મુનાફિકો સામેવાળાને રાજી કરવા અને દુન્યવી સજાથી બચવા માટે જાત જાતની કસમો ખાતા હતા, પરંતુ હકીકત એ છે કે દુનિયામાં ભલે કસમો ખાઈને છૂટી જાય,તેઓ અલ્લાહને કદી પોતાની કસમોથી રાજી નહી કરી શકે.

મદીના મુનવ્વરહની આસપાસના ગામડાઓમાં અને મદીનામાં અમુક લોકો એવા હતા જે ઈમાન અને આમાલમાં નિખાલસ હતા જે અલ્લાહની રહમતના હકદાર બન્યા અને એમનાથી વિપરીત અમુક કુફ્ર અને નિફાકમાં અગ્રેસર હતા જેમને રસૂલ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ પણ ન જાણતા હતા,પરંતુ અલ્લાહ તઆલાએ પોતાની હિકમતથી તેમને ઢીલ આપી હતી .

જે લોકોએ ઈમાન લાવવામાં અને નબી(સલ.)નો સાથ આપવામાં પહેલ કરી તેમને સાબિકીન અવ્વલીન કહેવામાં આવે છે,તેમની અને તેમનાં સાચા અનુયાયીઓની વિશેષ ફઝીલત છે,તેમનાં માટે જન્નતમાં એવા બાગ છે જેની નીચે નહેરો વહેતી હશે,જેમાં તે હમેંશા રહેશે.

ઝકાતનો આધ્યાત્મિક(રૂહાની) હેતુ આ છે કે તેનાથી દિલ માલની મોહબ્બત અને કંજૂસાઈથી પાક થાય છે.

મદીના શરીફમાં એક તરફ મસ્જિદે કુબા હતી જેની બુનિયાદ સ્થાપનાના દિવસથી જ તકવા પર હતી અને બીજી તરફ મુનાફિકો દ્વારા સ્થાપિત કરવામાં આવેલ મસ્જિદે ઝિરાર હતી જેનો હેતુ  કુફ્ર અને નિફાકની પ્રવ્રુત્તિઓ દ્વારા મુસલમાનોના વિરૂદ્ધમાં કાવતરા રચી અલ્લાહ અને તેના રસૂલના દુશ્મનોને ફાયદો પહોચાડવા માટે સભાઓ અને મિટીંગો કરવાનો હતો.

ઉપરોકત બે મસ્જિદોમાંથી મસ્જિદે કુબાની બુનિયાદ તો અલ્લાહની ઈબાદત અને તેની રઝામંદી પર છે , જ્યારે કે મસ્જિદે ઝિરારની બુનિયાદ એવી નરમ જમીન પર છે જે ધસડીને સીધી જહન્નમમાં જશે, જેનાથી માલૂમ પડે છે કે મસ્જિદની સ્થાપનાનો હેતુ ફકત અલ્લાહની ઈબાદત અને તેની રઝામંદી પ્રાપ્ત કરવાનો હોવો જોઈએ.

અલ્લાહને પાકી ખૂબ પસંદ છે,કુબાના લોકો સારી રીતે પાકી હાસિલ  કરવા માટે ઇસ્તિન્જામાં પાણી અને ઢેફા બંનેનો ઉપયોગ કરતાં હતાં, અલ્લાહ તઆલએ તેમની આ આદત પર તેમનાં વખાણ કરતા એક આયત ઉતારી.

મોમિનની જાન અને માલ અલ્લાહ તઆલાએ જન્નતના બદલામાં ખરીદી લીધી છે એટલે કે મોમિને પોતાની જાન અને માલની કિંમત આપીને પણ જન્નતમાં લઈ જવા વાળા આમાલ કરવા જોઈએ, પોતાના ગુનાહો પર તોબા કરતા રહેવું, ઈબાદત વાળી જિંદગી ગુજારવી(જેમાં નમાજ જેવી મહત્વપૂર્ણ ઈબાદતની વિશેષ પાબંદી કરવી) અલ્લાહના વખાણ કરવા, નેક કામોનો હુકમ કરવો અને બુરાઈઓથી રોકવા, અલ્લાહની સીમાઓ તોડવાથી બચવું મોમિનોના વિશેષ સિફાત(આમાલ) છે,જેમના માટે જન્નતની ખુશખબરી છે.

