➥ કામયાબ મોમિનના સિફાત આ છે:(૧) ખુશૂઅ(સુન્નત તરીકા મુજબ)ની સાથે નમાજ પઢવી.(૨) લગ્વ (બેકાર) વાતોથી દૂર રહેવું.(૩) ઝકાત અદા કરવી. (૪) પોતાની શર્મગાહોની (ઝિના, બદકારીથી) હિફાઝત કરવી.(૫) અમાનતોનો ખયાલ રાખવો, વાયદાઓને પૂરા કરવા.(૬) નમાઝોની પાબંદી કરવી. આ સિફાત ધરાવનાર મોમિનો જન્નતુલ ફિરદૌસના વારસદાર બનશે.
➥ હઝરત નૂહ (અલ.) ને (અને અન્ય નબીઓ અને રસૂલોને) તેમની કોમો તરફથી જે વાતો કહેવામાં આવી તે આ મુજબ છે:(૧) તમે તો અમારી જેવા એક સામાન્ય માણસ છો,અમારી જેમ ખાઓ અને પીઓ છો,પોતાની જેવા માનવીનું અનુકરણ કરીને તો નુકસાન સિવાય કંંઇ હાથ ન આવે,આ કામ માટે તો કોઇ ફરિશ્તો આવવો જોઇએ.(૨) તમે આ પ્રકારની વાતો કરી સમાજમાં પોતાનું વર્ચસ્વ જમાવવા માંગો છો,પોતાના બાપ-દાદાથી અમે આ પ્રકારની વાતો નથી સાંભળી.(૩) મૃત્યુ બાદ બીજી વાર જીવતા થવાની વાત સમજથી ઘણી દૂર છે.
➥ નબીઓ અને રસૂલોને પણ હૂકમ આપવામાં આવ્યો કે હલાલ અને પાક રોઝી ખાઓ અને નેક અમલ કરો.
➥ નેકલોકોની એક સિફત આ હોય છે કે અલ્લાહની રાહમાં માલ ખર્ચ કરીને (તથા અન્ય નેકીઓ કરીને) પણ અલ્લાહથી ડરતા હોય છે.(કે અમલ કબૂલ થશે કે નહીં.)
➥ મુશરિકોમાં ઘણા એવા હોય છે કે અલ્લાહને સમગ્ર સૃષ્ટિનો સર્જનહાર માને છે,તેના હાથમાં જગતનું સંચાલન હોવાનું પણ માને છે,પરંતુ ઇબાદતમાં બીજા માબૂદોને તેના ભાગીદાર બનાવે છે.
➥ હિસાબ વખતે જેના નેક આમાલનું પલ્લું ભારે હશે તે લોકો જન્નતમાં અને જેનું પલ્લું હલકુ હશે તે જહન્નમમાં કાયમ માટે રહેશે, આગથી જહન્નમીઓના ચેહરા બગડી જશે,તેઓ પોતાની કમનસીબી પર અફસોસ કરશે,બીજીવાર દુનિયામાં જવાની મુદ્દત માંગશે, પરંતુ તેમને એમ કહી હાંકી કાઢવામાં આવશે કે અમારા બંદા તમોને સમજાવવા આવ્યા પરંતુ તમે તેમની મશ્કરી કરતા હતા, પછી તેમને પૂછવામાં આવશે કે તમે દુનિયામાં કેટલા વર્ષ રહ્યા?આખિરતની જિંદગીના લાંબા દિવસને જોઈને કહેશે કે અમે ફક્ત એક દિવસ અથવા એક દિવસના થોડા ભાગ જેટલું જ રહ્યા, તેમને જવાબ આપવામાં આવશે કે આખિરતની તુલનામાં દુનિયાનું રોકાણ ઘણું થોડું હતું, શું તમે એવુ સમજી લીધું હતું કે અમે તમોને બેકાર (કોઈ હેતુ વગર)પૈદા કર્યા હતા?
