【સૂરએ અંબિયા

લોકોની ગફલત એટલી હદે વધી ગઈ છે કે તેમના હિસાબનો વખત નજીક આવી રહ્યો છે પરંતુ તેમને કંઈ જ ફિકર નથી,પોતાના રબની નસીહતોને લાપરવાહીથી સાંભળે છે.(એક કાનેથી સાંભળી બીજા કાને કાઢી નાખે છે.)

અલ્લાહ તઆલાએ હમેંશા પુરૂષોને રસૂલ અને નબી બનાવીને મોકલ્યા ,જો જાણકારી ન હોય તો જાણકારોને પૂછી લો, તેમની સાથે ખાવા પીવાની જરૂરતો પણ લાગેલી હતી અને તે હંમેશા રહેવા માટે દુનિયામાં ન આવ્યા હતા.

 અલ્લાહ તઆલાએ આસમાન અને જમીનને ફક્ત શોખ પુરતા નથી બનાવ્યા,તેમની પૈદાઇશ નો હેતુ છે કે લોકો તેને પૈદા કરનારને ઓળખીને તેની ઇબાદત કરે.

 દુનિયામાં હક (સત્ય) અને બાતિલ (અસત્ય) ની લડાઇ ચાલ્યા કરે છે,પરંતુ છેવટે બાતિલ (અસત્ય) નો નાશ થાય છે.

જો જમીન અને આસમાનમાં અલ્લાહના સિવાય બીજા માબૂદ હોત તો તેનું સંચાલન ભાંગી પડ્યું હોત, જેવી રીતે એક દેશના બે રાજા હોય તો પરસ્પર મતભેદોના કારણે ઘણી સમસ્યાઓ ઊભી થાય છે, પરંતુ સમગ્ર સૃષ્ટિની વ્યવસ્થામાં પહેલા દિવસથી અત્યાર સુધી કોઈ ખલેલ નથી પહોંચ્યો જે આ વાતની દલીલ છે કે સૃષ્ટિનો સર્જનહાર એક જ છે, જે બીજા કોઇની ભાગીદારી વગર એક્લો ઇબાદતના લાયક છે.

અલ્લાહે આસમાન અને જમીનના બંધ મોંને ખોલી  આસમાનને વરસાદ વરસાવવા અને જમીનને વનસ્પતિ ઉગાડવા માટે લાયક બનાવ્યા, પાણી દ્વારા દરેક વસ્તુનું અસ્તિત્વ ટકાવી રાખ્યું,આસમાનમાં સૂર્ય, ચંદ્ર (અને બીજા તારા અને ગ્રહો પણ)પોત પોતાની કક્ષાઓમાં જ પરિભ્રમણ કરે છે, તેમનાં વચ્ચે કદી પણ કોઈ અકસ્માત નથી થતો.

અલ્લાહે કોઈ પણ માણસ માટે દુનિયામાં કાયમી રહેવાનું નથી રાખ્યું,દરેક માણસે મોતનો સ્વાદ ચાખવાનો છે, દુનિયામાં સારી અને ખરાબ બંને પ્રકારની પરિસ્થિતિઓમાં માણસની (શુક્ર અને સબ્રની) કસોટી થશે, અને મોત પછી અલ્લાહ તરફ ચાલ્યો જશે.

માણસનો સ્વભાવ ઉતાવળો છે, અહીંયા સુધી કે અલ્લાહનો અઝાબ,કયામત વગેરે વસ્તુઓમાં પણ ઉતાવળ કરી વખત પહેલાં તેની માંગણી કરે છે.

અલ્લાહ તઆલા કયામતના દિવસે ન્યાયનું ત્રાજ્વુ લગાવ્શે,કોઇએ રાયના દાણા બરાબર પણ કોઇ અમલ કર્યો હશે તેને પણ તે જોઇ લેશે.

