➥ માલે ગનીમતના પાંચ ભાગ કરવામાં આવે છે,જેમાંથી ચાર ભાગ હક અને અને સચ્ચાઈની લડાઈમાં ભાગ લેનાર શૂરવીરોને તેમનાં સન્માન રૂપે આપવામાં આવે છે અને એક ભાગ જનસેવાના કામો માટે રાખવામાં આવે છે.
➥ બદરની લડાઇના દિવસને યવમે ફુરકાન(હક અને બાતિલ વચ્ચે ફરક કરવાવાળો દિવસ) કહેવામાં આવે છે, કાફિરોની સંખ્યા ત્રણ ઘણી વધારે હતી,પરંતુ મુસલમાનોના તરફેણમાં અલ્લાહની અદભુત કુદરત અને મદદ જોવામાં આવી,અલ્લાહ તઆલાએ પ્રારંભમાં મુસલમાનોને કાફિરોની સંખ્યા ઓછી બતાવી,જેથી લડવાની હિંમત રહે અને કાફિરોને મુસલમાનોની સંખ્યા ઓછી બતાવી જેથી મેદાન છોડી નાસી ન જાય,અને લડાઇ શરૂ થયા બાદ તેમને મુસલમાનોની સંખ્યા બમણી દેખાવા લાગી,જેથી તેમની હિંમતો તુટવા લાગે.
➥ જ્યારે દુશ્મનો સાથે મુકાબલો હોય ત્યારે અડગ રહો, અલ્લાહનો ઝિક્ર કરો, અલ્લાહ અને રસૂલના હુકમોનું પાલન કરો, આપસી વિવાદમાં પોતાની તાકાત વ્યર્થ ન કરો, અન્યથા તમારી હવા નીકળી જશે, મુકાબલા માટે ઘમંડની સાથે ન નીકળો ,નમ્રતા પૂર્વક નીકળો.
➥ જો અલ્લાહ તઆલાએ કોઈ કોમને કોઈ નેઅમત આપી હોય તો તે નેઅમત ત્યાં સુધી છીનવામાં નથી આવતી જ્યાં સુધી તેઓ ગુનાહો અને નાફરમાનીઓ કરી પોતાની હાલત ન બદલી નાખે.
➥ લોકોના દિલમાં આપસમાં મુહબ્બત રાખવાવાળી અલ્લાહની જાત છે, દુનિયાભરની દોલત ખર્ચ કરીને પણ કોઈ માણસ લોકોના દિલોને જોડી મુહબ્બત પૈદા નથી કરી શકતો.
➥ દુશ્મનો સાથે રાજકીય વ્યવહારના મૂળભૂત સિદ્ધાંતો:(૧) પોતાની પાસે હંમેશા એવી તૈયારીઓ રાખો જેનાથી દુશ્મન ડરતો રહે.(૨) જો સમાધાન માટે આવે તો સમાધાન કરી લો.(૩) જો તમે કોઈ દુશ્મન સાથે જંગબંધી(યુધ્ધવિરામ) નો કરાર કર્યો હોય તેને પૂરો કરો અને તેમના તરફથી કોઈ કાવતરા કે દગાનો ડર હોય તો સામે ચાલીને કરાર ખતમ કરી દો, તમે તેમને અંધારામાં રાખી દગો ન કરો,અલ્લાહને આ વાત પસંદ નથી,અને જો કોઈ જૂથ તમારી સાથે કરાર હોવા છતાં દગો કરે અને લડાઈ શરૂ કરે(જેવી રીતે કે મક્કાના કાફીરોએ કર્યું હતું) તો પછી તમે પાછા ન ફરો,બહાદુરી સાથે હક અને સચ્ચાઈની બુલંદી માટે લડો અને પોતાના ભાઈઓને પણ હિંમત અપાવો.(૪) લડાઈના દરમિયાન જો કોઈ દુશ્મન તમારા શરણે થાય તો તેને શરણાગતિ આપો અને તેની સુરક્ષાને ઘ્યાનમાં રાખો.
