➥ માનવીનો સ્વભાવ: ઇન્સાન ભલાઈ માંગવાથી કદી પણ નથી કંટાળતો, પરંતુ જ્યારે તક્લીફ આવે છે ત્યારે નિરાશ અને હતાશ થઈને બેસી જાય છે.
➥ હક સ્પષ્ટ થઇને રહેશે: અલ્લાહ તઆલા સૃષ્ટિમાં અને ખૂદ લોકોની જાતમાં પોતાની નિશાનીઓ બતાવશે,અહીંયા સુધી કે લોકોની સામે સ્પષ્ટ થઇ જશે કે અલ્લાહનું અસ્તિત્વ વાસ્તવિક છે.
【સૂરએ શૂરા】
➥ દરેકે પોતાની સમજથી નેકીનો રસ્તો અપનાવવાનો છે: જો અલ્લાહ તઆલા ઈચ્છે તો બધાને જ એક રસ્તા પર ચલાવી દે,પરંતુ દુનિયામાં દરેકને સમજશક્તિ આપીને મોકલ્યા,નેકી અને બુરાઈની શક્તિ આપી, અને વિકલ્પ આપ્યો કે કાં તો નેકીનો રસ્તો અપનાવે કે બુરાઈનો રસ્તો અપનાવે.
➥ અસલ ધર્મ એક જ છે: જેમાં તવ્હીદ (એકેશ્વરવાદ)ની તાલીમ છે, હઝરત નૂહ(અલ.),ઈબ્રાહીમ(અલ.),મૂસા (અલ.),ઇસા(અલ.)નો પણ આ જ ધર્મ હતો, તેની તરફ લોકોને બોલાવો અને પોતે પણ તેના પર મક્કમ રહો,પરંતુ દુનિયામાં આસમાની કિતાબોનો ઇલ્મ રાખનારા સહિત ઘણા લોકો ધર્મ વિશે મતભેદ રાખે છે અને દરેક પોતાના ધર્મના સાચા હોવાનું મંતવ્ય ધરાવે છે, તેમને સમજાવવાનો પ્રયત્ન કરો,ન સમજે તો કહી દો કે તમારી સાથે તમારા કર્મ અને અમારી સાથે અમારા,આ મતભેદનો ફેંસલો અલ્લાહ તઆલા કયામતના દિવસે ફરમાવશે,ઈમાનવાળાઓ કયામતના સાચા હોવાનું યકીન રાખે છે અને તેનાથી ડરતા રહે છે,અને જેમનું કયામત પર ઈમાન નથી તેઓ મજાકમાં તેના જલ્દી આવી જવાની માંગ કરે છે.
➥ દુનિયા કે આખિરત? ફેસલો આપના હાથમાં છે: જે માણસ દુનિયામાં નેક કર્મો કરી આખિરતની ખેતી માંગશે,અલ્લાહ તઆલા તેની ખેતીમાં(આમાલના સવાબમાં) વધારો કરશે, અને જે ફક્ત દુનિયાની ખેતી (માલ-દોલત, સમૃદ્ધિ) માંગશે , તો તેને દુનિયા આપી દેવામાં આવશે, પરંતુ આખિરતમાં તેનો કોઈ હિસ્સો નહી હોય.
➥ વધુ પડતો માલ અહંકાર અને નાફરમાનીનું કારણ બની શકે છે: જો અલ્લાહ તઆલા પોતાના બંદાઓ માટે રોઝીના દરવાજા વધુ પડતા ખોલી આપે તો બંદા માલના નશામાં અહંકારી અને ઘમંડી બનીને જમીનમાં ફસાદ (બગાડ) ફેલાવે, પરંતુ અલ્લાહ તઆલાએ પોતાની મરજી મુજબ દરેક માટે રોઝીનું એક પ્રમાણ નક્કી કર્યું છે.
➥ જેવા કર્મ તેવા ફળ: દુનિયામાં જે કંઈ તકલીફો અને મુસીબતો આવે છે,તે લોકોના કર્મોની દુન્યવી સજા રૂપે છે,જેથી લોકો પોતાના ગુનાહોથી તૌબા કરે, અને આવનાર તકલીફો તો ફક્ત અમુક ગુનાહોની સજા હોય છે,ઘણા ગુનાહ તો અલ્લાહ તઆલા માફ કરી દે છે.
➥ સમુદ્રમાં ચાલતા વહાણો: અલ્લાહ તઆલાની કુદરતની નિશાનીઓમાંથી સમુદ્રમાં ચાલતા મોટા મોટા વહાણો છે, જો અલ્લાહ ચાહે તો હવાને રોકી લે, તો વહાણો પણ સમુદ્ર કિનારે રોકાઈ જાય અને આગળ વધી ન શકે, અથવા લોકોના આમાલની સજામાં વહાણોને સમુદ્રમાં પલટાવી દે, અને લોકોને અલ્લાહની તાકતનો અંદાજો આવી જાય.
