➥ હબીબ નજ્જારની શહાદતનો કિસ્સો: હઝરત ઇસા(અલ.)એ અંતાકિયા નામી વસ્તીમાં પોતાના બે હવારીઓ(સાથી)ને તવ્હીદની દાવત માટે મોકલ્યા, લોકોએ તેમનું અપમાન કર્યું અને તકલીફો આપી, તો ત્રીજાને પણ તેમનો સાથ આપવા માટે મોકલ્યા,પરંતુ લોકો ન માન્યા,અને તેમને અપશુકન માની તેમને પોતાની મુસીબતો (આર્થિક તંગી વગેરે) ના જવાબદાર ઠેરવ્યા,હવારીઓએ તેમને સમજાવ્યા કે મુસીબતોનું કારણ(તમારા ગુનાહ)તમારી સાથે જ છે, અંતાકિયામાં હબીબ નજ્જાર નામી એક મોમિન હતા, તે પોતાની કોમને સમજાવવા અને હવારીઓની વાતને ટેકો આપવા માટે આવ્યા,પોતાની કોમને અલ્લાહનો પરિચય કરાવી હવારીઓની વાત કબૂલ કરવા માટે જણાવ્યું,લોકોએ તેમને શહીદ કરી દીધા,તો અલ્લાહે ફક્ત એક અવાજ દ્વારા તેમને હલાક કરી દીધા,તેમનાં માટે કોઈ મોટું લશ્કર મોકલવાની પણ જરૂરત ન પડી.
➥ બીજી વાર સૂર પછીના દ્રશ્યો: જ્યારે બીજી વાર સૂર ફૂંકવામાં આવશે ત્યારે બધા મુર્દા જીવિત થઈને પોતાના રબ પાસે ભેગા થઈ જશે, લોકો આશ્ચર્ય પામી જશે કે અમોને કબરોમાંથી કોણે કાઢ્યા? તે વખતે અમુક એલાનો કરવામાં આવશે:(૧) આજે કોઈની ઉપર જુલ્મ કરવામાં નહી આવે,દરેકને પોતાના અમલનો જ બદલો/સજા મળશે.(૨) હવે જન્નતીઓ આરામ અને મજામાં રહેશે,જે ચાહશે તે ખાવા-પીવા મળશે, તેમના માટે સલામતી છે.(૩) નાફરમાનો અને મુજરિમો આજે નેક લોકોથી અલગ થઈ જાય.(૪) શું અલ્લાહે તમને નથી કહ્યું કે શયતાન તમારો ખુલ્લો દુશ્મન છે, તેને દુશ્મન સમજીને જ રહેજો અને મને છોડીને તેનું અનુકરણ ન કરશો.(૫) આજે મોઢા પર મોહર લગાવી દેવામાં આવશે,હાથ અને પગ લોકોના આમાલની ગવાહી આપશે.
➥ નબી સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને અલ્લાહ તઆલાએ શાયરી નથી શીખવાડી અને ન શાયરી આપને શોભે છે,કુર્આન તો નસીહતની કિતાબ છે,પરંતુ કાફિર પોતાની અસલિયત(કે અલ્લાહે તેને એક નિર્જીવ વીર્યથી પૈદા કર્યા)ભૂલીને કુર્આનનો,આખિરતનો ઇન્કાર કરે છે, મજાક કરે છે,સમજાવવામાં આવે છે તો સમજતો નથી, કુર્આનને જાદૂ કહે છે,અને ભૂલી જાય છે કે જે અલ્લાહે પહેલી વખત પૈદા કર્યો તે મર્યા પછી પણ બીજીવાર પૈદા કરવા પર કુદરત ધરાવે છે,જો અલ્લાહ કોઈ કામ કરવા ઈચ્છે તો કહે છે કે "થઈ જા"તો તે થઈ જાય છે.
【સૂરએ સાફ્ફાત】
➥ કયામતના દિવસે કાફિરો,જાલિમો અને તેમના સાથીદારોને એક જગ્યાએ ભેગા કરવામાં આવશે,અને કહેવામાં આવશે કે આજે કેમ એકબીજાની મદદ માટે કોઈ સામે નથી આવતું? તેઓ આપસમાં વાતચીત કરશે, પોતાને ગુમરાહ કરનારા સરદારો અને લીડરો પર દોષનો ટોપલો ઢોળશે, તો લીડરો એમ કહી તેમની ટીકાઓની ઝાટકણી કરશે કે અમે પોતે પણ ગુમરાહ હતા અને તમોને પણ ગુમરાહ કર્યા, પરંતુ તમારા ઉપર કોઈ જબરદસ્તી ન કરી હતી, ગુમરાહ કરનારા અને ગુમરાહ થનારા બધા જ અઝાબમાં ભાગીદાર રહેશે.
