નેકીની હકીકત પ્રાપ્ત કરવા માટે પોતાની મનગમતી વસ્તુઓને અલ્લાહના રસ્તામાં ખર્ચ કરો.
કાબા શરીફ અલ્લાહની ઈબાદત માટે બનાવવામાં આવેલ વિશ્વનું સૌ પ્રથમ ઘર છે જે લોકો માટે હિદાયત અને બરકતનો મુળ સ્ત્રોત છે, ત્યાં મકામે ઇબ્રાહીમ પણ છે જ્યાં નમાઝ પઢવાની વિશેષ ફઝીલત છે,(શરીઅતે નક્કી કરેલ માપદંંડ મુજબ) આર્થિક રીતે સધ્ધર મુસલમાન પર જિંદગીમાં એક વાર ત્યાં જઈ હજ અદા કરવી ફર્ઝ છે.હરમ શરીફને અલ્લાહ તઆલાએ અમનવાળી જગ્યા બનાવી છે, ત્યાં કોઈ પણ પ્રકારની અશાંતિ ઉભી કરવી, હથિયાર ઉઠાવવા જાઈઝ નથી.
તકવાનો હક અદા કરી જિંદગી ગુજારો,અલ્લાહની દોરી(કૂર્આન)ને મજબૂત પકડી જીવનના અંતિમ ક્ષણ સુધી ઇસ્લામ પર મક્કમ રહો.
ઇસ્લામ આવતા પહેલાં લોકો એકબીજાના દુશ્મન હતા, અલ્લાહે ઇસ્લામની બરકતથી મુહબ્બતો પૈદા કરી,આપસી મુહબ્બત અલ્લાહની અમૂલ્ય નેઅમત છે,લડાઈ ઝઘડા કરી તેનો અનાદર ન કરો.
મુસલમાનોમાં એક જૂથ એવો હોવો જોઇએ જે લોકોને નેકીઓનો હુકમ કરે અને ગુનાહિત પ્રવૃત્તિઓથી રોકે.
કયામતના દિવસે અમુક લોકોના ચેહરા સફેદ અને અમુક લોકોના ચેહરા કાળા હશે,જે લોકોના ચેહરા સફેદ હશે તેઓ અલ્લાહની રહ્મતના છાયડામાં હશે.
ઉમ્મતે મુસ્લિમાને અલ્લાહ તઆલાએ લોકોની સદભાવના અને ભલાઈ માટે મોક્લી છે અને લોકોની આખિરતની ભલાઈ માટે પ્રયાસો કરવા ઉચ્ચ કક્ષાની સદભાવના છે.
યહૂદીઓ પર અલ્લાહ તઆલાએ હંમેશા માટે ફિટકાર વરસાવી છે,તે અલ્લાહની મદદ અથવા લોકોની  મદદ સિવાય કદાપિ ઝિલ્લતમાંથી નીકળી નહી શકે, અલબત્ત એમના દરમિયાન અમુક સારા લોકો પણ હતા જે અલ્લાહની ઈબાદતમાં રાતો વિતાવતા હતા.
એવા લોકોને કદાપી દોસ્ત ન બનાવો જેમને  મુસલમાનોની સમૃદ્ધિ પસંદ નથી બલ્કે તકલીફમાં રહેવું પસંદ છે ,દિલમાં મુસલમાનો પ્રત્યે દુશ્મની છે અને ઘણી વાર જબાનથી પણ જાહેર થઈ જાય છે, જો તમે સબ્ર અને તકવા સાથે રહેશો તો તેઓ તમોને કોઈ નુકસાન પહોંચાડી નહિ શકે.
અલ્લાહ તઆલાએ બદરની લડાઈમાં પાંચ હઝાર ફરિશ્તાઓ દ્વારા મુસલમાનોની મદદ કરી જે દર્શાવે છે કે મજબૂત ઈમાન અને અલ્લાહ પર ભરોસો હોય તો તાકાતવાન દુશ્મન પર વિજય મેળવી શકાય છે.
  પરહેઝગારો માટે એવી જન્નત બનાવવામાં આવી છે જેની પહોળાઈ જમીન અને આસમાન સમાન છે, સારી અને ખરાબ બંને પ્રકારની આર્થિક પરિસ્થિતિમાં અલ્લાહના રસ્તામાં માલ ખર્ચ કરવો,ગુસ્સાને કાબૂમાં રાખવો અને માફીથી કામ ચલાવવું,કોઈ ગુનોહ થઈ જાય તો તરત જ અલ્લાહથી તોબા કરવી પરહેઝગારોના વિશેષ ગુણધર્મો છે. 
