➥ ધરતી પર વસવાટ કરનાર તમામ જીવોને તેમના લાયક રોજી પહોચાડવાની જવાબદારી અલ્લાહ તઆલાની છે, તે દરેકનું દુનિયા અને આખિરતનું ઠેકાણું પણ જાણે છે.
➥ કાફિર પર જ્યારે મુશ્કેલી આવે છે તો પોતાના પરવરદિગારના એહસાનો ભૂલીને નાશુક્રો બની જાય છે અને જ્યારે તકલીફ પછી રાહત મળે છે તો ઘમંડી બની જાય છે, અને મોમીન બંને અવસ્થાઓને અલ્લાહ તરફથી સમજી શુક્ર અને સબ્ર સાથે જિંદગી જીવે છે.
➥ હઝરત નૂહ(અલ.)એ એક લાંબા સમય (૯૫૦ વર્ષ) સુધી પોતાની કોમને મૂર્તિપૂજાથી રોકી એક અલ્લાહની ઈબાદતની દઅવત આપી,લોકોએ તેને નકારી અને બે સવાલ કર્યા(૧)તમે અમારી જેમ સામાન્ય માણસ જ છો(૨)સમાજના કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિએ આપની વાત નથી માની, ફકત નીચલા વર્ગના લોકોએ જોયા વિચાર્યા વગર આપની વાત માની લીધી છે,જ્યાં સુધી તે લોકો આપની સાથે છે, અમે આપની વાત નથી માની શકતા, હઝરત નૂહ(અલ.)એ જવાબ આપ્યો કે ભલે હું તમારી માફક એક ઇન્સાન જ છું પરંતુ અલ્લાહે મને નુબુવ્વત આપી છે અને હું તમારા કહેવાથી મોમીનોને હાંકી શકતો નથી, છેવટે કોમે અઝાબની માંગણી કરી,હઝરત નૂહ(અલ )એ અલ્લાહ તઆલાના હુકમ અને માર્ગદર્શન મુજબ અઝાબથી રક્ષણ માટે જહાજ બનાવ્યું, આ જોઈને લોકો મશ્કરી કરતા પરંતુ નૂહ (અલ.) સહનશીલ બની જવાબ આપતા અને તેમને અલ્લાહના અઝાબથી ચેતવતા, છેવટે એક દિવસ અઝાબ આવી પહોંચ્યો, આસમાન અને જમીન બંને બાજુથી પાણી નીકળી જળપ્રલય સર્જાયો, મોજાઓએ પહાડોનું રૂપ ધારણ કર્યું, નૂહ(અલ.) એ પોતાના પુત્રને જહાજમાં બેસી જવા કહ્યું તો તેણે પહાડ પર ચઢી જવાનું કહીને ઈન્કાર કર્યો અને એક જ મોજાએ તેને પણ ડુબાડી દીધો,નૂહ (અલ.)એ તેના બચાવ માટે અલ્લાહથી દુઆ કરી પરંતુ અલ્લાહ તઆલાએ એમ કહી નકારી કાઢી કે બે ઈમાન અને બદઅમલ સાથે નબીનો કોઈ સંબંધ ન હોય શકે ભલે પછી નબીની અવલાદમાંથી હોય.
➥ હઝરત હૂદ (અલ.)ને કોમે આદ તરફ મોકલવામાં આવ્યા , "આદ" અરબના ઇતિહાસમાં ઘણી શક્તિશાળી કોમ તરીકે જાણીતી હતી જે "અલ-અહકાફ" નામી જગ્યાએ વસવાટ કરતી હતી, તેમની જીવનશૈલી પણ ઘણી સમૃદ્ધ હતી. તેઓએ ભવ્ય અને ઉંચા મકાન બનાવ્યા હતા, પરંતુ પોતાની શક્તિના ઘમંડમાં એક અલ્લાહની શક્તિને ભૂલી ગયા, મૂર્તિઓની પૂજા શરૂ કરી દીધી, કમજોરો પર અત્યાચાર ગુજારવા લાગ્યા,હઝરત હુદ (અલ.)દ્વારા તેમને અનેક વાર ચેતવવામાં આવ્યા,પરંતુ પોતાની નાફરમાની,જીદ અને ઘમંડમાં તથસ્ટ રહ્યા, છેવટે સતત આઠ દિવસ અને સાત રાત સુધી એક ભયંકર તોફાન અને વાવાઝોડું ત્રાટક્યું,જેના કારણે તેમનો નાશ થયો.
