➥ ઇન્સાનની પૈદાઈશનો મુખ્ય હેતુ; અલ્લાહની ઈબાદત: અલ્લાહ તઆલાએ દુનિયામાં દરેક વસ્તુને જોડા(નર અને માદા)માં બનાવી છે,અલ્લાહની કુદરતોને જોઈને તેની ખૂશી હાસિલ કરવા માટે તેના તરફ દોડ લગાવો, અને ફક્ત તેને માબૂદ સમજી તેની ઈબાદત કરો, ઇન્સાનની પૈદાઈશનો મુખ્ય હેતુ અલ્લાહની ઈબાદત છે, અલ્લાહ તઆલા પોતાના બંદાઓથી રોજી નથી માંગતા, બલ્કે તે પોતાની તમામ મખલૂક માટે રોજીની વ્યવસ્થા કરે છે.
【સૂરએ તૂર】
➥ દુનિયાનો દરેક માણસ ગિરવી છે: જેવી રીતે પોતાનું કરજ અદા કરીને ગિરવી મુકેલી વસ્તુને છોડાવી શકાય છે, દુનિયાનો દરેક માણસ ગિરવી છે, દુનિયામાં ઈમાન લાવી અને નેક આમાલ કરીને આખિરતમાં પોતાને દોઝખના અઝાબથી છોડાવી શકશે.
➥ જન્નતમાં નેક અવલાદ પોતાના બાપ સાથે હશે: જે ઈમાનવાળાઓની અવલાદ પણ મોમિન હશે, અને બાપનો દરજો ઊંચો હશે તો ભલે અવલાદ બાપ જેવા દરજાની હકદાર ન હોય તો પણ અલ્લાહ તઆલા બાપને ખૂશ કરવા માટે અવલાદને પણ બાપ જેવો દરજો આપશે, અને બાપના દરજામાં પણ કોઈ કમી કરવામાં નહી આવે.
➥ જન્નતની મોજ: જન્નતમાં મોમિનો મજા માણીને નેઅમતોને ઇસ્તેમાલ કરશે,આરામથી સોફાઓ પર ટેકો લગાવીને બેસશે, તેમના માટે પસંદીદા ફળો,ગોશ્ત વગેરે વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ હશે,મસ્તીમાં એક બીજાના હાથમાંથી શરાબ(જેમાં કોઈ નશો અને ગુનાહની વાત નહી હોય.) ની ગ્લાસો છીનવી લેશે, તેમની આસપાસ નોકરો ખિદમત માટે ચકકર લગાવતા રહેશે, દુનિયાની તકલીફો પછી આ પ્રકારની નેઅમતો પર અલ્લાહનો શુક્ર અદા કરશે.
【સૂરએ નજ્મ】
➥ મક્કાના મુશરિકો નબી સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને(નઉઝુબિલ્લાહ) કાહિન(જ્યોતિષ),પાગલ અને શાયર કહેતા હતા,તેમને જવાબ આપવામાં આવ્યો કે તમે કુર્આન જેવી એક વાત લઈ આવો, ખોટા મોઅજીઝાની માંગો કરતા હતા, તો આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને કહેવામાં આવ્યું કે એ લોકો આસમાનનો એક ટુકડો તૂટીને પડતો જોઈ લે તો પણ તેને વાદળ કહીને ઇન્કાર કરી દેશે.
➥ નબી સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ પોતાના મનની વતો નથી કહેતાં: નબી સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ પોતાના તરફથી જે કંઈ વાતો કહે છે તે અલ્લાહ તરફથી મોકલવામાં આવેલ વહી હોય છે,જે જિબ્રઇલ(અલ.) દ્વારા આપને શિખવાડવામાં આવે છે,નબી સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે મક્કામાં જિબ્રઇલ(અલ.)ને તેમના અસલી રૂપમાં ઘણા નજીકથી જોયા હતા, અને શબે મેઅરાજમાં પણ સિદરતુલ મુનતહા(સાતમાં આસમાન પર એક જગ્યા છે,જ્યાંથી આગળ કોઈ નથી જઈ શકતું અને તેની પાસે જન્નત છે.)પાસે નરી આંખે જોયા હતા,આ સિવાય પણ તે રાતમાં આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે મોટી-મોટી નિશાનીઓ (જન્નત, જહન્નમ વગેરે) પણ જોઈ, અને જે કંઈ જોયું ખૂબ ધ્યાનપૂર્વક જોયું, એવું નથી બન્યું કે આપની નજર અથવા દિલનું ધ્યાન ચૂક થઈ ગયું હોય.
