➥ શું અલ્લાહની નાફરમાની કરવાવાળા બે ફિકર બની ગયા?કે તેમના માટે દિવસે અથવા રાત્રે કોઈ પણ સમયે અલ્લાહનો અઝાબ અને પકડ આવી શકે છે, ભલે તેઓ રાત્રે સૂતા હોય કે દિવસે પોતાના ખેલ-તમાશામાં વ્યસ્ત હોય, અલ્લાહના અઝાબથી બે ફિકર રહેવાવાળા તે જ લોકો હોય શકે જે પોતાનું દુનિયા અને આખિરતનું નુકસાન ભોગવનાર છે.
➥ હઝરત મૂસા (અલ.) ને નુબુવ્વત આપ્યા પછી તરત તેમના મુખ્ય બે કામો હતા (૧)ફિરઓનને તવ્હીદની દઅવત આપવી(૨)બની ઈસરાઈલને ફિરઓનની ગુલામીથી છુટકારો અપાવવો.અને નુબુવ્વતની દલીલ રૂપે બે મોઅજીઝા આપ્યા(૧) આપની લાકડીનું જમીન પર ફેંકવાથી અજગર બની જવું અને હાથમાં લેવાથી પાછું લાકડી બની જવું(૨)આપના હાથનું સૂર્યની માફક ચમકવું.
➥ ફિરઓનની જીદ અને ઘમંડ જુઓ કે ઉપરોક્ત મોઅજીઝાને જોઈ ઈમાન લાવવાને બદલે મુસા(અલ.)ના વિશે જાદુગર હોવાનો જૂથો પ્રચાર કરી તેમનો મુકાબલો કરવા માટે શહેરના બધા જાણકાર અને અનુભવી જાદુગરોને ભેગા કર્યા, મુકાબલો સર્જાયો,જાદુગરોએ જમીન પર દોરીઓ ફેંકીને નજરબંદી કરી તો તે દોરીઓ હાજરજનોને સાંપ દેખાવા લાગી, ત્યાર પછી મુસા (અલ.)એ પોતાની લાકડી જમીન પર ફેંકી તો તે અજગર બની બધા સાંપોને ખાઈ ગયો અને મુસા (અલ.) વિજયી બન્યા.
➥ જાદુગરો સમજી ગયા કે આ કોઈ જાદુઈ શક્તિનો કમાલ નથી બલ્કે ખુદાઈ તાકાત છે જેણે અમારા જાદુને નિષ્ફળ બનાવી દીધું,તરત જ સજદામાં જઈ એક અલ્લાહ પર ઈમાન લઈ આવ્યા,ફિરઓને તેમને હાથ-પગ કાપી નાખીને ફાંસી આપવાની ધમકીઓ આપી, પરંતુ તેઓ પોતાના ઈમાન પર એટલી હદે અડગ હતા કે તેમના પર ધમકીઓનો કોઈ અસર ન થયો.
➥ આ બધું જોઈને ફિરઓનના મંત્રીઓએ તેને મશ્વેરો આપ્યો કે આ લોકો હવે પોતાનું જૂથ વધારી માથું ઉંચકશે, તો ફિરઓને બની ઈસરાઈલના છોકરાઓને મારી નાંખવાનો અને છોકરીઓને નોકરાણી બનાવવા માટે જીવતા છોડી દેવાનો હુકમ આપ્યો.
➥ ફિરઓનનો આ ફેસલો બની ઈસરાઈલ માટે ઘણો કઠીન પુરવાર થયો,મુસા(અલ )થી શિકાયત કરવા લાગ્યા કે તમારા આવતા પહેલાં જે તકલીફો હતી, તમારા આવવા પછી પણ તે જ તકલીફો છે, મુસા (અલ.) સબ્રથી કામ લેવાની અને અલ્લાહથી મદદ માંગવાની તાકીદ કરતા અને સાથે સાથે ફિરઓનની તબાહીની ખુશખબરી પણ સંભળાવતા, જેથી તેમની હિંમત બંધાઈ રહે.
➥ અલ્લાહે ફિરઓન અને તેની કોમને સતર્ક કરવા તેમનાં ઉપર નાના-મોટા ઘણા અઝાબો ઉતાર્યા,દા.ત. ફળોમાં નુકસાન,દુકાળ,વાવાઝોડા,તીતીઘોડાનું ખેતીવાડી ખાઈ જવું,જું અને દેડકાનો ત્રાસ,પાણીનું લોહી બની જવું વગેરે, જ્યારે પણ કોઈ અઝાબ આવતો ત્યારે મુસા(અલ.)પાસે આવી ઈમાન લાવવાનો વાયદો કરી દુઆ કરવાનું કહેતાં,પરંતુ અઝાબ દૂર થયા પછી ફરી કુફ્ર પર યથાવત રહેતા.