 હઝરત ઇબ્રાહીમ(અલ.)ને અલ્લાહ તઆલાએ ઘણી હિકમત અને સમજદારી આપી હતી,પોતાની કોમને મૂર્તિઓના અશક્ત અને ઈબાદતના લાયક ન હોવાનું સમજાવવા એક યુક્તિ વિચારી, એક દિવસ જ્યારે લોકો મેળામાં ગયા ત્યારે કુહાડી દ્વારા મોટી મૂર્તિ સિવાય તમામ મૂર્તિઓને તોડી તેમનાં ટુકડા કરી દીધા,લોકોને જ્યારે ખબર પડી તો સીધા ઇબ્રાહીમ(અલ.)થી પૂછપરછ કરવા લાગ્યા,તો આપે જવાબ આપ્યો કે સમગ્ર કારસ્તાની આ મોટી મૂર્તિએ રચી છે એને જ પૂછી જોવો, તેઓ સમજી ગયા કે ઇબ્રાહીમ (અલ.) આપણને શું સમજાવવા માગે છે,પરંતુ સમજવાને બદલે એક મોટી આગ સળગાવી અને તેમાં આપને નાખવામાં આવ્યા,પરંતુ અલ્લાહે ઇબ્રાહીમ (અલ.) માટે આગને ઠંડી અને સલામતીવાળી બનાવીને તેમની કોશિશોને નિષ્ફળ બનાવી, અને ચમત્કારિક રીતે તેમનો બચાવ કર્યો,હઝરત ઇબ્રાહીમનું ચરિત્ર તવહીદ પર મક્કમતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

હઝરત દાઉદ(અલ.) અને તેમના બેટા હઝરત સુલેમાન(અલ.) એવા નબીઓ હતા જેમને અલ્લાહ તઆલાએ નુબુવ્વતની સાથે બાદશાહત પણ આપી હતી,બન્નેને ઇલ્મ અને અદાલતી કેસોમાં નિર્ણય લેવાની પણ સમજ આપી,એક વાર એક ખેતરના મામલામાં હઝરત સુલેમાન(અલ.)એ અલ્લાહ તઆલાની તવ્ફીકથી પોતાના વાલિદ હઝરત દાઉદ(અલ.)થી સારો ફેસલો આપ્યો,દાવુદ(અલ.) લોખંડને નરમ કરી બખ્તર બનાવી પોતાનું ગુજરાન ચલાવતા, પર્વતો અને પક્ષીઓ પણ તેમની સાથે તસ્બીહ પઢતા હતા,સુલેમાન (અલ.)ને પવન, જીનો અને શયતાનો પર કાબૂ આપ્યો હતો,તેઓ સમુદ્રમાં ડુબકી લગાવી કિંમતી વસ્તુઓ બહાર કાઢતા અને આ સિવાય પણ ઘણા કામ કરતા હતા, હઝરત દાઉદ(અલ.) અને હઝરત સુલેમાન(અલ.)નું શુક્રનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

હઝરત ઐયુબ(અલ.)નું ચરિત્ર સબ્ર, હઝરત યૂનુસ(અલ.)નું ચરિત્ર નમ્રતા અને ભુલ સ્વીકારી અલ્લાહથી માફી માંગ્વી,(બન્ને નબીઓનો વિગતવાર કિસ્સો પારહ:૨૩ માં આવશે.ઇન્શાઅલ્લાહ),હઝરત ઝકરિય્યહ(અલ.)નું ચરિત્ર અલ્લાહ પર તવક્કુલ(ભરોસો) અને હઝરત મરિયમ(રદિ.)નું ચરિત્ર હયા અને પાકદામનીનું  શ્રેષ્ઠ ઉદાહરણ છે.

જે વસ્તીને અલ્લાહ તઆલાએ અઝાબ દ્વારા તબાહ કરી દીધી તેમનાં માટે પોતાની ભૂલો સુધારવાના હેતુથી દુનિયામાં પાછા ફરવાની કોઈ શક્યતા નથી.

કયામતના પહેલાં યાજૂજ માજૂજ નામી તોફાની કોમ દુનિયામાં ફેલાઈ જશે અને ત્યાર બાદ કયામત કાયમ થશે.

