હિસાબ-કિતાબના દિવસે આ પ્રકારના દ્રશ્યો પણ જોવા મળશે. (૧) મુજરિમો માટે તે દિવસે કોઈ ખૂશખબરી નહી હોય,તેઓ છુપાઈ જવાનો કોઈ રસ્તો ધુંધશે.(૨) ઈમાન ન હોવાના લીધે તેમના નેક આમાલને બેકાર કરી દેવામાં આવશે (૩) જન્નતીઓ માટે શ્રેષ્ઠ ઠેકાણું હશે.(૪) આસમાન ફાટી જશે અને ફરિશ્તાઓ નીચે ઉતરશે.(૫) તે દિવસે ફકત એક અલ્લાહની બાદશાહી હશે.(૬) કાફિરો માટે તે દિવસ ઘણો સખત હશે.(૭) અમુક લોકો અફસોસની સાથે કહેશે કે ફલાણાને દોસ્ત ન બનાવ્યો હોત તો સારુ થાત,તેણે મને સીધા રસ્તાથી ભટકાવી દીધો.(૮) રસૂલ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ કયામતના દિવસે અલ્લાહ તઆલાથી પોતાની ઉમ્મતની ફરિયાદ કરશે કે મારી કોમે કુર્આનને છોડી દીધું હતું.

કાફિરોનો પ્રશ્ન હતો કે કુર્આન એક સાથે કેમ નથી ઉતારવામાં આવતું? તેમને જવાબ આપવામાં આવ્યો કે કુર્આનને દિલમાં જમાવવા(અને તેને અમલમાં લાવવા) માટે જરૂરી છે કે તેને જરૂરત મુજબ ધીરે ધીરે થોડું થોડું કરીને ઉતારવામાં આવે,આ જ રીતે કાફિરોએ કુર્આન વિશે જે કંઈ શંકાઓ વ્યક્ત કરી,અલ્લાહ તઆલાએ તેનો સાફ જવાબ આપ્યો.

 અલ્લાહની કારીગરીના અમુક નમૂના આ છે: (૧) અલ્લાહ તઆલા વસ્તુઓનો છાંંયો લાંબો અને ટુકો કરે છે,જેનાથી સૂરજની દિશા માલૂમ પડે છે.(૨) રાત અને ઊંઘને માણસ માટે આરામ અને સુકૂનનો ઝરીયો બનાવ્યો.(૩) વરસાદની ખૂશખબરી સંભળાવવા માટે ઠંડી હવાઓ મોકલે છે અને ત્યાર પછી એવું સ્વચ્છ અને પાક પાણી વરસાવે છે કે જમીનની સિંચાઇ અને,જાનવરો અને ઇન્સાનોની પીવાની જરૂરત પૂરી થઇ જાય છે.(૪) અલ્લાહે ઇન્સાનને પાણી જેવી મામૂલી વસ્તુથી પૈદા કરી નસબ અને સાસરી એમ બે પ્રકારનાં સંબંધોની નેઅમત આપી.અલ્લાહની કુદરતમાં ચિંતન મનન કરી તેની શક્તિઓને ઓળખો અને તેના ઉપર ઇમાન લાવો,એવી વસ્તુઓની પૂંજા છોડો જેમની પાસે નફા-નુકસાનનો કોઇ અધિકાર નથી.

રહમાનના ખાસ બંદાઓના વિશેષ આમાલ આ છે.(૧) જમીન પર નમ્રતાથી ચાલે છે.(૨) જ્યારે જાહિલો સાથે કોઈ તકરાર થાય છે તો લડાઈ- ઝઘડો કર્યા વિના સલામ કહીને આગળ વધી જાય છે.(૩) નમાઝની હાલતમાં રાત ગુજારે છે.(૪) દોઝખના અઝાબથી અલ્લાહની પનાહ માંગે છે.(૫) માલ ખર્ચ કરવામાં (કંજૂસી અને ફુઝૂલ ખર્ચીને છોડીને) મધ્યસ્થતા અપનાવે છે.(૬) શિર્ક,નાહક કતલ અને વ્યભિચાર જેવા ગુનાહોથી દૂર રહે છે.(૭) જૂઠી ગવાહી નથી આપતા.(૮) વ્યર્થ અને વાહિયાત કામો પાસેથી તેના તરફ ઘ્યાન આપ્યા વિના પસાર થઈ જાય છે.(૯) જ્યારે તેમને કુર્આનની આયતો દ્વારા નસીહત કરવામાં આવે છે તો તેના સામે બહેરા અને આંધળા નથી બનતા,બલ્કે તેને ધ્યાનથી સાંભળીને અમલ કરે છે.(૧૦) અલ્લાહથી દુઆ કરે છે કે અમારી બીવીઓ અને અવલાદને અમારા માટે આંખોની ઠંડક અને અમને પરહેઝગારોના ઇમામ બનાવો.

