【સૂરએ બની ઇસરાઇલ】
➥ અલ્લાહ તઆલાએ પોતાની કુદરતથી એક જ રાતમાં મુહમ્મદ(સલ.)ને મસ્જિદે હરામથી મસ્જિદે અકસા(જેની આસપાસનો ઇલાકો પણ બરકતવંત છે.)ની મુસાફરી કરાવી પોતાની કુદરતની નિશાનીઓ(દા.ત.રાતના થોડાક જ ભાગમાં હજારો કીમી.ની મુસાફરી,મસ્જિદે અકસાની ઝિયારત,નબીઓની ઇમામત વગેરે.)બતાવી.
➥ આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના જમાના સુધી બની ઇસરાઈલે અલ્લાહની નાફરમાનીઓની સજામાં બે વાર જાલિમ બાદશાહોનો અત્યાચાર અને વ્યાપક પ્રમાણમાં જાની અને માલી નુકસાન જોયું.
➥ માણસની નેકીનો ફાયદો અને બુરાઈનું નુકસાન પોતાને જ થાય છે,કયામતના દિવસે કોઈ માણસ બીજાનો બોજ નહી ઉઠાવે,કયામતના દિવસે દરેકને તેના નામાએ આમાલનો પટ્ટો ગળામાં લટકાવીને કહેવામાં આવશે કે તમે પોતે જ પોતાનું નામાએ આમાલ વાંચીને પોતાની જિંદગીનો હિસાબ કરી લો.
➥ માનવી એટલા ઉતાવળા સ્વભાવનો છે કે જેટલી જલ્દી ભલાઇને માંગ્વી જોઇએ એટલી જ જલ્દી બુરાઇ( અઝાબ વગેરે)ને પણ માંગે છે.
➥ જે માણસ દુનિયામાં રહીને ફકત દુનિયાને જ ચાહશે તો અલ્લાહ પોતાની ઈચ્છા મુજબ જેને જેટલું આપવાનું હશે આપી દેશે,પરંતુ આખિરતમાં તેનો કોઈ ભાગ નહી હોય,અને જે ઈમાનની સાથે આ દુનિયામાં આખિરત માટે મહેનત કરશે તો તેની મેહનત આખિરતમાં રંગ લાવશે, દુનિયામાં અલ્લાહની બખ્શિશ દરેકને મળે છે, ભલે પછી તે કાફિર હોય,પરંતુ આખિરત ફક્ત મોમિનો અને નેકલોકો માટે છે અને આખિરત દુનિયાથી કંઈ ઘણી શ્રેષ્ઠ છે.
➥ (૧) ફકત અલ્લાહની ઈબાદત કરો.(૨) માં-બાપ સાથે સારુ વર્તન રાખો,જેવી રીતે તેમણે તમને નાનપણમાં મોટા કર્યા, તમે તેમની વૃદ્ધાવસ્થામાં સેવા કરો, તેમને તકલીફ થાય તેવી કોઈ વાત ન કહો,તેમના માટે દુઆ કરતા રહો કે એ અલ્લાહ! તેમના ઉપર રહમ ફરમાવો,જેવી રીતે તેમણે મને બાળપણમાં પ્રેમ અને રહમથી મોટો કર્યો.(૩) સગા સંબંધીઓ,ગરીબો અને મુસાફરોના હક અદા કરો.(૪) દોલતને વ્યર્થ ખર્ચ ન કરો,આવું કરવાવાળા શયતાનના ભાઈ છે.(૫) જો કોઈ વખત આપની પાસે હકદારને આપવા માટે કંઈ ન હોય તો મીઠી અને નરમ વાત કહીને ટાળી શકો છો. (૬) માલ ખર્ચ કરવામાં મધ્યસ્થતા રાખો, કંજુસાઈ પણ ન કરો અને એટલું વધારે પણ ખર્ચ ન કરો કે તમારે ખાલી હાથ બેસવું પડે.(૭) મોહતાજીની બીકથી પોતાની અવલાદને પેદા થતા પહેલાં અથવા પછી કતલ ન કરો,તમારી અને તમારી રોજીનો માલિક અલ્લાહ છે.(૮) જીના(વ્યભિચાર)ની નજીક પણ ન જાઓ.(૯) માપ-તોલમાં બેઈમાની અને કમી ન કરો.(૧૦) જે વાતની પૂરતી માહિતી ન હોય તેની પાછળ ન પડો, કયામતના દિવસે કાન,આંખ,દિલ દરેક અંગના કામો વિશે પૂછપરછ થશે.
