ઇસાઈઓમાં અમુક એવા નેક લોકો પણ હતા જેમના દિલ કુર્આનની તિલાવત સાંભળીને પીગળી ગયા અને તેઓ ઈમાન લઇ આવ્યા.(દા.ત. હબશા(ઇથોપિયા)ના ઇસાઈઓ)

અલ્લાહે જે વસ્તુઓને હલાલ કરી છે તેને પોતાના તરફથી હરામ ન કરો,શરીઅતની હદમાં રહો.

  વાત વાતમાં જે કસમો બોલાઈ જાય છે તેના પર તો કોઈ પકડ નથી,પરંતુ જો ઇરાદાપૂર્વક કસમ ખાવામાં આવે તો તેને પૂરી કરવી જરૂરી છે, કસમ તોડવા પર કફફારો આપવો જરૂરી છે, કફ્ફારામાં દસ ગરીબોને બે ટાઇમ મધ્યમ કક્ષાનું ખાવા આપવું અથવા તેમને કપડા આપવા અથવા એક ગુલામને આઝાદ કરવો અને જો આ ત્રણ વસ્તુઓ પર ક્ષમતા ન હોય તો લગાતાર ત્રણ દિવસ રોઝા રાખવા.

દારૂ,જુગાર,દેવતાઓના નામ પર જાનવર કુરબાન કરવા, તીરને ખેંચીને (અથવા બીજી કોઈ પણ રીતે)પોતાની રીતે શુકન-અપશુકનના ફેંસલા કરવા આ બધા શયતાની કામ છે,તેનાથી બચવું જરૂરી છે,દારૂ અને જુગારના માધ્યમથી શયતાન લોકો દરમિયાન દુશ્મની ફેલાવે છે, ઇસ્લામ કબૂલ કરતાં પહેલા જો દારૂ પીધું હોય તો તે માફ છે.

એહરામની હાલતમાં જમીન પરનો શિકાર કરવો હરામ છે અને સમુદ્રનો શિકાર કરવો હલાલ છે.

અમુક વખતે અલ્લાહ તઆલા નાફરમાનીના અસબાબ અને રસ્તાઓ આસાન કરી બંદાઓની આજ્ઞાપાલનનું પરીક્ષણ કરે છે કે કોણ અલ્લાહને જોયા વગર તેનો ખોફ રાખે છે,દા. ત.એહરામની હાલતમાં સહાબા(રદિ.)ની સામે શિકારના જાનવરો સામે ચાલીને આવ્યા, જેથી તેમનું પરીક્ષણ થાય કે શિકાર સામે હોવા છતાં કોણ એહરામના અહકામનું પાલન કરે છે?

હરામ અને હલાલ(માલ,કમાઈ વગેરે) કદાપિ બરાબર ન હોય શકે, ભલે હરામનું વધુ પ્રમાણમાં હોવું આપને વધારે સારું લાગે.

દીનના મામલામાં બિનજરૂરી સવાલ કરી પોતાને મુસીબતમાં ન મૂકો,પાછલી કોમોમાં ઘણાં લોકોએ આ પ્રકારના સવાલ કરી પોતાના પર સખ્ત અહકામ લાગુ કર્યા અને પછી નિભાવી ન શક્યા.

જાહિલિયતના યુગમાં લોકો દેવતાઓના નામ પર જાનવરોને છોડી મૂકી તેનાથી ફાયદો ઉઠાવવાને પોતાના માટે હરામ સમજતા,ઇસ્લામે આ બધી પ્રથાઓને નાબૂદ કરી દીધી છે.

  દીનની દાવત આપ્યા છતાં લોકો હિદાયત કબુલ ન કરે તો તેમને ફક્ત દાવત આપી દો અને પોતાની ઇસ્લાહની ફિકર કરો,તેમની ગુમરાહી તમોને નુકસાન નહીં કરે.

મોત પહેલાં કોઈ પણ અગત્યની વાત હોય તો ગવાહોની હાજરીમાં તેની વસિય્યત કરી દો, જેથી કોઈ પોતાના હકથી વંચિત ન રહે.