➥ મક્કાના મુશરિકો લાત,ઉઝઝા, મનાત નામી મૂર્તિઓની પૂજા કરીને એવી માન્યતા રાખતા હતા કે આ અલ્લાહના દરબારમાં અમારી ભલામણ કરશે, તેમને જવાબ આપવામાં આવ્યો કે ખાલી માન્યતાઓ મુજબ ચાલવાથી કોઈ ફાયદો નથી, હક અને સહી અકીદાની પેરવી જરૂરી છે,જરૂરી નથી કે ઇન્સાનને તેની ઈચ્છાઓ મુજબ બધું મળી જાય, મૂર્તિઓની વાત છોડો, આસમાનમાં કેટલાયે ફરિશ્તા એવા છે જેમને અલ્લાહની ઇજાઝત વગર કોઈની ભલામણ કરવાનો કોઈ હક નથી.
➥ નેક લોકોની એક સિફત આ છે કે તેઓ કબીરા ગુનાહોથી સંપૂર્ણપણે બચે છે,હાં,કદી નાની નાની ભૂલો અને ગુનાહ થઈ જાય તો તેઓ તરત તૌબા કરી લે છે, તો અલ્લાહ તઆલાની માફી ઘણી વિશાળ છે.
➥ પોતાને નેક ન સમજો: ઇન્સાન જ્યારે માંના પેટમાં હતો ત્યારથી તેની દરેક હાલતથી ખૂબ વાકેફ છે, માટે કોઈ પણ ઇન્સાન પોતાની જાતને બેગુનાહ અને પાકીઝા ન સમજે, અલ્લાહને ખૂબ ખબર છે કે કોણ મુત્તકી છે?
➥ કયામતના દિવસે કોઈ માણસ બીજાનો બોજ નહી ઉઠાવે: મક્કામાં એક માણસ મુસલમાન થઈ ગયો તો તેના એક કાફિર મિત્રએ કહ્યું કે મુસલમાન થવાની જરૂર નથી, તુ મને પૈસા આપી દે, હું તને આખિરતમાં બચાવી લઈશ, તેને સમજાવવામાં આવ્યો કે તે ગેબનો ઇલ્મ રાખે છે કે તે બચાવી શકશે? હઝરત મૂસા (અલ.) અને હઝરત ઈબ્રાહીમ(અલ.)ને આપવામાં આવેલ કિતાબોમાં આ વાત સાફ લખેલી છે કે કયામતના દિવસે કોઈ માણસ બીજાનો બોજ નહી ઉઠાવે, ઇન્સાનને તેના પોતાના આમાલનો પૂરેપૂરો બદલો આપવામાં આવશે.
➥ અલ્લાહ પાસે બધા મામલાત પેશ કરવામાં આવશે, જેની પાસે હસાવવું, રડાવું, જિંદગી અને મોત આપવું, વીર્યથી નર અને માદાની પૈદાઈશ,તમામ લોકોને મર્યા પછી પુનઃ જીવિત કરવા,માલદારી અને ગરીબી આપવી,નાફરમાન કોમોનો વિનાશ કરવો દરેક વસ્તુનો અધિકાર છે, માટે તેને જ સજદો કરો અને તેની જ ઈબાદત કરો.
【સૂરએ કમર】
➥ ચાંંદના બે ટુકડા: એક વાર ચાંદની રાતમાં મક્કાના મુશરિકોએ આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમથી મોઅજીઝાની માંગ કરી, તો નબી સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે આંગળીના ઇશારાથી ચાંદના બે ટુકડા કરી દીધા, લોકોએ પોતાની આંખોથી બે ટુકડા જોયા, પરંતુ જાદુ કહીને ઇન્કાર કરી દીધો.
