➥ સૌથી વધુ નુકસાન ભોગવનાર તે લોકો છે જેમના સારા કામો ઈમાન ન હોવાના લઈ આખિરતમાં વ્યર્થ જશે,અને એ લોકો દુનિયામાં એવું સમજી રહ્યા છે કે તે સારા કામો કરી રહ્યા છે, પરંતુ આખિરતમાં આમાલના ત્રાજવામાં તેને મુકવામાં નહી આવે.
➥ જો અલ્લાહની જાત અને તેની કુદરતની વાતો લખવા માટે ધરતી પરના બધા વૃક્ષો પેન અને સમુદ્રોનું પાણી શાહી બની જાય અને એટલી જ માત્રામાં બીજી વાર પણ પર્યાપ્ત હોય,તો તે પણ આ કામ માટે અપૂરતું છે,અર્થાત અલ્લાહની કુદરત અનંં અનંત અને અમર્યાદિત છે.
【સૂરએ મરિયમ】
➥ હઝરત ઝકરિય્યહ(અલ.)એ અલ્લાહની જાતથી નિરાશ થયા વગર વૃધ્ધાવસ્થામાં પોતાના રૂહાની વારિસ તરીકે એક બેટાની દુઆ કરી તો અલ્લાહ તઆલાએ તેમને યહયા નામી એક બેટાની ખુશખબરી આપી,તેમને આ સાંભળી આશ્ચર્ય પણ થયું કે આટલી ઉમરમાં સંતાનપ્રાપ્તિ શક્ય હોય શકે?અલ્લાહે જવાબમાં ફરમાવ્યું કે આપના રબ માટે બધું આસાન છે.અલ્લાહે તેમને તેમની બીવીના ગર્ભની નિશાની રૂપે ત્રણ દિવસ સુધી (સાજા હોવા છતાં)બોલવાનું બંધ થઈ જવાનું જણાવ્યુ, ત્યાર બાદ અલ્લાહ તઆલાએ તેમને યહયા નામી નરીના અવલાદથી નવાજ્યા,જેમને બાળપણથી જ હિકમત, નરમદિલી, સાફદિલી, પરહેઝગારી,માં - બાપની ફરમાબરદારી જેવા સદગુણોથી સુસજ્જ કર્યા હતા.
➥ જ્યારે હઝરત મરિયમ(રદિ.)પહેલીવાર માસિક સ્ત્રાવ બાદ પાકી માટે વસ્તીથી દૂર પડદો કરી ગુસલ માટે ગયા, ત્યાં ફરિશ્તાએ તેમને એક નેકસીરત બેટાની ખુશખબરી આપી,આ સાંભળી તેમને આશ્ચર્ય થયું કે હું તો કુંવારી છું તો આ કેવી રીતે શક્ય છે?ફરિશ્તાએ ફકત એટલો જવાબ આપ્યો કે આપનો રબ કહે છે કે મારા માટે આસાન છે,અલ્લાહના હુકમ મુજબ હઝરત જિબ્રઇલ(અલ.)ની ફૂંકથી તેમને ગર્ભ બંધાયો,હઝરત મરિયમ(રદી.)ઘણી જ પરેશાન થઇ,વસ્તીથી દૂર ચાલી ગઈ, પરંતુ અલ્લાહે સાંત્વના આપી,તાજી ખજૂર અને સાફ પાણીની વ્યવસ્થા કરી,અને હુકમ આપ્યો કે જો વ્યકિત આપની સાથે વાત કરે તો ઇશારાથી એમ કહી તેની સાથે વાત કરવાનું ટાળો કે મે ન બોલવાની મન્નત માની છે.
➥ હઝરત ઇસા (અલ.)ની વિલાદત પછી હઝરત મરિયમ (રદી.)તેમને પોતાની કોમ પાસે લઈને આવ્યા તો લોકો તેમના વિશે શંકાશીલ વાતો કરવા લાગ્યા અને આપના ચરિત્ર વિશે ટીકા ટિપ્પણિ કરવા લાગ્યા,તો મરિયમ (રદિ.)એ અલ્લાહના હુકમ અનુસાર કંઈ પણ બોલ્યા વગર નવજાત બાળક તરફ ઈશારો કર્યો (કે આ જવાબ આપશે.)તરત જ ઈસા(અલ.)એ વાત કરવાનું શરૂ કરતાં કહ્યું,હું અલ્લાહનો બંદો છું,મને અલ્લાહે કિતાબ આપી નબી બનાવ્યો,મને દરેક જગ્યાએ બરકતવંત બનાવ્યો,નમાજ અને ઝકાતનો હુકમ આપ્યો,મારી વાલીદાનો ફરમાબરદાર બનાવ્યો,મને જાલિમ અને દુર્ભાગ્યશાળી (બદકિસ્મત) નથી બનાવ્યો,આ જ ઈસા(અલ.)નું વ્યક્તિત્વ છે,પરંતુ તેમના અનુયાયીઓએ તેમના વિશે ગલત માન્યતાઓ કાયમ કરી(દા.ત.તેમને અલ્લાહના પુત્ર માની) ગુમરાહ થઈ ગયા.