【સૂરએ નૂર】
➥ સૂરએ નૂરમાં અલ્લાહ તઆલાએ ગુનાહો,બેહયાઇ અને બુરાઈઓથી મુક્ત પાક અને નૂરાની સમાજના નિર્માણ માટે ઘણા સિદ્ધાંતો અને શરઈ સજાઓ બયાન કરી છે,જે આ મુજબ છે.(૧) ઝિના(વ્યભિચાર) કરનાર મર્દ અને ઓરતને અદાલતમાં ગુનોહ સાબિત થયા બાદ દયા કર્યા વગર લોકોની હાજરીમાં સો વાર ચાબુક મારવામાં આવે, જેથી સમાજને આ દુષણથી મુક્ત બનાવી શકાય.(૨) જે લોકો પાકદામન ઓરતો પર ઝિનાનો આરોપ લગાવે તો તેની પાસે ચાર ગવાહ માંગવામાં આવે, જો તે અદાલતમાં ચાર ગવાહો રજૂ ન કરી શકે તો તેને એંસી વાર ચાબુક મારવામાં આવે.(૩) જો કોઈ માણસ પોતાની બીવી પર ઝિનાનો આરોપ લગાવે તો તેની પાસે પણ ગવાહ માંગવામાં આવે, જો ગવાહ ન હોય તો તો ચાર વખત કસમ ખાઈને કહે કે હું સાચું કહી રહ્યો છું, અને પાંચમી વાર કહે કે જો તેની વાત જૂઠી હોય તો મારા ઉપર અલ્લાહની લાનત છે, જો પત્ની ગુનોહ કબૂલ કરી લે તો તેને બદકારીની સજા આપવામાં આવશે,અને જો તેને પતિનો આરોપ કબૂલ ન હોય તો તે અદાલતમાં ચાર વખત કસમ ખાઈને કહે કે તેનો પતિ જૂઠું બોલી રહ્યો છે, અને પાંચમી વાર કહે કે જો તેની વાત સાચી હોય તો મારા ઉપર અલ્લાહનો ગુસ્સો છે, ત્યાર બાદ અદાલતમાં કાજી તેમના નિકાહને ખતમ કરી દેશે, શરીઅતની પરિભાષામાં આ પ્રક્રિયાને 'લિઆન' કહેવામાં આવે છે.(૪) મુનાફિકોના એક જૂથે હઝરત આઇશા (રદી.)વિશે મદીનામાં અફવા ફેલાવી,જેમાં અમુક મુસલમાનો પણ શામેલ હતા, તે સમયે સૂરએ નૂરના એક રૂકૂઅમાં માર્ગદર્શન આપવામાં આવ્યું, જેનો સારાંશ આ છે કે મોમિનોના પ્રત્યે સારૂ ગુમાન રાખો,કોઈના વિશે સમાજમાં કોઈ પણ વાત ફેલાવતા પહેલાં અને અફવા પર ધ્યાન આપતા પહેલાં તેની ખૂબ ચકાસણી કરી લો,પોતાની જબાન ન ખોલો,બુરાઈની વાતો ફેલાવનારાઓ માટે દુનિયા અને આખિરતમાં પીડાદાયક અઝાબ છે.(૫) કોઈના ઘરમાં દાખલ થતાં પહેલાં ઇજાઝત લો અને સલામ કરો, જ્યાં સુઘી ઇજાઝત ન મળે ત્યાં સુધી અંદર ન જાઓ, પાછા ચાલ્યા જવાનું કહે તો ચાલ્યા જાઓ,હાં,જે ઘરમાં કોઈ રહેતું ન હોય તો ઇજાઝત લેવાની જરૂરત નથી.(૬) મોમિન મર્દ અને ઓરત હંમેશા ગેરમહરમથી પોતાની નજર ઝુકાવીને ચાલે અને પોતાની શર્મગાહોની(ઝિના, વ્યભિચાર વગેરે)થી હિફાજત કરે.(૭) ઓરતો પોતાના અંગોને પરાયા મર્દોથી છુપાવે,ગરદન પર ઓઢણી નાખે,તથા ચાલતી વખતે પણ પોતાનો શણગાર જાહેર ન થાય તેનો ખ્યાલ રાખે, અલબત્ત પોતાના પતિ, સસરા, પુત્રો (સગા/સાવકા) ભાઈ,ભત્રીજા, ભાણેજ, મુસલમાન ઓરતો,ગુલામ,બાંદીઓ,નોકરો, નાબાલિગ છોકરાઓ(જેમને જાતિય સંબંધો વગેરેની કોઈ જાણકારી નથી.)થી પડદો કરવો જરૂરી નથી,તેવી જ રીતે વૃદ્ધ સ્ત્રીઓ(જે નિકાહ કરવાની અવસ્થામાં ન હોય) માટે પણ પડદો જરૂરી નથી.(૮) સમાજના આગેવાનો તથા માં-બાપ અવિવાહિત પુરુષો અને સ્ત્રીઓના નિકાહની વ્યવસ્થા કરે,જો માલની તંગી હશે તો અલ્લાહ તેમના માટે રસ્તા ખોલશે.