➥ અલ્લાહે પોતાના નબીને ઉમ્મી રાખ્યા એટલે કે આપ કુર્આન પહેલા ન કોઈ કિતાબની તિલાવત કરતા હતા અને ન કોઇ ચીજ લખતા હતા,જેથી કુર્આન વિશે કોઈ એવી શંકા વ્યક્ત ન કરી શકે કે આપે પોતાના તરફથી બનાવ્યું છે.
➥ અલ્લાહની ધરતી ઘણી વિશાળ છે,જો કોઇ જગ્યાએ અલ્લાહની ઇબાદત કરવી શક્ય ન હોય તો હિજરત કરીને બીજી જગ્યાએ સ્થાયિ થઇ જાઓ,મોતથી ન ડરો,મોત તો કોઇ પણ સંજોગોમાં આવીને રહેશે,રોઝીની પણ ફિકર ન કરો,દુનિયામાં ઘણા સજીવો એવા છે જે પોતાની સાથે રોઝી લઇને નથી ફરતા,અલ્લાહ તેમને રોઝી આપે છે.
➥ અરબમાં ઈસ્લામ આવતા પહેલાં ચારે તરફ લૂંટફાટ અને ડરનો માહોલ છવાયેલો હતો,છતાં હરમ શરીફ અને તેના ખાદિમોને અલ્લાહ તઆલાએ સુરક્ષિત રાખ્યા હતા, દરેક જગ્યાએ તેમને સન્માન આપવામાં આવતું હતું
➥ જે લોકો અલ્લાહની રાહમાં મહેનત અને પરિશ્રમ કરશે અલ્લાહ તેમના માટે હિદાયતના રસ્તા ખોલશે.
【સૂરએ રુમ】
➥ જ્યારે ઈરાન(પારસીઓ)અને રુમ(ઇસાઈઓ)વચ્ચેની જંગમાં ઇરાનની જીત થઈ તો મક્કાના મુશરિકો ખુશ થઈ ગયા(એટલા માટે કે પારસીઓ અકીદામાં મુશરિક જ હતા),તે વખતે અલ્લાહે અમુક આયતો ઉતારી જણાવ્યું કે ત્રણથી નવ વર્ષના ગાળામાં રુમની જીત થશે,અને મોમિનો ખૂશ થઈ જશે(એટલા માટે કે ઇસાઈઓ અકીદામાં મુસલમાનોથી નજીક હતા)કુર્આનની આ આગાહી સાચી પૂરવાર થઈ.
➥ દુનિયામાં ઘણા લોકો એવા છે જેમને દુન્યવી ચીજ વસ્તુઓનું તો ખુબ જ્ઞાન છે,પરંતુ અલ્લાહના વાયદાઓ અને આખિરતની જાણકારીના મામલે બિલ્કુલ બે ખબર છે,પોતાની અંદર અને સૃષ્ટિમાં પણ ચિંતન મનન નથી કરતા કે જેથી પોતાની પૈદાઈશનો હેતુ જાણી શકે.
➥ જમીનમાં ચાલી ફરીને જોવો કે આપણા કરતાં પણ વધુ શક્તિશાળી અને કુશળ કોમો દુનિયામાં હતી,પરંતુ કુફ્, શિર્ક અને અલ્લાહની નાફરમાની કરી તો તેમને અઝાબથી કોઈ તાકાત બચાવી ન શકી.
