અઝવાજે મુતહ્હરાત માટે જીવનના સિધ્ધાંતો: સાદગી, સબ્ર અને પરહેઝગારી: મુસલમાનોની આર્થિક પરિસ્થિતિઓમાં સુધાર આવ્યા બાદ એક વાર અઝવાજે મુતહ્હરાતે નબી સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ પાસે આવીને ઘરખર્ચ માટે મળતી રકમમાં વધારો કરવાની માંગ કરી,તે વખતે અલ્લાહ તઆલાએ તેમને સંબોધિત કરીને અમુક આયતો ઉતારી,જેનો સારાંશ આ છે.(૧) જો તમે માલ-દોલતને પ્રાથમિકતા આપો છો તો માલ લઈને નબી સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનો સાથ છોડી દો,અને જો અલ્લાહ અને તેના રસૂલને પ્રાથમિકતા આપો છો તો આર્થિક તંગીઓમાં સબ્ર કરી અલ્લાહના રસૂલનો સાથ આપો,જેનો ઘણો મોટો અજર છે.(૨) આપના માટે ગુનાહની સજા પણ બમણી છે અને નેકીઓનો ષવાબ પણ બમણો છે.(૩) ગૈર મર્દ સામે નરમ અવાજથી વાત ન કરો,જેથી કરીને જેના દિલમાં ખોટ હોય તે બુરાઈનો ઇરાદો ન કરી શકે.(૪) પોતાના ઘરોમાં જ રહો,જાહિલિયતના યુગની ઓરતોની જેમ ખુલ્લી ન ફરો.(૫) નમાઝ,ઝકાત, તિલાવતની પાબંદી કરો અને અલ્લાહ અને રસૂલના હુકમોની પેરવી કરો,અલ્લાહ તઆલા તમને દરેક પ્રકારની ગંદગીઓથી દૂર રાખવા માંગે છે.

 ફેંસલો માને તે મોમિન: કોઈ પણ મોમિન માટે જાઈઝ નથી કે જ્યારે અલ્લાહ અને તેના રસૂલનો કોઈ ફેંસલો આવે તો તેનો ઈન્કાર કરે.

 દત્તક પુત્રની બીવી વિશે જાહિલી માન્યતાનું રદ્દીકરણ: જયારે હઝરત ઝૈદ(રદી.)(જે નબી સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ ના દત્તક પુત્ર હતા) એ પોતાની બીવી(હઝરત ઝૈનબ રદી.)ને તલાક આપી દીધી તો અલ્લાહ તઆલાએ આસમાન પર તેમનાં નિકાહ પોતાના નબી સાથે કરી દીધા જેથી પોતાના દત્તક પુત્રની બીવી સાથે નિકાહ જાઈઝ ન હોવાની જાહિલી માન્યતા ખતમ થઇ જાય,અને એલાન કરી દેવામાં આવ્યું કે જે ફેંસલો અલ્લાહે કર્યો તેમાં મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ માટે કોઈ તંગી નથી,તે કોઈ પણ મર્દના સગા બાપ નથી,બલ્કે તે અલ્લાહના રસૂલ અને આખરી નબી છે,જેમને અલ્લાહે ખૂશખબરી સંભળાવવાવાળા,ડરાવવાવાળા અને હિદાયતના રોશન  ચિરાગ બનાવીને મોકલ્યા છે.

 નિકાહ બાબતે નબી સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની વિશેષતાઓ: અલ્લાહે પોતાના નબીને નિકાહની બાબતે અમુક વિશેષ હુકમો આપ્યા હતા:(૧) જો કોઈ ઓરત પોતાની જાતને નબીના નિકાહમાં પેશ કરે તો મહર આપ્યા વગર પણ નિકાહ જાઈઝ છે.(૨) એકથી વધારે પત્નીઓ હોવાની હાલતમાં નબી માટે તેમની વચ્ચે વારી નક્કી કરવી જરૂરી નથી.(૩) આપની વફાત પછી અઝવાજે મુતહ્હરાત સાથે કોઈ નિકાહ નથી કરી શકતું.

 પરાયા ઘરમાં દાવત માટે જવાના આદાબ: કોઈના ઘરે જ્યારે જમવાનું આમંત્રણ આપવામાં આવે તો નીચેની વાતોનો ખ્યાલ રાખવો જરૂરી છે.(૧) એટલા વહેલા ન પહોચવું કે હજુ ખાવા પકાવવાનું પણ બાકી હોય.(૨) જમ્યા પછી એટલું પણ ન બેસી રહેવું કે જેનાથી મહેમાનને તકલીફ થાય.(૩) જ્યારે ગેર મહરમ ઓરતથી જરૂરતની વસ્તુ માંગવાની જરૂરત પડે તો પરદા પાછળથી માંગો.

 દુરૂદ શરીફ પઢવાની પાબંદી કરો: અલ્લાહ તઆલા અને તેના ફરિશ્તા પોતાના નબી પર રહમત અને સલામતી મોકલે છે, ઈમાનવાળાઓને પણ દુરૂદ શરીફ પઢી પોતાના નબી માટે રહમત અને સલામતીની દુઆ કરવાનો હુકમ છે.