જો બંદાઓ અલ્લાહની ઈબાદત ન કરે તો તેઓ અલ્લાહનું કશું નુકસાન નથી કરી શકતા.

                    【સૂરએ શુઅરા

નબી સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ લોકોના ઈમાન ન લાવવા પર એટલો અફસોસ કરતા કે અલ્લાહ તઆલાએ કહ્યું કે તમે પોતાની જાન ગુમાવી દેશો.

હઝરત ઇબ્રાહીમ (અલ.)એ પોતાની કોમને અલ્લાહ તઆલાનો પરિચય આ શબ્દોમાં કરાવ્યો.(૧) જેણે મને પૈદા કર્યો અને જીવન જીવવાનો રસ્તો બતાવ્યો.(૨) જે મને ખવડાવે અને પીવડાવે છે.(૩)  જ્યારે હું બીમાર થાઉં તો મને શિફા આપે છે.(૪)  જે મને મોત આપશે અને ફરી વાર જીવંત કરશે.(૫)  જેનાથી હું આશા રાખું છું કે હિસાબના દિવસે મારી ભૂલોને માફ કરી દેશે.

આપની દુઆઓ પણ કુર્આનમાં અલગ અલગ જગ્યાએ વર્ણવેલ છે, જેમાંથી અમુક આ છે.(૧) હે મારા રબ! મને સમજદારી અને ફેંસલો કરવાની શક્તિ અર્પણ કરો અને નેક લોકો સાથે શામેલ ફરમાવો.(૨) મારા પછી આવનાર લોકોમાં મારી નેકનામી બાકી રાખો.(૩) મને નેઅમતો વાળી જન્નતનો વારસદાર બનાવો.(૪) મારા વાલિદને માફ ફરમાવો.(આ દુઆથી અલ્લાહે આપને મનાઈ કરી.)(૫) કયામતના દિવસની રુસ્વાઈથી મારી હિફાઝત ફરમાવો જે દિવસે ફકત ગુનાહોથી સલામત દિલવાળા લોકો જ નફામાં રહેશે.

આ પારહમાં હઝરત મૂસા (અલ.)નો કિસ્સો છે જેનું વર્ણન પારહ:૯માં અને નૂહ(અલ.), હૂદ(અલ.), સાલેહ(અલ.), લૂત(અલ.), શુઐબ(અલ.) વગેરેની દઅવત અને તેમની કોમના વિનાશના કિસ્સાઓ પણ છે જેનું વર્ણન પારહ:૧૨માં આવ્યું,તમામ નબીઓની દઅવતમાં આ વાતો સમાન હતી.(૧) કુફ્ર,શિર્ક અને ગુનાહોથી બચીને મારું અનુકરણ કરો.(૨) હું અમાનતદારીની સાથે અલ્લાહનો પૈગામ પહોંચાડું છું.(૩) હું તમારાથી કોઈ અજર(મહેનતાણું)નથી માંગતો,મારો અજર તો અલ્લાહ આપશે.

કુર્આનનો પરિચય કુર્આનના શબ્દોમાં: "કુર્આન તમામ જહાનોના પાલનહાર તરફથી ઉતારવામાં આવેલ કિતાબ છે,જેને હઝરત જિબ્રઇલ(અલ.)દ્વારા મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના દિલ પર ઉતારવામાં આવી,જેના દ્વારા તે લોકોને તેમના ભલા માટે આખિરતના અઝાબની ડરાવે,કુર્આનનું વર્ણન પાછલી ઉમ્મતો પર ઉતારવામાં આવેલ કિતાબમાં પણ છે,બની ઈસરાઈલ(યહૂદીઓ)ના આલિમો પણ આ હકીકતથી વાકેફ છે."

નુબુવ્વત મળ્યા બાદ આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને હુકમ આપવામાં આવ્યો કે પોતાના નજીકના સગાવહાલાથી તબ્લીગની શરૂઆત કરો અને પોતાના અનુયાયીઓ સાથે નમ્રતાપૂર્વક વર્તન રાખો.

શાયરો બે પ્રકારના હોય છે:(૧) જે વાસ્તવિકતાથી દૂર ફકત ખયાલો અને કલ્પનાઓના જંગલોમાં ભટકીને વાતો કરે છે,જેના પર પોતે પણ અમલ નથી કરતા, શયતાન પણ તેમની સાથે હોય છે, જાહિલ અને ગુમરાહ લોકો આવા શાયરોની વાતો સાંભળે છે અને તેમની પાછળ રહે છે.(૨) જેમની પાસે ઈમાનની મહામૂલી દોલત છે,આ પ્રકારના શાયરો પોતાની શાયરીમાં તવ્હીદ,અલ્લાહ અને તેના રસૂલના વખાણ અને વાસ્તવિક વાતો કરે છે.