➥ કુર્આન બોધ ગ્રહણ કરવા માટે સરળ કિતાબ છે: આ સૂરતમાં હઝરત નૂહ (અલ.),હૂદ(અલ.),સાલિહ (અલ.),લૂત(અલ.) અને ફિરઓનની કોમોના વિનાશનું વર્ણન છે, અને વારંવાર કહેવામાં આવ્યું છે કે ખરેખર અમે કુર્આનને નસીહત અને બોધ ગ્રહણ કરવા માટે સરળ બનાવી દીધું છે, છે કોઈ બોધ ગ્રહણ કરનાર?
【સૂરએ રહમાન】
➥ રહમાનની અપાર નેઅમતો: (૧) રહમાનની મહાન નેઅમતોમાં સૌથી મહાન નેઅમત એ છે કે તેણે કુર્આનનો ઇલ્મ આપ્યો.(૨) માનવજાતને પૈદા કરીને તેનો પાઠ શીખવ્યો અને તેને અભિવ્યક્તિની ક્ષમતા આપી.(૩) સૂર્ય અને ચંદ્ર એક ચોક્કસ ગણતરીયુક્ત વ્યવસ્થાની અંદર ચાલી રહ્યા છે.(૪) છોડ અને વૃક્ષો પણ અલ્લાહના હુકમના તાબા હેઠળ છે.(૫) તેણે આકાશને ઊભું કર્યું અને ન્યાય માટે "ત્રાજવુ" બનાવ્યું જેથી નાપ-તોલમાં કમી ન થાય.(૬) અલ્લાહ તઆલાએ પૃથ્વીનું સર્જન એવી રીતે કર્યું કે જેમાં તમામ જીવજંતુઓ સરળતાથી જીવન પસાર કરી શકે. તેમાં સુંદર ફૂલો, ખજૂર, અનાજ અને સુગંધિત છોડ ઉગાડ્યા.(૭) સૂકી માટીમાંથી નરમ અને કોમળ શરીરવાળા મનુષ્યનું સર્જન કર્યું,અને જિન્નાતોને ભડકતી અગ્નિમાંથી બનાવ્યા.(૮) ખારાં અને મીઠાં પાણીના દરિયાઓ સાથે મળીને પણ એકબીજાના સ્વાદ અને અસરને બદલતા નથી, કારણ કે તેમના વચ્ચે એક આડ છે.(૯) આ જ સમુદ્રોમાંથી મોતી અને મંજાણ જેવા કિંમતી રત્નો પ્રાપ્ત થાય છે.(૧૦) અને પહાડોની જેમ ભવ્ય જહાજો પણ તેમાં પ્રવાસ કરે છે.
➥ આ સમગ્ર જગત નાશવાન છે,એક અલ્લાહની જાત બાકી રહેશે,તે હંમેશા કોઈ ન કોઈ કામમાં રહે છે(મતલબ કે દુનિયામાં જેટલા પરિવર્તન,ફેરફાર થઇ રહ્યા છે,તે બધાનું કેંદ્રબિંદુ તે જ રબ્બુલ આલમિન છે, ઇન્સાન અને જિન્નાતોનો હિસાબ લેશે,બન્ને મખલૂક તેની આસમાન અને જમીનની સીમાઓને ઓળંગી બહાર નથી જઈ શકતી.
➥ દોઝખનો અઝાબ: જે લોકો ઉપરોક્ત નેઅમતો જોયા પછી પણ નાફરમાન રહ્યા, તેમના માટે આગની જ્વાળાઓ અને ગરમ ગરમ તાંબુ ચાંપવાનો અઝાબ હશે, તેઓ ચેહરાની નિશાનીઓથી ઓળખાય જશે,અને દોઝખમાં ચક્કર લગાવશે.
