સૂરએ મુજાદલહ

 બીવીને માં કહેવા વિશે જાહિલી માન્યતાનું રદ્દીકરણ: જાહિલિયતના યુગમાં લોકોની માન્યતા હતી કે જો કોઈ માણસ પોતાની બીવીને માં કહી દે તો તે હંમેશા માટે નિકાહમાંથી નીકળી જાય છે, જેને ' જિહાર ' કહેવામાં આવે છે,હઝરત ખવલા(રદિ.)સાથે આ પ્રકારનો બનાવ બન્યો,તો અલ્લાહ તઆલાએ ઉપરોક્ત જાહિલી માન્યતાને રદ ફરમાવી અને ' જિહાર ' ના કફ્ફરામાં એક ગુલામને આઝાદ કરવાનો,જો આ શક્ય ન હોય તો લગાતાર બે મહીનાના રોઝા રાખવાનો અને જો આ પણ શક્ય ન હોય તો સાંંઇઠ ગરીબોને ખાવા ખવડાવવાનો હુકમ આપ્યો,કફ્ફારો આપ્યા પછી જ મર્દ પોતાની બીવીને હાથ લગાવી શકે છે.

 અલ્લાહ ખાનગી વાતોને પણ જાણે છે: જો અમુક લોકો ભેગા થઈને કોઈને ખબર ન પડે એ રીતે ખાનગી વાતો કરે તો ત્યાં અલ્લાહ જરૂર મૌજુદ હોય છે, અને કયામતના દિવસે લોકો સમક્ષ તમામ વાતોને જાહેર ફરમાવી દેશે.

 પોતાની ખાનગી બેઠકોમાં નેકીની વાતો કરો: પોતાની ખાનગી બેઠકોમાં નેકી અને તકવાની વાતોની ચર્ચા કરો,યહૂદીઓ અને મુનાફિકો પોતાની ખાનગી બેઠકોમાં ગુનાહિત કામોની ચર્ચા અને રસૂલ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ અને મુસલમાનોના વિરોધમાં કાવતરા કરતા હતા, નબી સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ પાસે આવીને સલામ કરતી વખતે ' અસ્સામુ અલયકુમ'(તમારી મૌત આવે) કહેતા,જ્યારે કે તેઓ અલ્લાહના હુકમ વગર નબી સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને અને મુસલમાનોને કોઈ નુકસાન નથી પહોંચાડી શકતા, મુસલમાનોએ ફક્ત અલ્લાહ પર ભરોસો રાખવો જોઈએ.

 બેઠકોમાં બીજા માટે પણ જગ્યા કરો: જ્યારે કોઈ મજલિસમાં બીજા વ્યક્તિઓ માટે જગ્યામાં તંગી હોય તો તેમના માટે જગ્યા કરો,કોઈ કારણસર(દા.ત.કોઈ માનનીય વ્યક્તિ માટે) ઉઠીને જગ્યા ખાલી કરવાનું કહેવામાં આવે તો તકરાર કર્યા વગર ખાલી કરી આપો.

 શયતાનની જમાઅત અને અલ્લાહની જમાઅત: (૧) મુનાફિકોના યહૂદીઓ સાથે સંબંધો હતા, જેમની ઉપર અલ્લાહનો ગુસ્સો હતો, તેમને હિઝબુશ્શયતાન(શયતાનની જમાઅત) કહેવામાં આવ્યા.(૨) બીજી તરફ સહાબાની જમાઅત હતી,જે લોકો અલ્લાહ અને તેના રસૂલના વિરોધીઓ હોય, સહાબા આ પ્રકારના લોકો સાથે કદી પણ દોસ્તી અને સંબંધ ન રાખતા હતા,ભલે પછી તેમના બાપ, બેટા, ભાઈ કે અન્ય કોઈ સગા હોય, અલ્લાહે તેમના દિલોમાં ઈમાનને આટલી હદે જમાવી દીધું હતું,તેમને અલ્લાહની જમાઅત કહેવામાં આવી.

