【સૂરએ હિજર】
➥ અત્યારે(દુનિયામાં) કાફિરોને ખાતા-પીતા,મોજ-મસ્તી કરતાં અને ગફલતવાળી જિંદગીમાં રહેવા દો,આખિરતમાં પોતાનો અઝાબ જોયા બાદ ઇચ્છા કરશે કે મુસલમાન હોત તો કેવું સારું થાત.
➥ કુર્આન અલ્લાહે જ ઉતાર્યું છે,અને તેની હિફાઝત અલ્લાહ તઆલા પોતે કરશે.
➥ અલ્લાહ પાસે દરેક વસ્તુના ખઝાના છે,જેને જરૂરતના પ્રમાણમાં જ જમીન પર ઉતારવામાં આવે છે,આસમાનથી જે વર્ષા થાય છે ઘણી વધુ માત્રામાં તેને જમીન દ્વારા શોષી લેવામાં આવે છે,ઇન્સાનમાં એટલી શક્તિ નથી કે તેને પોતાની પાસે સંગ્રહિત કરીને રાખે.
➥ અલ્લાહે ઇન્સાનને ખણખણાટ વાળી માટીથી અને જીન્નાતને લૂ માં મળેલી આગથી પેદા કર્યા છે.
➥ દોઝખનાં આઠ દરવાઝા છે,દરેક વ્યક્તિને પોતપોતાના આમાલ મુજબ જે તે દરવાજામાંથી દાખલ કરવામાં આવશે.
➥ જન્નતીઓ બગીચાઓ અને ઝરણાઓની વચ્ચે રહેશે, તેમનાં દિલોમાં કોઈના વતી કપટ, દુશ્મની, અદેખાઈ નહી હોય,આપસમાં ભાઈ ભાઈ બનીને રહેશે, ત્યાં તક્લીફ, થાક અને પીડા નામની કોઈ ચીજ નથી.
➥ અલ્લાહનો ડર પણ રાખો અને અલ્લાહથી ઉમ્મીદ પણ રાખો,કેમ કે અલ્લાહ જેવી રીતે માફ કરવાવાળો અને મહેરબાન છે,એવી જ રીતે અલ્લાહનો અઝાબ પણ ઘણો સખત અને પીડાદાયક છે,મતલબ પોતાનું ઈમાન ડર અને ઉમ્મીદની વચ્ચે રાખો.
➥ અલ્લાહ તઆલાએ પોતાના નબીને ઘણી કીમતી શિખામણો આપી જે દીનની દઅવતનું કામ કરનાર દરેક વ્યક્તિ માટે ઉપયોગી છે.(૧) આપને કુરઆન મજીદ અને વિશેષ રૂપે સુરએ ફાતિહા જેવી દોલત આપી છે,તો પછી દુનિયાની દોલતને લલચાઈ નજરોથી ન જુઓ અને તેના ન હોવા પર અફસોસ ન કરો,(૨) સાફ સાફ રીતે દીનની દઅવત લોકોને સંભળાવો. (3) દીનનો મઝાક ઉડાવનારાઓની ફિકર ન કરો,તેમની સાથે અલ્લાહ વર્તી લેશે.(૪) મોત સુધી અલ્લાહના વખાણ અને તેની પાકી બયાન કરો અને તેની જ ઈબાદત કરતાં રહો.
【સૂરએ નહલ】
➥ અલ્લાહે પોતાના બંદાઓ માટે રૂહાની અને ભૌતિક ઘણી નેઅમતો રાખી છે,આ સૂરતમાં જેનું વિસ્તૃત વર્ણન છે,જેમાંથી અમુક મહત્ત્વની વાતો નીચે મુજબ છેઃ(૧) અલ્લાહે વિવિધ જાનવરોને પૈદા કર્યા જેનાથી માણસ ઘણો લાભ ઉઠાવે છે,દા.ત.અમુક જાનવરોના ઊનમાંથી ઠંડીથી બચવા માટેના પોશાક બને છે, તેમનાં વાળ પણ ઉપયોગી છે,ઘણા જાનવરોનો ગોશ્ત ખોરાકમાં ઉપયોગી છે,અમુકથી સામાન ઉઠાવવાની સેવા લેવામાં આવે છે,ઘણા જાનવરો ઘરની શોભામાં વધારો કરે છે,આ સિવાય પણ જાનવરોના ઘણાં ફાયદા છે,જેમ કે દૂધ,ગોબર,ચામડું ,શિંગડા, હાડકાનો રોજિંદી જરૂરિયાત અને ઘણા ઉદ્યોગોમાં કાચા માલ તરીકે ઉપયોગ કરવામાં આવે છે.(૨) વખતો વખત વરસાદનું પાણી વરસાવે છે,જેનાથી ખેતીવાડી,જાનવરોનો ઘાસચારો,ઝયતુન,ખજૂર,દ્રાક્ષ અને ભાત ભાતના ફળો ઉગે છે.(૩) સૂરજ,ચાંદ,તારાઓ અને રાત-દિવસને માનવીના ફાયદા માટે કામે વળગાડી દીધા.(૪) અલ્લાહે માનવી માટે જે કઈ પણ વસ્તુ બનાવી,દરેકના રંગ,સ્વાદ,વાસ,ઉપયોગિતા,ફાયદા અને અસરમાં વિવિધતા રાખી.