➥ અલ્લાહના સાચા પયગંબરોના ચરિત્રને યાદ કરી બોધપાઠ લેતા રહો,હઝરત ઇબ્રાહીમ(અલ.)ના વાલિદ પૂર્તિપૂજક હતા,તેમણે પોતાના વાલિદને મૂર્તિપૂજાથી રોકવાના ઘણા પ્રયત્નો કર્યા,મૂર્તિપૂજાના ગલત હોવા પર નરમીપૂર્વક તાર્કિક રીતે પણ સમજાવ્યા,પરંતુ બાપે તેનો જવાબ ધમકીઓ દ્વારા આપ્યો અને ઘરથી દૂર થઈ જવા જણાવ્યુ,ઇબ્રાહીમ(અલ.)ઘર છોડી હિજરત કરી ચાલ્યા ગયા.અલ્લાહે તેમને ઇસ્માઇલ અને ઇસ્હાક નામી બે પુત્રોથી નવાઝ્યા,જે પોતે પણ નબી હતા અને તેમની અવલાદમાં પણ ઘણા નબીઓ આવ્યા,જે સચ્ચાઈ, વફાદારી અને નેકીના સપૂત હતા,પરંતુ તેમના અનુગામીઓમાં અમુક એવા પણ લોકો આવ્યા જેમણે અલ્લાહના હુકમોને પાયમાલ કરી મનેચ્છાઓ પાછળ પડી ગયા અને દોઝખના હકદાર બન્યા.
➥ કાફિરો પોતાની જાહેરી સમૃધ્ધિ,માલ,અવલાદ,લશ્કર અને સામાજિક વર્ચસ્વના નશામાં ધુત થઇ પોતાને સર્વોચ્ચ સમજતા હતા,તેમને જવાબ આપવામાં આવ્યો કે અલ્લાહ તઆલા દુનિયામાં ઘણા નાફરમાનોને સહુલતોની રેલપેલ આપે છે,પરંતુ અલ્લાહના અઝાબને જોઇને અથવા કયામતના દિવસે તેમની આંખો સામે હકીકત ખુલી જશે કે વાસ્તવિક રૂપે સમૃધ્ધિ કોને કહેવાય?ભવિષ્યમાં ઘણી સમૃધ્ધ કોમો વીતી ગઇ,આજે તેમનું કોઇ નામ નિશાન નથી.
➥ અલ્લાહ તઆલાની અવલાદ હોવાનો અકીદો રાખવો એટલો ગંભીર અને ભયાનક છે કે આકાશ તુટવા,ધરતી ફાટવા અને પહાડો ધસી પડવા નજીક આવી જાય.
➥ જે માણસ ઈમાન અને નેક આમાલ સાથે જિંદગી જીવે છે અલ્લાહ તઆલા આસમાન અને જમીન પર લોકોના દિલમાં તેની મોહબ્બત મૂકી દે છે.
【સૂરએ તાહા】
➥ જ્યારે મૂસા (અલ.)પોતાની બીવી સાથે મદયનથી પાછા ફરી રહ્યા હતા તો તૂર પહાડ પર આગ લેવાના ઇરાદાથી ગયા,પરંતુ ત્યાં ગૈબી અવાજ દ્વારા મુકદ્દસ જગ્યાનો અદબ જાળવવાનું જણાવવામાં આવ્યું અને અલ્લાહ તઆલાએ તેમને નુબુવ્વત આપી,એક અલ્લાહની ઈબાદત,નમાઝની પાબંદી, કયામત વગેરે દીનની મૂળભૂત વાતો જણાવી,લાકડી અને હાથ ચમકવાનો મોઅજીઝો આપ્યો અને ફિરઓન પાસે મોકલ્યા.
➥ હઝરત મૂસા (અલ.)એ આ સમયે અલ્લાહથી કામની આસાની,તોતડી જબાનથી છુટકારો મેળવવા ઘણી દુઆઓ માંગી,પોતાના ભાઈ હારૂન(અલ.)ને પોતાના મદદગાર તરીકે સાથે રાખવાની માંગ કરી જેથી તે પોતાની છટાદાર વાતચીત દ્વારા અલ્લાહનો પયગામ અસરકારક રીતે બયાન કરી શકે, જે મંજૂર કરવામાં આવી, અને બંનેને ફિરઓનના દરબારમાં મોકલવામાં આવ્યા અને નરમ વાતચીત કરવાની તાકીદ કરવામાં આવી જેથી તેના દિલ પર અસર કરી શકે અને તે બોધ ગ્રહણ કરે.ત્યાર બાદ ફિરઓનના દરબારમાં જવાથી લઈ તેના ડૂબવા સુધીનો કિસ્સો પારહ:૯ માં વર્ણવેલ છે.