➥ અલ્લાહની કુદરતની નિશાનીઓમાંથી અમુક નિમ્નલિખિત છે.(૧) જીવનસાથીના રૂપમાં બીવી છે જેની સાથે મર્દ સુકૂન અને આરામદાયક જીવન વિતાવે છે.(૨) આસમાન અને જમીનની બનાવત,તેનું કાયમ રહેવું, લોકોની ભાષાઓ અને રંગોનું અલગ અલગ હોવું.(૩) રાત દિવસની વ્યવસ્થા છે જેમાં માનવી આરામ કરે છે અને રોઝી રોટી માટે મહેનત કરે છે.(૪) આસમાનની વિજળી છે જેનાથી નુકસાનનો ભય પણ રહે છે અને વરસાદ(જેનાથી ઉજ્જડ જમીનો આબાદ થાય છે.)ની આશા પણ બંધાઈ છે, અને જ્યારે વરસાદ વરસે છે તો લોકો ઉદાસીનતા છોડી ખુશ થઈ જાય છે,આમાં સમજદારો માટે અલ્લાહના માબૂદ(ઈબાદતના લાયક) હોવાની નિશાનીઓ છે.
➥ જે ફિતરત પર અલ્લાહે પૈદા કર્યા છે તેના જ ઉપર બાકી રહો,એટલે કે એક જ અલ્લાહની ઈબાદત કરો, ફિતરતને બગાડીને મુશરિક અને અલ્લાહના નાફરમાન ન બની જાઓ.
➥ જો વ્યાજ લેવાની નિય્યતથી કોઈને માલ આપશો તો અલ્લાહના નજીક તેમાં કોઈ વધારો નથી થતો,બલ્કે માલની બરકતો ખતમ થઇ જાય છે,અને જો અલ્લાહને રાજી કરવા માટે ઝકાત આપશો તો દુનિયામાં બરકત અને આખિરતમાં બમણો ષવાબ મળશે.
➥ અલ્લાહે ઇન્સાનની જિંદગીને બે કમજોરીઓ અને એક તાકતની વચ્ચે બનાવી છે,માંના પેટમાં અને પૈદા થયા પછી એક મુદ્દત સુધી તેનું અસ્તિત્વ અત્યંત કમજોર હોય છે,પછી જવાનીમાં તે તાકાતવાન થઈ જાય છે, અને પછી પાછો ઘડપણની કમજોરી આવી જાય છે.
【સૂરએ લુક્માન】
➥ હઝરત લુકમાન હકીમને અલ્લાહ તઆલાએ ઘણી હિકમત અને સમજદારી આપી હતી,તેમની હિકમતભરી વાતો ઇતિહાસના પૃષ્ઠોમાં વિખ્યાત છે, અલ્લાહ તઆલાએ સૂરએ લુકમાનમાં તેમની અમુક નસીહતો બયાન કરી છે, જે તેમણે પોતાના પુત્રને કરી હતી, હે મારા દીકરા! (૧) કદાપિ શિર્ક ન કર,શિર્ક ઘણો મોટો ગુનોહ છે.(૨) માનવીનો અમલ (ભલે)રાયના દાણા બરાબર હોય, અને એ અમલ પણ પત્થરની નીચે હોય (જેથી કોઇ જોઇ ન શકે) અથવા (એટલો દૂર હોય કે) આસમાનોમાં હોય, અથવા જમીન(ની ઊંડાઈ)માં હોય,(તો પણ)અલ્લાહ તઆલા (કયામતના દિવસે) તેને(માનવી સમક્ષ)પ્રસ્તુત કરી આપશે.(૩) નમાઝને કાયમ કર, લોકોને ભલાઈઓનો હુકમ કર,બુરાઈઓથી રોક અને મુશ્કેલ પરિસ્થિતિઓમાં સબ્ર કર,સબ્ર ઘણું હિંમતનું કામ છે.(૪) મોઢું બગાડીને લોકોની સામે ન આવ અને જમીન પર ઘમંડની સાથે ન ચાલ,અલ્લાહ ઘમંડીઓને પસંદ નથી ફરમાવતા.(૫) પોતાની અવાજ અને ચાલને મધ્યમ રાખ, સૌથી ખરાબ અવાજ ગધેડાની અવાજ છે.
