(હઝરત યૂસુફ(અલ.)નો બાકી કિસ્સો) (૧૨) પોતાની બેગુનાહી સાબિત થયા બાદ યૂસુફ (અલ.) એ એક હકીકત જણાવી દીધી કે હું પોતાને બે કસૂર નથી સમજતો,માનવીનો નફસ તો હંમેંશા તેને બુરાઈ તરફ જ લઈ જાય છે, અલ્લાહ બચાવી લે તો માણસ બચી શકે છે.(અને અલ્લાહે મને બચાવ્યો.) (૧૩) યુસુફ(અલ.)ની ઈમાનદારી, નૈતિકતા અને સમજદારી જેવા સદગુણોને જોઈ મિસરના બાદશાહે પોતાના મંત્રી મંડળમાં પ્રભાવશાળી હોદ્દો આપવાનું નક્કી કર્યું, યુસૂફ (અલ.)એ ભવિષ્યમાં આવનાર દુકાળના વર્ષોને ધ્યાનમાં રાખી જનસેવાના ઇરાદાથી સરકારી ખજાનામાં સંગ્રહિત અનાજની જવાબદારીની માંગ કરી અને આ કામ માટે યોગ્ય હોવા માટે પોતાની બે લાયકાતો દર્શાવી (૧) હુ ખજાનાનુ રક્ષણ કરનાર છું.(૨) મારી પાસે અનાજની લેવડ દેવડ તથા નાણાકીય વહીવટનું જ્ઞાન છે.(૧૪) દુકાળ દરમિયાન ભાઈઓ અનાજ લેવા માટે આવ્યા, યુસૂફ (અલ.)એ ભાઈઓને ઓળખી લીધા પરંતુ ઓળખ છુપાવી અને બીજીવાર પોતાના ભાઈ બિનયામીનને લાવવા કહ્યું. (૧૫) બીજી વાર અનાજ લેવા માટે જતી વખતે ભાઈઓએ યાકૂબ(અલ.)સમક્ષ બિનયામીનનું સાથે હોવું આવશ્યક છે એમ જણાવ્યું, યાકૂબ(અલ.)એ દુકાળના કપરા સંજોગોને ધ્યાનમાં રાખી ભારે હૈયે અલ્લાહ પર ભરોસો રાખી બિનયામીનને મોકલ્યા અને બુરી નજરથી હિફાજત માટે પોતાના દિકરાઓને અલગ અલગ રસ્તાઓથી દાખલ થવા જણાવ્યું. (૧૬) મિસર પહોંચીને યૂસુફ (અલ.)એ બિનયામીનને પોતાની પાસે રાખીને પૂરી હકીકત જણાવી, ઘરની સ્થિતિ અને હાલાત વિશે માહિતી મેળવી,પોતાના સગા ભાઈ બિનયામીનને પોતાની પાસે રાખવા યૂસુફ (અલ.) એ એક યુક્તિ કરી કે બાદશાહનું ખાસ વાસણ તેમનાં થેલામાં મૂકી દીધું, વાસણ ગુમ થવાની જાણ થતાં વ્યક્તિગત તપાસ હાથ ધરવામાં આવી,છેવટે બિનયામીનના થેલામાંથી નીકળતા તેમને સજા રૂપે મિસરમાં જ રોકી રાખવામાં આવ્યા.(૧૭) ભાઈઓએ યાકુબ (અલ.)ને ઘટનાની જાણ કરી,યૂસુફ(અલ.)ની જુદાઈના લઈ રડી રડીને તેમની આંખો રોશની ગુમાવી ચુક્યા હતા અને હવે બિનયામીન સાથે થયેલ ઘટનાથી વધુ ઉદાસ અને દુઃખી થયા,પરંતુ સબ્ર કર્યો અને પોતાની તકલીફો ફકત અલ્લાહને સંભળાવી.(૧૮) પોતાના દીકરાઓને ત્રીજી વાર મિસર મોકલ્યા અને અલ્લાહની રહમતથી નિરાશ થયા વગર યૂસુફ(અલ.)ની શોધ પણ ચાલુ રાખવા જણાવ્યું, ત્રીજી વાર ભાઈઓ સાથે મળીને યૂસુફ (અલ.)એ પોતાનો વાસ્તવિક પરિચય આપ્યો, ભાઈઓ યૂસુફ (અલ.) ને જીવિત અને મિસરના ઉચ્ચ હોદ્દા પર જોઈને અચંબામાં પડી ગયા, યૂસુફ (અલ.)એ પોતાની સમગ્ર સફળતાઓનું કારણ સબ્ર અને તકવો હોવાનું જણાવ્યું, ભાઈઓને માફ કરી દીધા અને યાકૂબ (અલ.)ની આંખોની રોશનીની પુનઃપ્રાપ્તિ માટે પોતાનું કમીઝ તેમના ચેહરા પર નાખવા કહ્યું. (૧૯) યાકૂબ (અલ.)ની આંખોની રોશની પાછી આવી ગઈ, યૂસુફ (અલ.) એ પોતાના માતા-પિતાને પણ મિસર બોલાવી તેમનું સન્માન કર્યું, તે સમયે માતા-પિતા અને અગિયાર ભાઈઓ તેમની સામે સજ્દામાં પડી ગયા, આમ બાળપણમાં જોયેલું સ્વપ્ન લાંબા સંઘર્ષ અને કુરબાનીઓ બાદ પૂરું થયું.(૨૦) મિસરના પ્રભાવશાળી હોદ્દા પર હોવા છતાં યૂસુફ(અલ.)એ હંમેશા અલ્લાહનો શુક્ર અદા કર્યો,અને ઇમાન પર ખાત્માની દુવા કરતાં રહ્યા. યૂસુફ (અલ.)નો કિસ્સો મક્કમ ઈમાન, પરહેઝગારી, અલ્લાહ પર ભરોસો,માફી અને સબ્રનો એક સુંદર સંદેશ આપે છે.

