સૌથી મોટો જુલ્મ: સૌથી મોટો જુલ્મ આ છે કે અલ્લાહ વિશે જૂથ બોલવામાં આવે અને અલ્લાહ તરફથી આવેલ સાચી વાતોને જૂઠી કહેવામાં આવે,જે લોકો તેને સાચી માનીને તેના પર ઈમાન લાવ્યા અલ્લાહ તેમના પાછલા ગુનાહ માફ કરી દેશે અને નેકીઓનો બદલો આપશે.

 ઊંઘ અડધી મોત: મોતના સમયે અને સૂતી વખતે અલ્લાહ તઆલા માણસની રૂહ કબ્જ કરી લે છે,જેમનું સૂવાની હાલતમાં મોત નક્કી હોય તેમની રૂહને રોકી લે છે અને બાકી લોકોની રૂહ શરીરમાં પાછી મોકલી દેવામાં આવે છે.

જાલિમો માટે કોઈ મુક્તિ નથી: કયામતના દિવસે જો ઝાલિમો પાસે આખી જમીનની મિલ્કત હોય અને એટલા જ પ્રમાણમાં બીજી પણ હોય અને તે બધી મિલ્કત આપીને પોતાને અઝાબથી છોડાવા માંગે તો પણ નહી છોડાવી શકે.

આઝમાઈશો અને નેઅમતો વચ્ચે ઇન્સાનનું વલણ: ઇન્સાનની હાલત એવી છે કે જ્યારે તકલીફ આવે ત્યારે અલ્લાહને યાદ કરીને પુકારે છે,અને નેઅમતો (માલ, દોલત વગેરે )આવે તો પોતાનો કમાલ સમજે છે, આ હકીકત ભૂલી જાય છે કે સારી અને ખરાબ બન્ને પ્રકારની પરિસ્થિતિઓ તેના માટે આઝમાઈશ છે.

 અલ્લાહની રહમતથી નિરાશ ન થાઓ: જે બંદાઓએ ગુનાહો કરીને પોતાની જાત પર જુલ્મ કર્યો છે તેમણે અલ્લાહની રહમતથી નિરાશ ન થવું જોઈએ, સાચી તૌબા કરશે તો અલ્લાહ ગુનાહોને માફ કરી દેશે, તૌબાનો સમય ફક્ત કયામત સુધી છે.

પહેલું અને બીજું સૂર ફૂંકાવા પછીની હાલત: જ્યારે પહેલી વાર સૂર ફૂંકવામાં આવશે બધા સજીવો બેહોશ થઈ જશે,ત્યાર પછી બીજી વખત સૂર ફૂંકવામાં આવશે ,બધા ઉભા થઈને ચોતરફ જોવા લાગશે,જમીનમાં અલ્લાહનું નૂર છવાઈ જશે, દરેકને પોતાનું નામાએ આમાલ આપી દેવામાં આવશે,નબીઓને ગવાહી માટે બોલાવવામાં આવશે અને દરેકને તેના આમાલનો પૂરેપૂરો બદલો આપવામાં આવશે,ત્યાર પછી દોઝખીઓને દોઝખ તરફ લાવવામાં આવશે, દરવાજા પર ચોકીદારો પૂછશે કે તમારી પાસે રસૂલ નથી આવ્યા જે તમને કયામત વિશે જાણ કરે?જવાબ આપશે કે આવ્યા હતા પરંતુ અમે તેમનું ન માની અઝાબના હકદાર બન્યા,જન્નતીઓને જન્નત તરફ લઈ જઈ સન્માન સાથે તેમનું સ્વાગત કરવામાં આવશે,જન્નતીઓ આ મહામૂલી નેઅમત પર અલ્લાહનો શુક્ર અદા કરશે.

                    સૂરએ મોમિન

 અલ્લાહનો અર્શ ઉઠાવનાર ફરિશતા: જે ફરિશ્તાઓએ અલ્લાહનો અર્શ ઉઠાવ્યો છે તે અલ્લાહની પાકી બયાન કરે છે અને મોમિનો માટે ઇસ્તિગફાર કરે છે અને મગફિરત,દોઝખથી છુટકારા, તેમના અને તેમના ખાનદાન માટે જન્નતમાં દાખલા અને બુરાઈઓથી હિફાઝતની દુઆ કરે છે.

 એક અલ્લાહની બાદશાહી: કયામતના દિવસે કાફિરો પોતાના ગુનાહોનો એકરાર કરશે, બીજી વાર દુનિયામાં આવવાની તમન્ના કરશે, કયામતની ભયાનકતા એટલી હશે કે કલેજુ મોઢે આવી જાય, કોઈ દોસ્ત અને ભલામણ કરવાવાળું નહી હોય, ફક્ત એક અલ્લાહની બાદશાહી હશે, જે આંખની ખયાનતો અને દિલમાં છુપાયેલી વાતોને પણ જાણે છે.