(૫) સમુદ્રને પણ માનવીના તાબા હેઠળ રાખ્યો,જેમાથી ખોરાક માટે તાજી માછલીઓ અને પહેરવા માટે કીમતી હીરા-મોટી,ઘરેણાં કાઢવામાં આવે છે,સ્ટીમરો અને વહાણો પાણીની સપાટી પર માલ-સામાન લઈને સમુદ્રી રસ્તાઓથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે,જેમાં લોકો માટે રોજી-રોટીની વ્યવસ્થા હોય છે.(૬) ધરતી પર ઊંચા ઊંચા પર્વતો રાખ્યા જેથી જમીન ડગમગ ન થાય અને ઘણા પર્વતોમાંથી નદીઓ પણ વહાવી.(૭) પોતાના ઠેકાણે સહી-સલામત પહોંચવા માટે રસ્તાઓની વ્યવસ્થા કરી અને રસ્તાઓની ઓળખાણ માટે પણ નિશાનીઓ રાખી.(૮) રાતના સમયે(ખાસ કરીને સમુદ્રની મુસાફરીમાં) રસ્તો જાણવા માટે અમુક તારાઓ બનાવ્યા.(૯) જાનવરોના પેટમાં ફક્ત છાણ અને લોહી હોય છે,તે જ પેટમાંથી સ્વચ્છ અને સ્વાદિષ્ટ દૂધ પૈદા કરે છે.(૧૦) મધમાંખી દૂર-દૂર જઈને ફૂલો અને ફળોમાંથી રસ ચૂસીને એક જગ્યાએ એકત્ર કરી સફેદ,લાલ,પીળું વિવિધ રંગોનું મધ બનાવે છે,જેમાં બીમારીઓની શિફા છે.(૧૧) અલ્લાહે માનવીને બીવી,પુત્ર,પોત્રના રૂપમાં પરિવાર આપ્યું,જેમની સાથે એક સુખમય જીવન જીવી શકે છે.(૧૨) જ્યારે માનવી પોતાની માંના પેટમાંથી નીકળે છે ત્યારે કઈ પણ નથી જાણતો અને સમજતો,પરંતુ અલ્લાહે તેને કાન,આંખ અને દિલના રૂપમાં જાણવાના સાધનો આપ્યા.(૧૩) કાયમી નિવાસ કરવા માટેના મકાન અને કામચલાઉ ધોરણે બનાવવામાં આવતા ચામડાંઓના તંબુની પણ વ્યવસ્થા કરી જેને મુસાફરીમાં અને સ્થાયી રૂપે પણ વાપરી શકાય છે. (૧૪) આ સિવાય માનવીના રહેવા માટે ઘર,તડકાથી બચાવ માટે વસ્તુઓનો પડછાયો, ગરમીથી બચાવ માટેના કપડા અને યુદ્ધ દરમિયાન પહેરવાના બખ્તરની વ્યવસ્થા કરી.
➥ અલ્લાહના ઉપકારો અને નેઅમતોના આ અમુક નમૂના છે, બાકી અલ્લાહના ઉપકારો એટલા છે કે માનવી તેની ગણતરી પણ નથી કરી શકતો, બસ તેને જોઈને અલ્લાહને ઓળખો, તેના પર ઈમાન લાવો અને ફકત તેની જ ઈબાદત કરો, તેનો ઉપયોગ કરો,હલાલ વસ્તુઓને પોતાની (ખોટી મન્નતો દ્વારા અથવા બીજી કોઈ પણ) રીતે હરામ ન કરો. ના શુક્રી ન કરો, ઘણી કોમો એવી હતી જેમની પાસે પુષ્કળ પ્રમાણમાં અલ્લાહની નેઅમતો હતી, શાંતિમય વાતાવરણ હતું, પરંતુ અલ્લાહની નેઅમતોની નાશુક્રીની સજામાં ભૂખમરીની પરિસ્થિતિઓ સર્જાઈ અને અઝાબના ડર અને ખૌફનું વાતાવરણ બની ગયું.
➥ અલ્લાહ તઆલાએ મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ પર કુર્આન ઉતાર્યું ,આપની જવાબદારી આ હતી કે તે લોકોને કુર્આન ખૂબ ખોલીને સમજાવે અને લોકોની જવાબદારી આ છે કે કુર્આનમાં ચિંતન મનન કરે.
➥ મુશરિકો ફરિશ્તાઓને અલ્લાહની બેટીઓ સમજતા હતા,જ્યારે કે બેટીઓની પૈદાઇશ વખતે તેમની હાલત આ હતી કે બેટીની પૈદાઇશની ખબર સાંભળીને તેમનું મોઢું પડી જતું હતું,બેટીને રાખવામાં સામાજિક અપમાનનો સામનો કરવો પડતો હતો,ઘણા લોકો આ અપમાનથી બચવા માટે નવજાત બાળાને માટીમાં દફન કરી દેતા હતા.