 પરદામાં ઓરતની હિફાઝત છે: ઈમાનવાળી તમામ ઓરતોને હુકમ આપવામાં આવ્યો છે કે પરદો કરીને નીકળે જેમાં તેમની ઇઝઝત અને આબરૂની હિફાઝત છે.

 કમઝોર ઇન્સાને ભારે અમાનત ઉઠાવી છે: દીન,શરીઅત એક અમાનત છે,જેને આસમાન,જમીન અને પહાડો પણ ન ઉઠાવી શક્યા,પરંતુ ઇન્સાને તેને ઉઠાવી છે,અમાનતનો હક અદા કરનારાઓ (મોમિનો)અલ્લાહની રહમતના અને તેનો હક મારનારા (મુશરિકો,મુનાફિકો) અલ્લાહના અઝાબના હકદાર બનશે.

                    【સૂરએ સબા

 હઝરત દાઉદ (અલ.) અને હઝરત સુલેમાન (અલ.) વિશે: હઝરત દાઉદ (અલ.)ને અલ્લાહ તઆલાએ ઘણા મોઅજીઝા આપ્યા હતા, દા.ત.પક્ષીઓ અને પહાડોનું તેમની સાથે તસ્બીહ પઢવું,લોખંડનું તેમના હાથમાં નરમ થઈ જવું,જેનાથી તે બખ્તર બનાવીને પોતાનું ગુજરાન ચલાવતા હતા,અને તેમનાં બેટા સુલેમાન (અલ.)ને પણ ઘણી શક્તિઓ આપી હતી,જેમ કે (૧) હવાઓ પર હુકુમત હતી,તે પોતાના સિંહાસન પર બેસીને એક દિવસમાં બે મહીનાનું અંતર કાપી લેતા હતા.(૨) તેમનાં માટે અલ્લાહે તાંબાનું ઝરણું વહેતુ કર્યું હતું, જેમાંથી વાસણો બનાવવામાં આવતા હતા.(૩) જિન્નાતો તેમના તાબા હેઠળ હતા,જે આપના હુકમ મુજબ મેહરાબ,પુતળા,પ્યાલા અને દેગો બનાવતા હતા.(૪) એક વાર પોતાની લાકડીના ટેકે ઉભા રહી જિન્નાતોની નિગરાની કરી રહ્યા હતા,તે જ હાલતમાં તેમનો ઇન્તેકાલ થયો,પરંતુ જિન્નાતોને ત્યારે ખબર પડી જ્યારે ઉધઈ તેમની લાકડીને ખાઈ ગઈ અને તે જમીન પર પડી ગયા.અલ્લાહ તઆલાએ હુકમ આપ્યો હતો કે આ તમામ નેઅમતો અને વિશાળ હુકૂમત પર શુક્ર અદા કરો,મારા બંદાઓમાં શુક્રગુઝાર બંદા ઓછા છે.

 કોમે સબાના વિનાશનો કિસ્સો: કોમે સબાને અલ્લાહ તઆલાએ ઘણી સમૃધ્ધિ આપી હતી, રસ્તાની બંને તરફ તેમના બગીચા હતા,બાગોની સિંચાઇ માટે તેમણે ડેમ પણ બનાવ્યો હતો,સફરની આસાની માટે થોડા થોડા અંતરે નાની નાની વસ્તીઓ હતી,જેમાં તે સફર દરમિયાન આરામ વગેરે જરૂરતો પૂરી કરી લેતા હતાં,તેમને નેઅમતોના ઉપયોગની સાથે અલ્લાહના શુક્ર અને તેની ઈબાદતનો હુકમ આપવામાં આવ્યો,પરંતું તેમણે નબીઓની નાફરમાની અને નાશુક્રીનો રસ્તો અપનાવ્યો,નેઅમતોને ઠુકરાવી દીધી, સફરમાં સાહસી બનવા માટે નજીકની વસ્તીઓને દૂર કરી દેવાની માંગ કરી,તો અલ્લાહ તઆલાએ ના શુક્રીની સજામાં તેમના ડેમને તોડી નાખ્યો, પૂરની સ્થિતિ સર્જાઈ અને તેઓ ડૂબીને તબાહ થયા, સ્વાદિષ્ટ ફળોથી ભરાયેલા બગીચા ઝાડ ઝંખવારમાં બદલાઈ ગયા.

 ફક્ત નેક આમાલ અલ્લાહથી નજીક કરે છે: અલ્લાહ તઆલા જેના માટે ચાહે રોઝીના દરવાજા ખોલી નાખે છે અને જેના માટે ચાહે બંધ કરે છે, પરંતુ કોઈ પણ માણસ પોતાના માલ અને અવલાદના પ્રતાપે અલ્લાહની નજદીકી પ્રાપ્ત નથી કરી શકતો, ફક્ત નેક આમાલ અલ્લાહની નજદીકી અપાવે છે.