➥ પોતાના માં-બાપ સાથે સારો વર્તાવ કરો,તેમનું કહેવું માનો,કારણ કે માં એ તમોને ઘણી તકલીફની સાથે પેટમાં ઉઠાવ્યા અને બે વર્ષ સુધી દૂધ પીવડાવ્યું,પરંતુ જો તે શિર્ક(અથવા અન્ય કોઇ ગુનાહ)નો હુકમ કરે તો તેમનું ન માનો,પરંતુ તેમની સાથે હંમેશા વર્તાવ સારો રાખો.
➥ પાંચ વસ્તુઓની જાણકારી ફકત અલ્લાહ પાસે છે:(૧) કયામત ક્યારે આવશે?(૨) વરસાદ ક્યાં અને કેટલો વરસશે?(૩) માં ના પેટમાં જે બાળક છે તેની વિગતવાર જાણકારી શું છે?(૪) માનવી સાથે આવતી કાલે શું થશે?(૫) માણસ કઈ જગ્યાએ મૃત્યુ પામશે?
【સૂરએ સજદહ】
➥ અલ્લાહ તઆલા આસમાનથી લઇને જમીન સુધી દરેક વસ્તુ અને કામનો વહીવટ સંભાળે છે, કયામતના દિવસે દરેક પ્રકારના મામલા તેની સામે પ્રસ્તુત કરવામાં આવશે,તેણે દરેક વસ્તુને શ્રેષ્ઠ રીતે બનાવી છે.
➥ સાચા મોમિનોની એક નિશાની આ છે કે જ્યારે તેમને કુર્આનની આયતો દ્વારા નસીહત કરવામાં આવે છે તો ઘમંડી બનીને ઇન્કાર નથી કરતા,બલ્કે તરત સજદો કરીને પોતાના અમલથી ફરમાબરદાર હોવાનું પુરવાર કરે છે,તેમના પડખા(અલ્લાહની ઇબાદત માટે) તેમના બિસ્તરોથી અલગ રહે છે,પોતાના રબને અઝાબના ડર અને ષવાબની આશા સાથે પુકારતા રહે છે,તેમના માટે જન્નતમાં એવી નેઅમતો છે જેને કોઇ પણ નથી જાણતું.
➥ અલ્લાહ તઆલા અમુક વખત (આખિરતના અઝાબ સિવાય) દુનિયામાં પણ નાફરમાનોને નાના-મોટા અઝાબોમાં ઘેરે છે,જેથી નાફરમાની અને ઝુલ્મથી તોબા કરવી હોય તો કરી લે.
【સૂરએ અહઝાબ】
➥ ઇસ્લામે જાહિલિયતના યુગની ઘણી માન્યતાઓ અને રિવાજોને નાબૂદ કર્યા, જેના પૈકી અમુક આ છે.(૧) અલ્લાહે કોઈ પણ આદમીની છાતીમાં બે દિલ (હૃદય) નથી બનાવ્યા,જેમ કે જાહિલિયતના યુગમાં અત્યંત હોશિયાર માણસ વિશે લોકોનું એવું માનવું હતું કે તેની પાસે બે દિલ છે.(૨) પોતાની બીવીને જબાનથી માં કહી દેવાથી તે માં નથી બની જતી, જાહિલિયતમાં લોકો એમ સમજી હંમેશા માટે બીવીને પોતાનાથી દૂર કરી દેતા હતા.(૩) દત્તક લીધેલો પુત્ર કદાપિ સગા બેટાની જેમ નથી હોય શકતો,તેને પોતાના હકીકી બાપ તરફ સંબોધિત કરવામાં આવે.જાહિલિયતમાં જે થઈ ગયું તેને અલ્લાહે માફ ફરમાવી દીધું.
➥ નબી સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની જાત મોમિનો માટે તેમની પોતાની જાતથી પણ વધુ નજીક છે અને આપની બીવીઓ તેમની માં છે,આ ઇમાની અને રૂહાની સંબંધની વાત છે,અને બીજા સંબંધોમાં નજીક અને દૂરનો ફર્ક હોય શકે છે,અમુક સગા સંબંધીઓ સાથેનો સંબંધ બીજાની તુલનામાં નજીકનો અથવા દૂરનો હોય છે.