                【સૂરએ રઅદ

અલ્લાહની કારીગરીના અમુક દ્રશ્યો આ છે.(૧) આસમાનને ટેકા વગર બનાવ્યું.(૨) સૂરજ અને ચાંદને કયામત સુધી સમયસર ઉગવા અને ડૂબવા માટે કામ પર લગાવ્યા.(૩) જમીનને બિછાવી તેના ઉપર પહાડો, નદીઓ, દરિયાઓ અને સમુદ્રો બનાવ્યા.(૪) દરેક ફળમાં પણ નર અને માદાના જોડા બનાવ્યા. (૫) એક જ પૃથ્વી પર અલગ અલગ પ્રકાર અને ગુણવત્તાની જમીનો બનાવી, એક જ પ્રકારના પાણીથી સિંચાઇ હોવા છતાં અલગ અલગ સ્વાદના ફળો અને વૃક્ષો જમીનમાંથી ઉગાડયા.(૬) માંના પેટમાં રહેલ ગર્ભની દરેક હાલતને પણ સંપૂર્ણ પણે જાણે છે.(૭) તેના માટે જાહેર, છુપાયેલું, દિવસ, રાત, અંધકાર, અજવાળુ બધું જ બરાબર છે.(૮) માણસની સુરક્ષા માટે અને તેના આમાલ લખવા માટે ફરિશ્તાઓને તેની સાથે લગાવી દીધા છે.(૯) આસમાન ની વીજળી અને ફરિશ્તાઓ પણ તેની પાકી બયાન કરે છે.(૧૦) તે જ હાજતો પૂરી કરવાનો અધિકારી છે, જે લોકો તેને છોડીને બીજા માબૂદો પાસે હાજતો માંગે છે તેમનું ઉદાહરણ એવા માણસ સમાન છે જે પાણીની સામે હાથ ફેલાવીને ઊભો થઈ જાય એમ સમજીને કે પાણી તેના મોંમાં આવી જશે,જ્યારે કે આ રીતે કદી પણ પાણી તેના મોમાં નહી આવે.