➥ જન્નતના બે પ્રકારના બગીચા: અને જે લોકોએ અલ્લાહની નેઅમતો અને તેની કુદરતને ઓળખીને તેની ફરમાબરદારી સાથે જિંદગી વિતાવી, તેમના માટે નેક આમાલ અનુસાર જન્નતમાં બે પ્રકારના બગીચા હશે.(૧) ઉચ્ચ કક્ષાના બગીચા: જેમાં ગાઢ ડાળીઓવાળા ઝાડ હશે, વહેતા ઝરણા, દરેક મેવાના બે પ્રકાર,ટેકો આપવા માટે એવા ગાલીચા જેની અંદર રેશમ હશે,શરમ અને હયાવાળી કુંવારી અને ખૂબસૂરત હૂરો હશે.(૨)નીચલી કક્ષાના બગીચા: જે ગાઢ લીલા હશે, બે ઉફાણ મારતા ઝરણા, ખાવા માટે મેવા,ખજૂર,દાડમ, મોતીઓના ખેમાઓમાં ખૂબસૂરત અને ખૂબસીરત, કુંવારી હૂરો હશે, તેઓ નરમ,લીલા કલરના અને ખૂબસૂરત ગાલીચાઓ પર ટેકો લગાવીને બેઠા હશે.
➥ ૩૧ વાર કહેવામાં આવ્યું કે,હે જિન્નાત અને ઇન્સાન!આ બધી નેઅમતોને જોઈને પણ તમે પોતાના રબની કેટલી નેઅમતોનો ઇન્કાર કરશો અને ઈમાન નહી લાવો?
【સૂરએ વાકિયા】
➥ કયામતના દિવસે ત્રણ જમાઅતો હશે: (૧) સાબીકૂન(ઉચ્ચ કક્ષાના લોકો): જેમાં વધુ પ્રમાણમાં આગલા જમાનાના લોકો (નબીઓ)અને થોડા પાછલા જમાનાના હશે,તેમના માટે સોનાના તારોથી જડેલી બેઠકો હશે જેના ઉપર ટેકો લગાવીને એક બીજાની સામે બેસશે, તેમની ખિદમત માટે ગુલામો હશે જે જગ અને પ્યાલામાં એવું પીણું લાવશે જેમાં દુનિયાની શરાબની જેમ માથાનો દુખાવો અને બેહોશી નહી હોય, મનપસંદના ફળો અને પક્ષીઓનો ગોશ્ત હશે, છુપાવેલા મોતીઓ જેવી મોટી આંખો વાળી હૂરો હશે,ત્યાં બેકાર અને ગુનાહની વાતો નહી હોય, ફક્ત સલામતીની વાતો હશે.(૨)અસહાબુલ યમીન(જમણા હાથમાં આમલ નામું પામનાર): આ જમાઅતમાં આગલા અને પાછલા જમાનાના લોકો મોટા પ્રમાણમાં જોવા મળશે, તેમના માટે કાંટા વગરના બોરના ઝાડ,પુષ્કળ પ્રમાણમાં કેળાના ઝાડ, લાંબા લાંબા શીતળ છાયા,વહેતું પાણી અને કોઈ રોક વગર ખાવા માટે ફળો મળશે, બેસવા માટે ઊંચી બેઠકો હશે, જન્નતની ઓરતોને અલ્લાહ તઆલાએ વિશેષ રીતે બનાવી છે, તે ખૂબ મોહબ્બત કરનારી અને જન્નતીઓની સમાન ઉમર હશે.(૩) અસહાબુશ્શિમાલ (ડાબા હાથમાં આમાલ નામું પામનાર): આ જમાઅતમાં વધુ પડતા કાફિર, મુશરિક અને આખિરતનો ઇન્કાર કરનારા લોકો હશે,તેમના માટે ગરમ ગરમ લુ, પીવા માટે ઉકળતું પાણી અને કાળા ધુમાડાનો છાયડો અને ખાવા માટે ઝકકૂમનું ફળ હશે.
➥ અલ્લાહ સિવાય કોણ કરી શકે છે?: વીર્યના ટીપાને એક તંદુરસ્ત માણસ ફક્ત અલ્લાહ જ બનાવે છે,જમીનમાંથી ખેતી ઉગાડનાર,આસમાનથી પીવાના પાણીની વ્યવસ્થા કરનાર, આગ સળગાવવા માટે લાકડા ઉગાડનાર ફકત અલ્લાહની જાત છે, જો તે ચાહે તો ખેતીને ભૂસુ બનાવી દે અને પાણીને ખારું બનાવી દે, માટે નેઅમતોનો શુક્ર અને ઈમાન લાવવું જરૂરી છે.