➥ (૧) ખંદકની લડાઇમાં મક્કા અને મદીનાના કબીલાઓએ મુસલમાનો પર હુમલો કરી તેમને ખતમ કરી દેવા માટે ગઠબંધન બનાવ્યું અને એકજૂથ થઈને મદીનાને ઘેરી લીધું.(૨) મુસલમાનો માટે આ સમય ઘણો કપરો હતો, તેઓ ઘણા ગભરાઈ ગયા, રસૂલ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ અને સહાબા(રદી.)એ સાથે મળીને સખત મહેનત અને પરિશ્રમ કરીને ખંદક ખોદી અને મદીના શરીફને સુરક્ષિત બનાવ્યું. (૩) મુનાફિકોએ પોતાની આદત મુજબ મુસલમાનોની હિંમત તોડવામાં ઘણો ભાગ ભજવ્યો, કહેવા લાગ્યા કે અલ્લાહ અને તેના રસૂલના બધા વાયદા જૂઠા છે, મદીના તમારા માટે સુરક્ષિત જગ્યા નથી રહી, અહીંયાથી નાસી જાઓ.(૪) તેમણે પહેલાં તો પ્રતિજ્ઞા લીધી હતી કે અમે ગમે તેવા સંજોગોમાં અડગ રહીશું, પરંતુ હવે પોતાની પ્રતિજ્ઞાઓ અને વાયદાઓને ભૂલીને નાસવા લાગ્યા.(૫) દુશ્મનને જોઈને તમન્ના કરવા લાગ્યા કે કાશ! હમે ગામમાં રહેતા હોત તો લડવા માટે ન આવવું પડત.(૬) જ્યારે બીજી તરફ મોમિનો દુશ્મનોના લશ્કરોને જોઈને ગભરાવવાને બદલે બોલી ઉઠ્યા કે આ જ વસ્તુનો અલ્લાહ અને તેના રસૂલ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે વાયદો કર્યો છે,દુશ્મનોની ફોજને જોઈને એમનું ઈમાન વધી ગયું અને હક અને સચ્ચાઈ માટે લડવાનો જે વાયદો કર્યો હતો, તેમણે પૂરો કર્યો, ઘણા આ રસ્તામાં શહીદ થઈ ગયા અને ઘણા શહાદતનો શોખ દિલમાં લઈને બેઠા હતા.(૭) લગભગ એક મહિના સુધી કાફિરોએ મદીનાનો ઘેરો રાખ્યો, છેવટે અલ્લાહ તઆલાએ હવાનું તોફાન અને ફરિશ્તાઓની મદદ મોકલી, મક્કા અને મદીનાના કાફીરો (જે એકજૂથ થઈને આવ્યા હતા)મદીનાનો ઘેરો ખતમ કરી પોતાના ઈરાદાઓમાં નિષ્ફળ રહી પાછા ફર્યા.(૮) ખંદકની લડાઈ વખતે બનૂ કુરયજા નામી યહૂદીઓના એક કબીલાએ હુમલાખોરોનો સાથ આપી મુસલમાનો સાથે ગદ્દારી કરી,લડાઈથી ફારિગ થઈને રસૂલ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ અને સહાબા (રદિ.) એ તેમનો ઘેરો કર્યો અને ગદ્દારીની સજા રૂપે અમુકને કતલ અને અમુકને કેદ કરવામાં આવ્યા.
➥ અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની જાત તમામ લોકો માટે કયામત સુધી એક આદર્શ વ્યક્તિત્વ અને ઘણો સારો નમૂનો છે,જીવનના દરેક ક્ષણે તેમનું અનુકરણ કરો, જેમાં દુનિયા અને આખિરતની ભલાઈ છે.

0 Comments