                    સૂરએ હશર

 બનૂ નઝીરની ગદ્દારીનો કિસ્સો: (૧)મદીનામાં બનુ નઝીર નામી યહૂદી કબીલો હતો, જેમની મુસલમાનો સાથે સંધિ હતી.(૨)એક વાર નબી સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ સંધિની શરતો વિશે ચર્ચા કરવા માટે તેમની વસ્તીમાં ગયા તો તેમણે આપને એક જગ્યાએ બેસાડીને ઉપરથી મોટો પથ્થર ફેંકી મારી નાખવાનું કાવતરું રચ્યું.(૩)આપને વહી દ્વારા તેમનું કાવતરું બતાવી દેવામાં આવ્યું.(૪)ગદ્દારીની સજામાં તેમને નિયુકત વખત પહેલાં મદીનામાંથી નીકળી જવાની ચેતવણી આપવામાં આવી.(૫)બીજી તરફ મુનાફિકો એમ કહેવા લાગ્યા કે તમારે મદીના છોડી ક્યાંય જવાની જરૂરત નથી, કંઈ થશે તો અમે તમોને પૂરો સહકાર આપીશું.(૬)બનું નઝીર મદીનામાં જ રહ્યા,નબી સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે મુદ્દત પૂરી થયા પછી તેમના કિલ્લાનો ઘેરાવો કર્યો.(૭) મુનાફિકો પણ મદદ માટે ન આવ્યા,છેવટે બનું નઝીરે હાર કબૂલ કરી લીધી.(૮) નબી સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે તેમને મદીના છોડી દેવાનો હુકમ આપ્યો અને હથિયારો સિવાય પોતાનો માલ સામાન લઈ જવાની પણ પરવાનગી આપી.(૯)તેઓ પોતાના ઘરના બારી દરવાજા પણ કાઢીને લઈ ગયા.(૧૦) આ લડાઈને ગઝવએ બનું નઝીર પણ કહેવામાં આવે છે.બનુ નઝીરની જેમ બનુ કયનુકાઅ નામી કબીલાની પણ આ જ હાલત થઈ.

  'માલે ફ્ય'  નો હુકમ: બનું નઝીર સાથે કાયદેસર લડવાની જરૂરત ન પડી, એટલે તેમાં મુસલમાનોને જે કંઈ માલ મળ્યો, તેને 'માલે ફ્ય' કહેવામાં આવે છે,જેને બયતુલ માલમાં જમા કરી મુસલમાનોની વ્યક્તિગત અને સામૂહિક જરૂરતોમાં ખર્ચ કરવામાં આવે છે, ઈસ્લામી અર્થ વ્યવસ્થાનો એક મૂળભૂત સિદ્ધાંત આ છે કે માલની હેરફેર(મૂડીવાદની જેમ)ફક્ત માલદારોના હાથમાં ન થવી જોઈએ.  

 મુહાજિરીન અને અન્સારના ઉચ્ચ અખ્લાક:  મુહાજિરીનની સિફત આ હતી કે તેમણે અલ્લાહની રજા માટે પોતાનું ઘરબાર છોડી અલ્લાહ અને તેના રસૂલની મદદ માટે નિકળી ગયા, બીજી બાજુ મદીનાના મૂળનિવાસી અન્સારની જમાઅત હતી, જેમણે ખુલ્લા દિલે મુહાજિરીનનો સાથ આપ્યો,અને પોતાના દિલમાં તેમના પ્રત્યે કોઈ ખોટ ન રાખી, બલ્કે પોતે જરૂરતમંદ હોવા છતા તેમની જરૂરતો પૂરી કરવાને પ્રાથમિકતા આપી.

 પોતાના પૂર્વજો થકી દિલમાં ખોટ ન રાખો: પાછળથી આવનાર લોકોની નૈતિક જવાબદારી છે કે તેઓ અલ્લાહ તઆલાથી પોતાના મોમિન પૂર્વજો માટે મગફિરત અને તેમના પ્રત્યે દિલમાં કોઈ ખોટ ન રહે તેવી દુઆ કરતા રહે.

