➥ જીદનો કોઈ ઉપાય નથી,જો કોઈ માણસ બાતિલ પર હોવા છતાં જીદ પર રહે તો કદાપિ હકને કબુલ નહીં કરે,ભલે નરી આંખે અલ્લાહની કુદરતો નિહાળે,દા.ત. ફરિશ્તાઓનું ઉતરવું,મુરદાઓનું વાત કરવું,ભૂતકાળની તમામ વસ્તુઓનું તેમની સામે આવી જવું.
➥ દરેક નબીના ઇન્સાનો અને જીન્નાતોમાં દુશ્મન હોય છે જે હકના વિરુધ્ધ ભ્રામક વાતોનો પ્રચાર કરી લોકોને ગુમરાહ કરે છે, હકના વિરુદ્ધમાં કાવતરા રચે છે,અલ્લાહે દરેકને પૂરી મોહલત આપી છે, જેથી દરેકને સહી વાત સમજવાની તક મળી શકે.અને દુનિયામાં વધુ પડતા લોકો એવા છે કે તેમની વાતોનું અનુકરણ કરવામાં આવે તો ગુમરાહ સિવાય બીજું કંઈ પણ હાથમાં ન આવે.
➥ અલ્લાહ તઆલા સિવાય બીજાના ફેંસલા અનુકરણને લાયક નથી,અલ્લાહની બતાવેલી દરેક વાત સાચી અને ન્યાય પર આધારિત છે, તેની વાતો/હુકમોને કોઈ બદલી અને મિટાવી નથી શકતું.
➥ જે જાનવરને અલ્લાહનું નામ લઈ ઝબહ કરવામાં આવે તો તેનો ગોશ્ત ખાઈ શકાય છે અને અલ્લાહનું નામ ન લેવામાં આવે તો તેનો ગોશ્ત હરામ છે.
➥ જેની પાસે હિદાયત અને હકની રોશની છે તે હકીકતમાં જીવિત છે અને જેની પાસે નથી તે હકીકતમાં મુરદાર છે, અને બંને કદાપિ બરાબર ન હોય શકે..
➥ જે માણસની તલબને જોઈ અલ્લાહ તેને હિદાયત આપવા માંગે તો ઇસ્લામની સમજ માટે તેનું દિલ ખોલી આપે છે, અને જેની જીદ અને નાફરમાનીના લીધે અલ્લાહ ગુમરાહી પર જ રાખવા માંગે તો તેનું દિલ તંગ કરી દે છે, ઇસ્લામની સમજ અને દીનની કોઈ વાત તેમાં દાખલ નથી થતી.
➥ કયામતના દિવસે જિન્નાત અને ઈન્સાનોને ભેગા કરી જ્યારે પૂછપરછ કરવામાં આવશે ત્યારે કાફિરો અને નાફરમાનોને પોતાની ભૂલોનો અહેસાસ થશે કે દુનિયાની જીંદગીના ધોકામાં રહી પોતાનું મોટુ નુકસાન કરી બેઠા.
➥ અલ્લાહ તઆલા માનવીની ખાદ્ય જરૂરિયાતોને પૂરી કરવા માટે પોતાની કુદરતથી ફળફ્રુટ,ખેતી ઉગાડે છે, તેમાંથી પોતે પણ ખાઓ અને તેમાંથી અલ્લાહનો હક (ઝકાત, ઉશર વગેરે) અદા કરો. આ સિવાય માનવીના ઉપયોગ માટે નર અને માદા જાનવરો પેદા કર્યા, હલાલ જાનવરોનો પોતાની જરૂરતોમાં ઉપયોગ કરો,પોતાના તરફથી હલાલને હરામ ન કરો, જેવી રીતે મુશરિકોએ પોતાના જાનવરો અને ખેતીવાડીમાં પોતાની રીતે વર્ગીકરણ કરી લીધું હતું કે ફલાણું અલ્લાહ માટે, ફલાણું દેવતાઓ માટે, ફલાણું ફક્ત મર્દો માટે, ફલાણું મર્દો અને ઓરતો બંને માટે વગેરે વગેરે, આ બધી જાહિલિયતની માન્યતાઓ છે, જેને ઈસ્લામે નાબૂદ કરી. હા,અલબત્ત યહૂદીઓ માટે તેમની નાફરમાનીની સજા રૂપે અલ્લાહ તઆલાએ તેમનાં માટે અમુક વસ્તુઓ હરામ કરી દીધી હતી, દા. ત. પંજાવાળા જાનવર અને પક્ષીઓ(ઊંટ,શાહમૃગ),હલાલ જાનવર (બકરી વગેરે)ની પીઠ,આંતરડા અને હાડકા સિવાય અન્ય ભાગોની ચરબી.