 જો મોમિનો હકીકી ઇમાન પર મક્કમ રહે તો ઇજ્જત અને બુલંદી તેમના માટે જ છે,મુશ્કેલ પરિસ્થિતિઓમાં નબળા પડવાની અને ઉદાસ થવાની જરૂરત નથી.
હાર અને જીત કાયમી નથી આજે કોઈ તો કાલે બીજુ કોઈ વિજયી અથવા પરાજિત થાય છે.
મુશ્કેલ પરિસ્થિતિઓમાં સહીહ ઇમાનવાળઓની ઓળખાણ થાય છે,મુનાફિકો અલગ પડી જાય છે,માટે એવું ન સમજવામાં આવે કે મુશ્કેલીઓ સહન કર્યા વિના જન્નતમાં દાખલ થઇ જવાશે.  
મુહમ્મદ સલ્લલ્લાહુ  અલયહિ વ સલ્લમ તો દુનિયાથી ચાલ્યા ગયા જેવી રીતે બીજા નબીઓ પણ નિયુક્ત સમયગાળા બાદ ચાલ્યા ગયા,પરંતુ આપના બાદ આપની શરીઅત અને દીન પર કાયમ રહેવું સૌની જીમ્મેદારી છે.
નબીઓના સાચા અનુયાયી દીનના રસ્તામાં આવનાર તકલીફો પર મક્કમ રહી અલ્લાહથી સબર માંગે છે, દિનના રસ્તામાં આવનાર તકલીફોનો એક હેતુ સાચા ઈમાનવાળાઓ અને મુનાફિકોની છટણી છે.
ઉહુદની લડાઈમાં શરૂઆતમાં મુસલમાનોનો વિજય થયો, પરંતુ ત્યાર બાદ પહાડી પરથી હટી જવા વિશે સહાબામાં મતભેદ થયો અને ઘણા સહાબા પહાડી પરથી ઉતરી ગયા, જેથી મુસલમાનોની જીત હારમાં બદલાઈ ગઈ,મુસલમાનોનું ઘણું જાની અને માલી નુકસાન થયું, પરંતુ અલ્લાહે આ ભૂલ પણ માફ કરી દીધી છે.
ઉહુદની લડાઇમાં મુનાફિકો શરૂઆતમાં જ પાછા ખસી ગયા હતા,લડાઇ બાદ મુસલમાનોના થયેલા નુક્સાન વિશી ટીકા ટિપ્પણીઓ કરવા લાગ્યા કે જો અમારી વાત માનીને લડાઇમાં ન ગયા હોત તો આટલી ખરાબ પરિસ્થિતિઓ ઉભી થઇ હોત નહી,મુસલમાનોને આ પ્રકારની વાતો કરવાથી મનાઇ કરવામાં આવી અને સમજાવવામાં આવ્યા કે જેમનું મોત નક્કી હોય છે,તે ગમે તે રીતી પોતાના મૃત્યુસ્થળે આવીને રહે છે.
નબી સલ્લલ્લાહુ  અલયહિ વ સલ્લમને ત્રણ કામો માટે મોકલવામાં આવ્યા(૧) લોકો સમક્ષ કુર્આનની આયાતો પઢીને સંભળાવવી(૨) લોકોના દિલોને પાપોથી પાક-સાફ કરવા(૩)ઇલ્મ અને હિક્મત શિખવાડવું,અને આ ત્રણેય કામોને અસરકારક બનાવવા આપને નરમદિલ બનાવવામાં આવ્યા જેથી લોકો આપથી ભરપૂર ફાયદો ઉઠાવી શકે.
અલ્લાહના રસ્તામાં શહીદ થયેલા લોકો જીવંત છે અને આખિરતની નેઅમતો પર ખુશ છે.
શયતાન ઈમાનવાળાઓને દિનના દુશ્મનો અને તેમની તાકાતથી ભયભિત કરે છે,અલ્લાહ પર ભરોસો રાખો,તેઓ અલ્લાહ અને તેના દીન ઇસ્લામને કોઈ નુકસાન નહિ પહોંચાડી શકે.