 ડરપોક લોકો: મુનાફિકો અને યહુદીઓની કદી ખુલ્લે આમ મેદાનમાં આવીને લડવાની હિંમત ન થઈ, દીવાલો અને કિલ્લાની પાછળ છુપાઇને લડ્યા,તેઓ અલ્લાહ કરતાં વધારે મુસલમાનોથી ડરતા હતા,જાહેરમાં તેઓ દોસ્ત અને સાથીઓ દેખાતા,પરંતુ તેઓ પોતાના આપસી વિવાદોના લઈ દિલથી એક ન હતા, મુનાફિકોનો રોલ શૈતાન જેવો હતો, પહેલાં યહૂદીઓને હિમ્મત અપાવી અને લડાઈના સમયે પીછેહટ કરી, શૈતાન પણ માણસને ગુનાહો પર હિંમત અપાવે છે, અને પછી સાથ આપવાનો ઇન્કાર કરી દે છે.

 આવતી કાલ (કયામતના દિવસ) માટે તૈયારી કરો: દરેક માણસે પોતાની ચકાસણી કરી લેવી જોઈએ કે તેણે આવતી કાલ (કયામતના દિવસ માટે) માટે શું તૈયારી કરેલી છે? એવા લોકોની જેમ ન બનો કે જેઓ અલ્લાહને ભૂલી ગયા તો અલ્લાહે તેમને પોતાની જાતથી ભૂલાવી દીધા,એટલે કે તેઓ પોતાની જાત માટે પણ નફાકારક અને નુકસાનકારક વસ્તુઓનો ફરક ન કરી શક્યા અને પોતાને વિનાશ તરફ લઈ ગયા.

 કુર્આનનો મહિમા: કુર્આન એવી કિતાબ છે કે જો તેને પહાડ જેવી તાકતવાન વસ્તુ પર ઉતારવામાં આવી હોત તો પહાડના પણ ટુકડા ટુકડા થઈ ગયા હોત .

અલ્લાહની સિફાત(ખુબીઓ) પૈકી મુખ્ય સિફાત આ છે:(૧) ફક્ત એકલો ઈબાદતના લાયક છે.(૨) છુપાયેલ અને જાહેર દરેક વસ્તુને જાણે છે.(૩) તેની રહમત વિશાળ અને સંપૂર્ણ છે.(૩) બાદશાહ છે.(૪) તેની જાત દરેક પ્રકારની ખામીઓથી પાક છે.(૫) દરેક પ્રકારના નુકસાનથી સુરક્ષિત છે.(૬) અઝાબથી સલામતી આપવાવાળો છે.(૭) બધા પર સંપૂર્ણ નિયંત્રણ રાખનાર છે.(૮) અપરાજિત અને સર્વશક્તિમાન છે.(૯) ખામીઓને દૂર કરનાર છે.(૧૦) મહાનતા અને મહિમાનો માલિક છે. (૧૧) સૃષ્ટિનો સર્જનહાર છે.(૧૨) નમૂના વગર નવી રચના કરનાર અને પરફેક્ટ બનાવનાર.(૧૩) દરેક વસ્તુને સુંદર આકાર અને સ્વરૂપ આપનાર છે. (૧૪) આસમાન અને જમીનની દરેક વસ્તુ તેની પાકી બયાન કરે છે.(૧૫) તે સંપૂર્ણ હિકમત અને જ્ઞાન ધરાવે છે,તેના બધા હુકમો અને નિર્ણયો હંમેશા ન્યાયપૂર્ણ અને શ્રેષ્ઠ હોય છે.આ સિવાય પણ તેના ઘણા સારા નામો છે.

                    સૂરએ મુમ્તહિનહ

 પોતાના વ્યક્તિગત ફાયદા માટે દીનના દુશ્મનો સાથે દોસ્તી ન કરો: ઈમાનવાળાઓએ અલ્લાહ અને પોતાના દીનના દુશ્મનો સાથે માત્ર વ્યક્તિગત ફાયદા માટે દોસ્તી ન કરવી જોઈએ, કારણ કે તેઓ ઇસ્લામને હાથ અને જબાન દ્વારા નુકસાન પહોંચાડવામાં કોઈ કસર નથી છોડતા,જો તમે ગુપ્ત રીતે પણ તેમને મિત્ર બનાવો, તો પણ જાણી લો કે અલ્લાહ દરેક છુપાયેલી વસ્તુ જાણે છે, હા, જે લોકો દ્વારા દીનને અને મુસલમાનોને કોઈ નુકસાન નથી,તેમની સાથે સંબંધો રાખવામાં કઈ વાંધો નથી,આ બાબતે હઝરત ઈબ્રાહીમ (અલ.)નું ચરિત્ર મુસલમાનો માટે આદર્શ છે, તેમના વાલિદ જ્યારે સમજાવવા છતાં શિર્ક અને મૂર્તિપૂજાથી ન રોકાયા,તો સંબંધોને પડતા મૂકીને પોતાનું ઘરબાર છોડીને ચાલ્યા ગયા.