(૯) જ્યાં સુધી નિકાહની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી ગેર શાદીશુદા મર્દ તથા ઓરત પાકદામની વાળી જિંદગી અપનાવે.(૧૦) સમાજમાંથી ગુલામીનો રિવાજ ખતમ કરવા માટે ગુલામના માલિકો પણ પોતાનું યોગદાન આપે,જેનો એક તરીકો આ છે કે માલિક ગુલામ સાથે કિતાબતનો કરાર કરી લે.(જેમાં ગુલામ પોતાના તરફથી માલ કમાઈને કરારમાં નક્કી થયેલ રકમ આપી પોતાને આઝાદ કરાવી શકે છે.),અને સમાજના લોકો પણ તેની આર્થિક મદદ કરી આઝાદ થવામાં તેની મદદ કરે. (૧૧) જાહિલિયતના યુગમાં માલિકો પોતાની બાંદીઓ પાસે વેશ્યાવૃત્તિ કરીને માલ કમાઈ લાવવા પર મજબૂર કરતા હતા,તેમને આ પ્રકારની પ્રવુતિઓ બંધ કરવાનો હુકમ આપવામાં આવ્યો.(૧૨) સામાન્ય રીતે જે લોકો(દા.ત. નોકરો, નાના બાળકો વગેરે)ની ઘરમાં અવર જવર રહે છે તેમણે પણ ફજર પહેલાં,બપોરે આરામના સમયે અને ઈશા પછી રજા લઈને દાખલ થવું જોઈએ,બીજા સમયે રજા લેવાની જરૂરત નથી,હાં,અલબત્ત બાલિગ છોકરાઓ દરેક સમયે દાખલ થતાં પહેલાં રજા લઈ લે.(૧૩) વિકલાંગ વ્યક્તિઓની સાથે બેસીને,અને પોતાના નજીકના સગાઓના ઘરે ખાવામાં કંઈ વાંધો નથી,ભેગા મળીને અથવા અલગ અલગ પણ ખાઈ શકાય છે,આ વિશે શરીઅતે કોઈ તંગી નથી રાખી.(૧૪) પોતાના ઘરોમાં સલામ કરીને દાખલ થાઓ.(૧૫) જ્યારે કોઈ દીની કામ સામૂહિક રીતે થઈ રહ્યું હોય અને કામ છોડીને નીકળવાની જરૂરત પડે તો જવાબદાર વ્યક્તિની પરવાનગી લઈને નીકળો, સહાબા(રદિ.) હંમેશા રસૂલ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમથી પરવાનગી લઈને નીકળતા અને મુનાફિકો ચૂપચાપ સરકી જતાં હતા.(૧૬) સહાબા(રદી.)ને હુકમ આપવામાં આવ્યો કે રસૂલ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને એવી રીતે ન બોલાવો જેવી રીતે આપસમાં એકબીજાને બોલાવો છો, આપણે પણ આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનું નામ આદરપૂર્વક લેવું જોઇએ, એવી રીતે ન લેવું જોઇએ જેવી રીતે કોઈ સામાન્ય વ્યકિતનું નામ લેવામાં આવે છે.
➥ હઝરત અબુબકર( રદિ.) પોતાના એક રિશતેદારની આર્થિક મદદ કરતા હતા, તેમણે પણ મુનાફિકોની વાતોમાં આવીને હઝરત આઇશા(રદિ.) વિશે અયોગ્ય વાતો કહી હતી,તો આપે કસમ ખાધી કે હવે તેમની મદદ નહી કરું,અલ્લાહ તઆલાએ આયત ઉતારી અને હુકમ આપ્યો કે આ પ્રકારની કસમ ન ખાઓ ,માફ કરી દો,અલ્લાહ તમને માફ કરી દેશે.
➥ પાક ઓરતો પાક મર્દોને અને પાક મર્દો પાક ઓરતોને, નાપાક ઓરતો નાપાક મર્દોને અને નાપાક મર્દો નાપાક ઓરતોને શોભે છે.
➥ જેવી રીતે એક દીવો જેની ઉપર ચમકતા તારાની જેમ ચમકદાર ચીમની હોય,દીવામાં ઝૈતૂનનું તેલ હોય(જે અત્યંત જ્વલનશીલ હોય છે), દીવાની જ્યોત આમ-તેમ ન હોય બલ્કે બિલકુલ સીધી દિશામાં હોય, અને તે દીવાને તાક (ગોખલા)માં રાખવામાં આવે તો કેવો પ્રકાશ અને રોશની પ્રગતે છે,એવી જ રોશની બલ્કે એનાથી પણ વધુ રોશની અલ્લાહના નૂરની છે,જયારે તે મોમિનના દિલમાં ઉતરે છે તો તેનું દિલ,ચરિત્ર અને જીવન નેકીઓથી પ્રકાશિત થઈ જાય છે.
