સૂરએ અહકાફ

આ તે કેવા માબૂદો: જે લોકો અલ્લાહને છોડીને બીજાઓને પૂંજે છે, તેમનાથી એક પ્રશ્ન છે કે જમીન અને આસમાનની બનાવતમાં તેમનું શું યોગદાન છે? કોઈ આસમાની પુસ્તકમાં આ વાતની કોઈ સ્પષ્ટતા હોય અથવા કોઇ માન્ય પુરાવા હોય તો રજૂ કરો,આનાથી મોટી ગુમરાહ શું હોય શકે કે એવી વસ્તુઓને પૂંજવામાં આવે જેમનાંથી કંઈ માંગવામાં આવે તો કોઈ જવાબ પણ ન આપી શકે.  

 મક્કાના કાફિરોની અહંકારભરી વાતો: મક્કાના કાફિરોનું માનવું હતું કે અમે સમાજના ઉચ્ચ કક્ષાના માણસો છે,કોઈ સારી વસ્તુ એવી નથી જે અમારી પાસે ન હોય,જો ઇસ્લામમાં પણ કોઈ ભલાઈ હોત તો અમારાથી નીચલી કક્ષાના લોકો પહેલાં તે અમારા હિસ્સામાં આવી ગઈ હોત,પોતે હિદાયતથી વંચિત રહ્યા તો આ પ્રકારની વાતો કરવા લાગ્યા.(દા.ત.દ્રાક્ષ સુધી ન પહોંચી શકાય તો કહી દેવામાં આવે કે છોડો,દ્રાક્ષ તો ખાટી છે.)

 બાળકની પરવરિશમાં માં નું યોગદાન:  અલ્લાહ તઆલાએ માં-બાપ સાથે શ્રેષ્ઠ વર્તન રાખવાનો હુકમ આપ્યો છે,માં એ તકલીફ ઉઠાવીને તેને પેટમાં રાખ્યો અને ઘણી તકલીફ સાથે જન્મ આપ્યો, ગર્ભ રહેવાથી લઈને દૂધ છોડાવા સુધીનો સમયગાળો ત્રીસ (૩૦)મહીનાનો હોય છે,અવલાદ જ્યારે મોટી અને પગભર થઈ જાય છે, ત્યારે અમુક અવલાદ નેક બને છે અને દુઆ કરે છે કે હે અલ્લાહ!(૧) મને તારી નેઅમતોનો શુક્ર અદા કરવાની તૌફીક આપ.(૨) તારી મરજીના આમાલ કરવાની તૌફીક આપ.(૩) મારી અવલાદને નેક બનાવો. આ પ્રકારની અવલાદ માટે જન્નતનો વાયદો છે. અને અમુક અવલાદ પોતાના વાલિદૈનના દીન (ઇસ્લામ) પર નથી ચાલતી અને આખિરતનો ઇન્કાર કરે છે,જેમના માટે દોઝખ છે. 

 કાફિરો માટે ફક્ત દુનિયામાં મોજ છે: કયામતમાં જ્યારે કાફિરોને દોઝખ પાસે લાવવામાં આવશે તો તેમને કહેવામાં આવશે કે તમે પોતાના ભાગની અય્યાશીઓ અને મજા દુનિયામાં માણી ચુક્યા આજે હવે અહંકાર અને નાફરમાનીની સજા રૂપે તમારા માટે રુસ્વાઈનો અઝાબ છે.

 જે ચમકે છે તે બધું સોનું નથી હોતું: ઘણી વાર જાહેરમાં સારી લાગતી વસ્તુ હકીકતમાં અઝાબ બની જાય છે,કૌમે આદ (જેમનો કિસ્સો પારહ:૧૨ માં વર્ણવેલ છે.) ને સૌ પ્રથમ એક વાદળ દેખાયું અને તેઓ એવું સમજ્યા કે વરસાદ આવશે, પરંતુ તેણે અઝાબનું રૂપ ધારણ કર્યું,ભયાનક વાવાઝોડું ફૂંકાયું અને તેમનો વિનાશ થયો.

 ઉલૂલ અજમ (હિંમતવાન)નબીઓનો સબ્ર: દીનના રસ્તામાં આવનાર તકલીફો પર એવી રીતે સબ્ર કરો જેવી રીતે ઉલૂલ અજમ (હિંમતવાન)નબીઓએ સબ્ર કર્યો, કાફિરો પર અઝાબ આવવાની ઉતાવળ ન કરો.