 ગેર મુસ્લિમ સાથે નિકાહ જાઇઝ નથી: હુદયબિયહની સંધિમાં એક શરત આ હતી કે મક્કા છોડીને મદીના આવનાર દરેક વ્યક્તિને મક્કા પાછો મોકલી દેવામાં આવે, પરંતુ જો કોઈ ઓરત મુસલમાન થઈને મદીના આવી જાય તો તેમને પાછી ન મોકલવાનો હુકમ આપવામાં આવ્યો, કેમ કે મુસલમાન ઓરતનું કાફિર મર્દના નિકાહમાં અને કાફિર ઓરતનું મુસલમાન મર્દના નિકાહમાં રહેવું જાઈઝ નથી.

કાફિર શોહરોએ જે કંઈ મહેર આપી હોય, આવનાર ઓરત સાથે નિકાહ કરનાર મુસલમાન તે મહેર પરત આપી દે અને જો કોઈ મુસલમાન ઓરત (નઉઝુબિલ્લાહ) મુર્તદ થઈને કાફિર સાથે ચાલી જાય તો તેના કાફિર શોહર પાસેથી મુસલમાને આપેલ મહેર વસૂલ કરી લેવામાં આવે.

 દરબારે નુબુવ્વતમાં બૈઅતની શરતો: નબી સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ પાસે મુસલમાન થઈને આવનાર ઓરતો માટે બૈઅતની શરતો આ હતી, હું શિર્ક,ચોરી,વ્યભિચાર, અવલાદના કતલ, હરામની અવલાદને પોતાના પતિની અવલાદ કહેવાથી અને દરેક પ્રકારની નાફરમાનીથી તૌબા કરું છું.

                    સૂરએ સફ

 વાત અને અમલમાં વિરોધાભાસ: હે ઈમાનવાળાઓ! એવી વાતો અને કામોના દાવા ન કરો જે તમે નથી કરતા,આ વાત અલ્લાહને ઘણી ના પસંદ છે.

 યહૂદી અને ઇસાઇઓની જહાલત: હઝરત મૂસા(અલ.)એ પોતાની કોમને ઘણા સમજાવ્યા કે મને કેમ તકલીફ આપો છો? જ્યારે તેમની કોમ ભટકી ગઈ તો અલ્લાહે તેમના દિલોને ભટકાવી દીધા, તેમના પછી હઝરત ઇસા (અલ.)એ પણ તેમને સમજાવ્યા,અને આખરી નબીના નામ(અહમદ)સાથે તેમના આવવાની ખબર આપી, પરંતુ આખરી નબીની વાતોનો પણ જાદૂ કહીને ઇન્કાર કરી દીધો.

 અલ્લાહનો દીન સદા ગાલિબ રહેશે: અલ્લાહ તઆલાએ પોતાના રસૂલને એટલા માટે જ મોકલ્યા કે પોતાના દીનનું વર્ચસ્વ બીજા તમામ ધર્મો પર કાયમ કરી દે, દુશ્મનો અલ્લાહના દીનની રોશનીને ફૂંકોથી બુઝાવવાના ખૂબ પ્રયત્નો કરશે,પરંતુ અલ્લાહનો દીન ગાલિબ રહેશે.

 નફાકારક વેપાર: અલ્લાહ અને તેના રસૂલ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ પર ઇમાન લાવવું, પોતાની જાન અને માલથી દીનની બુલંદી માટે પ્રયત્નો કરવા એવો વેપાર છે જેના નફા રૂપે આખિરતના દર્દનાક અઝાબથી છુટકારો અને હમેંશા માટે જન્નતના આરામદાયક મકાનોમાં રહેવાનું મળશે.