➥ નેકલોકોના અમુક આમાલ આ છે: (૧) કબીરા ગુનાહોથી પોતાને બચાવે છે (૨) ગુસ્સા પર કાબૂ રાખી લોકોને માફ કરી દે છે.(૩) અલ્લાહના હુકમોનું અનુકરણ કરે છે અને નમાઝને અદા કરે છે.(૪) આપસી સલાહ મશ્વેરાથી પોતાના કામો કરે છે.(૫) અલ્લાહે આપેલ માલમાંથી અલ્લાહના રસ્તામાં ખર્ચ કરે છે.(૬)જ્યારે તેમના ઉપર જુલ્મ થાય તો (હદમાં રહી)સરખો બદલો લે છે, જો કોઈ માફ કરી દે તો અલ્લાહ તેનો બદલો આપશે, પરંતુ સરખો બદલો લેવાની પરવાનગી છે.
➥ અવલાદની નેઅમત આપવી અલ્લાહના હાથમાં છે: જેને ચાહે છે ફક્ત બેટીઓ, જેને ચાહે ફક્ત બેટાઓ અને જેને ચાહે બેટી અને બેટા બંને આપે છે, અને જેને ચાહે બે અવલાદ રાખે છે.
➥ દુનિયામાં અલ્લાહ સાથે વાતચીત કરવાના ફક્ત ત્રણ તરીકા છે: (૧)અલ્લાહ તઆલા દિલમાં કોઈ વાત નાખે. (૨)પરદા પાછળથી વાતચીત થાય,જેવી રીતે મૂસા (અલ ) તૂર પહાડ પર અલ્લાહ સાથે વાતચીત કરતા હતા.(૩)અલ્લાહ તઆલા ફરિશતાના મારફત કોઈ પૈગામ મોકલાવે.
➥ નબી સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ ઉમ્મી હતા: નબી સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ નુબુવ્વત પહેલા કુર્આન અને ઈમાનનું જ્ઞાન ન રાખતા હતા, પરંતુ અલ્લાહ તઆલાએ આપને કુર્આન શિખવાડી તેને એવું નૂર બનાવી દીધું જેના દ્વારા અલ્લાહ તઆલા બંદાઓને નબી (સલ.)ના મારફત સીધા રસ્તાની હિદાયત આપે છે.
【સૂરએ ઝુખ્રુફ】
➥ સવારીના જાનવરો અલ્લાહની એક નેઅમત છે: જેને અલ્લાહ તઆલાએ ઇન્સાનની જરૂરત માટે તેના તાબા હેઠળ રાખ્યા, અન્યથા આટલા કદાવર જાનવરો(એવી જ રીતે મોટા મોટા વાહનો,હવાઈ જહાજો)ને તાબે કરવું આસાન નથી.
➥ નબીની નિયુક્તિ ફક્ત અલ્લાહના હાથમાં છે: મક્કાના મુશરિકોનો સવાલ હતો કે નુબુવ્વત તો મક્કા અને તાઇફના કોઈ મોટા માલદાર અને પ્રતિષ્ઠિત વ્યકિતને મળવી જોઈએ, મક્કાના એક યતીમને કેવી રીતે મળી ગઈ? અલ્લાહ તઆલાએ જવાબ આપ્યો કે માલની વહેંચણી પણ અમે કરી છે,કોઈ ને વધારે તો કોઈને ઓછો,જેથી દુનિયામાં લોકોની જરૂરતો એક બીજા સાથે સંકળાયેલી રહે અને દુનિયાની વ્યવસ્થા ચાલતી રહે,તો નુબુવ્વત જેવી અતિ કિંમતી અને મહત્વપૂર્ણ વસ્તુ(જે સમગ્ર માનવતા માટે એક રહમત છે.) ની વહેંચણીનો અધિકાર પણ અલ્લાહ તઆલાએ પોતાની પાસે જ રાખ્યો છે.
➥ જો આ વાતનો ડર ન હોત.....: જો આ વાતનો ડર ન હોત કે લોકો કાફિરોની સમૃદ્ધિ જોઈને લાલચમાં આવી કુફ્ર અપનાવી લેશે,તો અલ્લાહ તઆલાએ કાફીરોના મકાનોના દરવાજા, છાપરાં, દાદર અને પલંગ સોના ચાંદીના બનાવી દીધા હોત,કેમ કે દુનિયાની સમૃદ્ધિ ભલે ગમે તેટલી હોય,તે દુનિયાના ઉપયોગ પૂરતી જ છે,અને પરહેઝગારો માટે તો આખિરતનો બદલો શ્રેષ્ઠ છે.