હકનું ઉદાહરણ શુદ્ધ પાણી અને શુદ્ધ ધાતુના ઘરેણાં જેવું છે(જે લોકો માટે ઉપયોગી છે) અને બાતિલનું ઉદાહરણ પાણીની ઉપર રહેલ ફીણ અને ધાતુમાંથી નીકળતા કચરા સમાન છે.(જેનું કોઈ કાયમી અસ્તિત્વ નથી હોતું.)

નેક લોકોના અમુક આમાલ આ છે.(૧) અલ્લાહ સાથે કરેલા કરારોને પૂરા કરવા.(૨) રિશ્તેદારીઓને નિભાવવી.(૩) અલ્લાહ અને કયામતના સખત હિસાબથી ડરવું.(૪) અલ્લાહની રઝા માટે તકલીફો પર સબ્ર કરવો.(૫) નમાઝ કાયમ કરવી. (૬) માલી હક્કો(ઝકાત વગેરે)અદા કરવા.(૭) બુરાઈનો જવાબ ભલાઈથી આપવો,આ પ્રકારના આમાલ કરનાર પોતાની નેક અવલાદ અને ખાનદાન સાથે જન્નતમાં રહેશે.

અલ્લાહ સાથે કરેલા કરારોને તોડવા,રિશ્તેદારીઓને તોડવી,જમીનમાં બગાડ પૈદા કરવો,આ પ્રકારના આમાલ કરવાવાળાઓ પર અલ્લાહની લાનત અને તેમના માટે આખિરતમાં ઘણું ખરાબ ઠેકાણું છે.

ઈમાનવાળાઓના દિલોને અલ્લાહની યાદથી જ સુકૂન મળે છે અને ખરેખર અલ્લાહની યાદમાં જ દિલોનો સુકૂન છે.

 કાફિરોની જિદ એટલી હદે વધેલી હતી કે જો કુરાન દ્વારા પહાડો પોતાની જગ્યાએથી ચાલવા લાગે,દિલો ફાટી જાય અને મુર્દા વાતચીત કરતાં થઇ જાય ,તો પણ તેઓ માનવા માટે તૈયાર ન થાય.

  નબી અને રસૂલ કોઈ અલૌકિક જીવ નથી હોતા કે જેમની સાથે પ્રાકૃતિક જરૂરતો ન હોય,તેમની પણ,પત્નીઓ અને બાળકો હોય છે.

                    【સૂરએ ઇબ્રાહીમ

નબીનું કામ પોતાની કોમને તેમની માતૃભાષામાં(જેથી લોકો સમજી શકે)અલ્લાહનો સંદેશ પહોચાડવાનું હોય છે, કોઈ મોઅજીઝો દેખાડવો અથવા અલ્લાહના સંદેશને નકારનારાઓ પર અઝાબ લઈ આવવો નબીનું કામ નથી હોતું.

અલ્લાહનો શુક્ર નેઅમતોમાં વધારો થવાનો અને નાશુક્રી નેઅમતો છીનવાઈ જવાનો જરીઓ છે.

નબીઓને પણ પોતાની કોમ તરફથી ધમકીઓ મળી કે અમારો ધર્મ અપનાવી લો ,અન્યથા  દેશનિકાલ કરવામાં આવશે, અલ્લાહ તરફથી સાંત્વના આપવામાં આવતી કે ઝાલિમોનો નાશ થશે અને નેક - પરહેઝગાર લોકોને જ જમીન વસવાટ માટે આપવામાં આવશે.