➥ દુનિયાની દરેક વસ્તુ અલ્લાહની તસ્બીહ (પાકી) બયાન કરે છે, પરંતુ માનવી તેને સમજી નથી શકતો.
➥ આખિરતના ઈન્કારીઓ પાસે એક જ દલીલ છે કે જ્યારે માણસ મૃત્યુ પછી હાડકા અને માટી થઈ જશે તો કેવી રીતે જીવતો થશે,જવાબ આ છે કે જે જાતે કશું ન હોવા છતાં તમોને પૈદા કર્યા તેના માટે બીજી વાર જીવીત કરવું વધારે આસાન છે, ભલે તમે મૃત્યું બાદ માટી,પથ્થર ,લોખંડ કે તેનાથી વધુ સખત કોઇ વસ્તુ થઈ જાઓ.
➥ વાતચીતમાં હંમેશા નરમ અને સારો તરીકો અપનાવો, બદજુબાની અને અપશબ્દો ન બોલો, જે ઝઘડાનું કારણ બની શકે છે,શયતાન જે માનવીનો ખુલ્લો દુશ્મન છે હમેંશા આપસમાં લડાઈઓ દ્વારા દુશ્મની ફેલાવે છે.
➥ ખરેખર અલ્લાહ તઆલાએ ઇન્સાનને આદરણીય બનાવ્યો, તમામ મખલૂક પર તેને શ્રેષ્ઠતા આપી, તેના માટે જમીન અને દરિયામાં રસ્તા બનાવ્યા,તેમજ સારી અને ઉત્તમ વસ્તુઓ ખાવા માટે આપી.
➥ જે માણસ દુનિયામાં હક વાતથી આંધળો બનીને રહેશે આખિરતમાં પણ તેને જન્નતના રસ્તાથી આંધળો કરી દેવામાં આવશે.
➥ મક્કાના કાફિરોએ નબી સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ ને ધમકીઓ,લાલચો આપીને ગેરમાર્ગે દોરવાના ઘણા પ્રયત્નો કર્યા,ફક્ત અલ્લાહની મદદથી આપ તેમના પોતાના મિશન પર મક્કમ રહ્યા.
➥ પહેલેથી જ અલ્લાહનો આ તરીકો છે કે જે કોમ પોતાના નબીને કાઢી મૂકે છે તેમનું અસ્તિત્વ બાકી નથી રહેતું,સમય જતા તેમને પણ હલાક કરી દેવામાં આવે છે.
➥ નબી સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ ને અને પૂરી ઉમ્મતને સુરજ નમી જાય ત્યાર પછીથી રાતના અંધારા સુધી અમુક નમાઝો (ઝોહર,અસર,મગરિબ,ઈશા)અને ફજરની નમાઝ(જે ફરિશ્તાઓની હાજરીનો સમય છે,)ફર્ઝ કરવામાં આવી, આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ પર વધુ એક નમાઝ તહજ્જુદ પણ ફર્ઝ કરવામાં આવી અને આપને આખિરતમાં મકામે મહમૂદનો વાયદો કરવામાં આવ્યો.
➥ મકકા છોડતી વખતે અલ્લાહે આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને આ દુઆ શિખવાડી કે ''હે પરવરદિગાર! મને સચ્ચાઈની સાથે (મદીનામાં)દાખલ ફરમાવો અને સચ્ચાઈની સાથે (મક્કાથી)લઈ જો,એટલે કે મારી હિજરતને હક અને સચ્ચાઈની જીતનો ઝરિયો બનાવો.છેવટે હકનો વિજય અને બાતિલનો પરાજય થયો અને હમેશ માટે અલ્લાહના ઘર કાબામાંથી મૂર્તિપૂજાનો ખાત્મો કરવામાં આવ્યો.
➥ રૂહ(જેના ઉપર દરેક સજીવનું અસ્તિત્વ કાયમ છે.)ની વાસ્તવિકતા ફક્ત અલ્લાહ જ જાણે છે, માણસ પાસે જે કંઈ પણ જાણકારી છે તે અલ્લાહના વિશાળ અને અપાર ઇલ્મનો એક થોડો હિસ્સો છે.
➥ જો તમામ ઈન્સાનો અને જિન્નાતો મળી એક બીજાના મદદગાર બનીને કુર્આન જેવી કિતાબ લાવવા માંગે તો તે નથી લાવી શકતા.
➥ દુનિયામાં ઇન્સાન વસવાટ કરે છે એટલે તેમની હિદાયત માટે અલ્લાહે ઇન્સાનોમાંથી નબી બનાવીને મોકલ્યા, જો ફરિશ્તા રહેતા હોત તો અલ્લાહે ફરિશ્તાઓમાંથી નબી બનાવીને મોકલ્યા હોત.