                    【સૂરએ ફાતિર

 જ્યાં અલ્લાહની રહમત છે, ત્યાં કોઈ અવરોધ નથી: અલ્લાહ લોકો માટે પોતાની રહમતના દરવાજા ખોલે તો કોઈ રોકી શકતું નથી અને રહમતને રોકી લે તો તેને કોઈ લાવી નથી શકતું.

 મીઠા અને ખારા દરિયાનો અજોડ પરદો: અલ્લાહ તઆલાએ પોતાની કુદરતથી બે દરિયા એવા બનાવ્યા છે કે બંને એક બીજાની સાથે જ છે,એકનું પાણી મીઠુ અને બીજાનું ખારું છે, બંનેની વચ્ચે એવો પરદો છે કે એકનું પાણી બીજામાં નથી જતું.

 મખલૂક મોહતાજ છે: હંમેશા યાદ રાખો કે મખલૂક અલ્લાહની મોહતાજ છે, અને અલ્લાહ કોઈનો મોહતાજ નથી.

 હિદાયત અને ગુમરાહીનું ઉદાહરણ: જેવી રીતે આંધળો અને આંખોની રોશનીવાળો વ્યકિત, અંધકાર અને રોશની,છાયડો અને તડકો, સજીવ અને નિર્જીવ બરાબર નથી હોય શકતા,એવી જ રીતે હિદાયત પર ચાલનાર અને હિદાયતથી વંચિત વ્યક્તિ બરાબર ન હોય શકે.

 અલ્લાહનો ખૌફ:આલિમની ઓળખ: ઓળખઅલ્લાહના બંદાઓમાં જે આલિમ(અલ્લાહની જાત અને સિફાતનો ઇલ્મ ધરાવનાર) છે તે જ હકીકતમાં અલ્લાહથી ડરે છે.

 કુરઆનના વારસદાર; ત્રણ પ્રકારના લોકો: અલ્લાહ તઆલાએ ઉમ્મતે મુસ્લિમાને કુર્આનના વારિસ બનાવ્યા, જે અલ્લાહનો મોટો ફજલ છે,તેના પર અમલ કરવાની દ્રષ્ટિએ લોકોના ત્રણ પ્રકાર છે:(૧)એવા લોકો જે તેના પર અમલને છોડીને પોતાની જાત પર જુલ્મ કરવાવાળા છે.(૨) એવા લોકો જે મોટે ભાગે તેના હુકમોનું પાલન કરે છે,પરંતુ અમુક વખતે પાલન નથી કરતા.(૩)જે અલ્લાહની તવફીકથી કુર્આનના તમામ હકો (તેની તિલાવત,અમલ,તાલીમ, તબ્લીગ વગેરે)અદા કરવામાં અગ્રેસર રહે છે.

 જીવન એક સોનેરી તક છે,લાભા ઉઠાવો: નેકલોકો(જેમણે કુર્આનના હકો અદા કર્યા.)ને એવી જન્નતમાં દાખલ કરવામાં આવશે જ્યાં તેમને સોનાના ઘરેણાં અને રેશમનો પોશાક પહેરાવવામાં આવશે, ત્યાંની રાહતોને જોઈને અલ્લાહનો શુક્ર અદા કરશે કે અમોને એવી જન્નતમાં વસાવ્યા જ્યાં તક્લીફ,ગમ અને થાક જેવી કોઈ ચીજ નથી,જ્યારે બીજી તરફ કાફિરો (જેમણે કુર્આનના હકો પામાલ કર્યા) એવી દોઝખમાં હશે જ્યાં મોત પણ નહી આવે કે અઝાબથી રાહત મળી જાય અને અઝાબ પણ હલકો કરવામાં નહી આવે, તેઓ બૂમો પાડીને કહેશે કે અમોને અહિયાંથી કાઢીને નેક આમાલ કરવાની તક આપવામાં આવે, તો જવાબ આપવામાં આવશે કે તમને દુનિયામાં એટલી જિંદગી આપવામાં આવી હતી જે હક અને સચ્ચાઈનો રસ્તો સમજવા માટે પૂરતી હતી,અને તમારી પાસે સમજાવવાવાળા પણ આવ્યા હતા.

 ગુનાહો પર તાત્કાલિક પકડ નથી આવતી: જો અલ્લાહ તઆલા દુનિયામાં લોકોની નાફરમાની અને ગુનાહો પર તાત્કાલિક પકડ કરે અને અઝાબ મોકલે તો જમીન પર કોઈ પણ બાકી ન રહે,દરેકને એક મુદ્દત આપે છે.

                    【સૂરએ યાસીન

 જિદ્દી માણસ માટે નસીહત બેકાર છે: જે લોકો પોતાના કુફ્ર અને નાફરમાની પર જિદ્દી બનીને બેઠા છે, તેમને કુર્આનની નસીહતનો કોઈ અસર નહીં થાય, તેમની હાલત એવા માણસ જેવી છે,જેના ગળામાં બેડીઓ હોવાથી માથું ઉપર ઉઠી જાય, આગળ પાછળ પરદા હોય,જેથી કશું જોઈ ન શકે,કુર્આનની નસીહતનો અસર ફક્ત એવા લોકો પર થાય છે જે ગેબ પર ઈમાન રાખે છે.