અલ્લાહના દીનના મદદગાર બનો: હઝરત ઇસા (અલ.) એ પોતાની કોમને કહ્યું કે કોન અલ્લાહના દીનના મદદગાર બનશે?આપના હવારી (સાથીઓ) મદદગાર બન્યા અને બની ઇસરાઈલને દાવત આપી, જેમાંથી અમુક ઈમાન લાવ્યા અને અમુક ન લાવ્યા,અલ્લાહ તઆલાએ દુશ્મનોના મુકાબલામાં ઈમાનવાળાઓની મદદ કરી.

                    સૂરએ જુમઆ

 નબીનુ આવવું અલ્લાહનું એહસાન છે: અલ્લાહ તઆલાનું એહસાન છે કે તેણે એવા નબીને મોકલ્યા જે અલ્લાહની કિતાબની આયતો પઢીને બતાવે છે, દિલોને દરેક પ્રકારની ગંદગીઓથી પાક કરે છે અને કિતાબ અને હિકમતની તાલીમ આપે છે, આપના આગમન પહેલા લોકો ગુમરાહીમાં જિંદગી જીવતા હતા.

 ગધેડાની પીઠ પર કિતાબો: યહૂદીઓની પાસે તવરાત હતી, પરંતુ તેના પર અમલ ન હતો, તેમની સરખામણી એવા ગધેડા સાથે કરવામાં આવી, જેની પીઠ પર કિતાબો હોય, પરંતુ તેને કિતાબોનો કોઈ ફાયદો નથી થતો.(જો મુસલમાનોનું વર્તન પણ કુર્આન સાથે આ પ્રકારનું હોય તો તેમની હાલત પણ યહૂદીઓ જેવી જ છે.)

 હે યહૂદીઓ! મોતની તમન્ના કરો: યહૂદીઓ પોતાને અલ્લાહના પ્યારા સમજતા હતા, તેમને કહેવામાં આવ્યું કે મોતની તમન્ના કરો, જેથી તમે અલ્લાહની મુલાકાત કરી શકો, પરંતુ પોતાના કુકર્મોના લીધે મોતથી ભાગતા હતા,જો કે મોત તો આવીને રહેશે.

 જુમ્આના અહકામ: જ્યારે જુમ્આની અઝાન થઇ જાય તો કામ-ધંધો છોડીને ખુતબો સાંભળવા માટે મસ્જિદ તરફ દોડો,અને નમાઝ પછી રોઝીની તલાશમાં નીકળી પડો,અને અલ્લાહનો ખૂબ ઝિક્ર કરો,શરૂઆતમાં એક વાર અમુક સહાબા ખુતબાના સમયે નબી સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને મિમ્બર પર છોડીને ખરીદ-વેચાણ માટે નીકળી  પડ્યા, તેમને માર્ગદર્શન આપવામાં આવ્યું કે અલ્લાહ પાસે જે સવાબ છે તે તમારા વેપારના નફાથી વધીને છે અને તમે રોઝીની ફિકર ન કરો, અલ્લાહ બેહતર રોઝી આપવાવાળો છે.

                    સૂરએ મુનાફિકૂન

 મુનાફિકોની દુષ્ટતા: આ સૂરતમાં મુનાફિકોનું ચરિત્ર બયાન કરવામાં આવ્યું છે, જેને મુદ્દાસર ટૂંકમાં પ્રસ્તુત કરવામાં આવે છે.(૧) નબી સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ પાસે આવીને કસમો ખાઈને આપની નુબુવ્વતનો એકરાર કરતા, જેવી રીતે સિપાહી યુદ્ધના મેદાનમાં ઢાલથી પોતાનો બચાવ કરે છે, તેવી જ રીતે તેઓ પોતાની જૂઠી કસમો દ્વારા પોતાનો બચાવ કરતા હતા.(૨) જબાનથી કલિમો પઢીને દિલમાં કાફિર જ રહ્યા તો અલ્લાહે તેમને હકથી વંચિત કરી દીધા.(૩) તેમનો બાહ્ય દેખાવ અને તેમની વાતો ઘણી આકર્ષક હતી,પરંતુ તેઓ અંદરથી ડરપોક અને બીકણ હતા,તૌબાથી દૂર ભાગતા હતા.(૪) મદીનાના અન્સાર અને મક્કાના મુહાજિરો વચ્ચે લડાઈ કરાવવાની કોશિશ કરતા હતા,અન્સારને મુહાજિરોના વિરુધ્ધમાં ભડકાવતા અને કહેતા કે તેમની આર્થિક મદદ બંધ કરી દો,આપોઆપ તેઓ મદીના છોડીને ચાલ્યા જશે, એક ગઝવાથી પાછા ફરતી વખતે અન્સાર અને મુહાજિરો વચ્ચે લડાઈ કરાવી અને કહેવા લાગ્યા જો અમે મદીના પાછા જઈશું, તો ઇઝઝતવાળા લોકો(પોતે )નીચ લોકો(મુસલમાનો)ને બહાર કાઢી મૂકશે,પરંતુ અલ્લાહ સ્પષ્ટ કરે છે કે ઇઝઝત (સન્માન) તો ફક્ત અલ્લાહ,તેના રસૂલ ﷺ અને મોમિનો માટે છે, જ્યારે મુનાફિકો આ હકીકતથી અજાણ છે. 