➥ અલ્લાહ તઆલાએ હિદાયત માટે કુર્આન ઉતારી દીધું છે જેથી કોઈ પણ માણસ કોઈ પણ પ્રકારનું બહાનું ન કાઢી શકે કે અમારી પાસે તો હિદાયતની કોઈ કિતાબ જ ન હતી.
➥ જે દિવસે કયામતની એક નિશાની (સૂર્યનું પશ્ચિમ દિશામાં ઉગવું) જાહેર થશે ત્યાર પછી કોઈનું પણ ઈમાન કબૂલ કરવામાં નહી આવે.
➥ જે લોકોએ દીનના ટુકડા કરી અલગ અલગ ટોળીઓમાં વિખેરાઈ ગયા તેમનો વાસ્તવિક દીન સાથે કોઈ સંબંધ નથી, અલ્લાહ કયામતનાં દિવસે તેમનો ફેસલો ફરમાવશે.
➥ એક નેકીનો સવાબ દસ નેકીઓ બરાબર છે, જ્યારે એક ગુનાહની સજા એક ગુનાહ જેટલી જ છે.
➥ પોતાની નમાઝ, કુર્બાની, જીંદગી, મોત બધુ જ એક અલ્લાહ માટે રાખો, કોઈને પણ તેનો ભાગીદાર ન બનાવો.
【સૂરએ અઅરાફ】
➥ કયામતના દિવસે અલ્લાહ નબીઓ અને રસૂલોથી પણ પૂછપરછ કરશે કે તેમણે પોતાની જવાબદારી નિભાવી કે નહી?અને ઉમ્મતોથી પણ પૂછપરછ કરવામાં આવશે કે તેમણે નબીઓની વાતોનું અનુકરણ કર્યું કે નહી?
➥ હઝરત આદમ(અલ.)ને જ્યારે માટીથી બનાવી ફરિશ્તાઓને તેમની સામે સજદો કરવાનો હુકમ આપ્યો તો ઇબ્લીસ સિવાય બધાએ સજદો કર્યો, તે પોતાની જાતને આગથી પેદા થયો હોવાના લઇ હઝરત આદમ(અલ.)થી શ્રેષ્ઠ સમજી બેઠો,પોતાની ભૂલ સ્વીકારવાના બદલે દલીલો કરવા લાગ્યો, તો અલ્લાહે તેને પોતાના દરબારમાંથી કાઢી મૂક્યો,તેની માંગ પર તેને કયામત સુધીની મુદ્દત આપવામાં આવી,હવે આગળ- પાછળ,ડાબી-જમણી દરેક બાજુથી માણસને ગુમરાહ કરવાના અથાગ પ્રયત્નો કરશે.
➥ બીજી બાજુ અલ્લાહ તઆલાએ હઝરત આદમ (અલ.)ને જન્નતમાં વસવાટ માટે રાખ્યા, જીવનસાથી તરીકે બીબી હવ્વાનો સાથ આપ્યો,પરંતુ એક વૃક્ષથી દૂર રહેવાનો હુકમ આપ્યો,ત્યાં ઇબ્લીસે પોતાના મિશનનો પહેલો દાવ ખેલ્યો અને જૂઠી કસમો ખાઈ તે વૃક્ષના ફળને અમૃતફળ હોવાનું જણાવી હઝરત આદમ (અલ.) અને બીબીહવ્વાને તે પ્રતિબંધિત વૃક્ષનું ફળ ખાવા માટે આમંત્રણ આપ્યું,બન્નેએ ભૂલથી તે ફળ ખાઈ લીધું,છેવતે અલ્લાહે બંનેવને વસવાટ માટે જમીન પર મોકલ્યા,પરંતુ હઝરત આદમ (અલ.)એ ઇબ્લીસની માફક દલીલો કરવાના બદલે રડી રડીને ખૂબ તોબા કરી તો અલ્લાહે તેમની તોબા કબૂલ કરી.