➥ હઝરત સાલિહ(અલ.)ને ષમૂદ તરફ મોકલવામાં આવ્યા ,'ષમૂદ' પણ અરબની એક પ્રાચીન જાતી હતી, જે 'અલ-હિજર'નામી એક વિસ્તારમાં રહેતા હતાં,તેમની જીવન શૈલી પણ ખુબ જ વૈભવી હતી. તેઓ પર્વતોમાં મકાનો બનાવવાની કળા ધરાવતા હતા.સમૃદ્ધિ અને ભૌતિક પ્રગતિમાં તેઓ પોતાને અત્યંત શક્તિશાળી માનતા હતા,પરંતુ આ સમૃદ્ધિને તેઓ પચાવી ન શક્યા અને એક અલ્લાહનો ઈન્કાર કરી મૂર્તિપૂજામાં લાગી ગયા.હઝરત સાલિહ(અલ.)એ તેમને તવહીદ અને નેકીનો સાચો માર્ગ બતાવ્યો, તેમની માંગ અને ઈચ્છા મુજબ અલ્લાહ તઆલાએ મોઅજીઝા રૂપે પહાડમાંથી એક ગાભણ ઊંટણી કાઢી, જેણે બહાર આવીને બચ્ચાને જન્મ આપ્યો,અને પોતાની કોમને સાવચેત કર્યા કે ઊંટણીને કોઈ તકલીફ ન આપશો, અન્યથા અલ્લાહનો અઝાબ આવશે, પરંતુ તેઓ અલ્લાહની ઊંટણીનું અસ્તિત્વ પણ સ્વીકારી ન શક્યા અને કાવતરું રચીને તેને પણ કતલ કરી નાખી,પરિણામે એક વિનાશક ભૂકંપ અને ભયંકર અવાજ દ્વારા ધરતી પરથી તેમનું અસ્તિત્વ ખતમ કરી નાખવામાં આવ્યું.
➥ હઝરત લૂત (અલ.)ની કૌમના લોકો ઘણી બદઅખલાકી અને પાપોમાં ઊંડા ડૂબેલા હતા. તેઓ વિશેષ કરીને અપ્રાકૃતિક અને અમાનવિય સંબંધો તરફ આકર્ષિત હતા, હઝરત લૂત (અલ.)એ તેમને તવહીદની દઅવત આપી યોગ્ય માર્ગ પર લાવવા માટે ખુબ જ પ્રયાસ કર્યા, નિકાહનો પવિત્ર રસ્તો અપનાવવાની સલાહ આપી, પરંતુ તેઓ વાત માનવા તૈયાર ન થયા,હઝરત લૂત (અલ.)ને દેશનિકાલ કરવાની ધમકીઓ આપી, છેવટે એક દિવસ અઝાબના ફરિશ્તાઓએ મેહમાનના વેશમાં હઝરત ઇબ્રાહીમ(અલ.)ના ઘરે આવીને ઘડપણમાં અવલાદની ખુશખબરી આપી અને ત્યાર બાદ હઝરત લૂત(અલ.)ના ઘરે ગયા,બદચલન કોમે આવનાર ફરિશ્તાઓને સામાન્ય માણસો સમજી તેમની સાથે પણ અપ્રાકૃતિક સંબંધો માટે પ્રયાસો કર્યા, જેનાથી લૂત (અલ.)ને પણ ઘણી તકલીફ થઈ,છેવટે તેમની વસ્તીને ઉથલાવીને ધરતી પર પટકવામાં આવી અને તેમના પર પથ્થરોનો વરસાદ વરસાવામાં આવ્યો,આમ લૂત(અલ.)ની બીવી સહિત પૂરી કોમનો નાશ થયો,ફક્ત હઝરત લૂત (અલ.)અને તેમના અનુયાયીઓ આ સખત અઝાબથી સુરક્ષિત રહ્યા.