 ફિરઓનની કોમના મોમિન મર્દની ઇમાનવર્ધક તકરીર(ભાષણ): જ્યારે ફિરઓન અને તેની કોમે મૂસા (અલ.) ને કતલ કરવાનો ફેસલો કર્યો,ત્યારે ફિરઓનની કોમના એક માણસે જે પોતાનું ઈમાન છુપાવીને રહેતો હતો,પોતાની કોમનો હિતેચ્છુ બનીને તેમને સમજાવતા કહ્યું કે (૧) તમે એવા માણસને કતલ કરશો જે તવ્હીદની દાવત આપે છે?(૨) જો તે જૂઠો હશે તો તેના જૂથનું નુકસાન તેને થશે અને સાચો હશે તો તમારી ઉપર અઝાબ આવશે.(૩) તમારી પાસે આજે હુકૂમત છે, પણ અલ્લાહના અઝાબથી કોણ બચાવશે?(૪) મને બીક લાગે છે કે તમારી ઉપર કોમે નૂહ,આદ અને સમૂદ જેવો અઝાબ આવશે.(૫) કયામતના દિવસથી ડરો જ્યાં અલ્લાહના અઝાબથી કોઈ બચાવનાર નહિ હોય.(૬) તમારી પાસે યૂસુફ (અલ ) જેવા નબી પણ આવ્યા,પરંતુ તમે તેમની વાતોને પણ શંકાની નજરોથી જ જોતા રહ્યા,અલ્લાહ આવા લોકોને ગુમરાહ કરી દે છે.(૭) એ મારી કોમ! મારી વાત માનો, હું તમને સીધા રસ્તાનું માર્ગદર્શન આપીશ.(૮) દુનિયાની જિંદગી તો થોડા દિવસ વાપરવા પૂરતી છે, હંમેશા રહેવાનું ઘર તો આખિરત છે, જ્યાં ગુનાહોની સજા ગુનાહના પ્રમાણમાં મળશે, અને નેકીના બદલામાં જન્નતની બેહિસાબ નેઅમતો મળશે.(૯) હું તમને દોઝખની આગથી છુટકારો મેળવવાનો રસ્તો બતાવું છું અને તમે મને દોઝખની આગનો રસ્તો (કુફ્ર, શિર્ક) બતાવો છો.(૧૦) તમે મારી વાતોને યાદ કરશો, અત્યારે હું મારો મામલો અલ્લાહના હવાલે કરું છું.(૧૧) અલ્લાહે ફિરઓનની કોમના તે મોમિન માણસની દરેક પ્રકારના કાવાત્રાઓથી હિફાઝત કરી અને ફિરઓનની કોમ દુનિયા અને આખિરતમાં અઝાબની હકદાર બની.(૧૨) તેમને સવાર સાંજ દોઝખની આગ બતાવવામાં આવે છે,અને કયામતના દિવસે તેમાં દાખલ કરવામાં આવશે, તેઓ અઝાબ હલ્કો કરવાની માંગ કરશે, પરંતુ કોઈ જવાબ નહી આપવામાં આવે.

 અલ્લાહની મદદ મોમિનો સાથે છે: અલ્લાહ તઆલા પોતાના રસૂલોની અને ઈમાનવાળાઓની દુનિયામાં પણ મદદ કરે છે અને આખિરતમાં પણ મદદ કરશે, જે વખતે કોઈ મદદગાર નહી હોય.

 ફક્ત અલ્લાહને પુકારો: અલ્લાહ તઆલા ફરમાવે છે કે તમે મને પુકારો અને મારાથી માંગો હું તમારી પુકારનો જવાબ આપીશ, જે લોકો અલ્લાહની ઈબાદતથી મોઢું ફેરવી લે છે, તે કયામતમાં અપમાનિત થઈને દોઝખમાં દાખલ થશે,જે લોકો દુનિયામાં અલ્લાહ, તેની કિતાબ અને રસૂલો વિશે શંકાઓ જાહેર કરી તેનો ઇન્કાર કરે છે, તેઓ હકીકત તે વખતે જાણશે જ્યારે તેમની ગરદનમાં બેડીઓ અને સાંકળો નાખીને દોઝખની સળગતી આગમાં નાખવામાં આવશે, અને જે દેવતાઓની પૂજા કરતા હતા,તેમાંથી કોઈ પણ મદદે નહી આવે.

                 સૂરએ હામિમ સજ્દહ

  છ દિવસમાં સૃષ્ટીનું સર્જન: અલ્લાહ તઆલાએ બે દિવસમાં જમીન બનાવી, બે દિવસમાં જમીનમાં પહાડો,ખાદ્યપદાર્થો વગેરેની વ્યવસ્થા કરી,પછી બે દિવસમાં સાત આસમાન બનાવ્યા,પછી આસમાન અને જમીન બંનેએ રાજી ખૂશીથી અલ્લાહના હુકમ હેઠળ ચાલવાની બાહેંધરી આપી, પછી અલ્લાહ તઆલાએ દરેક આસમાનમાં પોતાનો હુકમ મોકલ્યો અને આસમાનને દીવાઓ (તારાઓ) થી શણગારી દીધુ.