  જે લોકોએ દુનિયામાં ગુમરાહ લોકો અને શયતાનના કહેવા મુજબ ગુમરાહીનો રસ્તો અપનાવ્યો હશે કયામતના દિવસે તેઓ ખુદ કહેશે કે અમારા માટે પણ આજે બચવાનો કોઈ રસ્તો નથી,શયતાન કહેશે કે અલ્લાહનો વાયદો સાચો અને મારા વાયદાઓ ખોટા હતા અને મે તમારા ઉપર કોઇ ઝબરદસ્તી પણ નથી કરી, મેં બોલાવ્યા અને તમે આવી ગયા, હવે મને દોષ આપવાને બદલે પોતાની જાતને દોષ આપો.

કલીમએ તય્યિબહનું ઉદાહરણ એવા ઝાડ જેવું છે જેનું મૂળ મજબૂત અને ડાળીઓ આકાશમાં હોય, અને દરેક સીઝનમાં ફળ આપે, એવી જ રીતે કલીમએ તય્યિબહનું મૂળ મોમિનના દિલમાં અને તેના નેક આમલ આસમાન તરફ જાય છે જેનું ફળ તેને દુનિયા અને આખિરતમાં મળતું રહે છે, અને કુફ્રના કલિમાનું ઉદાહરણ એવા ખરાબ ઝાડ (દા.ત. ઇન્દ્રાયન) જેવું છે જેને બિનઉપયોગી હોવાના લીધે જમીન પરથી ઉખેડી નાખવામાં આવે.

 હઝરત ઇબ્રાહીમ(અલ.)એ અલ્લાહના હુકમના પાલનમાં કાબા શરીફ પાસે પોતાના પુત્ર ઇસ્માઇલ(અલ.)અને બીવી હાજરા (અલ.)ને સૂનસાન અને ઉજ્જડ ખીણમાં વસાવ્યા અને અમુક દુઆઓ માંગી, જે નીચે મુજબ છે,(૧) હે અલ્લાહ! આ શહેરને સલામતીવાળું બનાવ. (૨) મને અને મારી અવલાદને મૂર્તિપૂજાથી બચાવ.(૩) તેમનાં પ્રત્યે લોકોના દિલોમાં આકર્ષણ પૈદા કર,જેથી વધુ પ્રમાણમાં લોકો અહીંયા આવે અને તારી ઈબાદત થાય.(૪) તેમની જીવન જરૂરિયાત માટે ફળફ્રૂટની વ્યવસ્થા ફરમાવ, જેથી તેઓ તારા શુક્ર અદા કરે.(૫) મને અને મારી અવલાદને નમાઝને કાયમ કરવાવાળા બનાવ.(૬) મારી અને મારા માં-બાપની હિસાબના દિવસે મગફિરત ફરમાવ.

 ઝાલિમો કદાપિ એવું ન સમજે કે તેમના કુકર્મો, ઝુલ્મ અને અત્યાચારથી અલ્લાહ અજાણ છે, તેમને એવા દિવસના આવવા સુધી ઢીલ આપવામાં આવી રહી છે જે દિવસે આંખો ભયથી ફાટી જશે,હોશ ઉડી જશે, તેઓ અઝાબને જોઈને સુધરવાની મુદ્દત માંગશે, તેઓ દુનિયામાં તો એવું કહેતાં હતાં કે અમારું વર્ચસ્વ અમર છે,ભૂતકાળમાં પણ ઘણી કોમોએ પહાડોને હલાવી દે એવા દાવ રમ્યા,પરંતુ અલ્લાહના દાવ સામે તેઓ લાચાર રહ્યા.

કયામતના દિવસે જમીન અને આસમાનને બદલી નાખવામાં આવશે,મુજરિમોને બેડીઓ પહેરવવામાં આવશે,તેમના વસ્ત્રો ગરમ ડામર(ગંધક)ના બનેલા હશે અને તેમના ચેહરાઓની આસપાસ આગ છવાએલી હશે.