➥ ફિરઓનથી છુટકારો મેળવ્યા બાદ મુસા (અલ.)એ બની ઇસરાઈલની ઈચ્છાનુસાર પોતાના ભાઈ હારુન (અલ.)ને પોતાનો નાયબ બનાવી તૂર પહાડ પર ગયા અને અલ્લાહ તઆલાથી જીવન માર્ગદર્શિકા તરીકે એક કિતાબની માંગણી કરી,અને ત્યાં ચાલીસ દિવસનો એઅતેકાફ પણ કર્યો,આ જ સમયે મૂસા (અલ.)એ અલ્લાહના દીદારની ઈચ્છા વ્યક્ત કરી હતી અને જ્યારે અલ્લાહની તજલ્લી પહાડ પર પડી તો આ જોઈને આપ બેભાન થઇ ગયા હતાં, ત્યાર બાદ આપને તવરાત આપવામાં આવી.
➥ બની ઈસરાઈલ લાખોની સંખ્યામાં હતા,તેમના વચ્ચે સામિરી નામી એક વ્યક્તિ પણ હતો,તેણે મૂસા(અલ.) ની ગેર હાજરીનો ફાયદો ઉઠાવી બની ઈસરાઈલ પાસેથી તેમના ઘરેણાં ભેગા કરી વાછરડાનું પૂતળુ બનાવ્યું અને જિબ્રઇલ(અલ.)ના ઘોડાના પગ નીચેની માટી(જે તેણે સમુદ્રમાંથી લીધી હતી.) તેમાં નાખી તો તેમાંથી વાછરડા જેવો અવાજ આવવા લાગ્યો, તેણે લોકોને આ રીતે ગુમરાહ કર્યા કે આ તમારો અને મૂસા (અલ.)નો રબ છે,આની ઈબાદત કરો,હારૂન(અલ.)એ લોકોને આ ગુમરાહીથી બચાવવાના ઘણા પ્રયાસો કર્યા,પરંતુ તેઓ ઉલ્ટા હારૂન (અલ.)ને કતલ કરવા તૈયાર થઈ ગયા, છેવટે ઘણા લોકો સામિરીના કહેવા મુજબ વાછરડાની પૂંજામાં લાગી ગયા.
➥ મૂસા(અલ )એ પાછા ફરી પોતાની કોમની હાલત જોઈને ઘણો અફસોસ વ્યક્ત કર્યો અને પોતાના ભાઈની દાઢી પકડી લીધી અને ઘણા ગુસ્સે ભરાયા, હઝરત હારૂન(અલ.)એ સમગ્ર કિસ્સો સંભળાવ્યો, હકીકત જાણ્યા બાદ હઝરત મૂસા(અલ.)એ અલ્લાહથી પોતાના અને ભાઈ તરફથી માફી માંગી અને સામિરીને બદદુઆ આપી કે દુનિયામાં તું બધાને એવું કહેતો ફરીશ કે મને અડકવું નહી,એટલે કે લોકો તારાથી દૂર જ રહેશે,અને આખિરતનો અઝાબ અલગ છે.
➥ કયામતના દિવસના અમુક દ્રશ્યો આ છે:(૧) અલ્લાહ પહાડોને ધૂળની જેમ ઉડાવી દેશે,ધરતી એકદમ સમતલ અને સાફ બની જશે,ત્યાં કોઈ ઊંચ-નીચ નહીં રહે.(૨) બધા એક જ પોકારનાર (ફરિશ્તા)ની તરફ દોડશે,કોઈ પણ વ્યક્તિ આદેશની અવગણના કરી શકશે નહીં,દરેક અવાજ અલ્લાહ માટે શાંત થઈ જશે,માત્ર હળવી ફૂસફૂસ સંભળાશે.(૩) અલ્લાહની મંજૂરી સિવાય કોઇ કોઇની સિફારિશ નહી કરી શકે.(૪) દરેક ચહેરો જીવતા અને સદા રહેનાર (અલ્લાહ) માટે નતમસ્તક થઈ જશે,જે ગુનાહો સાથે લઇની આવશે, તે નિષ્ફળ થશે,જે સારા અમલ અને ઈમાન સાથે આવશે,તેઓ કોઈ અન્યાય કે નુકસાનથી ડરશે નહીં.
➥ જે માણસ અલ્લાહની યાદ અને તેની ફરમાબરદારીથી મોઢું ફેરવશે તો અલ્લાહ તેનું જીવન તંગ બનાવી દેશે અને તેને કયામતના દિવસે આંધળો ઉઠાવવામાં આવશે અને કહેવામાં આવશે કે જેવી રીતે તુ દુનિયામાં અમારા હુકમોથી આંધળો બનીને રહ્યો આજે અમે તને આંધળો ઉઠાવ્યો.
➥ અલ્લાહ તઆલા દુનિયામાં પોતાના બંદાઓથી ફકત પોતાની ઈબાદત ચાહે છે,કમાઈ(રોજી)નથી માંગતો,રોજી તો અલ્લાહ આપશે.

0 Comments