➥ હઝરત શુઐબ(અલ.)ને મદયનના લોકો માટે નબી બનાવીને મોકલવામાં આવ્યા,જેઓ સમૃધ્ધ અને વેપાર-ધંધામાં વિકસિત લોકો હતા,પરંતુ ઈમાન અને વેપાર ધંધાના નૈતિક મૂલ્યોને ભૂલી દગાબાજી,માપ-તોલમાં કમી,છેતરપિંડી,લૂંટમાર અને હરામખોરીના ગુનાહોમાં મગ્ન હતાં, હઝરત શુઐબ(અલ.)એ તેમને તવહીદ અને વેપાર-ધંધામાં ઈમાનદારીનો રસ્તો અપનાવવાનો અનુરોધ કર્યો,પરંતુ તેમણે પણ ઈનકારનો રસ્તો અપનાવ્યો,છેવટે પ્રચંડ ભૂકંપ,ભયંકર અવાજ અને અગ્નિવર્ષા દ્વારા તેમને હલાક કરવામાં આવ્યા.
➥ ઉપરોક્ત તમામ કોમોનું વર્ણન કર્યા બાદ અલ્લાહ તઆલા એક આધારભુત વાત જણાવે છે કે અલ્લાહ તઆલા જ્યારે નાફરમાન કોમોની પકડ ફરમાવે છે ત્યારે આ જ રીતે પકડે છે,કોમોના વિનાશની દાસ્તાનોમાં એવા લોકો માટે ઘણી ઇબ્રત અને બોધની વાતો છે જે આખિરતના અઝાબથી ડરે છે,જે દિવસે બે પ્રકારના લોકો હશે (૧) ભાગ્યશાળી (નસીબદાર) ,જે હમેંશા માટે જન્નતમાં રહેશે.(૨) દુર્ભાગ્યશાળી(બદનસીબ):જે હમેંશા માટે જહન્નમમાં રહેશે.
➥ અને ત્યાર બાદ નબી સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને હુકમ આપવામાં આવ્યો કે આ કિસ્સાઓ સાંભળીને તમે અને તમારા અનુયાયીઓ હક અને સચ્ચાઇ પર મક્કમ રહો,નમાઝોની પાબંદી કરો,નેકીઓ (નાના)ગુનાહોને ખતમ કરી નાખે છે.
➥ ઉપરોક્ત કોમો જે બુરાઇઓમાં પડેલી હતી, તેવી બુરાઇઓથી સમાજને પાક રાખવા માટે જરૂરી છે કે અમુક એવા સમજદાર લોકોનું જૂથ હોય જે લોકોને ફસાદ અને બગાડથી રોકે,કેમ કે જે સમાજના લોકો નેકી અને ઇસ્લાહના કામો કરતા હોય તેમના ઉપર અલ્લાહનો અઝાબ નથી આવતો.
➥ જો અલ્લાહ ચાહે તો લોકોને તેમની ઇચ્છા વગર પણ હિદાયત પર ચલાવી દે,પરંતુ દરેકને સમજવાનો પૂરેપૂરો અધિકાર આપ્યો છે,અને કયામત સુધી લોકો વચ્ચે મતભેદ રહેશે,અલ્લાહની તવ્ફીકથી ઘણા લોકો હિદાયત પર કાયમ રહેશે.