➥ અલ્લાહના ઘણા સારા નામો છે,કોઈ પણ નામથી તેને પુકારી શકાય છે,નમાઝમાં પોતાની અવાજ મધ્યમ રાખો ન વધુ પડતી જોરથી રાખો અને ન વધુ પડતો ધીમો.
【સૂરએ કહફ】
➥ (૧) જ્યારે કોઈ કામ કરવાનો ઇરાદો કરો તો સાથે ઇન્શાઅલ્લાહ જરૂર કહો.(૨) કુરઆનની તિલાવત કરતાં રહો.(૩) એવા લોકો સાથે રહો જે સવાર-સાંજ અલ્લાહની યાદમાં રહે છે,એવા લોકોનું અનુકરણ ન કરો જેમના દિલ અલ્લાહની યાદથી ગાફિલ છે.(૪) હકને બયાન કરતાં રહો,જેની ઇચ્છા હોય તે કબૂલ કરે અને જેની ઇચ્છા ન હોય તે રદ કરે,પરંતુ દરેક પોતપોતાના ઠેકાણાને યાદ રાખે,ઝાલિમોને ખડખડતું પાણી પીવડાવવામાં આવશે, જ્યારે ફરમાબરદારોને સોનાના ઘરેણા અને રેશમનો પોષાક પહેરાવવામાં આવશે.
➥ સૂર-એ-કહફમાં ચાર કિસ્સાઓના સંદર્ભમાં ચાર મોટા ફિત્નાઓ અને તેનાથી બચવાના ઉપાયો બયાન કરવામાં આવ્યા છે.(૧)ઈમાનના રક્ષણનો ફિત્નો: હજરત ઈસા(અલ.)અને મુહમ્મદ(સ.અ.વ.)ના વચગાળામાં એક બાદશાહ હતો,જે પોતે પણ મૂર્તિપૂજક હતો અને પોતાની પ્રજાને પણ મૂર્તિપૂજા કરવા ફરજ પાડતો, પરંતુ અમુક નવયુવાનોએ મૂર્તિપૂજાનો વિરોધ કરી તવ્હીદ(એકેશ્વરવાદ)ની દઅવત આપી અને ઈમાનના રક્ષણના હેતુથી પોતાના સમાજથી અળગા રહી એક ગુફામાં આશરો લીધો,અલ્લાહ તઆલાએ લગભગ ૩૦૦ વર્ષ સુધી તેમને નીંદ્રામા રાખ્યા અને જીવન ટકાવી રાખવાના તમામ સાધનો પૂરા પાડયા. દા.ત. (૧) પુરતા પ્રમાણમાં સૂરજની રોશની પહોંચાડી.(૨) જોનારને એવું લાગતું હતું કે જાગી રહ્યા છે,જેથી કોઇ તક્લીફ ન પહોંચાડી શકે.(૩) સતત એક પડખા પર સુઇ રહેવાથી કોઇ શારીરિક નુકશાન ન થાય તે માટે પડખા પણ ફેરવતા રહ્યા.(૪) તેમનો કુતરો ગુફાના દરવાજા પર તેમની સુરક્ષા માટે બેસી રહ્યો.(૫) અલ્લાહ તઆલાએ ગુફાની આસપાસના વાતાવરણમાં અસમાન્ય રોઅબ અને ડર મુકી દીધો હતો,જેથી કોઈ પણ તેમને નુકસાન પહોંચાડી શકે નહીં અથવા તેમની નિંદ્રાને ભંગ કરી શકે નહીં.ત્યાર બાદ ચમત્કારિક રીતે ૩૦૦ વર્ષની નિંદ્રામાથી જગાડી તેમને લોકો માટે ઉદાહરણ બનાવી દીધા,ફિત્નાઓના યુગમાં ઈમાનનું રક્ષણ એક પડકાર સમાન છે,જે રીતે નવયુવાનોએ પોતાના ખરાબ સમાજથી દૂર રહી પોતાના ઈમાનનું રક્ષણ કર્યું, એજ રીતે આપણે પણ પોતે અને પોતાની અવલાદને ખરાબ માહોલ, ખરાબ દોસ્તી અને ખરાબ સ્કૂલોથી દૂર રાખી ઈમાનના રક્ષણની ચિંતા કરીએ,એ જ આ કિસ્સાનો મુખ્ય બોધ છે. (૨)માલનો ફીત્નો: ત્યાર બાદ બે માણસોનો કિસ્સો છે, એકને અલ્લાહ તઆલાએ ખૂબ દોલત આપી હતી,તે પોતાની