➥ છેવટે એક દિવસ અલ્લાહ તઆલાએ મુસા (અલ.) ને બની ઈસરાઈલને લઇ રાતના સમયે સમુદ્ર તરફ નીકળી જવાનો હુકમ આપ્યો,ફિરઓન અને તેના લશ્કરે તેમનો પીછો કર્યો, મુસા(અલ.) એ અલ્લાહના હુકમથી સમુદ્ર પર પોતાની લાકડી મારી તો બાર કબીલાઓ માટે બાર રસ્તા બની ગયા અને તેમનો આબાદ બચાવ થયો, જ્યારે ફિરઓન પોતાના લશ્કર સાથે સમુદ્રમાં પહોંચ્યો તો અલ્લાહે તેમને ડુબાડી દીધા, આમ બની ઇસરાઇલને એક અત્યાચારી દુશ્મનથી છુટકારો મળ્યો.
➥ ફિરઓનના અત્યાચારથી મુક્તિ મેળવ્યા બાદ અલ્લાહ તઆલાએ બની ઇસરાઇલ માટે નવી શરીઅત મેળવવા મૂસા(અલ.)ને તૂર પહાડ પર ચાલીસ દિવસ એઅતેકાફ કરવાનો હુકમ આપ્યો,મૂસા(અલ.)પોતાના ભાઈ હઝરત હારૂન (અલ.)ને પોતાનો નાયબ બનાવીને ગયા,મૂસા(અલ.) તૂર પહાડ પર પહોંચ્યા તો અલ્લાહ તઆલાએ મૂસા(અલ.)સાથે વાતચીત કરી,મુસા(અલ.)એ અલ્લાહ તઆલાથી પોતાનો દીદાર કરવાની દરખાસ્ત કરી,અલ્લાહ તઆલાએ ફરમાવ્યું કે આ શક્ય નથી ,પરંતુ પહાડ પર જોવો,જો એ મારી તજલ્લીથી પોતાની જગ્યા પર બાકી રહી શકે તો તમે મારો દીદાર કરી શકશો,જ્યારે અલ્લાહ તઆલાએ પહાડ પર પોતાની તજલ્લી ફરમાવી તો પહાડના ભૂક્કા થઈ ગયા,આ જોઈ મૂસા(અલ.)બેભાન થઈ ગયા,હોશમાં આવ્યા બાદ અલ્લાહ તઆલાએ તેમને શરીઅત રૂપે તવરાત આપી.(ત્યાર પછીનો કિસ્સો ઇન્શાલ્લાહ પારહ:૧૬ માં આવશે.
➥ હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના મિશનમાં મુખ્યત્વે ચાર કામો હતા (૧) લોકોને નેકીનો હુકમ કરવો(૨) તેમને બુરાઈથી રોકવા (૩) પાકીઝા વસ્તુઓને હલાલ અને ગંદી- નાપાક વસ્તુઓને હરામ કરવી.(૪) આગલી શરીઅતોમાં જે બોજ અને બંધનો હતા તેમને હલ્કા કરી ઇસ્લામી શરીઅતને એક આસાન શરીઅત રૂપે પ્રસ્તુત કરવી.
➥ નબી સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમના ઉમ્મત પર ચાર હક છે (૧) તેમનાં ઉપર ઈમાન લાવવું (૨) તેમનો આદર કરવો (૩) તેમની મદદ કરવી (૪) તે નૂર (કુર્આન) નું અનુકરણ કરવું જેને લઇ તેમને મોકલવામાં આવ્યા.
➥ અલ્લાહ તઆલાએ આલમે અરવાહમાં કયામત સુધી આવનાર તમામ લોકોની રૂહોને ભેગી કરીને અલ્લાહના પોતાના રબ હોવાનો એકરાર લીધો, નબીઓ દ્વારા અલ્લાહ તઆલા આ એકરારને યાદ અપાવે છે,જેથી લોકો તેને ભૂલીને જીંદગી ન ગુઝારે.
➥ ઈલ્મનો સહીહ ઉપયોગ જરૂરી છે, બની ઇસરાઇલમાં બલઅમ નામી એક મોટો આલિમ હતો, જેની પાસે ઇસ્મે આઝમ (જેના દ્વારા દુઆ કરવાથી દુઆ કબૂલ થાય છે) હતો, પરંતુ તેણે પોતાના ઇલ્મનો ઉપયોગ મુસા (અલ.) ની વિરુદ્ધમાં કર્યો તો આલિમ હોવા છતાં અઝાબનો શિકાર બન્યો.
➥ અલ્લાહના નાફરમાનો પાસે હિદાયત અને હકની વાતો સમજવા માટે દિલ, આંખ, કાન પૂરતા સ્ત્રોતો છે,પરંતુ હકને સમજવા માટે તેનાથી કોઈ કામ નથી લેતા, માટે તેમની હાલત જાનવરો જેવી છે બલ્કે જાનવરોથી પણ બદતર છે.