ઇસા(અલ.)ના અનુયાયીઓએ આસમાનથી દસ્તરખાન ઉતારવાની માંગ કરી,અલ્લાહે તેમની માંગ પૂરી કરી,પરંતુ ચેતવણી આપી કે મનગમતી નિશાનીઓ જોયા પછી જો કોઈ કુફ્ર કરશે તો તેને સખત અઝાબ આપવામાં આવશે.

કયામતના દિવસે તમામ નબીઓથી પોતાની ઉમ્મત વિશે સવાલ કરવામાં આવશે, હઝરત ઇસા(અલ.)પોતાની ગુમરાહ ઉમ્મતનો મામલો અલ્લાહના હવાલે કરી દેશે કે તમે ચાહો તો માફ કરો અને ચાહો તો સજા આપો.

                         【સૂરએ અનઆમ

અલ્લાહ તઆલાએ રોશની(હિદાયત)નો ફકત એક રસ્તો અને અંધકાર (ગુમરાહી)ના અનેક રસ્તાઓ રાખેલા છે.

અલ્લાહ તઆલાની અપાર કુદરતના અમુક દ્રશ્યો નિમ્ન છે, જે દર્શાવે છે કે ફક્ત અને ફક્ત અલ્લાહ તઆલા જ ઈબાદતના લાયક છે. (૧)તે આસમાન અને જમીનને પેદા કરનાર છે(૨)તેણે ઇન્સાનને માટીથી બનાવ્યો.(૩) તે ગુપ્ત અને જાહેર દરેક પ્રકારના હાલ અને ઇન્સાનના આમાલને જાણે છે(૪)અલ્લાહે રહમ અને દયા કરવાનું પોતાના માટે જરૂરી કરી લીધું છે. (૫) તે બધાને ખવડાવે છે અને પોતે ખાવાની જરૂરતથી પાક છે (૬) બંદાઓ પર સત્તાવાન છે, કોઈને તકલીફ અથવા ભલાઈ આપવા માંગે તો કોઈ રોકી શકતું નથી.(૭)ગૈબની ચાવીઓ તેની પાસે જ છે, ઝાડ પરથી નીચે આવનાર પાંદડુ,જમીનના અંધકારમાં પડેલ દાણો દરેક નાની મોટી વસ્તુનો ઇલ્મ અલ્લાહ પાસે છે.(૮)બીને ફાડીને છોડવો અને ઠળિયાને ફાડીને ઝાડ ઉગાડે છે, નિર્જીવ (વીર્ય, ઈંડુ) માંથી સજીવ (માણસ, મરઘી)અને સજીવમાંથી નિર્જીવ (વીર્ય, ઈંડુ) ને પૈદા કરે છે.(૯) એક જ જાતના ઝાડ, પાણી એક,જમીન એક પરંતુ તેના ફળોનો સ્વાદ,ગુણધર્મો,ઉપિયોગીતા અલગ અલગ હોય છે.(૧૦) દુનિયાની આંખો તેને જોઈ નથી શકતી, પરંતુ બધાની આંખો તેની દેખરેખ હેઠળ છે.

  કુર્આનને હિદાયતની નિય્યતથી સાંભળવું જોઈએ,ઘણા લોકો ફકત ટિકા-ટિપ્પણીના હેતુસર કુર્આન સાંભળતા હતા,પોતે પણ કુર્આનથી દૂર રહેતા અને બીજાઓને પણ દૂર રાખતા,અલ્લાહે તેમનાં દિલો પર પડદા નાખી દીધા,જેથી તેઓ કુર્આનની આયતો જોયા સાંભળ્યા પછી પણ ઈમાનથી વંચિત રહ્યા.

ઘણી કોમોને અલ્લાહ તઆલાએ પહેલા તકલીફોમાં મૂકી અજમાવ્યા કે તેઓ અલ્લાહ તરફ આવે છે કે નહિ, ત્યાર બાદ અલ્લાહ તઆલાએ તેમને સમૃદ્ધિ આપી અજમાવ્યા તો તેઓ સમજવા લાગ્યા કે સુખ-દુઃખની પરિસ્થિતિઓ તો આવ્યા કરે,અમલ સાથે તેનો કોઈ સંબંધ નથી તો પછી અલ્લાહ તઆલાએ તેમને અચાનક અઝાબમાં પકડ્યા.