 માલ અને અવલાદની ફિકરમાં અલ્લાહની યાદથી ગાફિલ ન થાઓ: હે ઈમાનવાળાઓ!તમારો માલ અને અવલાદ અલ્લાહની યાદ અને તેના દીનથી બે ખબર ન કરી દે તેનું ધ્યાન રાખો,જો આવુ થશે તો તમે પોતાનું કાયમી નુકસાન કરશો, અને મોત આવતા પહેલા અલ્લાહની રાહમાં માલ ખર્ચ કરી પોતાની આખિરત બનાવી લો, અન્યથા મોત વખતે અફસોસ થશે કે કેટલું સારું થાત જો સદકા ખેરાત કરવા માટે થોડી મુદ્દત મળી જાય.

                    સૂરએ તગાબૂન

 હાર જીતનો દિવસ: અલ્લાહે તમામ ઇન્સાનોને પૈદા કર્યા, જેમાંથી અમુક મોમિન અને અમુક કાફિર રહ્યા, દરેકને કયામતના દિવસે બીજીવાર જીવિત કરશે, કયામતના દિવસને યવમે તગાબુન(હાર જીતનો દિવસ)કહેવામાં આવે છે, જેમાં મોમિનોની જીત અને કાફિરોની હાર થશે.

 મુસીબતો પણ અલ્લાહના હુકમથી આવે છે: મુસીબતો અલ્લાહની મરજી સિવાય નથી આવતી,માટે દરેક ક્ષણે અલ્લાહ પર ઈમાન અને તવક્કુલ રાખો.

માલ,અવલાદ અને બીવી માણસ માટે આઝમાઈશ છે: એટલે કે ઘણી વાર માલની પ્રાપ્તિ અને અવલાદ અને બીવીની ખૂશી માટે માણસ પોતાને ગલત રસ્તાઓ પર દોરી જાય છે.

                    સૂરએ તલાક

 ઇસ્લામમાં તલાકની વ્યવસ્થા અને તેના સિધ્ધાંતો: આ સૂરતમાં તલાકના અહકામ વિગતવાર બયાન કરવામાં આવ્યા છે.(૧) તલાક એવા સમયે આપો કે ઇદ્દતના દિવસો ગણવામાં તકલીફ ન પડે. (૨) ઇદ્દતના દિવસોની ચોકસાઈ પૂર્વક ગણતરી કરો.(૩) ઓરતો પોતાના શોહરના ઘરમાં ઇદ્દત પૂરી કરે.(૪) ઇદ્દત પૂરી થતા પહેલા બીવીને સારી રીતે નિકાહમાં રાખી લો અથવા સારી રીતે જુદા થઈ જાવ,જે પણ મામલો નક્કી થાય તેના પર બે ભરોસાપાત્ર માણસોને ગવાહ બનાવી લો.(૫) જે ઓરતને માસિક ન આવતું હોય તેની તલાકની ઇદ્દત ત્રણ મહીના છે.(માસિક આવતું હોય તો ત્રણ માસિકના પીરીયડ છે.) અને જો તલાકવાળી ઓરત ગર્ભવતી હોય તો તેની ઇદ્દત ડિલિવરી થાય ત્યાં સુધી છે.(૬) ઇદ્દતમાં પોતાની હેસિયત મુજબ ઓરતના રહેવાની વ્યવસ્થા કરવી મર્દની જવાબદારી છે.(૭) જો ઓરત ગર્ભવતી હોય તો તેનો ખર્ચ અને જો બાળકને દૂધ પીવડાવે તો તેનું મહેનતાણું આપવાની જવાબદારી મર્દની છે, મર્દ કોઈ એવું કામ ન કરે જેનાથી ઓરતને તકલીફ થાય,પોતાની આર્થિક સ્થિતિ મુજબ ખર્ચ આપવાનો રહેશે, કેમ કે અલ્લાહ તઆલા કોઈને તેની શક્તિ કરતા વધારે જવાબદારી નથી આપતા.

