સૂરએ મુલ્ક

અલ્લાહના હાથમાં સમગ્ર સૃષ્ટિની બાદશાહી છે,તે દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે, તેણે મોત અને જીંદગીને એટલા માટે બનાવી કે લોકોની ચકાસણી થાય કે કોણ સારા આમાલ(કર્મો) કરે છે.

તેણે સાત આસમાનોને એ રીતે બનાવ્યા કે તેમાં કોઈ ખામી/ફાટ નથી, વારંવાર જોઈશું તો નજર થાકી જશે, પરંતુ કોઈ ખામી નહી મળે,આસમાનને તારાઓથી સજાવ્યું અને તારાઓથી આસમાનની ખબરો સાંભળવા જનાર શૈતાનોને મારવાનું કામ પણ લેવામાં આવે છે.

જ્યારે દોઝખમાં લોકોને નાખવામાં આવશે તો તેમાંથી ડરામણી અવાજ આવશે, એવું લાગશે કે ગુસ્સાથી ફાટી પડશે, જ્યારે કોઈ જૂથને તેમાં નાખવામાં આવશે તો ફરિશ્તા પૂછશે કે તમારી પાસે સમજાવવાવાળા નથી આવ્યા? તેઓ જવાબ આપશે કે આવ્યા હતા, પરંતુ અમે ન સમજ્યા, જો અમે સમજી ગયા હોત તો અમારો સમાવેશ દોઝખીઓમાં ન થાત.

અલ્લાહે જમીનને એવી બનાવી કે લોકો સરળતાથી ચાલી ફરી શકે, પક્ષીઓ પાંખો ફેલાવી અને બંધ કરીને અવકાશમાં ઉડે છે, અલ્લાહ જ તેમને રોકીને રાખે છે કે નીચે નથી પડી જતા.

અલ્લાહના અઝાબથી બે ખૌફ ન બનો,તે ચાહે તો જમીનમાં ગરકાવીને અથવા આસમાનથી પથ્થર વરસાવીને નાશ કરી શકે છે, જો તે રોઝીને રોકી લે તો તેના મુકાબલામાં કોઈ પણ મદદ નથી કરી શકતું, જો તે પાણીને જમીનમાં એટલું નીચે ઉતારી દે કે કોઈ કાઢી ન શકે, તો કોઈ પણ  પીવાનું સાફ પાણી લાવી ન શકે.

                    સૂરએ કલમ

કલમની કસમ ખાઈને કહેવામાં આવે છે કે નબી સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ પાગલ નથી, બલ્કે આપનું વ્યક્તિત્વ નૈતિકતા(અખલાક)ના ઉચ્ચ સ્તરે છે, આપને કહેવામાં આવ્યું કે આ પ્રકારની વાતો તરફ ધ્યાન ન આપો, કાફિરો ઇચ્છે છે કે તમે પોતાના કામમાં ઢીલા પડી જાઓ.

આપના વિશે આ પ્રકારની વાતો ફેલાવનાર (વિશેષ રૂપે મક્કાનો સરદાર વલીદ, જેને પોતાની દોલત અને અવલાદ પર ગર્વ હતો) જૂઠી કસમો ખાનાર,નીચ,નિંદા અને ચુગલી કરનાર, ભલાઈના કામોથી રોકનાર, અત્યાચારી અને ગુનેહગાર,ક્રૂર અને અત્યંત દુષ્ટ હતો,  જેનો કોઈ આદરણીય નસબ પણ ન હતો.

માલ દોલત ઘણી વાર દુનિયામાં અઝાબ આવવાનો ઝરીયો બની જાય છે,યમનમાં એક નેક માણસ હતો, જે પોતાના બાગની આવકનો એક ભાગ ગરીબોને સદકો કરી દેતો, તેની અવલાદને આ વાત પસંદ ન હતી, તેના ઇન્તિકાલ પછી તેની અવલાદે ગરીબોનો હિસ્સો ખતમ કરી દેવાનો નિર્ણય લીધો,તો એક રાતે અલ્લાહ તરફથી અઝાબ આવ્યો અને તેમનો બાગ ખતમ થઈ ગયો, અને પોતાના બુરા ઇરાદા પર અફસોસ વ્યક્ત કરતા રહી ગયા.