【સૂરએ યૂસુફ】
➥ હઝરત યૂસુફ (અલ.) નો કિસ્સો કુરાનમાં ખૂબ જ સુંદર રીતે વર્ણવવામાં આવ્યો છે,જેનો મુદ્દાસર ટૂંકસાર આ છે :(૧) હઝરત યૂસુફ (અલ.)એ બાળપણમાં સ્વપ્ન જોયું કે અગિયાર તારા,સૂર્ય અને ચંદ્ર તેમને સજદો કરી રહ્યા છે, હઝરત યાકૂબ (અલ.)એ આ સ્વપ્નને મહાન ઇશારો માન્યો અને ભાઈઓ સમક્ષ બયાન ન કરવા જણાવ્યું.(૨) યૂસુફ(અલ.)ના ભાઈઓ તેમની સુંદરતા અને તેમની સાથે પિતાની ખાસ મુહબ્બતથી ઈર્ષા (હસદ)કરતા હતા.આ ઈર્ષાથી તેઓએ યૂસુફ(અલ.)ને મારી નાખવા અથવા દૂર કરી દેવાનું ષડયંત્ર રચ્યું. (૩) એક દિવસ ભાઈઓએ જંગલમાં રમવાના બહાને લઈ જઈ તેમને કુવામાં નાખી દીધા અને પિતા સમક્ષ બહાનું કાઢ્યું કે યૂસુફને વરુએ ફાડી ખાધા. (૪) એક કાફલો પાણીની શોધમાં કુંવા પાસે પહોંચ્યો અને તેમણે યૂસુફ (અલ.)ને કૂવામાંથી બહાર કાઢી તેમને મિસર (ઇજીપ્ત)માં ગુલામ તરીકે વેચી દીધા.(૫) મિસરના અઝીઝે (બાદશાહનો ખાસ વઝીર )યૂસુફ (અલ)ને ખરીદ્યા અને તેમનો આદર કર્યો,યૂસુફ (અલ.)એ અઝીઝના ઘરમાં તકવાની સાથે જીવન વીતાવ્યું.(૬) અઝીઝની પત્ની ઝૂલેખાએ યૂસુફ (અલ.) પ્રત્યે અશ્લીલ ઇચ્છા વ્યક્ત કરી,પરંતુ યૂસુફ (અલ.) અલ્લાહના ફઝલના સહારે બચવામાં સફળ રહ્યા.(૭) ઝુલેખાએ યુસુફ(અલ.) પર ખોટા આક્ષેપો લગાવ્યા તો પારણામાં એક દૂધ પીતા બાળકે યૂસુફ(અલ.)નું કમીઝ ચેક કરવાનું કહ્યું, જે પાછળથી ફાટેલું હોવાથી આપની બેગુનાહી પુરવાર થઈ ગઈ. (૮) પરંતુ યૂસુફ(અલ.)ને ન્યાય તો શું મળતો,ઝુલેખાના આક્ષેપોથી યૂસુફ (અલ.)ને જેલમાં કેદ કરી દેવામાં આવ્યા, યુસૂફ (અલ.)એ ઝુલેખાની ઇચ્છના ગુનાહને છોડી જેલમાં જવાને પ્રાથમિકતા આપી.(૯) અલ્લાહ તઆલાએ યુસૂફ (અલ.)ને સ્વપ્નની તાબીર (અર્થઘટન) નો ઇલ્મ આપ્યો હતો, જેલમાં બે સાથીદારો પૈકી એકે દારૂ બનાવવાની અને બીજાએ માથા પર રોટલીઓના ટોપલા ઉઠાવવા અને તેમાંથી પક્ષીઓના ખાવા વિશે તાબીર પૂછી,યૂસુફ (અલ.)એ તક જોઈને પ્રથમ તેમને તવહીદની દાવત આપી અને ત્યાર બાદ એકના જેલમાંથી મુક્ત થઈને બાદશાહનો સાકી(શરાબ પીરસનાર) અને બીજા માટે ફાંસીની સજાની આગાહી કરી,જે સાચી પુરવાર થઇ.(૧૦) મિસરના રાજાએ એક અજીબ સ્વપ્ન જોયું કે સાત દુબળી ગાયો સાત તાજીમાજી ગાયોને ખાઈ રહી છે, તેમજ સાત લીલા અને સાત સુકા છોડવા છે, દરબારીઓ આનો કોઈ જવાબ ન આપી શક્યા, પરંતુ બાદશાહના સાકી બનનારે યૂસુફ(અલ.)ને પૂછવાની ભલામણ કરી તો આપે બાદશાહના સ્વપ્નનું અર્થઘટન કર્યું કે ૭ વર્ષ સમૃદ્ધિના અને ૭ વર્ષ દુકાળ ના રહેશે,સમૃદ્ધિના વર્ષોમાં ખૂબ ખેતી કરી દુકાળ માટે સંગ્રહ કરવો પડશે.(૧૧) બાદશાહે ખુશ થઇ યુસૂફ(અલ.) ને બોલાવવા કહ્યું,પરંતુ ઝુલેખાના મામલામાં પોતાની બેગુનાહી સાબિત થતાં પહેલાં જેલમાંથી નીકળવાનો ઈન્કાર કર્યો, છેવટે ઝૂલેખાએ પોતાનો ગુનોહ કબૂલ્યો અને યુસૂફ (અલ.)જેલમાંથી આઝાદ થયા.(ક્રમશ:)

0 Comments