 કયામતના દિવસે શરીરના અંગો ગવાહી આપશે: કયામતના દિવસે જ્યારે કાન, આંખો અને ચામડી પણ લોકોના આમાલની ગવાહી આપશે તો લોકો તેમને પૂછશે કે તમે કેવી રીતે અમારા વિરૂદ્ધમાં ગવાહી આપો છો? તો બધા અંગો જવાબ આપશે કે અમને પણ તે જ અલ્લાહે બોલવાની શક્તિ આપી જેણે દરેકને બોલવાની શક્તિ આપી, તમે પોતાના અંગોની ગવાહીથી પોતાને છુપાવી નથી શકતા,તમારું અનુમાન હતું કે તમારા ઘણા આમાલની અલ્લાહને કશી ખબર નથી, તમારા આ ખોટા અનુમાને તમને આજે નુકસાનમાં મુકી દીધા.

 કુર્આન સાથે કાફિરોનું વર્તન: કાફિરો કહેતા હતા કે કુર્આનને ન સાંભળો અને શોર મચાવો, જેથી કોઈ સાંભળી ન શકે અને ઈમાન ન લાવે અને તમારું વર્ચસ્વ બાકી રહે, તેમને તેમના આ કામોની પીડાદાયક સજા આપવામાં આવશે.

 ઇમાન પર મક્કમતાનું ઇનામ: જે લોકો ઈમાન લાવ્યા અને ઈમાન પર મક્કમ રહ્યા, મોતના સમયે ફરિશ્તાઓ તેમની પાસે આવીને કહે છે કે ભવિષ્ય વિશે ફિકર ન કરો અને ભૂતકાળ વિશે ચિંતા ન કરો,અને જન્નતની ખૂશખબરી સાંભળો, જ્યાં તમારા પરવરદિગાર તરફથી મહેમાની રૂપે તમારી ઈચ્છા મુજબ ખાવાનું મળશે.

 સૌથી શ્રેષ્ઠ વાત કોની?: સૌથી શ્રેષ્ઠ વાત તે માણસની છે જે લોકોને અલ્લાહ તરફ બોલાવે અને કહે કે હું મુસ્લિમ (અલ્લાહના હુકમનો તાબેદાર)છું.

 બુરાઇનો જવાબ ભલાઇથી આપો: નેકી અને બુરાઈ કદી પણ બરાબર ન હોય શકે, બુરાઈનો જવાબ ભલાઇથી આપો, જેનું પરિણામ એ આવશે કે દુશ્મન પણ દોસ્ત બની જશે,પરંતુ આ કામ તે જ માણસ કરી શકે છે જેમાં -સબ્રનો ગુણ હોય, જો આવા સમયે શૈતાન વસવસો નાખે (કે બદલો લઈ લે,જેવા સાથે તેવા) તો અલ્લાહની પનાહ માંગી વસવસાને દૂર કરો.

 સૃષ્ટીને નહી સૃષ્ટીના સર્જનહારને પૂંજો: રાત,દિવસ,સૂર્ય,ચંદ્ર બધી અલ્લાહની મખલૂક છે,સૂર્ય, ચંદ્રની સામે સજદો(નમન) કરવાના બદલે તેને બનાવનારને સજદો કરો.

 કુર્આનની આયતોનું ખોટું અર્થઘટન કરનારા:  જે લોકો અલ્લાહની આયતો વિશે ખોટું અર્થઘટન કરી લોકોને ગુમરાહ કરે છે તેમની સમગ્ર પ્રવૃત્તિઓ અલ્લાહને ખબર છે,અત્યારે તેમને મોહલત છે.

 કુર્આનની સચ્ચાઇ સામે કાફિરોની જિદ: કુર્આન એવી કિતાબ છે જેમાં આગળ-પાછળ કોઈ પણ જગ્યાએથી બાતિલ પ્રવેશી નથી શકતુ, લોકો માટે હિદાયત અને બીમારીઓ માટે શિફા છે, પરંતુ જે લોકો પાસે ઈમાન નથી, તેમના કાનમાં બહેરાશ છે,જો કુર્આન અરબી સિવાય અન્ય કોઇ ભાષામાં ઉતારવામાં આવ્યું હોત તો તેઓ કહેવા લાગત કે અરબીઓ પર બિનઅરબી ભાષામાં કિતાબ કેમ ઉતારવામાં આવી? જેમણે વાત માનવી જ ન હોય તે કોઈ પણ રીતે ઇન્કાર કરે છે.