➥ આપસમાં એક બીજાનો માલ ના હક રીતે ન ખાઓ, બીજાનો માલ લેવાનો જાઈઝ તરીકો ખરીદ-વેચાણ અથવા પરસ્પર રાજીખુશીની બીજી કોઈ રીત છે, દા.ત.ભેટ-બખ્શિશ વગેરે.
➥ જો માણસ કબીરા(મોટા)ગુનાહોથી બચતો રહે તો અલ્લાહ તઆલા સગીરા(નાના)ગુનાહોને માફ કરી દેશે.(દા.ત. વુઝૂ,નમાઝ,સદ્કો વગેરે આમાલથી નાના ગુનાહ માફ થતાં રહે છે.)
➥ અલ્લાહ તઆલાએ મર્દ અને ઓરત દરેકને વિવિધ શક્તિઓ અને ક્ષમતાઓ આપી છે,અને બન્નેને તેમની ક્ષમતા મુજબ હુક્મોના પાબંદ બનાવ્યા છે,માટે જે હુક્મો અલ્લાહે મર્દોની શારીરીક ક્ષમતા મુજબ આપ્યા છે,તેમાં ઓરતોએ પોતાનું દિલ ન દુખાવવું જોઇએ,મર્દ અને ઓરતમાંથી દરેકને તેમના અમલનો પૂરેપૂરો બદલો આપવામાં આવશે.
➥ ઘર સંસાર ચલાવવા માટે મર્દને આર્થિક જવાબદારી નિભાવવા માટે નિયુક્ત કરવામાં આવ્યો અને ઓરતને શોહરની આજ્ઞાપાલન તથા પોતાની ઈજ્જતની હિફાઝતનો હુકમ આપવામાં આવ્યો, જો કોઈ કારણસર બંને વચ્ચે સંબંધો બગડવા લાગે તો ક્રમવાર નીચે જણાવેલ તરીકા મુજબ સબંધો સુધારવાનો પ્રયત્ન કરવામાં આવે (૧)આપસી સમજણ અને શિખામણથી કામ લેવામાં આવે.(૨) બિસ્તર અલગ કરી દેવામાં આવે.(૩) હલકી માર મારવામાં આવે.(૪)મર્દ અને ઓરતના કુટુંબમાંથી એક એક પ્રતિષ્ઠિત વ્યક્તિ મિટિંગ બોલાવી સમાધાન કરાવે,સમાધાનમાં જ ખેર છે,પરંંતુ જો ઉપરોક્ત કોઈ પણ રીતે સમાધાન શક્ય જ ન હોય તો સારી રીતે તલાક દ્વારા એક બીજાથી જુદા થઇ જાય, અલ્લાહ બંને માટે કોઈ રસ્તો ખોલશે.
➥ફક્ત એક અલ્લાહની બંદગી કરો, માં- બાપ, રિશતેદારો, યતીમો, ગરીબો, દરેક પ્રકારના પાડોશીઓ, સાથીઓ, ગુલામ-નોકરો સાથે સારું વર્તન રાખો.
➥ અલ્લાહ તઆલાએ બંદાઓની સહુલત માટે પાણી પર્યાપ્ત ન હોવાની અથવા બિમારીની હાલતમાં જેમાં પાણીનો ઉપયોગ નુકસાનકારક હોય વુઝુ અને ગુસલ છોડી તયમ્મુમ કરવાની પરવાનગી આપી.
➥ યહૂદીઓની બુરાઈઓમાં તવરાતની વાતોનું ખોટુ અર્થઘટન કરી લોકોને ગુમરાહ કરવા,નબી સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમને અપશબ્દો બોલી સંબોધિત કરવા,પોતાને સર્વશ્રેષ્ઠ સમજવા,જાતે પણ અલ્લાહની રાહમાં માલ ખર્ચ કરવામાં કંજુસાઇ કરવી અને બીજાઓને પણ કંજુસાઇ કરવા પર પ્રોત્સાહન આપવું,દેખાવા ખાતર માલ ખર્ચ કરવો, પોતાના વ્યક્તિગત ફાયદા ખાતર મૂર્તિઓ સમક્ષ નમન કરી લેવું, આખરી નબી બની ઈસરાઈલમાંથી ન હોવાના કારણે મુસલમાનોથી અદેખાઈ રાખવી વગેરેનો સમાવેશ થાય છે, જેના કારણે તેઓ અલ્લાહના ગુસ્સા અને લાનતના હકદાર બન્યા.
