➥ આસમાન અને જમીનમાં જે કંઈ ગૈબની વાતો છે તે લવ્હે મહફૂઝમાં લખાયેલ છે, અલ્લાહ સિવાય તેને કોઈ નથી જાણતું.
➥ કયામત પહેલાં એક અદભુત જાનવર નીકળશે જે લોકોના મોમિન અથવા કાફિર હોવાનું નિર્દેશ કરશે,જે કયામતની નિશાની છે.
【સૂરએ કસસ】
➥ (૧) ફિરઓન મિસરનો ક્રૂર શાસક હતો,જે અત્યંત અહંકારી અને ખુદાઈનો દાવેદાર હતો,અલ્લાહ તઆલાએ બની ઈસરાઈલને તેના ઝુલ્મથી છુટકારો આપવાનો અને તેમને લોકોના ઇમામ(પેશવા) બનાવવાનો નિર્ણય લીધો.(૨) ફિરઓને પૂર્વવાણી સાંભળી હતી કે બની ઈસરાઈલનો એક પુત્ર તેના શાસનનો અંત લાવશે,આ ભયને કારણે ફિરઓને બની ઈસરાઈલના દરેક નવજાત પુત્રને મારી નાખવાનો આદેશ આપ્યો.(૩) તે જ જમાનામાં હઝરત મૂસા(અલ.)નો જન્મ થયો.તેમની વાલિદા ફિરઓનની નીતિઓને કારણે પોતાના પુત્રની જિંદગી વિશે ખૂબ જ ભયભીત હતી.(૪) અલ્લાહે તેણીને ઈલ્હામ દ્વારા સમજાવ્યું કે જ્યાં સુધી બની શકે તેને દૂધ પીવડાવો અને જ્યારે ભય લાગે ત્યારે મૂસા(અલ.)ને એક પેટીમાં મૂકી નદીમાં વહાવી દો, અને બે ફિકર થઈને અલ્લાહ પર ભરોસો રાખો, એક દિવસ અલ્લાહ તેની સાથે મિલન કરાવશે.(૫) મૂસા(અલ.)ની વાલિદાએ તેમને પેટીમાં મૂકી તેને સમુદ્રમાં તરતી મૂકી દીધી, જે વહેતી વહેતી ફિરઓનના મહેલ સુધી પહોંચી,ફિરઓનની પત્ની આસિયહ (રદિ.)એ પેટી ઉઠાવી લીધી.(૬) મૂસા(અલ.) ને જોઇને તેણે ભલામણ કરી કે આ બાળકને મારવામાં ન આવે, આપણે તેને મહેલમાં રાખીશું, તે આપણી આંખોની ઠંડક બનશે.(૭) અલ્લાહ તઆલાએ મૂસા (અલ.) ને તેમની વાલિદા સાથે પૂનઃમિલન કરાવવાની વ્યવસ્થા એ રીતે કરી કે જ્યારે દૂધ પીવડાવવા (સ્તનપાન)ની જરૂરત પડી ત્યારે મૂસા (અલ.)કોઈ પણ સ્ત્રીનું દૂધ ન પીતા હતા.(૮) મૂસા (અલ )ની બહેને (જે પેટીનો પીછો કરીને મહેલ સુધી પહોંચી હતી.) તેમને જણાવ્યું કે હું એક સ્ત્રીને જાણું છું જે આ બાળકને સારી રીતે દૂધ પીવડાવી શકે.(૯) આ રીતે વાયદા મુજબ અલ્લાહ તઆલાએ પોતાની કુદરતથી મૂસા (અલ.)ને તેમની વાલિદા પાસે મોકલી દીધા અને શાહી અને વૈભવી મહેલમાં તેમની પરવરિશ થઈ.(૧૦) એક દિવસ મૂસા (અલ.)