કોઈ પણ કાફિર અને મુશરિક માટે મગફિરતની દુઆ કરવી જાઈઝ નથી ભલે પછી તે બાપ કે નજીકના સગા સંબંધી હોય, હઝરત ઇબ્રાહીમે(અલ.)પોતાના બાપ માટે દુઆ કરી હતી, પરંતુ જ્યારે તેમની સામે હકીકત આવી ગઈ તો તરત રોકાઇ ગયા.

તોબાની બરકતથી ભૂલો અને ગુનાહ માફ થઈ જાય છે,(અલ્લાહ તરફથી બધા જ માટે નિકળવાનો હુકમ હોવા છતાં) ત્રણ સહાબાથી તબુકની લડાઈમાં ભાગ ન લેવાની ભૂલ થઈ, પરંતુ તેમણે મુનાફિકોની જેમ બહાના કાઢીને પોતાનો બચાવ કરવાના બદલે ભૂલ સ્વીકારી સાચા દિલથી તોબા કરી તો અલ્લાહે તેમને માફ કરી દીધા. એવી જ રીતે હઝરત યુનુસ (અલ.)ની કોમથી અલ્લાહે ઈમાન અને તોબાની બરકતથી અઝાબ હટાવી દીધો.

અલ્લાહના દીનના રસ્તામાં(દુશ્મનોથી લડાઇ વગેરેમાંં )ભૂખ, તરસ, તકલીફો સહન કરવી, નાની મોટી રકમ ખર્ચ કરવી અહીંયા સુધી કે ચાલવાનો પણ સવાબ છે, અલ્લાહ કદી પણ નેકલોકોનો સવાબ બેકાર નહી થવા દે.

એક જમાત હમેશા એવી હોવી જોઈએ જે ઊંડાણપૂર્વક દીનનો ઇલ્મ હાસિલ કરે અને પોતાની કોમને દીની માર્ગદર્શન આપી અલ્લાહના વાયદા અને ધમકીઓથી પરિચિત કરતા રહે.

મુનાફિકોની એક આદત આ પણ હતી કે નવી સૂરત ઉતર્યા પછી એક બીજા સામે જોઈને મજાક કરતા કે આ સૂરતથી કોઈનું ઈમાન વધ્યું? મોમિનોનું તો ઈમાન વધતું ગયું, પરંતુ મુનાફિકોના દિલની ગંદગી અને નિફાકમાં જ વધારો થતો ગયો. મુનાફિક ખરાબ હાલાત અને આજમાઈશો (જેમાં તેમનો નિફાક જાહેર થઈ જતો હતો)આવવા છતાં પોતાના આમાલ પર નજર કરી તોબા ન કરતા હતાં.

 રસૂલ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને (૧) પોતાની ઉમ્મતની તકલીફ જોઈ તેમને પણ તકલીફ થાય છે.(૨) તેમને ઉમ્મતના ફાયદાનો લોભ હોય છે (૩) ઉમ્મત માટે નરમદિલ અને દયાવાન છે.

                    【સૂરએ યૂનુસ

સૂર્ય અને ચંદ્રની પેદાઈશના મુખ્યત્વે બે હેતુ છે.(૧) ધરતી પર રોશની અને પ્રકાશની વ્યવસ્થા કરવી.(૨) તેમનાં અલગ અલગ કક્ષાઓમાં પરિભ્રમણ કરવાથી રાત દિવસનું બદલાવું જેનાથી દિવસ,મહીના અને વર્ષોનો હિસાબ થાય છે, જેમાં સમજદારો માટે અલ્લાહની કુદરતની ઘણી મોટી નિશાનીઓ છે.