દોલતના નશામાં ઘમંડી બની કયામતનો ઇન્કાર કરી બેઠો અને પોતાની દોલતને અમર સમજવા લાગ્યો,બીજો ભલે માલદાર ન હતો,પરંતુ સારી વિચારસરણી અને ખયાલનૂ હતો, તે પોતાના માલદાર મિત્ર તેને સમજાવતો રહ્યો કે દોલતને અલ્લાહની દેન સમજ,તેનો શુક્ર કર,પરંતુ તે પોતાના અભિમાનમાં મસ્ત રહ્યો, અલ્લાહે તેની સર્વ દોલત અને બાગને અઝાબની લપેટમાં લઈ એક જ રાતમાં તેને કંગાળ બનાવી દીધો.માલના ફિત્નાથી બચવાના ઉપાય રૂપે ઉપરોક્ત કિસ્સા બાદ અલ્લાહ તઆલાએ નશ્વર(ફાની) અને અમર(લા ફાની)ની હકીકત એકદમ સ્પષ્ત રીતે જણાવી દીધી,માણસે પોતાની વિચારસરણી બનાવી લેવી જોઇયે કે દુનિયા અને તેની દોલત(ભલે માણસ વ્યાપક પ્રમાણમાં તેને ભેગી કરી લે) જમીન પર ઉગનાર છોડ સમાન છે જેની શરૂઆત તો ઘણી લીલોતરીની સાથે થાય છે પરંતુ તેનો અંત સૂકા ભુસાના સ્વરૂપમાં છે જે હવામાં પણ પોતાને ટકાવી શકતું નથી, જ્યારે કે નેક આમાલ અને તેનો સવાબ સદા બાકી રહેનાર છે, આ વિચારસરણી ધરાવનાર વ્યક્તિ ઇન્શાઅલ્લાહ માલના ફિત્નાઓથી સુરક્ષિત રહેશે.(૩)ઇલ્મ(જાણકારી)નો ફીત્નો: હઝરત મુસા(અલ.)વખતના નબી હોવાને લઈ સૉથી વધુ ઇલ્મવાળા અને જાણકાર હતા,પરંતુ અલ્લાહે પોતાના ઇલ્મ અને હિકમતની વિશાળતા અને ઊંડાઈની એક ઝલક આપવા માટે આપને હજરત ખિજર(અલ.) સાથે થોડો સમય પસાર કરવાનો આદેશ આપ્યો, હઝરત ખીજર(અલ.)ની સંગતમાં મુસા(અલ.)એ ઘણી એવી પ્રવુતિઓ નિહાળી જે બાહ્ય દ્રષ્ટિએ નાજાઈઝ અને અમાન્ય હતી, દા.ત.મજૂરોની નાવડીમાં કાણું પાડી દેવું,બાળકને મારી નાખવું, એવી વસ્તીમાં ઝૂકેલી દીવાલને સીધી કરી દેવી જે એહસાનની હકદાર ન હતી,પરંતુ જ્યારે તેની પૃષ્ટભૂમિ પર રહેલ અલ્લાહની હિકમતો જાણી કે મજૂરોની નાવડીમાં કાણું પાડીને તેમની નાવડીને બાદશાહના કબ્જામાં જતી રહેવાથી બચાવી,જેના ઉપર તે ગરીબોનું ગુજરાન ચાલતું હતું,દીવાલને સીધી કરીને તેની નીચે છુપાયેલા બે યતીમ બાળકોના ખઝાનાની હિફાઝત કરી,બાળકને મારીને તેમના માં-બાપના ઇમાનની હિફાઝત કરી,જે મોટો થઇને પોતાના માં-બાપ માટે દીન અને દુનિયાની દ્રષ્ટીએ મુસીબત બનવાનો હતો,તો હઝરત મૂસા (અલ.)ને અલ્લાહના વિશાળ જ્ઞાન અને હિકમતનો એહસાસ થયો કે માણસ ભલે ગમે તેટલું ઇલ્મ અને જ્ઞાન મેળવી લે,હમેશા આ વાત ધ્યાનમાં રાખવી કે મારી ઉપર એક સર્વશક્તિમાન છે જેનું ઇલ્મ સંપૂર્ણ અને ભૂલરહિત છે અને તે પોતાના અપાર જ્ઞાન અને હિકમતથી સર્વજગત નો વહીવટ સંભાળી રહ્યો છે.(ક્રમશ:)

0 Comments