                            સૂરએ મુહમ્મદ

 જંગી કેદીઓ વિશે: જ્યારે દીનના દુશ્મનો સાથે લડાઈના મૈદાનમાં મુકાબલો થાય તો હિંમતથી લડો,જરૂરત પડ્યે તલવાર પણ ચલાવો, લડાઈ બાદ જે કેદ થઈને આવે તેમના માટે ત્રણ વિકલ્પ છે:(૧) માફ કરીને છોડી દો.(૨) ફિદિયો (માલ) લઈને છોડી દો.(૩) હદીષ મુજબ તે જમાનાના રિવાજ મુજબ ગુલામ પણ બનાવવાની ઇજાઝત હતી.),અલ્લાહ ચાહે તો દીનના દુશ્મનોથી પોતે બદલો લઈ લે, પરંતુ અલ્લાહ બંદાઓને એક બીજા દ્વારા અજમાવે છે,જે શહીદ થઈ જાય છે તેમના માટે જન્નતમાં ઉચ્ચ સ્થાન છે.

 તમે અલ્લાહના દીનની મદદ કરો અલ્લાહ તમારી મદદ કરશે: જો મોમિનો અલ્લાહના દીનની મદદ કરશે તો અલ્લાહ પણ તેમની દરેક રીતે મદદ કરશે અને દીન પર ચાલવામાં મક્કમતા આપશે.

 જાનવરો જેવી જિંદગી: જે લોકો કુફ્ર,શિર્ક અને અલ્લાહના હુકમો વિરૂદ્ધ કોઈ મકસદ વિના જિંદગી જીવે છે તેમની હાલત જાનવરો જેવી છે જે ફક્ત ખાઈ પીને મોજ કરે છે.

જન્નતની નહેરોની વિશેષતાઓ આ છે:(૧) ત્યાં એવા પાણીની નહેરો છે જેનું પાણી કદી ગંદુ નહી થાય.(૨) એવા દૂધની નહેરો છે જેનો સ્વાદ કદી નહી બદલાય.(૩) એવી શરાબ(પીણું)ની નહેરો છે જે અત્યંત સ્વાદિષ્ટ હશે.(૪) એવા મધની નહેરો છે જે બિલ્કુલ સાફ અને ચોખ્ખું હશે.

 મુનાફિકોની હાલત: જ્યારે અલ્લાહ તરફથી આયતો ઉતારવામાં આવતી કે હક અને સચ્ચાઈના વર્ચસ્વ માટે સંઘર્ષ કરવા જંગના મેદાનમાં ઉતરો,તો મુનાફિકોની હાલત એવી થઈ જતી હતી જેવી રીતે મોતની બેહોશી છવાઈ જાય, શયતાન તેમને ફસાવવામાં સફળ થઈ ગયો, અલ્લાહ તો તેમના દિલોની વાતોને ખૂબ જાણે છે અને ચાહે તો તેમની પોલ ખોલી નાખે, પરંતુ અલ્લાહ દરેકને ઢીલ આપે છે, ઘણી વાર મુનાફિકો પોતાની વાતોથી પણ ઓળખાય જાય છે.

 કુર્આનમાં ચિંતન મનન કરો: અલ્લાહ તઆલા કુર્આનમાં ચિંતન મનન કરવાની દઅવત આપતા ફરમાવે છે કે "શું લોકો કુર્આનમાં ચિંતન મનન નથી કરતા કે પછી તેમના દિલો પર તાળા લાગી ગયા છે?

 દીનના કામોમાં પોતાને મોહતાજ સમજો: દરેકને અલ્લાહના દીનની બુલંદી માટે જાની અને માલી કુર્બાની આપવા માટે બોલાવવામાં આવે છે,ઘણા લોકો કંજૂસ બની જાય છે,જે પોતાનું જ નુકસાન કરે છે, અલ્લાહ તઆલા ફરમાવે છે કે મને કોઈની જરૂરત નથી,જરૂરત તમને છે, જો તમે પાછા હટી જશો તો અલ્લાહ બીજા લોકોને દીનની મેહનત માટે લઇ આવશે અને તે તમારા જેવા નાફરમાન નહી હોય.