માણસ પર જ્યારે તકલીફો આવે છે ત્યારે અલ્લાહને ખૂબ યાદ કરે છે, અને તકલીફો દૂર થઈ જાય ત્યારે ભૂલી જાય છે, દા ત.સમુદ્રી તોફાનમાં ફસાય જાય ત્યારે કહેશે કે જો અલ્લાહ મને બચાવી લેશે તો ફક્ત તેની જ ઈબાદત કરીશ અને જ્યારે અલ્લાહ બચાવી લે છે તો ફરી ધરતી પર કુફ્ર, ફસાદ અને નાફરમાની  સાથે ફરતો થઈ જાય છે.

 કુર્આનમાં રદ્દો બદલ કરવાનો અથવા એની જગ્યાએ બીજું કુર્આન લાવવાનો અધિકાર કોઈની પાસે પણ નથી હોતો,નબી સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ પણ પોતાની પાસે આ પ્રકારનો અધિકાર નથી રાખતા.

દુનિયાની જીંદગીનું ઉદાહરણ ખેતી જેવું છે જે વરસાદ પડ્યા પછી ખીલી ઊઠે અને લોકોને સારો પાક થવાની આશાઓ બંધાવા લાગે પછી અચાનક આસમાની આફતમાં બધું સાફ થઈ જાય,માણસ પણ દુનિયા પાછળ મહેનત કરી ઘણી આશાઓ બાંધે છે અને અચાનક એક દિવસ દુનિયા છોડી ચાલ્યો જાય છે.

નેક લોકો માટે આખિરતમાં જન્નત અને જન્નતથી પણ મોટી નેઅમત(અલ્લાહનો દીદાર અને હમેંશ માટે તેની પ્રસન્નતા)છે, 

 કુર્આન કોઈ એવી કિતાબ નથી જેને અલ્લાહ સિવાય બીજું કોઈ બનાવી શકે,જો કોઈનો એવો દાવો હોય તો તે ફક્ત એક સુરત બનાવી આપે અને આ કામ માટે તે કોઇની પણ મદદ લઈ શકે છે.

જે લોકો દુનિયામાં અઝાબની માંગ કરે છે કે ક્યાં છે અલ્લાહનો અઝાબ?અમોને તો કઈ પણ નથી થતું, તે લોકો  જાણી લે કે અલ્લાહે દુનિયામાં રહેવા માટે દરેકને એક નક્કી સમયગાળો આપ્યો છે,જો અઝાબ આવી જાય અને તેને જોયા પછી કોઈ ઈમાન લઈ આવે તો તે અલ્લાહના નજીક માન્ય નથી,જેમ કે સમુદ્રમાં ડૂબતી વખતે ફિરઓન પણ એક અલ્લાહ પર ઈમાન લઈ આવ્યો હતો.

 કુર્આન નસીહત,દિલોની બીમારીઓ માટે શિફા,હિદાયત અને રહમત છે,જેની પ્રાપ્તિ પર દરેક મોમીને ખુશ થવું જોઈએ,કારણ કે તે દુનિયાની તમામ દોલતોથી બેહતર છે.

દુશ્મનોના મુકાબલા વખતે અલ્લાહ પર તવકકુલ(અલ્લાહ પર ભરોસો) રાખો અને આ દુઆ કરો કે હે અલ્લાહ!હમોને અત્યાચારી કોમના જુલ્મનો નિશાન ન બનાવ અને હમોને પોતાની રહમતથી કાફિર કોમથી છૂટકારો આપ.

                    【સૂરએ હૂદ

ઇસ્તિગફારની બરકતથી મોત સુધી જાહેરી નેઅમતો પણ મળે છે (દા.ત.ચેન સુકૂનવાળી જિંદગી,બરકતવંત રોઝી વગેરે) અને આખિરતમાં અલ્લાહનો ફઝલ પણ મળે છે.