➥ અમુક એવા પણ હશે જે દુનિયામાં ગુમરાહ કરનારા દોસ્તોની વાતોમાં ન આવ્યા અને હિદાયત પર કાયમ રહ્યા,જન્નતમાં તેને પોતાના આવા દોસ્ત વિશે જાણવાની ઈચ્છા થશે,તો જોશે કે તે તો દોઝખમાં સળગી રહ્યો છે, ત્યારે અલ્લાહનો શુક્ર અદા કરશે કે અલ્લાહે મને કુફ્ર અને શિર્કથી બચાવી દોઝખથી બચાવ્યો.
➥ જ્યારે ઇબ્રાહીમ(અલ.)એ પોતાનું વતન છોડી દીધું (જેનું વર્ણન પારહ: ૧૬માં આવ્યું.)ત્યાર બાદ અલ્લાહ તઆલાથી ઘડપણમાં નેક અવલાદની દુઆ કરી તો અલ્લાહે તેમને ઇસ્માઇલ(અલ.)ના રૂપમાં અવલાદની નેઅમત આપી, જ્યારે તે મોટા થયા તો અલ્લાહે તેમને સ્વપ્નમાં પોતાના બેટાને ઝબહ કરવાનું બતાવી તેમની આજ્ઞાપાલનનું પરીક્ષણ કર્યું, નબીનું સ્વપ્ન સાચું હોય છે, એટલે તેમણે અલ્લાહના ઈશારાને સમજી પોતાના બેટાની સમક્ષ વાત મૂકી તો ઇસ્માઇલ(અલ.) પણ તૈયાર થઈ ગયા,બંને બાપ-બેટાએ સ્વપ્નને સાચું કરી બતાવ્યું,પરંતુ અલ્લાહે ઇસ્માઇલ(અલ.)ની જગ્યાએ કુર્બાની માટે જન્નતમાંથી ઘેટાને મોકલ્યું,અને કુર્બાનીને કયામત સુધી સુન્નતે ઇબ્રાહિમી તરીકે ઈબાદત બનાવી દીધી.
➥ હઝરત યૂનુસ(અલ.)નો કિસ્સો: (૧) હઝરત યૂનુસ(અલ.)ને ઈરાકના શહેર નેન્વામાં મોકલવામાં આવ્યા,જ્યારે પોતાની કોમને દઅવત આપી તો તેઓએ ઇન્કાર કર્યો, તો તેમને ત્રણ દિવસમાં અઝાબ આવવાની ચેતવણી આપી વસ્તી છોડીને ચાલ્યા ગયા.(૨) જ્યારે અઝાબની નિશાનીઓ દેખાવા લાગી તો લોકો સાચા દિલથી ઈમાન લઈ આવ્યા,તો અલ્લાહ તઆલાએ અઝાબ ઉઠાવી લીધો.(૩) યૂનુસ(અલ.)એમ સમજી કે જો વસ્તીમાં જઇશ તો લોકો તેમને જૂથો કહેશે અલ્લાહનો હુકમ આવતા પહેલાં સમુદ્ર તરફ ચાલ્યા ગયા અને એક હોડીમાં બેસી ગયા.(૪) અલ્લાહને પોતાના નબીની આ વાત પસંદ ન આવી, અલ્લાહનું કરવું કે હોડીમાં વજન વધી જવાથી એક માણસને ઉતારવાની જરૂરત પડી,ચિઠ્ઠી ઉછાળવામાં આવી તો દરેક વખતે યૂનુસ(અલ.)નું નામ નીકળ્યું, તો તેમને સમુદ્રમાં ઉતરવું પડ્યું.(૫) અલ્લાહના હુકમથી એક માછલી તેમને ગળી ગઈ, એક મુદ્દત સુધી માછલીના પેટમાં રહ્યા અને આ તસ્બીહ પઢતા રહ્યા "લા ઇલાહ ઇલ્લા અન્ત સુબ્હાનક ઇન્ની કુન્તુ મિનજ્જાલિમીન ", જેની બરકતથી અને અલ્લાહના હુકમથી માછલીએ તેમને એક ખુલ્લા મેદાનમાં છોડ્યા,માછલીના પેટમાંથી બહાર આવ્યા ત્યારે તે બીમાર હતા, અલ્લાહ તઆલાએ ઈલાજ માટે એક ઝાડ ઉગાડયું,સાજા થયા બાદ અલ્લાહ તઆલાએ તેમને એક લાખથી વધુ લોકો પાસે મોકલ્યા જે ઈમાન લઈ આવ્યા.