કાફિરોને અને અલ્લાહના સિવાય જેમની પૂજા કરવામાં આવે છે બધાને દોઝખનું ઇંધણ બનાવવામાં આવશે, જો અલ્લાહ સિવાય પણ બીજા ઈબાદતના લાયક હોત તો તે દોઝખમાં કેવી રીતે જઈ શકે?ત્યાં તેઓ મદદ માટે બૂમો પાડશે પરંતુ કોઈના તરફથી જવાબ નહી સાંભળે,અને નેક લોકોને કયામતની કોઈ ગભરાટ નહી હોય, ફરિશ્તાઓ તેમનાં સન્માનમાં તેમની મુલાકાત કરશે,તે દિવસે આસમાનને એવી રીતે લપેટી લેવામાં આવશે જેવી રીતે રજીસ્ટરને લપેટવામાં આવે છે.

મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને અલ્લાહ તઆલાએ બધા જહાનો માટે રહમત બનાવીને મોકલ્યા છે.

                             【સૂરએ હજ

બેશક કયામતનો ભૂકંપ એટલો ભયાનક હશે કે દૂધ પિવડાવવાવાળી ઓરત દૂધ પીતા બાળકને અને હામિલા(ગર્ભવતી)મહિલા પોતાનું ગર્ભ પાડી દેશે. લોકો નશામાં દેખાશે,વાસ્તવમાં નશો નહી હોય,પરંતુ કયામતની ભયાનકતાનો અસર હશે.

માણસની હકીકત આ છે કે (આદમ અલ.ના રૂપમાં) તેની શરૂઆત માટીથી થઇ, ત્યાર પછી સામાન્ય ઈન્સાનોની પૈદાઈશ તબક્કાવાર રીતે થાય છે કે પહેલાં શુક્રાણુ, પછી જામેલું લોહી,પછી ગોશ્તનો ટુકડો પછી હાડકા અને તેના ઉપર ગોશ્ત ચઢાવી તેને એક મુદ્દત સુધી રહમ(ગર્ભાશય)માં રાખવામાં આવે છે, જ્યાં તેની પરવરિશ થાય છે, ત્યાર બાદ બાળકના રૂપમાં જગતમાં આવે છે જેમાં અમુક ખોડખાંપણવાળા અને અમુક સહી સલામત હોય છે, પછી જોત જોતામાં તાકાતવાન જવાન બની જાય છે, જેમાંથી અમુક જવાનીમાં જ આ દુનિયા છોડી ચાલ્યા જાય છે,અમુક એટલી વૃદ્ધાવસ્થામાં પહોંચી જાય છે કે યાદશક્તિ પણ ગુમાવી બેસે છે અને યાદ કરેલી વસ્તુઓ પણ યાદ નથી હોતી.

અમુક લોકો દીન પર ચાલવામાં પણ પોતાનો દુન્યવી ફાયદો જુએ છે, જો ફાયદો થાય તો દીન વિશે સંતુષ્ટ રહે છે અને જો દીનની રાહમાં આઝમાઈશ આવી જાય તો દીનથી પાછા ફરી જાય છે,આવા લોકો દુનિયા અને આખિરત બંનેમાં નુકસાન ભોગવશે.

જો કોઈ વ્યક્તિ એવું ઈચ્છતો હોય કે અલ્લાહ પોતાના નબીની મદદ નહી કરે તો તે આસમાન સુધી એક દોરડું બાંધી અલ્લાહની મદદને કાપી કાઢે અને પોતાનો ગુસ્સો ઠંડો કરી લે, જે કદાપિ શક્ય નથી,એવી જ રીતે તેની ઈચ્છા પૂરી થવી પણ અશક્ય છે.

અલ્લાહ તઆલાએ ઇબ્રાહીમ (અલ.)ને કાબા શરીફની દીવાલોના બાંધકામ પછી કાબા શરીફને પાક સાફ રાખવાનો હુકમ આપ્યો અને લોકોને અલ્લાહના ઘરના હજ માટે આમંત્રિત કરવા માટે એલાન કરવાનો હુકમ આપ્યો જેથી દૂર દૂરથી લોકો બયતુલ્લાહ આવીને હજના દિવસોમાં અરકાન અદા કરી અલ્લાહની ખૂબ ઈબાદત કરે.

જે માણસ અલ્લાહના દીનના શઆઇર (ખાસ નિશાનીઓ(દા.ત.કુર્બાની,અઝાન) વગેરેનું દિલથી સન્માન કરે તો તે તેના દિલના તકવાની નિશાની છે.