➥ વેપાર-ધંધો,ખરીદ-વેચાણ કદી પણ સહાબા(રદી.)માટે અલ્લાહની યાદ,નમાઝ,ઝકાત તથા શરીઅતના અન્ય હુકમો પર અમલ કરવા માટે અવરોધ બની શકતું ન હતું.
➥ જે કાફિરોએ દુનિયામાં સારા કામ કર્યા તેમનું ઉદાહરણ રણમાં દેખાતા મૃગજળ જેવું છે,જે આંખોથી દેખાવા છતાં તેનું કોઈ અસ્તિત્વ નથી હોતું,એવી જ રીતે કાફિરોના નેક આમાલ જાહેરમાં નેક દેખાવા છતાં તેનો કોઈ સવાબ નહી મળે,અને જેમણે કુફ્રની સાથે બીજા ગુનાહો પણ કર્યા તેમનું ઉદાહરણ સમુદ્રના અંધકાર જેવું છે,જેની ઉપર મોજાઓ અને વાદળોનું પણ અંધારું હોય,જેમાં માણસ પોતાનો હાથ પણ ન જોઇ શકે અર્થાત કુફ્ર અને ગુનાહોનો અંધકાર ભેગો થઈ ગયો.
➥ અલ્લાહ તઆલા વાદળોને ભેગા કરી તેમાંથી વરસાદ વરસાવે છે,ઘણી વાર બરફના કરા પણ વરસાવે છે, તેની મરજી મુજબ અમુકને તેનું નુકસાન અને અમુક નુકસાનથી સુરક્ષિત રહે છે.
➥ અલ્લાહ તઆલાએ ત્રણ પ્રકારના જાનવરો પૈદા કર્યા છે:(૧) જે પેટથી સળકીને ચાલે છે.(૨) જે બે પગ પર ચાલે છે. (૩) જે ચાર પગ પર ચાલે છે.અલ્લાહે પોતાની કુદરતથી દરેક પ્રકારની મખલૂકને પૈદા કરી છે.
➥ અમુક લોકો એવા હતા કે જે ઝબાનથી મોમિન હોવાનો દાવો કરતા હતા,પરંતુ જ્યારે તેમને રસૂલ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ પાસે ફેસલા માટે બોલાવવામાં આવતા તો ઇન્કાર કરી દેતા, જો પોતાનો કોઇ હક લેવાનો હોય દોડતા આવી જાય,જ્યારે કે સાચા મોમિનો દરેક હાલતમાં અલ્લાહ અને તેના રસૂલના દરેક ફેસલા પર રાજી રહે છે.
➥ અલ્લાહ તઆલાએ નેક મોમિનો માટે ખિલાફત આપવાનો અને પોતાના દીનને વર્ચસ્વ કાયમ થવાનો અને ડર-ખોફનું વાતાવરણ ખતમ કરી શાંતિ અને અમન કાયમ કરવાનો નો વાયદો કર્યો છે.(અને આ વાયદો ખુલફાએ રાશિદીનના જમાનામાં જ પૂરો થયો.)
【સૂરએ ફુરકાન】
➥ મક્કાના મુશરિકો રસૂલ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ વિશે આ પ્રકારની વાતો કરતા હતા:(૧) કુર્આન એક જૂઠ અને પ્રાચીન કથાઓ છે,જે મુહમ્મદે પોતાના તરફથી ઘડી બનાવી છે,અને અન્ય લોકોએ આ કામમાં તેમની મદદ કરી છે. (૨) આ રસૂલ તો ખાવા પણ ખાય છે અને બજારોમાં પણ છે.(૩) તેમની પાસે કોઇ ખઝાનો અથવા કોઇ બાગ નથી? (૪) આ તો જાદૂગ્રસ્ત માણસ છે,અલ્લાહ તઆલાએ જવાબ આપ્યો કે અમારા માટે તમારી માંગો પૂરી કરવી ઘણી સરળ છે,પરંતુ અમે ઇન્સાનોમાંથી જ રસૂલ બનાવીને મોકલીએ છીએ,જેમાં તમારી આજમાઇશ છે,ધીરજ રાખો.

0 Comments