કયામતના દિવસે એક ખાસ પ્રકારની તજલ્લી થશે અને બધાને સજદો કરવાનું કહેવામાં આવશે, તો ફક્ત મોમિનો સજદો કરી શકશે, કાફિરો અને મુનાફિકોની કમર તખ્તા જેવી બની જશે, તેમને દુનિયામાં સજદો કરવાની દાવત આપવામાં આવી તો ઇન્કાર કર્યો, બધાની સમક્ષ શર્મના લીધે તેમની આંખો નીચી થઈ જશે.

કાફિરો નબી સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ સામે એવી રીતે જોતા હતા કે પોતાની નજરોથી આપને ફેંકી દેશે, જો કે આપ  એમની પાસે કોઈ માલ ન માંગતા હતા,નબી સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને હુકમ આપ્યો કે તમે સબ્ર કરો,અમે તેમને ઢીલ આપી રહ્યા છીએ,અલ્લાહની યુક્તિ ઘણી મજબૂત છે.

                    સૂરએ હાક્કહ

કયામતનું એક નામ હાક્કહ(જેનું આવવું નિશ્ચિત છે.)પણ છે,કોમે આદ, સમૂદ, ફિરઓન વગેરે કોમોની તબાહીની દાસ્તાન સંભળાવીને અલ્લાહ તઆલા કયામતના દિવસે નામાએ આમાલની વહેંચણી વિશે ફરમાવે છે કે જેને જમણા હાથમાં પોતાનું આમાલનામું મળી જશે તે ખૂશીમાં બીજાને બતાવશે, અને તેને કહેવામાં આવશે કે દુનિયામાં જે નેકીઓ કરી તેના બદલામાં આરામથી ખાઓ અને પીઓ, અને જેનું આમાલનામું તેના ડાબા હાથમાં મળશે તે અફસોસ વ્યક્ત કરીને કહેશે કે હાય, કાશ... મને મારું આમાલનામું આપવામાં જ ન આવ્યું હોત, મારો નાશ કરી દેવામાં આવ્યો હોત, મને મારી દોલત અને સત્તા કઈ કામ ન આવી, ત્યાર બાદ તેના ગળામાં ફંદો નાખીને તેને સાંકળમાં જકડીને જહન્નમમાં ફેંકી દેવામાં આવશે.

કુર્આન કોઈ શાયર કે જ્યોતિષનું કલામ નથી, બલ્કે બંને જહાનોના પાલનહાર તરફથી ઉતારવામાં આવેલું કલામ છે, જેમાં પરહેઝગારો માટે નસીહત અને કાફિરો માટે અફસોસનો સામાન છે.

                    સૂરએ મઆરિજ

કયામતના દિવસના અમુક હાલાત આ મૂજબ છે.(૧) કયામતનો એક દિવસ દુનિયાના પચાસ હજાર વર્ષ બરાબર હશે.(૨) તે દિવસે આસમાન ધુમાડા જેવું દેખાશે.(૩) પહાડો રૂ જેવા થઈ જશે.(૪) સગા સંબંધીઓ એક બીજાના કોઈ કામ નહી આવે.(૫) ગુનેહગારોની ઇચ્છા હશે અઝાબથી બચવા માટે પોતાની અવલાદ, બીવી, ભાઈઓ, હવેલીઓ અને જમીનની દરેક વસ્તુને ફિદિયામાં આપી દે.(૬) જહન્નમની આગ એવી હશે કે ચામડીને હાડકાથી અલગ કરી દે.

માણસ ઘણો બેચેન અને અસ્થિર સ્વભાવનો છે, તકલીફ આવે તો શિકાયતો કરે છે અને માલ આવે તો કંજૂસ બની જાય છે.પરંતુ જે લોકો નમાઝના પાબંદ છે, જેઓ અલ્લાહની રાહમાં માલ ખર્ચ કરે છે, અલ્લાહના અઝાબથી ડરતા રહે છે, દરેક પ્રકારની બે હયાઇ અને ગુનાહોથી બચે છે,અમાનતો અને વાયદાઓનો ખ્યાલ રાખે છે,તેમનો સ્વભાવ એવો નથી હોતો, તેઓ સન્માનપૂર્વક જન્નતમાં દાખલ થશે.

જે લોકો કુર્આનનો મઝાક ઉડાવે છે તેમને તેમની હાલત પર છોડી દો,જ્યારે તેઓ કયામતના દિવસે કબરોમાંથી નીકળશે તો તેમની આંખો ઝુકી જશે.