➥ જાલિમો પર એકદમ અઝાબ નથી આવતો બલ્કે તેમને પૂરેપૂરી ઢીલ આપવામાં આવે છે, અલ્લાહનો દાવ અને યુક્તિ ઘણી મજબૂત હોય છે, અલ્લાહનો અઝાબ એવી જગ્યાએથી આવે છે કે તેમને ખબર પણ નથી પડતી.
➥ અલ્લાહના સિવાય જેમની પણ પૂજા કરવામાં આવે છે તેમની પાસે જોવા માટે આંખો,પકડવા માટે હાથ, ચાલવા માટે પણ, સાંભળવા માટે કાન પગ નથી,પછી તે બીજાના શું કામ આવી શકે?
➥ દાઈ માટે ત્રણ વાતો ઘણી જરૂરી છે(૧) માફીથી કામ લેવું(૨)ભલાઈનો હુક્મ કરતા રહેવું(અને બુરાઈથી રોકતા રહેવું (૩) જાહિલોની વાતો પર કાન ન ધરવા.
➥ જ્યારે કુર્આનની તિલાવત કરવામાં આવે તો ચૂપ રહી તેને ખૂબ ધ્યાનથી સાંભળો,જેથી તમે અલ્લાહની રહમતના હકદાર બનો,અને સવાર-સાંજ પોતાના દિલમાં અલ્લાહને યાદ કરતાં રહો,ફરિશ્તાઓ કદી અલ્લાહની ઈબાદતથી મોંઢું નથી ફેરવતા,તેઓ પોતાના રબની પાકી બયાન કરવામાં અને સજ્દો કરવામાં વખત વિતાવે છે.
【સૂરએ અનફાલ】
➥ મોમિનોના દિલની હાલત આ હોય છે કે અલ્લાહની આયાતો સાંભળી તેમના ઇમાનમાં વધારો થાય છે અને અલ્લાહના ઝિક્ર વખતે તેમના દિલોમાં ડર પૈદા થાય છે.,સાચા મોમિનની આ જ નિશાની છે.
➥બદરની લડાઈમાં રસૂલ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમે રડી રડીને અલ્લાહથી દુઆઓ માંગી તો અલ્લાહ તઆલાએ વિવિધ પ્રકારની મદદ કરી(૧) મુસલમાનોને ચેન સુકુનની ઉંઘ આપી જેથી ફિકર દૂર થાય(૨) વરસાદ વરસાવ્યો જેનો મુસલમાનોને ફાયદો થયો અને કાફિરોને નુકસાન(૩)ફરિશ્તાઓને લડવા માટે અને મુસલમાનોને હિમ્મત આપવા મોકલ્યા.
➥ હંમેશા એવા અઝાબ અને ફિત્નાથી ડરતા રહો જે વિશેષ સમુદાય પર નહી બલ્કે તમામ લોકોને આવરી લે.
➥ મુસલમાનો પહેલાં (મક્કામાં) ઘણા કમજોર હતા, બીક લાગતી હતી કે કોઈ ઉંચકીને લઈ ન જાય,પરંતુ અલ્લાહે પોતાનો ફઝલ ફરમાવી મદીનામાં એક સુરક્ષિત જગ્યા આપી આર્થિક હાલત પણ સુધારી.
➥ અલ્લાહ અને તેના રસૂલ સાથે ખયાનત ન કરો, દા.ત. કોઈ એવી વાત દુશ્મનોને પહોંચાડી દેવી જેનાથી દીનને નુકસાન થાય.
➥ અલ્લાહની યુક્તિ અપરાજિત હોય છે,મક્કાના મુશરિકોએ હુઝૂર સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને કતલ કરવાનું કાવતરું રચ્યું, પરંતુ અલ્લાહ તઆલાએ સહીહ-સલામત આપને મદીના પહોંચાડી દીધા.
➥ બે વસ્તુઓ અલ્લાહના અઝાબને રોકી રાખે છે(૧) હુઝૂર(સલ.)નું હોવું (૨)ઇસ્તિગફાર કરવો.
➥ જે લોકો દીન(ઇસ્લામ) ને નુકસાન પહોચાડવાના હેતુથી પોતાનો માલ ખર્ચ કરી રહ્યા છે તે કયામતના દિવસે પોતાની આ પ્રવૃતિઓ પર અફસોસ કરશે.
➥ દીનના રસ્તામાં આવનાર તમામ ફિત્નાઓ ખતમ થઈ જાય ત્યાં સુધી સંઘર્ષ કરતા રહો,અલ્લાહ કામ બનાવનાર અને મદદ કરનાર છે.

0 Comments