                    【સૂરએ નમ્લ

 હઝરત સુલેમાન(અલ.) અને મલિકાએ સબાનો કિસ્સો: (૧) સુલેમાન(અલ.)ને અલ્લાહ તઆલાએ ઇલ્મ,સમજદારી,ફેંસલો કરવાની આવડત અને આ સિવાય વિશેષ શક્તિઓ અર્પણ કરી હતી,જેમ કે પવન પર નિયંત્રણ,જીવજંતુઓ અને પક્ષીઓની ભાષા સમજવાની ક્ષમતા વગેરે (૨) એક દિવસ સુલેમાન(અલ.) પોતાના લશ્કર સાથે મુસાફરી કરી રહ્યા હતા,ત્યારે કીડીઓના સમૂહના નેતાએ બીજી કીડીઓને ચેતવણી આપી કે “સુલેમાન અને તેમની સેના આવી રહી છે,તાત્કાલિક સુરક્ષિત સ્થળે છુપાઈ જાઓ." સુલેમાન (અલ.) કીડીઓના સંવાદને સાંભળીને બોલી ઉઠ્યા કે હે અલ્લાહ!તે મને અને મારા વાલિદને (હઝરત દાઉદ અલ.)જે કંઈ નેઅમતો(ખાસ કરીને લા જવાબ હુકૂમત)આપી તેનો શુક્ર કરવાની અને નેક અમલની તવફીક આપ,અને પોતાના નેક બંદાઓમાં શામેલ ફરમાવો.(૩) એક દિવસ હઝરત સુલેમાન (અલ.) પોતાની સેના અને પક્ષીઓની ગણતરી કરી રહ્યા હતા.હુદહુદ નામનું પક્ષી ગેરહાજર હતું.પાછા આવ્યા પછી જાણવા મળ્યું કે તે યમનના સબા નામના રાજ્યમાં ગયું હતું.(૪) મલિકાએ સબા અને તેના રાજ્યનું વર્ણન કરતાં હુદહુદે જાણકારી આપી કે મલિકાએ સબા એક શક્તિશાળી રાણી છે,જેનું રાજ્ય સમૃદ્ધ છે, પણ તે અને તેની પ્રજા મૂર્તિ પૂજા કરે છે.(૫) હઝરત સુલેમાન(અલ)એ મલિકાએ સબાને એક પત્ર લખ્યો,જેમાં તેને તવ્હીદ સ્વીકારવાની દઅવત આપી.(૬) સુલેમાન (અલ.) નો પત્ર મળ્યા પછી, મલિકાએ સબાએ પોતાના સલાહકારો સાથે આ વિશે ચર્ચા કરી.તેઓએ શરૂઆતમાં સુલેમાન (અલ.) સાથે યુદ્ધની સલાહ આપી, પણ મલિકાએ સબાએ શાંતિપૂર્ણ સમાધાનનો નિર્ણય લીધો,અને પ્રથમ સુલેમાન (અલ.)ને ભેટ મોકલવાનું નક્કી કર્યું.(૭) સુલેમાન (અલ.)એ મલિકાએ સબાની મોકલેલી ભેટને નકારી,અને ફક્ત તેને મુસલમાન થવાની દઅવત આપી,તો તેણે હઝરત સુલેમાન (અલ.)સાથે રૂબરૂ મુલાકાત કરવાનું નક્કી કર્યુ.(૮) સુલેમાન (અલ.)એ મલિકાએ સબાનો સિંહાસન તેના આવતાં પહેલા જ પોતાના એક દરબારીની ચમત્કારિક તાકત દ્વારા પલક જપકમાં પોતાના દરબારમાં મંગાવી લીધો અને તેની સમજદારીને ચકાસવા માટે તેમાં થોડી તબદીલી કરી દીધી,તેણે પોતાનો સિંહાસન ઓળખી લીધો અને તેને સુલેમાન(અલ.)ની અદ્ભુત શક્તિનો એહસાસ પણ થયો. (૯) મલિકાએ સબાને મહેલમાં દાખલ થવા માટે કાંચનો એવો રસ્તો બનાવ્યો જેની નીચે પાણી વહેતું હતું, મલિકાએ પાણી સમજી પોતાના પાયચા ઉપર ચઢાવી લીધા.(૧૦) અલ્લાહ તરફથી મળેલ સુલેમાન(અલ.)ની અદ્ભુત બાદશાહતને જોઈને ઘણી પ્રભાવિત થઈ અને અલ્લાહ પર ઈમાન લઈ આવી.