【સૂરએ તવબહ】
➥ અલ્લાહની મસ્જિદોને આબાદ કરવી ફકત એવા લોકોનું કામ છે જે અલ્લાહ અને આખિરત પર ઈમાન રાખતા હોય,હક અને સચ્ચાઈની બુલંદી માટે દરેક પ્રકારની કોશિશો કરતા હોય, મક્કાના મુશરિકો આ હકીકતથી અજાણ હતા અને ફકત હાજીઓની ખિદમત અને મસ્જિદે હરામના વહીવટને જ પોતાની કામયાબી માટે કાફી સમજતા હતા.
➥ અલ્લાહ, તેના નબીની જાત અને અલ્લાહના રસ્તાની મહેનત માં- બાપ, અવલાદ, ભાઈઓ, બીવીઓ, કુટુંબ, માલ-દોલત વેપાર -ધંધો,મકાન તમામ કરતાં વધારે વહાલી હોવી જોઈએ.
➥ અલ્લાહને ઘમંડ બિલકુલ પસંદ નથી,હુનૈનની લડાઈમાં પોતાની તાકાતને લઈ મુસલમાનોના દિલમાં થોડી મોટાઈ આવી ગઈ તો લડાઈના પ્રારંભમાં તેમણે નુકસાન વેઠવું પડ્યું, જેથી નજર હમેશા અલ્લાહની મદદ તરફ રહે ,પોતાની તાકાત તરફ નહીં, ત્યાર બાદ અલ્લાહે ગૈબી મદદ દ્વારા મુસલમાનોને વિજય અપાવ્યો.
➥ મસ્જિદે હરામ એક પવિત્ર જગ્યા છે,કોઈ પણ કાફિર અને મુશરિક તેના નજીક પણ ન આવવો જોઈએ, જો તેમના ન આવવાથી અને વેપાર ન થવાથી તમને આર્થિક પરિસ્થિતી ખરાબ થઈ જવાનો ડર હોય તો ફિકર ન કરો,અલ્લાહ તમારી મદદ કરશે.
➥ યહૂદીઓએ હઝરત ઉઝૈર (અલ.) ને અને ઇસાઈઓએ હઝરત ઇસા (અલ.)ને અલ્લાહના બેટા માની લીધા જેની કોઈ હકીકત નથી,તવરાત અને ઇન્જીલના સહીહ અહકામને છોડી પોતાના ગુમરાહ પાદરીઓની સંતોની અંધભક્તિ કરી તેમને જ ખુદા બનાવી લીધા હતા.
➥ જે લોકો સોના-ચાંદી,માલ-દોલતને ભેગી કરે છે અને તેની ઝકાત નથી આપતા તેમના માલને કયામતના દિવસે આગ પર તપાવીને તેમના કપાળ, પડખાઓ અને પીઠ પર ડામ આપવામાં આવશે અને કહેવામાં આવશે કે આ તમારી દોલત છે જે તમે ભેગી કરતા હતા.
➥ જ્યારથી અલ્લાહે સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારથી જ વર્ષના બાર મહીના રાખ્યા છે, જેમાં ચાર મહિના(જીલ કઅદહ, જીલ હિજ્જહ, મોહર્રમ, રજબ) એહતેરામવાળા મહીના છે, ખાસ કરીને તેમાં ગુનાહ આચરી પોતાની જાત પર જુલ્મ ન કરો, અને મહિનાઓને પોતાની રીતે આવવા અને જવા દો,તમારા તરફથી તેને આગળ પાછળ ન કરો.
➥ અલ્લાહનો કલિમો તો સદા બુલંદ જ રહેશે , હે મુસલમાનો!તમે દરેક પ્રકારના સંજોગોમાં અલ્લાહના દીનની બુલંદી માટે કુરબાનીઓ આપવા માટે અગ્રેસર રહો, જો તમે નહી કરો તો અલ્લાહ કોઈનો મોહતાજ નથી, તેણે હિજરતના સફરમાં પોતાના નબી અને હઝરત અબુબકર (રદી.)નો કોઈ ન હોવા છતાં પણ પોતાની ગૈબી મદદથી બચાવ કર્યો હતો.