➥ મુર્તિપૂજાના રદ બાતલ હોવાની સમજૂતીના ત્રણ ઉદાહરણો આ છે. (૧) આ દુનિયામાં કોઈ ગરીબ છે તો કોઈ માલદાર,કોઈ માલિક છે તો કોઈ નોકર,અને તેનાથી જ દુનિયાની વ્યવસ્થા ચાલી રહી છે,કદાપિ એવું નથી થતું કે કોઈ માલિક પોતાના નોકરને એટલું બધુ આપી દે કે નોકર માલિકના બરાબર થઈ જાય,તો પછી દુનિયાની ચીજવસ્તુઓ જે હકીકતમાં અલ્લાહની મિલકત છે,તે ઇબાદતમાં અલ્લાહની ભાગીદાર કેવી રીતે થઈ શકે?(૨) એક ગુલામ જે વાતવાતમાં માલિકની પરવાનગીનો મોહતાજ હોય છે તે એક આઝાદ માણસના બરાબર ન હોય શકે જેને પોતાના માલ પર સંપૂર્ણ અધિકાર હોય છે,એવી જ રીતે મૂર્તિઓ જેની પાસે કોઈ અધિકાર જ નથી તે ઈબાદતના લાયક હોવામાં અલ્લાહના બરાબર કેવી રીતે થઈ શકે જેની પાસે અપાર શક્તિ અને અધિકારો છે?(૩) એક માણસ પાસે એક ગુલામ છે,જે ગુંગો છે, માલિક પર ફક્ત બોજ બનીને બેઠો છે,અને બીજો એવો માણસ જે બોલી શકે છે, લોકોને ભલી વાતો શીખવાડે,બંને બરાબર હોય શકે? એવી જ રીતે ગુંગી મૂર્તિઓ અને અલ્લાહની જાત ઇબાદતમાં કેવી રીતે બરાબર હોય શકે?
➥ અલ્લાહ તઆલાએ ઇન્સાફ,એહસાન અને રિશતેદારોના હકોની અદાઇગીનો હુકમ આપ્યો છે અને દરેક પ્રકારની બૂરાઈઓ, ના પસંદ વાતો અને જુલમથી રોક્યા છે.
➥ અલ્લાહ પાસે જે કંઈ છે તે હમેંશા બાકી રહેશે અને લોકો પાસે જે કંઈ છે તે એક દિવસ ફના થઈ જશે.
➥ જે મોમિન મર્દ અને ઓરત નેક આમાલ કરશે,અલ્લાહ તેમને દુનિયામાં પણ સુકૂનવાળી અને આરામદાયક જિંદગી આપશે, અને આખિરતમાં તેમના અમલથી વધુ સારો બદલો આપશે.
➥ કુર્આન પઢવાની શરૂઆત કરો ત્યારે "અઉઝુ બિલ્લાહી મિનશ્શ્ય્તાનિર્રજીમ" પઢી શયતાનથી અલ્લાહની પનાહ માંગો, મોમિનો અને અલ્લાહ પર ભરોસો રાખનારાઓ પર તેનો દાવ નહી ચાલે, મુશરિકો અને તેની સાથે દોસ્તી રાખનારાઓ તેની જાળમાં ફસાઈ જશે.
➥ જે લોકો ઇમાન લાવ્યા પછી કુફ્રનો રસ્તો અપનાવી લે તેમના ઉપર અલ્લાહનો ગુસ્સો છે અને આખિરતમં સખત અઝાબ છે,હાં,શરીઅત માણસની મજબૂરી અને લાચારીનો જરૂર ખ્યાલ રાખે છે, દા.ત.કોઈ માણસને જાનની ધમકી આપી કુફ્રિયા શબ્દો બોલવા પર મજબૂર કરવામાં આવે તો તેને ફક્ત જબાનથી બોલવાની ઇજાઝત છે(ન બોલવું અફઝલ છે.),દિલથી તેનો ઇન્કાર અને ઈમાનની સલામતી જરૂરી છે, એવી જ રીતે શરીઅતે મુરદાર,લોહી,સુવ્વરનો ગોશ્ત,અલ્લાહના સિવાય બીજા કોઈના નામ પર ઝબહ કરેલું જાનવર હરામ ઠેરવ્યું છે,પરંતુ જો કોઈ માણસ ભૂખે મારી રહ્યો હોય અને હરામ વસ્તુઓ સિવાય ખાવા માટે બીજું કઈ ઉપલબ્ધ ન હોય તો શરીઅત જરૂરત પૂરતું ખાવાની ઇજાઝત આપે છે.
➥ દીનની દઅવતમાં હંમેશા હિકમત અને શિખામણના ઉત્તમ તરીકાને અપનાવો અને ઉત્તમ રીતે દલીલ કરો, અને જો તમને કોઈ તકલીફ પહોચાડે અને તમે બદલો લેવા માંગતા હોય તો તેટલો જ બદલો લ્યો જેટલી તમને તકલીફ પહોચી છે,અને જો તમે સબર કરીને માફ કરી દો તો આ શ્રેષ્ઠ તરીકો છે.

0 Comments