તકવાના ફાયદા: (૧) અલ્લાહ પરેશાનીઓથી નીકળવાનો રસ્તો કાઢે છે.(૨) એવી જગ્યાએથી રોઝીનો બંદોબસ્ત કરે છે કે માણસને ખબર પણ નથી હોતી.(૩) ગુનાહોને માફ કરે છે અને નેકીઓનો સવાબ વધારે છે.

                    સૂરએ તહરીમ

 હલાલ વસ્તુઓને હરામ ન કરો: કોઈને ખૂશ કરવા માટે કસમ ખાઈને કોઈ હલાલ વસ્તુને હરામ કરવી જાઈઝ નથી,જો કોઈ આ પ્રકારની કસમ ખાઈ લે તો કસમ તોડીને કફફારો આપવો જરૂરી છે, એક વાર નબી સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે પોતાની અમુક બીવીઓની ખૂશી માટે 'મગાફીર'(એક પ્રકારનો ગુંદર) ન ખાવાની કસમ ખાધી, તો અલ્લાહ તઆલાએ કસમ તોડીને કફફારો આપવાનો હુકમ આપ્યો.

 પોતાની અવલાદને દોઝખની આગથી બચાવો: હે ઈમાનવાળાઓ! પોતાને અને પોતાની અવલાદને દીન પર ચલાવી દોઝખની આગથી બચાવો,જેનું ઇંધણ લોકો અને પથ્થર હશે,અને તેના ઉપર એવા ફરિશ્તા નિયુક્ત છે જેમનામાં દયા નહી હોય, તે કદી પણ અલ્લાહના હુકમોની નાફરમાની નથી કરતા.

 સાચી તૌબા કરો: અલ્લાહની સમક્ષ સાચા દિલથી તૌબા કરો, તે ગુનાહોને માફ કરશે અને એવા બગીચાઓમાં દાખલ કરશે જેની નીચેથી નહેરો વહેતી હશે .

 કાફિર અને મોમિન ઓરતોનું ઉદાહરણ: કાફિરો માટે અલ્લાહ તઆલાએ હઝરત નૂહ (અલ.) અને હઝરત લૂત(અલ.)ની બીવીઓનું ઉદાહરણ બયાન કર્યું, જે નબીઓના નિકાહમાં હતી,પરંતુ કુફ્ર અને નાફરમાની કરીને નબીઓ સાથે ખયાનત કરી,તો અલ્લાહના અઝાબથી કોઈ ન બચાવી શક્યું અને તેમના માટે દોઝખનો ફેસલો કરવામાં આવ્યો, બીજી તરફ મોમિનો માટે ફિરઓન(જેવા ખુદાઇના દાવેદાર)ની બીવી આસિયા(રદિ.)નું ઉદાહરણ છે,જે હઝરત મૂસા (અલ.)પર ઈમાન લાવ્યા,તો ફિરઓને તેમને પીડાદાયક મૌત આપવાનો નિર્ણય લીધો, પરંતુ અલ્લાહે ત્યાર પહેલા જ રૂહ કબ્જ કરીને તેમને ફિરઓનના અત્યાચારથી બચાવ્યા અને જન્નતમાં ઉચ્ચ સ્થાન આપ્યું, અને બીજું ઉદાહરણ હઝરત મરયમ (રદિ.)નું  છે,જેમણે પોતાની ઇઝઝતની હિફાઝત કરી તો અલ્લાહ તઆલાએ તેમના પેટમાં પોતાની રૂહ ફૂંકીને હઝરત ઈસા(અલ )ને પૈદા કર્યા.