નબી સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની પાસે ન તો અલ્લાહના ખઝાના છે,ન આપ ગૈબના જાણકાર છે(સિવાય એ વાતો જેની આપને અલ્લાહ તઆલા વહીના માધ્યમથી ખબર આપે),ન આપ ફરિશ્તા છે, નબી હંમેશા વહીના તાબે થઈને કામ કરે છે.

અલ્લાહ તઆલાએ નબી સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ ને તાકીદથી હુકમ કર્યો કે કોઈના કહેવાથી દીનની તલબ રાખનારા લોકોને પોતાની પાસેથી હતાવવા જાઈઝ નથી,બલ્કે તેમનું સન્માન કરવું અને તેમના માટે રહમત અને સલામતીની દુઆ કરવી જરૂરી છે,ભલે પછી તેમનો લિબાસ મામૂલી અને સામાજિક સ્તર નીચું હોય, અમુક લોકો તેમના સામાજિક સ્તરને જોઈને ધોકામાં પડી જાય છે અને એવું સમજી બેસે છે કે કોઈ સારી વસ્તુ અમોને છોડીને આ લોકો પાસે કેવી રીતે આવી શકે? અલ્લાહ કદર કરવાવાળાઓને હિદાયતથી નવાઝે છે.

અલ્લાહના અઝાબના ઘણા સ્વરૂપો છે, કોઈ વખત આસમાન તરફથી આવે છે,કોઈ વાર જમીન તરફથી આવે છે અને કોઈ વખત આપસની લડાઇઓના સ્વરૂપમાં આવે છે.

એવા લોકો પાસે કદાપિ ન બેસો જે અલ્લાહના હુકમો,શરીઅત અને દીની વાતોની મજાક ઉડાવતા હોય,જો ભૂલથી આવા લોકો સાથે બેસી જો તો યાદ આવવા પછી ત્યાં ન બેસી રહો.

જે લોકો અલ્લાહ સિવાય બીજા માબૂદોને પુકારે છે તેમની હાલત એ વ્યક્તિ જેવી છે કે જે સફર દરમિયાન પોતાના સાથીઓથી વિખૂટો પડી જાય, તેના સાથીઓ તેને ઢૂંઢવા માટે બૂમો પાડી તેને બોલાવે, પરંતુ તે હેરાનીમાં કઈ પણ સાંભળી ન શકે, એવી જ રીતે મુશરિક હિદાયત તરફ બોલાવવાવાળાઓની વાત નથી સાંભળી શકતો.

હજરત ઇબ્રાહીમ(અલ.)સાચા દિલથી રબની શોધમાં લાગ્યા,સૂર્ય,ચંદ્ર,તારા દરેકની શક્તિની ચકાસણી કરી,પરંતુ બધા જ કમઝોર પુરવાર થયા,છેવટે એક અલ્લાહને પોતાનો રબ માન્યો અને પોતાની કોમને પણ હકીકત સમજાવી અને તેમના તરફથી આવનાર દરેક મુસીબતોનો સામનો કર્યો, ત્યાર બાદ અલ્લાહ તઆલાએ કુલ અઢાર નબીઓનું વર્ણન કરી ફરમાવ્યું કે આ બધાને અલ્લાહ તઆલાએ રસ્તો બતાવ્યો, તમે તેમનાં બતાવેલા રસ્તા મુજબ જિંદગી ગુજારો.

જે લોકો નબી હોવાનો જૂઠો દાવો કરે છે તે ઘણા મોટા ઝાલિમ છે,મોતના સમયે અને મોત પછી પણ સખત અઝાબ સહન કરશે.

અલ્લાહ સિવાય બીજા દેવી દેવતાઓને અપશબ્દો ન બોલો,નહિતર તે પણ અલ્લાહની શાનમાં અપશબ્દો બોલશે,દુનિયામાં દરેક માણસને પોતાનું કામ,ઈબાદત શ્રેષ્ઠ જ લાગે છે,પરંતુ અલ્લાહના દરબારમાં તેના સહી ગલત હોવાનો ફેસલો થશે.