                            સૂરએ ફતહ

 સુલહે હુદૈબિય્યહ;ફતહે મક્કાનું પ્રથમ પગલું: સુરએ ફતહમાં વધુ પડતી આયતો સુલહે હુદૈબિય્યહથી સંબધિત છે, માટે મુદ્દાસર ટુંકમાં તેનું વર્ણન કરવામાં આવે છે.(૧) સન હિજરી ૬ માં નબીએ પાક સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને એક સ્વપ્ન આવ્યું કે આપ પોતાના સહાબા સાથે મક્કામાં જઈને શાંતિપૂર્ણ રીતે ઉમરહ કરી રહ્યા છે.(૨) નબીનું સ્વપ્ન સાચું હોય છે, માટે આપે સહાબામાં એલાન પણ કર્યું અને ૧૪૦૦ અથવા ૧૫૦૦ સહાબા સાથે મક્કા તરફ રવાના થયા.(૩) મુનાફિકો એમ સમજી કે મક્કાથી પાછા નહી ફરાય, બહાના બનાવીને ઉમરહના સફરમાં ન જોડાયા.(૪) મક્કાના મુશરિકોને ખબર પડી તો તેમણે રસ્તો રોકવાનો ફેંસલો કર્યો અને મક્કમાં દાખલ ન થવા દીધા (૫) આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે પોતાના સહાબા સાથે હુદૈબિય્યહ નામી જગ્યાએ રોકાણ કર્યું અને હઝરત ઉષ્માન (રદિ.)ને સંદેશો લઈને મોકલ્યા કે અમે લડવા નથી આવ્યા,બલ્કે ફક્ત ઉમરહ માટે આવ્યા છે.(૬) બીજી બાજુ એવી અફવા ફેલાઈ ગઈ કે મક્કાના સરદારોએ હઝરત ઉષ્માન (રદિ.)ને શહીદ કરી દીધા.(૭) આ સાંભળીને નબી સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે એક ઝાડ નીચે બેસીને સહાબા(રદિ.)થી મોત સુધી લડવાની બૈઅત લીધી જેને 'બૈઅતે રિઝવાન ' કહેવામાં આવે છે, કેમ કે આ બૈઅત કરનાર સહાબા (રદિ.) માટે અલ્લાહ તઆલાએ કુર્આનની આ સૂરતમાં રઝામંદીનું એલાન ફરમાવ્યું.(૮) પાછળથી ખબર પડી કે હઝરત ઉષ્માન(રદિ.)સલામત છે,તેમની શહાદતની અફવા ખોટી હતી.(૯) મુશરિકોના એક જૂથે મુસલમાનો પર હુમલો કરવાનો પ્રયત્ન પણ કર્યો, સહાબા તેમને પકડીને નબી સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ પાસે લઈ આવ્યા,આપે તેમને માફ કરી છોડી મૂક્યા. (૧૦) ત્યાર પછી મક્કાના સરદારોએ નબી સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ સાથે ચાલુ વર્ષે પાછા ચાલ્યા જઈ આવતા વર્ષે ઉમરહ કરવાની શરત સાથે યુદ્ધ વિરામની એક સંધિ કરી.સંધિની શરતો જાહેરમાં મુસલમાનોના તરફેણમાં ન હોવાથી સહાબા(રદિ.)ને અસ્વીકાર્ય લાગી,પરંતુ નબી સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે અલ્લાહ પર ભરોસો રાખી સબ્રની સાથે આ સંધિ કબૂલ કરી લેવા જણાવ્યું.(૧૧) આ સફરમાં ઘણી વાર એવું જોવા મળ્યું કે મુસલમાનો અને મુશરિકો વચ્ચે લડાઈ થઈ જાય,પરંતુ અલ્લાહ તઆલાએ બંનેના હાથ લડાઈથી રોકી રાખ્યા, કેમ કે જો લડાઇ થઈ જાત તો ઘણા મુસલમાનો જે મક્કામાં રહેતા હતા,જેમનું ત્યાં કોઈ મદદગાર ન હતું તેમનું જાની અને માલી નુકસાન થવાનો ભય હતો.(૧૨) નબી સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ જ્યારે ઉમરહ કર્યા વિના પાછા ફરી રહ્યા હતા ત્યારે સૂરએ ફતહ ઉતારવામાં આવી,જેમાં આ સંધિને ફતહ(મુસલમાનોની મક્કા પર જીત) કહેવામાં આવી, અને વાયદો કરવામાં આવ્યો કે મુસલમાનો મસ્જિદે હરામમાં સહી સલામત ખોફ વગર દાખલ થશે અને ઉમરહ કરીને પોતાના વાળ પણ કપાવશે,સન ૭ હિજરીમાં મુસલમાનોએ ઉમરહ કર્યા અને સન ૮ હિજરીમાં મક્કા પર જીત મેળવી લીધી,આમ જાહેરમાં દબાઈને કરવામાં આવેલ સુલેહ મુસલમાનો માટે જીતનો ઝરીયો બની.