➥ શૈતાનના સાથીદાર: જે અલ્લાહની યાદ અને તેના દીનથી મોઢું ફેરવી લે છે, અલ્લાહ તઆલા તેની સાથે શૈતાનને લગાવી દે છે, જે તેનો સાથીદાર બની જાય છે, જે તેને સીધા રસ્તાથી રોકે છે અને તે પોતાને હિદાયત પર સમજતો રહે છે, પરંતુ કયામતમાં અફસોસ કરશે.
➥ કયામતના દિવસે દોસ્ત દુશ્મન બની જશે: કયામતના દિવસે આપસમાં દોસ્તી રાખવાવાળા એકબીજાના દુશ્મન બની જશે,હાં, નેક અને પરહેઝગારોની દોસ્તી ત્યાં પર બાકી રહેશે, અલ્લાહના નેક બંદાઓને કોઈ ખૌફ અને ગમ નહી હોય, જન્નતમાં આંખોને ઠંડી કરનાર નેઅમતો હશે, બીજી બાજુ દોઝખીઓ અઝાબથી ત્રાહીહામ થઈને દોઝખના ચોકીદાર 'માલિક' ને કહેશે કે તમારા રબને કહો કે અમને મોત આપી દે, તેમને જવાબ આપવામાં આવશે કે હવે તો અહીંયા હંમેશા રહેવાનું છે, માણસ ફક્ત એક જ વાર મોતનો સ્વાદ ચાખે છે, ત્યાર બાદ મોતનું કોઈ અસ્તિત્વ નથી.
【સૂરએ દુખાન】
➥ શબે કદ્ર: અલ્લાહ તઆલાએ કુર્આનને એક મુબારક રાત (શબે કદ્ર) માં ઉતાર્યું જે રાતમાં મહત્વપૂર્ણ કામોના ફેંસલા કરવામાં આવે છે,અને ફરિશ્તાઓને તે કામો સોંપવામાં આવે છે.
➥ મક્કામાં દુકાળનો અઝાબ: અલ્લાહ તઆલાએ મક્કાના કાફિરોને એક અઝાબ આવવાની ધમકી આપી હતી કે જેમાં તેમને આસમાનમાં ધુમાડો દેખાશે,મક્કામાં એવો દુકાળ પડ્યો, અહીંયા સુધી કે ભૂખથી અંધારિયા ચઢવા લાગ્યા અને આસમાનમાં ધુમાડો દેખાવા લાગ્યો,તેઓએ નબી સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ પાસે આવીને દુકાળ દૂર થવા માટે દુઆ કરવાની માંગ કરી, અલ્લાહના નબીની દુઆથી દુકાળ દૂર થયો, છતાં પણ તેઓ ઈમાન ન લાવ્યા,અને ભૂતકાળમાં પણ કાફિર કોમોની આ જ આદત રહી છે.
➥ બનાવ્યું કોણે અને વાપર્યું કોણે: ઘણી વાર અલ્લાહ તઆલા પોતાના બંદાઓ માટે તકલીફો બાદ તૈયાર નેઅમતોની વ્યવસ્થા કરી આપે છે, જેવી રીતે કે બની ઇસરાઇલને ફિરઓનથી છુટકારો મેળવ્યા બાદ મિસરના બગીચા,ખેતીવાડી અને મકાનોના વારસદાર બનાવી દીધા.(બનાવ્યું કોણે અને વાપર્યું કોણે જેવી સ્થિતિ સર્જાઈ.)
➥ ઝક્કૂકૂમ; દોઝખીઓનો ખોરાક: દોઝખીઓ માટે એક ઝાડ હશે, જેનું નામ ઝક્કૂકૂમ છે, તેનું ફળ તેમને ખાવામાં પીરસવામાં આવશે,જેનાથી ઉકળતા પાણીની જેમ પેટમાં ઉકળશે, પછી તેમને દોઝખની વચ્ચોવચ લઈ જઈ તેમના માથા પર ઉકળતું પાણી નાખવામાં આવશે.
【સૂરએ જાષિયહ】
➥ શરીઅત પર ચાલો,લોકોની મનેચ્છાઓ પર નહીં: અલ્લાહ તઆલાએ જિંદગી ગુજારવા માટે એક શરીઅત આપી છે, તેનું અનુકરણ કરો અને એવા લોકોની ઈચ્છાઓ અને કહેણી મુજબ ન ચાલો જેમની પાસે દીનનું સહીહ જ્ઞાન નથી, જો તેમના કહેવા પર ચાલશો અને અલ્લાહ પાસે પકડ થશે તો તેઓ કંઈ કામ નહી આવે.
➥ આખિરતમાં નેક અને ગુનેહગારો સરખા નહીં હોય: જે લોકો ગુનાહ કરે છે તે એવું ન સમજે કે આખિરતમાં તેમને નેક લોકો સાથે રાખવામાં આવશે,મોત પહેલા અને પછીનું જીવન સરખુ હશે,જો આવુ થાય તો આ તો નેક લોકો સાથે અન્યાય છે.

0 Comments