➥ મોતની સામે બધા લાચાર છે: આખિરતનો ઇન્કાર કરનારાઓને ચેલેન્જ કરવામાં આવે છે કે જ્યારે માણસની રૂહ ખેંચવામાં આવે છે, ત્યારે તેની આસપાસ ઘણા લોકો હોય છે,તેઓ જોતા રહી જાય છે, જો આખિરતમાં આમાલના બદલા માટે પુનઃજીવિત થવાનું ન હોય તો તમે રૂહને શરીરમાં પાછી લાવીને બતાવો, પરંતુ મોતની સામે બધા લાચાર છે.
【સૂરએ હદીદ】
➥ સહાબામાં બે જમાઅતો હતી: (૧) ફતહે મક્કા પહેલાં ઇસ્લામ કબૂલ કરી અલ્લાહના દીન માટે પોતાનો માલ ખર્ચ કરનાર અને દીનની બુલંદી માટે સંઘર્ષ કરનાર (૨) ફતહે મક્કા પછી ઇસ્લામ કબૂલ કરનાર,પહેલી જમાઅતનો દરજો અલ્લાહના નજીક ઊંચો છે.
➥ પુલ સિરાતનું નૂર: કયામતના દિવસે (પુલ સિરાત પર)મોમિનોની આસપાસ એક નૂર હશે, જેની રોશનીમાં તેઓ ચાલશે, મુનાફિકો નૂરની માંગણી કરશે, તો બંનેની વચ્ચે એક દીવાલ ઊભી કરી દેવામાં આવશે,જેની એક બાજુ રહમત અને બીજી બાજુ અઝાબ હશે.
➥ અલ્લાહની યાદ માટે તૈયાર થઈ જાઓ: હવે મોમિનો માટે વખત આવી ગયો છે કે તેમના દિલ અલ્લાહની યાદ માટે તૈયાર થઈ જાય અને તેઓ યહૂદીઓની જેમ ન બને,જેમના દિલ સખત થઈ ગયા.
➥ ઇન્સાનની જિંદગીમાં ત્રણ તબક્કા આવે છે:(૧) બચપણમાં ખેલ-કૂદ(૨) જવાનીમાં શણગારનો શોખ (૩) શાદી પછી અવલાદ અને માલ-દોલતને વધારવાની ફિકર અને આ જ હાલતમાં જિંદગી પૂરી થાય છે,જેવી રીતે છોડ લીલોછમ હોય છે,ખેડૂતને ખૂશ કરી દે છે, પરંતુ એક દિવસ સુકાઈને ખતમ થઈ જાય છે, માટે નેક આમલ કરી એવી જન્નતની તરફ દોડ લગાવો જેની પહોળાઈ આસમાન અને જમીનની પહોળાઈ જેટલી છે.
➥ તકદીર: માણસને જે કઈ તકલીફ પહોંચે છે,તે લવ્હે મહફૂઝમાં પહેલીથી લખાયેલ છે, જેને તકદીર કહેવામાં આવે છે,તકદીર એટલા માટે છે કે માણસ તકલીફો પર નિરાશ અને ઉદાસ ન થાય અને અલ્લાહ તરફથી મળેલ નેઅમતો પર ઘમંડી ન બની જાય.
➥ રહબાનિયત(સંન્યાસ)ને ઇસ્લામમાં કોઇ સ્થાન નથી: હઝરત ઇસા (અલ.) પછી તેમના અનુયાયીઓમાંથી ઘણાએ રહબાનિયત(સંન્યાસ) નો રસ્તો અપનાવી લીધો, પરંતુ તેઓ તેનો હક અદા ન કરી શક્યા, બલ્કે ગુનાહોમાં ગરકાવ થઈ ગયા.(ઇસ્લામમાં રહબાનિયત જાઇઝ નથી.)

0 Comments