                    સૂરએ નૂહ

 હઝરત નૂહ (અલ.)ની આત્મકથા: હઝરત નૂહ (અલ.) ને અલ્લાહ તઆલાએ તેમની કોમને શિર્કથી રોકી એક અલ્લાહની ઈબાદતની દઅવત આપવા માટે મોકલ્યા,૯૫૦ વર્ષ સુધી દઅવત આપ્યા પછી આપે અલ્લાહના દરબારમાં પોતાની કાર ગુઝારી આ શબ્દોમાં સંભળાવી:(૧) હે અલ્લાહ! મેં તેમને રાત-દિવસ, ખુલ્લે આમ અને ગુપ્ત રીતે દઅવત આપી, પરંતુ તેઓ કાનમાં આંગળીઓ નાખી દેતા અને માથું ઢાંકીને અહંકાર બતાવતા.(૨) મે તેમને ઇસ્તિગફારની બરકતો (ગુનાહોની માફી,માલ,અવલાદ અને ખેતીવાડીમાં બરકત) પણ બતાવી.(૩) તેમને માનવીની પૈદાઈશ, આસમાન અને જમીનની બનાવટ વગેરે તારી કુદરતો પણ બતાવી. પરંતુ તેઓએ ન સાંભળ્યું, બલ્કે અન્ય લોકોને પણ પોતાના માબૂદો (વદ,સુવાઅ, યગુષ, યઉક અને નસર) ની પૂંજા પર મક્કમ રહેવાનું કહેતા.(૪) હે અલ્લાહ!હવે તુ કાફિરોમાંથી એકને પણ ન છોડ, જો કોઈ એક પણ બાકી રહેશે તો પછી તેમની અવલાદ પણ તેમના જેવી કાફિર અને ફાસિક બનશે.(૫) છેવટે જળપ્રલયમાં તેમની કોમને તબાહ કરી દેવામાં આવી.

                    સૂરએ જિન

 જિન્નાતોના ઇમાન લાવવાનો કિસ્સો: નબી સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ એક વાર ફજરની નમાઝમાં કુર્આનની તિલાવત કરી રહ્યા હતા, જિન્નાતોની એક જમાત કુર્આન સાંભળીને ઈમાન લઈ આવી, અને પોતાની કોમ પાસે આવીને પોતાનો અભિપ્રાય રજૂ કર્યો જે નીચે મુજબ છે. હે અમારી કોમ!(૧) અમે એવું કુર્આન સાંભળ્યું જેનો કોઈ જવાબ નથી, જે સીધો રસ્તો બતાવે છે, અમે શિર્કથી તૌબા કરીને ઈમાન લઈ આવ્યા. (૨) અમે સમજતા હતા કે ઇન્સાન અને જિન્નાત અલ્લાહ વિશે કંઈ ખોટું ન બોલી શકે, પરંતુ અમારામાંથી મૂર્ખ લોકો અલ્લાહ વિશે અયોગ્ય વાતો કરતા હતા,જ્યારે કે અલ્લાહનો કોઈ સાથી કે અવલાદ નથી.(૩) અમુક ઇન્સાનો સફર વગેરેમાં પોતાની સુરક્ષા માટે જિન્નાતોની પનાહ માંગતા હતા,જેનાથી જિન્નાતોનું ઘમંડ વધી ગયું.(૪) અમે પહેલાં આસમાનની ખબરો સાંભળવા માટે ઉપર જતા હતા, પરંતુ મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના આવવા પછી ત્યાં સુરક્ષા એટલી કડક છે કે હવે ખબરો સાંભળવા માટે ઉપર જનારને આગનો તારો મારવામાં આવે છે.(૫) અમારામાં અમુક સીધા રસ્તા પર છે અને અમુક હિદાયતથી ભટકેલા છે,અમે સમજી લીધું કે અલ્લાહની સજાથી કોઈ પણ ભાગી નહીં શકે.(૬) માટે જ્યારે અમે હિદાયતનો સંદેશ સાંભળ્યો ત્યારે અમે તેને માની લીધું.જે અલ્લાહ પર ઈમાન લાવે,તેને કોઈ પણ પ્રકારના નુકસાનનો ડર નહીં હોય .