દરેક ઉમ્મત માટે અલ્લાહ તઆલાએ ઈબાદતના તરીકા નક્કી કર્યા છે,જો વિરોધીઓ કોઈ ઈબાદત (દા.ત.કુર્બાની) વિશે ટીકા કરે તો તેના તરફ ધ્યાન ન આપો.

જ્યારે જાનવર અલ્લાહના નામ પર ઝબહ થઈ જાય તો તેનો ગોશ્ત તમે જાતે પણ ખાઓ અને બીજાઓને પણ ખવડાવો,પરંતુ કુર્બાનીના સમયે એક હકીકત હમેંશા ધ્યાનમાં રાખો કે અલ્લાહને કુર્બાનીના ગોશ્ત અને લોહી સાથે કોઈ લેવાદેવા નથી,બલ્કે તે ફક્ત દિલના તકવા અને ભાવનાઓને જુએ છે. 

મુસલમાનો પર મક્કામાં ઘણો અત્યાચાર થયો, ફકત એક અલ્લાહની બંદગી કરતાં હોવાથી તેમને પોતાના ઘરોમાંથી કાઢી મૂકવામાં આવ્યા,મદીનામાં તેમને હક અને સત્યની રક્ષા માટે હથિયાર ઉઠાવવાની પરવાનગી આપવામાં આવી, પરવાનગીનો હેતુ આ હતો કે જો લોકો અત્યાચાર સામે લડાઇ ન લડે તો મસ્જિદો, ચર્ચો તથા અન્ય ઈબાદતગાહો જાલિમોના હાથે ધ્વસ્ત થતી રહે.

 ઝાલિમો દુનિયામાં ફરીને ઝુલ્મનો અંજામ નથી જોતા કે કેવી સમૃધ્ધ વસ્તીઓ અને મજ્બૂત કિલ્લા હતા?પરંતુ ઝાલિમો પોતાને અલ્લાહના અઝાબથી બચાવી ન શક્યા,જો આ બધુ કોઇને પણ કોઇ ન સમજે તો મતલબ આ છે કે આંખો ભલે અંધ નથી,પરંતુ દિલ અંધ થઇ ચુક્યું છે.

શયતાન દરેક રસૂલ અને નબીની વાતોમાં શંકાઓ નાખી લોકોને ગુમરાહ કરવાનો પ્રયત્ન કરે છે,અલ્લાહ તઆલા શંકાઓને દૂર કરી પોતાની આયતોને મજબૂત કરી આપે છે, જેનાથી મોમિનોના દિલ તો સંતુષ્ટ થઈ જાય છે,પરંતુ કાફિરો અને મુનાફિકો હમેંશા શંકાઓના જંગલમાં ભટકતા રહે છે, એમની હાલત તો એ છે કે સાફ સાફ આયતોને પણ એવી રીતે સાંભળે છે કે જાણે હમણાં જ પઢનાર પર ચઢી દોડશે,આવા લોકોનું ઠેકાણું દોઝખ છે.

ઘણા લોકો એક અલ્લાહને છોડીને જે મૂર્તિઓની ઈબાદત કરે છે અને તેમની પાસે પોતાની જરૂરતો માંગે છે, તેઓ એક માંખી પણ નથી બનાવી શકતી, બલ્કે કોઈ માંખી તેમની પાસે પડેલ વસ્તુઓ(લાડુ, મીઠાઈ વગેરે) માંથી કઈ લઈ લે તો પાછું પણ નથી લઈ શકતા,બંને લાચાર અને કમજોર છે.

અલ્લાહે હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની ઉમ્મત માટે દીન અને અહકામની બાબતમાં કોઈ તંગી નથી રાખી, તેમને એક વિશેષ સ્થાન આપ્યું અને ઇબ્રાહીમ(અલ.)એ તેમનું નામ મુસ્લિમીન રાખ્યું,નમાઝ,ઝકાત,સત્યની લડાઇમાં અગ્રેસર રહી અલ્લાહના દીનને મજબૂતીથી પકડી રાખો.