➥ દોઝખમાં જ્યારે અઝાબના અસરથી દોઝખીઓની ચામડી પાકી જશે તો તેની જગ્યાએ બીજી ચામડી ચઢાવી દેવામાં આવશે, જેથી તેઓ અઝાબને બરાબર મેહસૂસ કરી શકે.
➥ અમાનતોને તેના હકદારો સુધી પહોંચાડવાનો પ્રબંધ રાખો અને ન્યાય પર આધારીત ફેસલા કરો,ભલે પછી એ ફેસલો પોતાની જાત,પોતાના માં-બાપ, સગાવહાલાઓના વિરૂદ્ધ હોય, અલ્લાહ,તેના રસૂલ અને શરીઅતના જાણકાર બાદશાહો, ઇમામો અને આલિમોનું અનુકરણ કરો,અલ્લાહ અને તેના રસૂલનું આજ્ઞાપાલન કરવાવાળા આખિરતમાં નબીઓ,સિદ્દીકીન,શહીદો અને નેક લોકો સાથે હશે.
➥ ઈમાન ત્યાં સુધી મુકમ્મલ નથી થઈ શકતું જ્યાં સુધી પોતાના આપસી વિવાદોના ફેસલા શરીઅત મુજબ કરાવી તે ફેસલાને વિશાળ હૈયે સ્વીકારી લેવામાં ન આવે.
➥ પોતાના રક્ષણ અને હિફાઝતની તૈયારીઓ રાખો અને મજલુમ ભાઈઓને જુલ્મથી છુટકારો અપાવવા માટે હક અને સચ્ચાઈના રસ્તામાં સંઘર્ષ કરો,મોતના ભયથી પીછેહટ ના કરો,મજબૂત કિલ્લામાં પણ મોત તો આવી જશે.
➥ સારી સિફારિશ(ભલામણ) કરવાવાળાને તેનો સવાબ મળશે અને ખોટી સિફારિશ કરવાવાળાને તેનો ગુનોહ થશે.
➥ જો કોઈ માણસ સલામ કરે તો તેટલા જ શબ્દોમાં અથવા તેનાથી વધુ સારા શબ્દોમાં સલામનો જવાબ આપો.
➥ મુનાફિકો અને દીનના દુશ્મનો વિશે એકમત રહો,એવુ ન થવું જોઈએ કે તેમના બાહ્ય દેખાવથી દગો ખાઈને તમે તેમની સાથે દોસ્તીઓ કરવા લાગો, કેમ કે તેઓ દિલથી ચાહે છે કે મુસલમાન પોતાના દીનથી પાછા ફરી કુફ્ર અપનાવી લે.
➥ ઇસ્લામી કાયદા કાનૂન મુજબ ભૂલથી કતલ થઈ જાય તો તેની તોબા રૂપે દિય્યત(માલીદંંડ) અને ઇરાદાપૂર્વક કતલ કરી દે તો સજારૂપે દોઝખનો અઝાબ છે.
➥ જો કોઈ માણસ જબાનથી કલિમો પઢી લે તો તેને મુસલમાન સમજવામાં આવે, કોઈને કાફિર કહેવામાં સાવચેતી જરૂરી છે.
➥ અલ્લાહના રસ્તામાં હક અને સચ્ચાઈ માટે સંઘર્ષ કરવાવાળા અને કોઈ કારણ વગર પીછેહટ કરી પોતાના ઘરે બેસી રહેવાવાળા સવાબ, દરજ્જા, મગફિરત અને અલ્લાહની રહમતના હકદાર હોવામાં બરાબર નથી.
➥ અલ્લાહના રસ્તામાં હિજરત ઘણી મોટી ઈબાદત છે, જો કોઈ જગ્યાએ દીન પર અમલ કરવો શક્ય ન હોય તો હિજરત જરૂરી છે,હિજરતના રસ્તામાં મૃત્યુ પામનારનો સવાબ અલ્લાહના જિમ્મે છે.
➥ દરેક નમાઝને તેના નિયુક્ત સમયમાં અદા કરવી ફરજ છે, સફરમાં કસર અને દુશ્મનોના ભય વખતે પણ શરીઅતે દર્શાવેલ ખાસ તરીકા મુજબ સમયસર નમાઝ પઢવી જરૂરી છે, જેનાથી સમયસર નમાઝ અદા કરવાનું મહત્વ જાણી શકાય છે.