                    સૂરએ મુઝ્ઝમ્મિલ

આ સૂરતમાં નબી સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને હે મુઝ્ઝમ્મિલ દ્વારા સંબોધિત કરી જે વાતો કહેવામાં આવી તે નિમ્ન છે.(૧) પોતાની સહુલત મુજબ અડધી રાત, તેનાથી ઓછું અથવા વધુ તહજજુદની નમાઝ પઢો જે આપના માટે વધારાની ફર્ઝ છે,આખી રાત ન પઢો, કેમ કે આપે દિવસમાં પણ દીનની દઅવત વગેરે કામો કરવાના હોય છે, કુર્આનને તરતીલ સાથે પઢો.(જેમાં હુરૂફને તજવીદની સાથે પઢવું અને સહી વકફ જગ્યાએ વકફ કરવો શામેલ છે.)(૨) આપ પોતાનું ધ્યાન સંપૂર્ણ રીતે અલ્લાહ તરફ કેન્દ્રિત કરી લો,કાફિરોની વાતો તરફ ધ્યાન ન આપો, તેમના માટે દર્દનાક અઝાબ છે.(૩) આપના સહાબા પણ રાતે શક્તિ મુજબ જ નમાઝ પઢે અને કુર્આનની તિલાવત કરે, કારણ કે તેમનામાં પણ ઘણા કમજોર અને બીમાર હશે, ઘણા રોજી-રોટી માટે દિવસે મહેનત કરે છે, ઘણા હક અને સચ્ચાઈની બુલંદી માટે લડત લડે છે.

                    સૂરએ મુદ્દસ્સિર

આ સૂરતમાં નબી સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને હે મુદ્દસ્સિર!દ્વારા સંબોધિત કરી જે વાતો કહેવામાં આવી તે નિમ્ન છે.(૧) લોકોને અલ્લાહના અઝાબથી ડરાવો, અને તેમની સામે અલ્લાહની મોટાઈ બયાન કરો.(૨) પાકીનો ખયાલ રાખો, મુર્તિઓથી દૂર રહો.(૩) કોઈના ઉપર એટલા માટે એહસાન ન કરો કે તેની પાસેથી બદલામાં વધુ કઈ મળે, અને તકલીફો પર સબ્ર કરો.(૪) એવા લોકોની ફિકર ન કરો જેમની પાસે માલ અને અવલાદ અને દરેક પ્રકારની નેઅમતો છે, પરંતુ કુર્આન વિશે સહી ફેસલો નથી કરી શકતા અને તેને જાદૂ કહીને અવગણે છે.

જહન્નમ પર ઓગણીસ ફરિશ્તાઓને નિયુક્ત કરવામાં આવ્યા છે, અને આ સંખ્યા પણ કાફિરો માટે આઝમાઈશ છે, ઘણા મઝાક કરે છે,પરંતુ ઈમાનવાળાઓનું ઈમાન વધે છે, અલ્લાહના લશ્કરો એટલા બધા છે કે તેની સંખ્યા તેના સિવાય કોઈ નથી જાણતું.

જ્યારે જન્નતીઓ જહન્નમીઓથી પૂછશે કે તમારા જહન્નમમાં દાખલ થવાનું કારણ શું છે? તો તેઓ કહેશે કે અમે નમાઝ ન પઢતા,ગરીબોને ખાવા ન ખવડાવતા, દીનનો મજાક ઉડાવતા, કયામતનો ઇન્કાર કરતા હતા.

તેઓ કુર્આનને સાંભળી એવા નાસતા હતા જેવી રીતે નીલગાય સિંહને જોઈને નાસે છે, જ્યારે કે કુર્આન તો નસીહત અને બોધની કિતાબ છે.

                    સૂરએ કિયામહ

માણસ એવું ન સમજે કે મૃત્યું પછી સડેલા હાડકા કેવી રીતે ભેગા થશે? અલ્લાહ તઆલા આંગળીના બેડકાઓને પણ જોડવા પર શક્તિમાન છે, કયામતના દિવસે આંખો ફાટી જશે, ચાંદને ગ્રહણ લાગી જશે, ફરાર થવાનો કોઈ રસ્તો નહીં મળે, માણસને તેનો એક એક અમલ બતાવી દેવામાં આવશે.