➥ લિબાસના મૂળભૂત રીતે બે હેતુઓ છે (૧) સતરને ઢાંકવું (૨)સુંદર દેખાવું, પરંતુ હંમેશા યાદ રાખો કે તકવાનો લિબાસ સર્વશ્રેષ્ઠ છે.મસ્જિદમાં પણ સુંદર વસ્ત્રો પહેરીને આવો,ખાઓ અને પીવો,સુંદરતા અપનાવવાની પરવાનગી છે,અલ્લાહે તેને હરામ નથી કર્યું,પરંતુ ખોટા ખર્ચા ન કરો.
➥ અલ્લાહ તઆલાએ જાહેરી અને આંતરિક દરેક પ્રકારના ગુનાહ,બેહયાઈ અને નાફરમાનીને હરામ કરી છે, માટે બંને પ્રકારના ગુનાહોને છોડીને તકવાવાળી જિંદગી અપનાવો.
➥ દરેકના મૃત્યુનો સમય નક્કી જ છે, એક ઘડી પણ આગળ-પાછળ નહી થાય.
➥ જ્યારે જહન્નમમાં બધાને ભેગા કરવામાં આવશે તો તેઓ એકબીજા પર દોષનો ટોપલો ઢોળી બીજા માટે વધુ અઝાબની માંગણી કરશે.(ભલે દુનિયામાં આપસમાં મિત્રો હોય.)
➥ કાફિરોનું જન્નતમાં જવું એવું જ મુશ્કેલ છે જેવી રીતે ઉંટનું સોયના છેદમાં દાખલ થવું અશક્ય છે.
➥કયામતના દિવસે ત્રણ પ્રકારના લોકો હશે:(૧)જન્નતી(૨)જહન્નમી(૩) અઅરાફવાળા(અઅરાફ જન્ન્ત અને જહન્નમની વચ્ચે એક દીવાલ છે,ત્યાં એવા લોકોને રાખવામાં આવ્શે જેમની નેકીઓ અને ગુનાહનું પલ્લું બરાબર હશે,તેમને અમુક સમયગાળા પછી જન્નતમાં દાખલ કરી દેવામાં આવશે)તેમનો આપસમાં વાર્તાલાપ થશે અને તેઓ દુનિયામાં નબીઓ તરફથી આપવામાં આવેલ નેઅમતો અને અઝાબની ખબરોનું સત્ય હોવાનો એકરાર પણ કરશે, અને પોતાની દરેક વસ્તુને પોતાની નરીઆંખે નિહાળશે,જહન્નમીઓ તકલીફથી બચવા જન્નતની નેઅમતોની માંગ પણ કરશે,પરંતુ બધુ બેફાયદા પુરવાર થશે.
➥ જેવી રીતે અલ્લાહ તઆલા વરસાદ દ્વારા જમીનને આબાદ કરે છે,તેવી જ રીતે કયામતના દિવસે મુરદાઓને જીવિત કરશે.
➥ અલ્લાહના બધા જ નબીઓ પોતાની ઉમ્મત માટે ખેરખ્વાહ(હિતેચ્છુ)અને અમાનતદાર(નિખાલસતાની સાથે દીનની વાતો પહોચાડનાર) હતા,પોતાની કોમના જૂઠા આક્ષેપોના ધીરજ જાળવીને અને સમજદારી પૂર્વક જવાબ આપતા હતા, દીનનું કામ કરવાવાળાઓએ આ ગુણધર્મોને અપનાવવા જોઈએ.

0 Comments