જે લોકો માલી ઈબાદતો(ઝકાત વગેરે)ને અદા કરવામાં કંજુસાઈ કરે છે,કયામતના દિવસે તેમના માલનો હાર બનાવી ગળામાં પહેરાવી દેવામાં આવશે.
યહૂદીઓ, ઇસાઈઓ અને મુશરિકો તરફથી મુસલમાનોને ઘણી અયોગ્ય અને પીડાદાયક વાતો સાંભળવાની મળશે,આવા સંજોગોમાં મક્કમતા અને પરહેઝગારી અપનાવી પોતાના હિંમતવાન હોવાનું પુરવાર કરો.
સમજદાર લોકોના ગુણધર્મો આ છે(૧) દરેક હાલતમાં અલ્લાહને યાદ કરી સૃષ્ટિમાં ચિંતન કરી તેની પેદાઈશના મકસદને જાણવો.(૨)આખિરતની રૂસ્વાઇથી અલ્લાહની પનાહ માંગી કયામતના દિવસે નેક લોકો સાથે હશર થાય તેવી દુઆ માંગવી.
કાફિરોની સમૃદ્ધિ અને સંપત્તિથી પ્રભાવિત ન થાઓ,ફક્ત થોડા દિવસનો ખેલ છે,આખિરતમાં તેમનું ઠેકાણું દોઝખ છે.

【સૂરએ નિસાઅ

ન્યાય કરવાની શરત સાથે ૨/૩/૪ ઓરતો સાથે નિકાહ કરવાની પરવાનગી છે અને જો તમે બીવીઓ દરમિયાન ન્યાય કરી શકતા ન હોય તો ફક્ત એક નિકાહ પર થોભી જાવ.
યતીમ(અનાથ) સમજદાર થઈ જાય તો તેનો માલ-સંપત્તિ તેને સોંપી દો, તેના માલ પર કબ્જો જમાવીને ન બેસી રહો,યતીમ છોકરીની દોલત અને પ્રોપર્ટી પર કબ્જો કરી લેવા માટે તેની સાથે નિકાહ ન કરો,યાદ રાખો કે નાહક યતીમનો માલ ખાવાવાળા પોતાના પેટમાં દોઝખની આગ ભરી રહ્યા છે.
અલ્લાહ તઆલાએ વારસદાર મર્દ અને ઓરત દરેકનો વિરાસતમાં એક ભાગ નક્કી કરી દીધો છે,મૈયતના કફન-દફનનો ખર્ચ,કર્ઝ અને કુલ માલના ત્રીજા ભાગમાંથી વસિય્યત પૂરી કર્યા બાદ શરીઅતે નક્કી કરેલ ભાગ મુજબ વારસા વહેંચણી કરો,વારિસદારોના નક્કી કરેલ ભાગો અલ્લાહની સીમાઓ છે,જે તેને ઓળંગે એટલે કે તેના પર અમલ ન કરીને તેનું ઉલ્લંઘન કરે તે પોતાને દોઝખનો હકદાર બનાવી રહ્યો છે.
એવા લોકોની તોબા કબૂલ નથી થતી જે ગુનાહ પર ગુનાહ કરતા હોય અને જ્યારે મોતની ઘડી આવે ત્યારે તોબા કરવા લાગે,તોબા એવા લોકોની કબૂલ થાય છે જે જહાલતમાં કોઈ ગુનોહ થઇ જાય તો તરત જ અલ્લાહથી માફી માંગી લે.
વિવાહિત જીવનની ખુશીઓનો સ્ત્રોત સ્ત્રીઓ સાથે સારૂ વર્તન રાખવું છે, તેમના તરફથી કોઈ વસ્તુ નાપસંદ લાગે તો સબર કરો અલ્લાહ તમારા માટે તેમાં ખેર અને ભલાઈ મૂકશે.
અલ્લાહ તઆલાએ માં,બેટી,બહેન,ફોઇ,માસી, ભત્રીજી,ભાણકી,પાલક માતા (દૂધ પીવડાવનાર), પાલક બહેન, નાની, જે બીવી સાથે જાતિય સંબંધ બનાવી લીધો હોય તેની આગલા ઘરની બેટી, સગા બેટાની બીવી, પોતાની બીવીની હયાતીમાં તેની સગી બહેન સાથે નિકાહને હરામ કરી દીધા છે,જેનો જાહિલિય્યતના યુગમાં ખયાલ ન  રાખવામાં આવતો હતો,હવે નિકાહ કરતા પહેલા તપાસ કરી લો.