 સહાબા(રદિ.)ના સિફાત: સહાબા(રદિ.)નું વર્ણન તવરાતમાં આ રીતે છે."જે લોકો મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ સાથે છે, તેઓ કાફિરોના મુકાબલામાં સખત અને મક્કમ છે, આપસમાં એક બીજા પર ઘણા મહેરબાન(દયાળુ અને પ્રેમાળ) છે,તમે તેમને અલ્લાહના ફજલ અને રઝામંદીની ચાહતમાં રુકૂઅ અને સિજદામાં જોઇ શકો છો, તેમની ઓળખાણ સિજદાના અસરથી તેમના ચેહરા પર(જાહેર) છે,અને તેમનું વર્ણન ઇન્જીલમાં આ રીતે છે,જેમ કે એક પાકનું વાવેતર,જે પોતાનું છોડ બહાર કાઢે,પછી તેને મજબૂત બનાવે, પછી તે જાડું થાય અને થડ પર ઊભું થઈ જાય,જે ખેડૂતને ખુશ કરે છે (તેની વૃદ્ધિ અને મજબૂતી જોઈને ).(એવી જ રીતે સહાબા(રદી.)છોડની જેમ શરૂઆતમાં ઘણા કમજોર હતાં,પરંતુ ધીરે ધીરે અલ્લાહે ચડતી આપી ઝાડના થડની જેમ મજબૂત થઈ ગયા) જેથી (તેમની આ મજબૂતી અને એકતા) કાફિરો માટે ક્રોધનું કારણ બને, (જેમને તેમની પ્રગતિ જોઈને ઈર્ષ્યા થાય છે.)

                            સૂરએ હુજુરાત

 આધ્યાત્મિક(રૂહાની) અને શાંતિમય સમાજના સર્જન માટેના મુળભુત સિધ્ધાંતો: સૂરએ હુજુરાતમાં  એક આધ્યાત્મિક(રૂહાની)અને શાંતિમય સમાજના સર્જન માટે આધારભૂત વાતો તરફ ધ્યાન દોરવામાં આવ્યું છે,જે નીચે મુજબ છે:(૧) અલ્લાહ અને તેના રસૂલે નક્કી કરેલ સીમાઓ અને હુકમોથી આગળ ન વધો.(૨) પોતાના અવાજને નબી સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના અવાજથી ઊંચો ન કરો.(આપની કબર મુબારક પર પણ આ વાતનો ખ્યાલ રાખો.)(૩) એક વાર અમુક લોકો નબી સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના આરામનો ખયાલ કર્યા વિના બાહરથી બૂમો પાડી બોલાવવા લાગ્યા,તેમને માર્ગદર્શન આપવામાં આવ્યું કે આપના બાહર આવ્યા સુધી  રાહ જુવો.(૪) કોઈ પણ ખબર/અફવા પર કોઈ પ્રતિક્રિયા આપતા પહેલાં તેની સારી રીતે તપાસ કરી લો, એવું ન થાય કે ખબર જૂઠી હોઈ અને તમારી પ્રતિક્રિયાથી કોઈને નુકસાન થઈ જાય અને પાછળથી તમને અફસોસ થાય.(૫) જ્યારે બે જૂથો વચ્ચે લડાઈ થાય તો સમાધાન કરવો, જો કોઈ એક જૂથ જુલ્મ કરી રહ્યું હોય અને સમાધાન પર રાજી ન થાય તો તેને બળપ્રયોગ કરી કાબૂમાં કરો.મોમિનો આપસમાં ભાઈ ભાઈ છે, માટે પોતાના ભાઈઓ વચ્ચે સુલેહ શાંતિને જાળવી રાખો.(૬) એક બીજાની મશ્કરી ન કરો, હોય શકે છે કે જેમની મશ્કરી કરી રહ્યા છો તે અલ્લાહના નજીક મશ્કરી કરનારથી વધુ બહેતર હોય.(૭) એક બીજાને ટાણા ન મારો અને ખરાબ ઉપનામો દ્વારા ન બોલાવો.(૮) વધુ પડતા ગુમાનોથી દૂર રહો, કારણ કે ઘણા ગુમાનો ખોટા હોવાના લીધે ગુનાહનું કારણ બને છે.(૯) જાજૂસી ન કરો.(૧૦) એક બીજાની ગીબત ન કરો,કોઈની ગીબત કરવી મુર્દા ભાઈના ગોશ્ત ખાવા સમાન છે.(૧૧) રંગ,જ્ઞાતિઓ,કબીલા, કુટુંબ અલ્લાહ તઆલાએ ફક્ત ઓળખાણ માટે બનાવ્યા છે, ફક્ત તેના આધારે કોઈ અલ્લાહના નજીક સન્માનના લાયક નથી બનતું,સન્માનના લાયક બનવા માટે તકવાવાળી જિંદગી જરૂરી છે.(૧૨) પોતાના મોમિન હોવાનું એહસાન ન બતાવો, ઈમાનની દોલત મળવી અલ્લાહનો ઘણો મોટો એહસાન છે, અને યાદ રાખો કે મોમિન હોવા માટે ફક્ત જાહેરમાં તાબેદાર બનવું કાફી નથી,બલ્કે ઈમાનનું દિલમાં દાખલ થવું જરૂરી છે.