➥ સદકાત અને ઝકાતના હકદાર આ લોકો છે;(૧) જેની પાસે બિલકુલ કંઈ જ નથી.(૨) જેમની પાસે માલ તો છે,પરંતુ પોતાની જરૂરિયાતો પૂરી કરવા પૂરતો નથી.(૩) ઝકાતવસૂલી પર કામ કરવાવાળા (૪) નવમુસ્લીમની આર્થિક મદદ કરવા માટે,જેથી ઇસ્લામ પર કાયમ રહી શકે. (૫) ગુલામો,કેદીઓને છોડાવવામાં(૬) જેમની પાસે કરજ અદા કરવા માટે માલી વ્યવસ્થા નથી તેમનું કરજ અદા કરવા માટે (૭) અલ્લાહના દીનના કામોમાં(દા.ત. હક અને સચ્ચાઈની લડાઈમાં જનાર શૂરવીરોની અને તાલિબે ઇલ્મની મદદ કરવી વગેરે) (૮) મુસાફરને જેને સફરમાં આર્થિક જરૂરત પડે અને તેની પાસે પૈસાની વ્યવસ્થા ન હોય.
➥ મુનાફિકોની બદઅમલીઓ અને ખયાનતોના અમુક નમૂના આ છે.(૧) દુશ્મનો સાથે લડાઈના મોકા પર જૂઠા બહાના કાઢી પાછા હટી જતા અને જૂઠી વાતો બનાવી પોતાનો બચાવ કરતા, અને કહેતા કે નબી તો કાનના કાચા છે, ગમે તેવું બહાનું સાંભળીને કબૂલ કરી લેશે.(૨) મુસલમાનોની ખુશીથી દુઃખી થતા અને તકલીફથી ખુશ થતાં.(૩) હંમેશા તાકમાં રહેતાં કે ક્યારે મુસલમાનો પર કોઈ મુસીબત આવે(૪) નબી સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ પર સદકાત, ઝકાત વગેરે માલની વહેચણી બાબતે ખોટા આરોપો લગાવતા, દા. ત. એમ કહેવું કે નબી ફકત પોતાના નજીકના લોકોને જ આપે છે.(૫) પોતાની બદઅમલીઓ અને ગદ્દારીઓના લીધે હંમેશા ડરતા રહેતા કે કુર્આનની કોઈ સૂરત ઉતરી જશે અને તેમની પોલ ખુલી જશે(૬) એક બીજાને બુરાઈનો હુકમ કરતાં અને ભલાઈથી રોકતા.(૭) અલ્લાહની રાહમાં ખર્ચ કરવાથી પોતાના હાથ બાંધી રાખતા (૮) અમુક એવા હતા કે જે કહેતાં કે જો અલ્લાહ મને માલ આપશે તો તેને ખૂબ અલ્લાહની રાહમાં ખર્ચ કરીશ, જ્યારે અલ્લાહે માલ આપ્યો ત્યારે પાછા કંજુસાઈ કરવા લાગ્યા(૯) જે મુસલમાનો પોતાની મેહનતની કમાઈમાંથી અલ્લાહની રાહમાં મામૂલી રકમ ખર્ચ કરતા તેમની મજાક કરતા હતા.(૧૦) તબુકના સફરમાં જાતે પણ ન નીકળ્યા અને મુસલમાનોને કહેતા કે બહાર ન નીકળો હમણાં ખૂબ ગરમી છે.
➥ મુનાફિકો વિશે અલ્લાહ તઆલએ પોતાના નબી સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને ફરમાવ્યું કે (૧) તમે સિત્તેર વાર પણ તેમના માટે ઈસ્તિગફાર કરશો તો પણ અલ્લાહ તેમને માફ નહી કરે.(૨) જો તેમનામાંથી કોઈ મરી જાય તો તેમની જનાઝાની નમાઝ પણ ન પઢાવો.
➥ જો કોઈ માણસ દિલમાં શોખ અને ઉમંગ હોવા છતાં શરીઅતના કોઈ હુકમ પર અમલ કરવા માટે સક્ષમ ન હોય તો તેના પર તેની કોઈ પકડ નથી, હા, સક્ષમ હોવા છતાં અમલ ન કરે તો તેના પર પકડ છે, સાચી તલબ રાખનારા કોઈ કારણસર દીન ખાતર થનારી કોશિશોમાં ભાગ ન લઇ શકે તો અફસોસ વ્યક્ત કરી રડી પડે છે, જેવી રીતે ઘણા સહાબા આર્થિક મજબૂરીના લીધે તબૂકની લડાઈમાં ન જઈ શક્યા તો તે રડતા રડતા પાછા ફરી રહ્યા હતા.

0 Comments