ની સામે એક બની ઇસરાઇલી અને એક કિબતી (ફિરઓનની કોમનો માણસ) લડી રહ્યા હતા,બની ઇસરાઇલીએ મદદ માંગી તો મૂસા(અલ.) એ તેને બચાવવા માટે કિબતીને એક મુક્કો માર્યો ,જેનાથી તેનું મૃત્યુ થઈ ગયું.(૧૧) આ ભૂલથી મૂસા(અલ.)ને ઘણું દુ:ખ થયું અને અલ્લાહથી માફી માંગીને તૌબા કરી.(૧૨) બીજા દિવસે તેજ બની ઇસરાઇલી લડી રહ્યો હતો, મૂસા (અલ.)એ છોડાવવા માટે હાથ લંબાવ્યો તો તે ગભરાઈને ગઈકાલના બનાવ વિશે બોલી ઉઠ્યો, જેથી શહેરમાં ખબર પડી ગઈ કે કિબતીને કોણે માર્યો?.(૧૩) આ ઘટનાના કેટલાક સમય પછી, એક વ્યક્તિએ મૂસા (અલ.)ને ચેતવણી આપી કે ફિરૌન આ હત્યાના કાવતરમાં તેમને દોષી ઠેરવીને મારવા ઈચ્છે છે.(૧૪) ચેતવણી મળતા જ મૂસા (અલ.) મિસર છોડી મદયનની તરફ ચાલ્યા ગયા.(૧૫) મૂસા (અલૈહિસ્સલામ) મદયનમાં એક કુવાં પાસે પહોંચ્યા,જ્યાં તેમણે બે બહેનોને કુવાં પરથી તેમના પશુઓ માટે પાણી ભરવામાં મદદ કરી.(૧૬) બહેનોએ પ્રભાવિત થઈને આ ઘટનાની જાણ પોતાના પિતા (હઝરત શુઐબ અલ.)ને કરી, અને મૂસા અલ.ની તાકાત અને ઈમાનદારીની ખબર આપી,તો શુઐબ અલ.એ મૂસા (અલ.)ને પોતાના ઘરે બોલાવ્યા અને પોતાની એક બેટી સાથે નિકાહનો પ્રસ્તાવ મૂક્યો, અને નિકાહ માટે શરત મૂકી કે આપ 8 થી 10 વર્ષ સુધી મારા ઘરે મજદૂરી કરશો.(૧૭) મૂસા (અલ.) એ મુદ્દત પૂરી કરી અને નિકાહ પછી પોતાની બીવી સાથે મિસર તરફ પરત ફર્યા. ત્યાર પછી મૂસા(અલ.)ને નુબુવ્વત મળી, જેનો કિસ્સો પારહ: ૧૬માં વર્ણવવામાં આવ્યો છે.
➥ હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે આ બધા કિસ્સાઓ આટલી વિગતોની સાથે બયાન કર્યા, જ્યારે કે આપ ન તૂર પહાડ પર હાજર હતાં જ્યાં મૂસા (અલ.) ને નુબૂવ્વત મળી, ન મદયનમા હાજર હતા અને ન બીજી કોઈ જગ્યાએ, જે આપના નબી હોવાની ખુલ્લી દલીલ છે.
➥ બે શક કોઈને હિદાયત આપવી ફકત અલ્લાહના હાથમા છે, નબીના હાથમાં પણ નથી (જો હોત તો આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે પોતાના કાકા અબૂ તાલિબને હિદાયત આપી દીધી હોત) નબી ફકત હિદાયતનો રસ્તો બતાવી શકે છે.
➥ એક તો તે માણસ છે જેની સાથે અલ્લાહે સારો વાયદો(જન્નત, આખિરતની કામયાબી)કર્યો છે, અને બીજો તે માણસ જેની પાસે ફક્ત દુનિયાની સમૃધ્ધિ છે અને આખિરતમાં દોઝખનો હકદાર છે, બંને બરાબર નથી.