➥ એક વાર એક મુનાફિકે ચોરી કરીને ચોરીનો આરોપ એક યહૂદી પર મુક્યો,અને સબૂત પણ યહૂદીના વિરુધ્ધમાં છોડયા,જયારે રસૂલ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની અદાલતમાં કેસ આવ્યો,તો સબૂતોના આધારે આપ સમજ્યા કે યહૂદીએ ચોરી કરી છે,પરંતુ અલ્લાહ તઆલાએ વહી મારફત હકીકત જણાવી અને હુકમ આપ્યો કે ખયાનત(અપ્રમાણિકતા) અને ધોકાથી કામ કરવાવાળાઓની ભલામણ અને વકાલત ન કરો,જો કોઈ તેમની વકાલત કરીને તેમને બેગુનાહ સાબિત કરી પણ આપે તો પણ આખિરતમાં તે અલ્લાહની પકડથી બચી નહી શકે, એવી જ રીતે કોઈ માણસ ગુનોહ કરે અને તેનો આરોપ કોઈ બે ગુનાહ પર મૂકી દે તો તેણે ઘણા મોટા ગુનાહનો બોજ ઉઠાવ્યો.
➥ ખોટી ચર્ચાઓમાં કોઈ ભલાઈ અને ફાયદો નથી,પોતાની મહેફિલોમાં સદકા(અલ્લાહની રઝા માટે બીજાઓની આર્થિક સહાય)ભલાઈ અને લોકો દરમિયાન સુલેહ શાંતિની વાતો કરો.
➥ શિર્ક(ઈબાદત અને બંદગીમાં અલ્લાહ સાથે બીજાને ભાગીદાર બનાવવુ) એવો ગુનોહ છે જેને અલ્લાહ કદાપિ માફ નહી ફરમાવે,આ સિવાયના ગુનાહ જો અલ્લાહ ચાહે તો માફ કરી શકે છે.
➥ શયતાને નક્કી કરી લીધું છે કે તે લોકોને ગુમરાહ કરશે, ખોટી આશાઓ બંધાવશે(કે ફલાણું કામ કરી લેશો તો તમારૂ ભલુ થઈ જશે)મૂર્તિઓના નામ પર જાનવરોને છોડવાની રસમોમાં લગાવશે,અલ્લાહની બનાવતને બદલવા માટે તૈયાર કરશે,જે લોકો તેને દોસ્ત બનાવશે તે સ્પષ્ટ રીતે પોતાનું દુનિયા અને આખિરતનું નુકસાન ઉઠાવશે.
➥ ફક્ત આશાઓ અને અરમાનોના સહારે જન્નતમાં દાખલ નહી થવાય,બલ્કે તે માટે ઈમાન અને નેક આમાલ જરૂરી છે,ભલે પછી કોઈ પણ હોય.
➥ હમેંશા ન્યાય પર આધારિત ફેસલા કરો,ભલે તે ફેસલાનું નુક્સાન તમોને,તમારા માં-બાપને અથવા તમારા સગા સંંબધીઓને થતું હોય,પક્ષકાર માલદાર હોય કે ગરીબ ,હંંમેશા અલ્લાહનો હુકમ પ્રથમ છે.
➥ મુનાફિકો જાહેરમાં મુસલમાનો સાથે રહી કાફિરો સાથે દોસ્તી કરતા,મુસલમાનો પર આફત મુસીબતો આવવાની તાકમાં રહેતા,મુસલમાનોની સફળતામાં ક્રેડિટ લેવા માંગતા અને નિષ્ફળતામાં પાછા ખસી જતા,અલ્લાહ સાથે દગો કરતા,તેમને ખબર નથી કે તે પોતાની સાથે જ દગો કરી રહ્યા છે, ફક્ત દેખાવા માટે નમાઝ પઢતા તે પણ સુસ્તી સાથે,અલ્લાહનો ઝિક્ર ખૂબ ઓછા પ્રમાણમાં કરતા,સારી અથવા ખરાબ કોઈ પણ ખબરને તપાસ વિના ફેલાવી દેતા,તેમને દોઝખના સૌથી નીચેના ભાગમાં અઝાબ આપવામાં આવશે.
➥ કોઇ પણ બેગુનાહ માણસ આખિરતના અઝાબનો હકદાર નહી બને,અલ્લાહ તઆલા ફરમાવે છે કે'' જો તમે ઇમાન લાવો અને શુક્ર કરો તો અલ્લાહ તમને અઝાબ આપીને શું કરશે?''

0 Comments