【સૂરએ સાદ】
➥ મક્કાના સરદારો માટે ફક્ત એક અલ્લાહનું ઇબાદતના લાયક હોવું કબૂલ કરવા પાત્ર ન હતું,કહેતાં કે એકથી વધુ દેવતાઓની ઈબાદત કરવાનો હેતુ માત્ર આ છે કે જો તે ખૂશ થઈ જશે તો તેઓ અલ્લાહ પાસે અમારી ભલામણ કરશે,આ માન્યતા ખોટી છે , અલ્લાહનો દરબાર કોઈ બાદશાહનો દરબાર નથી કે જેના સુધી પહોંચવા માટે કોઈ વઝીરની જરૂરત પડે,તેમણે ઘણી કોશિશો કરી કે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ પોતાના મિશનથી પાછા હટી શિર્ક તરફ આવી જાય, તેમણે આપના કાકા અબૂ તાલિબનો પણ સહારો લીધો,પરંતુ આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ પોતાની વાત પર મક્કમ રહ્યા.
➥ હઝરત દાઉદ(અલ.)ને અલ્લાહ તઆલાએ વિશાળ હુકૂમત આપી ફેંસલા કરવાની આવડત આપી હતી,પહાડો તેમની સાથે તસ્બીહ પઢતા હતા,પક્ષીઓ પણ ભેગા થઈને તસ્બીહમાં શામેલ થઈ જતાં હતાં, આ બધું હોવા છતાં તે નરમદિલ,નમ્ર અને હમેંશા અલ્લાહ તરફ ધ્યાન રાખવાવાળા હતા,એક વાર તેમનાથી કોઈ ચૂક થઈ ગઈ,અલ્લાહ તઆલાએ ચેતવ્યા તો તરત સજદામાં જઈ અલ્લાહથી માફી માંગી, અલ્લાહ તઆલાએ તેમને હુકૂમત વિશે માર્ગદર્શન આપતા જણાવ્યું કે લોકો વચ્ચે હંમેશા ઇન્સાફની સાથે ફેંસલા કરો, મનમાની ન કરો,અન્યથા સીધા રસ્તાથી ભટકી જશો.
➥ હઝરત સુલેમાન (અલ.)એ અલ્લાહથી દુઆ માંગી હતી કે મને એવી હુકૂમત અતા ફરમાવો જે મારા પછી કોઈને ન મળી શકે, અલ્લાહે તેમને દરેક વસ્તુ (હવા, જિન્નાત) પર હુકૂમત આપી,છતાં તે કદી પણ અલ્લાહની યાદથી ગાફેલ ન થયા,ભૂલ-ચૂક પર તરત અલ્લાહ તઆલાથી માફી માંગી લેતા હતા.
➥ હઝરત ઐયૂબ (અલ.); સબ્રનું શ્રેષ્ઠ ઉદાહરણ: હઝરત ઐયૂબ(અલ.)ગંભીર બીમારીમાં સપડાયા, અવલાદથી પણ મહરૂમ થઈ ગયા,પરંતુ સબ્ર કરીને ફક્ત અલ્લાહથી દુઆ કરતા રહ્યા કે એ અલ્લાહ! ઘણી તક્લીફમાં છું,આપ ખૂબ જ કૃપાળુ છે,અલ્લાહે આપની દુઆ કબૂલ કરી,નહાવા અને પીવા માટે ઠંડુ પાણી આપ્યું,જેનાથી બીમારી દૂર થઈ,અવલાદની દોલતથી પણ નવાઝયા,આપની બીવીએ પણ આપને પૂરો સાથ આપ્યો.
【સૂરએ ઝુમર】
➥ ત્રણ અંધારામાં ઈન્સાનનું સર્જન: અલ્લાહ તઆલાની કુદરત જોવો કે ઇન્સાનને માંના પેટમાં ત્રણ અંધારાઓમાં રાખીને તબક્કાવાર રીતે બનાવે છે: (૧) માંના પેટનું અંધારું(૨) ગર્ભાશયનું અંધારું(૩) તે થેલીનું અંધારું જેમાં બાળક વિટાયેલું હોય છે.
➥ સમજદાર હોવાનો માપદંડ: હિદાયતવાળા અને સમજદાર તે લોકો છે જે દીનની વાતને ધ્યાનથી સાંભળી તેના પર સારી રીતે અમલ કરે છે.
➥ કુર્આનનો અસર મોમિનના દિલ પર: અલ્લાહ તઆલાએ એવી કિતાબ ઉતારી છે જેમાં શ્રેષ્ઠ વાતો છે, તેને સાંભળીને અલ્લાહનો ખૌફ રાખનારાઓની ચામડી કંપી ઉઠે છે,અને અલ્લાહના ઝિક્ર તરફ આવી જાય છે.
➥ અનેકેશ્વરવાદીની હાલત દર્શાવતું ઉદાહરણ: એકથી વધારે માબૂદોની ઈબાદત કરવાવાળાની હાલત એવા નોકર જેવી છે જેના ઘણા માલિક હોય, એક કહે કે "ઉભો થઇ જા"બીજો કહે કે "બેસી જા"ત્રીજો કહે કે "સૂઈ જા ", તેને કંઈ સમજ જ ન પડે,અને એક અલ્લાહની ઈબાદત કરવાવાળાની હાલત એવા નોકર જેવી છે જેનો ફક્ત એક માલિક હોય.

0 Comments