➥ અલ્લાહ પાસે દરેક વસ્તુનો અધિકાર છે, તેના સિવાય કોઈની પાસે કોઈ અધિકાર નથી, જો તે કયામત સુઘી રાતને રાત જ રહેવા દે તો કોઈ અજવાળું લાવી શકતું નથી, અને જો તે કયામત સુઘી દિવસને દિવસ જ રહેવા દે તો કોઈ રાત લાવી શકતું નથી.
➥ (૧) કારૂન બની ઈસરાઈલનો એક શખ્સ હતો, જે ખૂબ ધનવાન અને અહંકારી હતો. (૨) અલ્લાહે તેને એટલો મોટો ખજાનો આપ્યો કે તેને ઉપાડવા માટે મજબૂત લોકોની જરૂર પડતી હતી.(૩) અલ્લાહનો શુક્ર માનવાના બદલે તેનું માનવું હતું કે તેની બધી દોલત તેની પોતાની મહેનત અને બુધ્ધિનું પરિણામ છે.(૪) મૂસા (અલ.)એ કારૂનને અલ્લાહના શુક્ર કરવાની સલાહ આપી કે અલ્લાહે આપેલ દોલતથી પોતાની આખિરતની તૈયારી કર અને દુનિયામાં પોતાની જરૂરતો પૂરી કર,જેવી રીતે અલ્લાહે તારી સાથે ભલાઈ કરી,તું લોકો સાથે ભલાઈ કર. (૫) દોલતના નશામાં જમીનમાં બગાડ ન ફેલાવ,પરંતુ કારૂન પોતાનો અહંકાર છોડવા માટે તૈયાર ન થયો.(૬) કારૂન પોતાની સંપત્તિના ઘમંડમાં લોકોને પોતાની સંપત્તિ બતાવીને ઘણાં લોકો તેની દોલતને જોઈને ઈર્ષ્યા કરતા હતા,જ્યારે ઇલ્મ અને ઈમાનવાળા નેકલોકોની નેકીઓનો સવાબ આ દોલતથી બેહતર છે.(૭) જ્યારે કારૂનનો અહંકાર હદથી વધી ગયો તો અલ્લાહે તેને અને તેના તમામ ખજાનાને જમીનમાં ધસાવી દીધો,કોઇ તેને બચાવી શક્યું નહિ.(૮) જે લોકો કારૂન જેવી દોલતની લાલચ રાખતા હતા તેમને પણ વાસ્તવિકતા સમજમાં આવી ગઈ.
【સૂરએ અન્ક્બૂત】
➥ લોકો એવું ન સમજે કે ઈમાન લાવ્યા પછી કોઈ આઝમાઈશ નહી આવે,અલ્લાહ તઆલા સાચા મોમિનો અને જૂઠાઓ ને અલગ કરવા માટે તકલીફો અને આઝમાઈશો લાવે છે,કપરા સમયમાં મુનાફિકો અને કમજોર ઈમાનવાળા હિમ્મત હારી જાય છે.
➥ જે લોકો જાતે પણ ગુમરાહ થયા અને બીજાઓને પણ ગુમરાહ કર્યા અને કહ્યું કે જો કોઈ ગુનોહ થશે તો અમે તેની જવાબદારી લઈ લઈશું,એ લોકોપોતાના ગુનાહ અને જેમને ગુમરાહ કર્યા તેમના ગુનાહ(એટલે કે દબલ ગુનાહ)નો બોજ ઉઠાવશે.
➥ જે લોકો અલ્લાહને છોડીને અન્યોને માબૂદ બનાવી તેમની પૂજા કરે છે તેમનું ઉદાહરણ કરોળિયા જેવું છે જે એવું ઘર બનાવે છે જે અત્યંત કમજોર હોય છે,એવી જ રીતે અલ્લાહ સિવાયના માબૂદો પણ કમજોર છે,કોઈ તાકત કે નફા-નુકસાનનો અધિકાર નથી રાખતા.

0 Comments