નબી સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને કહેવામાં આવ્યું કે તમે જિબ્રઈલ દ્વારા આવેલ કુર્આનની આયતોને યાદ કરવાની ફિકર ન કરો, અલ્લાહ તઆલા યાદ પણ કરાવશે અને તેનું અર્થઘટન પણ બતાવશે.

કયામતના દિવસે અમુક ચેહરા ખીલેલા હશે જેમને પોતાના રબનો દીદાર નસીબ થશે,અને અમુક ચેહરા મુર્જાયેલા હશે, જેમને પોતાના ઉપર મોટી આફત આવવાનું યકીન થઈ જશે.

જ્યારે મોતનો સમય નજીક આવે છે ત્યારે આસપાસના લોકો ઈલાજની કોશિશો કરે છે,પરંતુ માણસને યકીન થઈ જાય છે કે હવે દુનિયાથી વિદાય લેવાનો સમય છે, અને રૂહ કબ્જ થતી વખતે એક પિંડલી બીજી સાથે વિટાઇ જાય છે,આ બધું નરી આંખે જોવા છતાં માણસ ઇન્કાર અને નાફરમાનીનો રસ્તો અપનાવી પુનઃ જીવીત થવાનો ઇન્કાર કરે છે.

                    સૂરએ દહર

એક સમય એવો હતો જ્યારે ઇન્સાનનું કોઈ અસ્તિત્વ જ ન હતું,અલ્લાહ તઆલાએ તેને નૂતફા (વીર્ય) માંથી બનાવ્યો, અને તેને સાંભળવાની અને જોવાની શક્તિ આપી,જેથી તે સત્ય અને અસત્ય વચ્ચે પસંદગી કરી શકે.

જે લોકો ઈમાન લાવી સત્યનો માર્ગ અપનાવે છે અને સારા કામ કરે છે,પોતાની મન્નતોને પૂરી કરે છે, ગરીબોને,અનાથોને અને કેદીઓને ફક્ત અલ્લાહની ખુશી માટે ખવડાવે છે,કોઈ બદલો કે આભારની અપેક્ષા પણ રાખતા નથી, તેમના માટે જન્નતમાં વહેતા ઝરણાં,આરામદાયક સોફા (તખ્ત), રેશમના કપડાં, રળિયામણું વાતાવરણ (ન વધારે ઠંડી અને ન અતિશય ગરમી),સુંદર બગીચા, વૃક્ષોનો શીતળ છાંયો, આરામથી તોડી શકાય તેવા ફળો, ચાંદીના પ્યાલામાં સૂંઠની મિલાવટ વાળું સ્વાદિષ્ટ પીણું, ખિદમત માટે મોતીઓ જેવા સુંદર ગુલામો અને શાંતિભર્યું જીવન હશે. 

નબી સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને કાફિરોની વાતો તરફ ધ્યાન ન આપી તસ્બીહ અને તહજુજુદનો હુકમ છે, કાફિરો દુન્યવી માલ દોલતની લાલચમાં આખિરતને ભુલાવીને જિંદગી ગુજારે છે, અલ્લાહે હિદાયતના રસ્તા ખુલ્લા મુકેલા છે.

                    સૂરએ મુરસલાત

આ સૂરતમાં વિવિધ હવાઓની કસમ દ્વારા અલ્લાહ તઆલા ફરમાવે છે કે કયામતનું આવવું નિશ્ચિત છે, તે દિવસે તારા ચમક વગરના થઈ જશે, આસમાન ફાટી પડશે, પહાડના ભુક્કા થઈ જશે, તમામ રસૂલો અને નબીઓને ભેગા કરવામાં આવશે,તે ફેસલાનો દિવસ હશે જેમાં આગલા પાછલા બધા લોકોને ભેગા કરવામાં આવશે, તે દિવસે હકનો ઇન્કાર કરવાવાળાઓ માટે તબાહી હશે.(આ વાતને સૂરતમાં વારંવાર દોહરાવવામાં આવી છે.), આ સિવાય સૂરતમાં અલ્લાહની વિવિધ કુદરતો અને જન્નતીઓનું વર્ણન છે, છેલ્લે આશ્ચર્ય જાહેર કરવામાં આવ્યું છે કે આટલું બધું કહ્યા પછી કાફિરોને શું કહેવામાં આવે જેથી તે ઈમાન લાવે?