                    સૂરએ કાફ

 અલ્લાહ માણસથી કેટલો નજીક છે?: અલ્લાહ તઆલા માણસની જ્યુગ્યુલર નસ (ગરદનમાં આવેલી એક નસ છે,જે લોહીને મગજથી હૃદય સુધી પહોચાડે છે.) કરતા પણ તેના નજીક છે, તેની જમણે અને ડાબે બે ફરિશ્તાઓ છે,જે તેની દરેક વાતને રેકોર્ડ કરી લે છે.

 મોત આવીને રહેશે: ઇન્સાન મોતથી દૂર ભાગે છે, પરંતુ મોતની સખ્તી અને તકલીફ આવીને રહેશે, કબરમાંથી ઉઠ્યા પછી દરેકની સાથે બે ફરિશ્તા હશે,એક તેને હશરના મેદાનમાં લઇ જશે અને બીજો નામાએ આમાલ તૈયાર કરીને તેના આમાલની ગવાહી આપશે, માણસ બચવા માટે શૈતાન પર દોષનો ટોપલો ઢોળશે,પરંતુ શૈતાન પણ હાથ ઊંચા કરી દેશે.

 જહન્નમની વિશાળતા: જહન્નમને પૂછવામાં આવશે કે તુ ભરાઈ ગઈ?તો તે જવાબ આપશે કે હજી વધારે લોકો છે?એટલે કે બીજાઓને પણ લેવા માટે તૈયાર છું.

 દીનમાં જબરદસ્તી નથી: નબી અને દાઈનું કામ કોઈના ઉપર જબરદસ્તી કરવાનું નથી,તેમનું કામ કુર્આનની આયતો દ્વારા લોકોને નસીહત કરવાનું છે, જે લોકો ખુદાથી ડરતા હશે, તેઓ વાત માની લેશે.

                            સૂરએ ઝારિયાત

 ઇબાદત પછી પણ ઇસ્તિગફાર!: નેક લોકો રાતનો વધુ પડતો હિસ્સો ઈબાદતમાં ગુજારે છે અને સેહરી વખતે ઇસ્તિગફાર કરે છે,તે પોતાના માલમાં સવાલી અને બેસવાલી બંનેનો હક રાખે છે.

 પોતાના અસ્તિત્વમાં અલ્લાહને ઓળખો: માણસના અસ્તિત્વમાં અલ્લાહના વુજૂદની ઘણી નિશાનીઓ છે, જેમાં ચિંતન મનન કરીને અલ્લાહને ઓળખી શકાય છે.