત્ય પર ચાલવાની અને સત્યના રસ્તામાં આવનાર મુસીબતો પર ચાલવાની તાકીદ કરે.
【સૂરએ હુમઝહ】
➥ જે લોકો બીજાની ચુગલી કરે છે, અને તેમનું અપમાન કરે છે,માલને એકત્ર કરીને તેને ફકત ગણે છે(અલ્લાહની રાહમાં ખર્ચ નથી કરતા) તેમનું માનવું છે કે માલ તેમને હમેંશા જીવતો રાખશે, પરંતુ તેમનું મોત પણ આવશે અને ત્યાર બાદ તેમને હુતમહ (જ્હાન્નમની ભયાનક આગ)માં નાખવામાં આવશે, જેનો અસર તેમના દિલ સુધી પહોંચશે અને તેમની ઉપર તાળું મારી દેવાશે.
【સૂરએ ફીલ】
➥ આ સૂરતમાં યમનના ગવર્નર અબ્રહા અને તેના હાથીવાળા લશ્કરના વિનાશનું વર્ણન છે,જ્યારે તેઓ કાબાનો ધ્વંસ કરવા આવ્યા હતા તો મક્કાના નજીક અલ્લાહે તેમના ઉપર પક્ષીઓ મોકલ્યા, જેમણે ગરમ પથ્થર નાખી તેમને નષ્ટ કરી દીધા, અને તેમની હાલત જાનવરે ખાધેલા ભૂસા જેવી થઈ ગઈ.
【સૂરએ કુરૈશ】
➥ કુરૈશ વેપાર અર્થે વર્ષમાં બે વાર ઠંડીમાં યમન અને ગરમીમાં શામનો સફર કરતા હતા, તેઓ કાબાના ખાદિમ હોવાથી દરેક જગ્યાએ તેમની મહેમાનનવાઝી કરવામાં આવતી અને અરબમાં લૂંટફાટનો માહોલ હોવા છતાં તેમની જાન અને માલની હિફાઝત થતી, અલ્લાહ તઆલાએ ફરમાવ્યું કે જે કાબાની બરકતથી તમારું સન્માન અને જાન- માલની હિફાઝત છે, તે કાબાના રબની ઇબાદત કરો.
【સૂરએ માઉન】
➥ જે લોકો હિસાબના દિવસ પર વિશ્વાસ નથી કરતા. તેઓ યતીમોને દુખી કરે છે અને બીજાઓને પણ ગરીબોને ખવડાવવાનું પ્રોત્સાહન નથી આપતા.જે નમાઝમાં ગફલત કરે છે અથવા માત્ર દેખાવા માટે નમાઝ પઢે છે. તેઓ નાના-નાના ઉપકાર પણ રોકી લે છે, આ પ્રકારનું ચરિત્ર ધરાવનાર લોકો માટે તબાહી છે.
【સૂરએ કવષર】
➥ નબી સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના ફરઝંદ ઈબ્રાહીમની વફાત પછી અમુક કાફિરોએ હોબાળો મચાવ્યો કે હવે આપની નસલ આગળ નહીં વધે અને આપનું મિશન અધૂરું રહી જશે,અલ્લાહ તઆલાએ આ સૂરતમાં તેનો જવાબ આપ્યો કે અલ્લાહે આપને ' કવષર ' આપી છે, તમે પોતાના રબ માટે નમાઝ પઢતા રહો અને કુર્બાની કરતા રહો, તમારા વિશે આ પ્રકારની વાતો ફેલાવનાર લોકોની નસલ આગળ નહીં વધે.
【સૂરએ કાફિરૂન】
➥ એક વાર કાફિરો આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ પાસે આવીને કહેવા લાગ્યા કે ઇબાદત બાબતે આપણે એક સમાધાન કરી લઈએ કે એક વર્ષ તમે અમારા માબૂદોની ઈબાદત કરજો અને એક વર્ષ અમે તમારા માબૂદની ઈબાદત કરીશું, આ સૂરતમાં તેમને જવાબ આપવામાં આવ્યો કે હે નબી!તેમને કહી દો કે ન તમે મારા માબૂદની ઇબાદત કરો છો અને કરશો અને ન હું તમારા માબૂદની ઈબાદત કરું છું અને કરીશ, તમે તમારા (શિર્ક) ના રસ્તા પર રહો અને હું મારા (તવહીદ) ના રસ્તા ઉપર રહીશ.
【સૂરએ નસર】
➥ આ સૂરતમાં નબી સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને ફતહે મક્કાની ખૂશ ખબરી પણ સંભળાવવામાં આવી અને હુકમ આપવામાં આવ્યો કે જ્યારે મક્કાનો વિજય થશે અને લોકોના ટોળે-ટોળાં ઈસ્લામમાં પ્રવેશશે, ત્યારે તમે અલ્લાહના વખાણ કરો અને તેની પાસે માફી માંગો.
【સૂરએ લહબ】
➥ જ્યારે નબી સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે કુરૈશના લોકોને સફા પહાડી પર ભેગા કરીને તવહીદની દાવત આપી તો આપના કાકા અબૂ લહબે એમ કહી આપની વાતોની ઝાટકણી કરી નાખી કે તારો નાશ થાય, શું આ કામ માટે તે અમને ભેગા કર્યા? આ સૂરતમાં તેનો જવાબ આપવામાં આવ્યો કે અબૂ લહબનો નાશ થાય, તેનો માલ અને દોલત અલ્લાહના અઝાબથી છૂટવામાં કામ નહીં આવે, તેની પત્નિ પણ દોઝખની હકદાર બનશે અને તેની ગરદનમાં દોરડું નાખવામાં આવશે જે મુસલમાનોના વિરૂધ્ધ લડાઈની આગ ભડકાવતી હતી.
【સૂરએ ઇખ્લાસ】
➥ અલ્લાહ એક છે, તે બે નિયાઝ(નિરાધાર) છે, ન તેની કોઈ અવલાદ છે ન તે કોઈની અવલાદ છે,તેની બરાબરનું કોઈ નથી.
【સૂરએ ફલક】
➥ લબીદ બિન આસમ નામી યહૂદીએ નબી સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ પર જાદૂ કરી દીધું હતું, જેના લઇ વહી સિવાયની ઘણી બાબતો આપ ભૂલી જતા હતા, અલ્લાહ તઆલાએ જાદૂના ઈલાજ રૂપે આ બે સૂરતો ઉતારી.
➥ સૂરએ ફલકમાં ચાર વસ્તુઓથી અલ્લાહની પનાહ માંગવામાં આવી છે (૧) તમામ મખલૂકની બુરાઈથી (૨) રાતના અંધકાર (જેમાં અલ્લાહને નારાજ કરવાવાળા કામો થાય છે.)ની બુરાઈથી (૩) જાદુગરણીઓની દુષ્ટતાથી, જે જાદૂ કરવા માટે ગાંઠોમાં મંતર પઢીને ફૂંકો મારે છે.(૪) અદેખાઈ કરવાવાળાની દુષ્ટતાથી
【સૂરએ નાસ】
➥ અને સૂરએ નાસમાં અલ્લાહની વિવિધ સિફાત બયાન કરીને શયતાન અને શયતાનની સિફતો ધરાવનાર ઈન્સાનો અને જિન્નાતોથી અલ્લાહની પનાહ માંગવામાં આવી છે.
0 Comments