અમુક નબીઓને બીજા નબીઓ પર નબીઓ પર અમુક વાતોમાં ફઝીલત આપવામાં આવી છે.: અલ્લાહ તઆલાએ નબીઓના જૂથમાં અમુક નબીઓને બીજા નબીઓ પર અમુક વાતોમાં ફઝીલત આપી છે. હઝરત મૂસા (અલ.) સાથે ફરિશ્તાના માધ્યમ વિના પડદા પાછળથી તૂર પહાડ પર વાતચીત કરી તો અમુકને બીજી રીતે ફઝીલત આપી.

 આખિરતની તૈયારી: અલ્લાહના રસ્તામાં માલ ખર્ચ કરી આખિરતની તૈયારી કરો,જ્યાં ખરીદ-વેચાણ,દોસ્તી, ભલામણ કોઈ ચીજ કામ નહી આવે.

 આયતુલ કુર્સીનો ભાવાર્થ(અલ્લાહની સિફાતો): અલ્લાહ તઆલા હંમેશા માટે જીવિત છે, સમગ્ર સૃષ્ટિની વ્યવસ્થાને સંભાળે છે, ઊંઘ અને નિંદ્રાથી પાક છે, આસમાન અને જમીનની દરેક વસ્તુનો અસલ માલિક તેજ છે,તેની સામે તેની પરવાનગી વિના કોઈ કોઈની ભલામણ નથી કરી શકતુ,તેનો ઇલ્મ અને જાણકારી સાવત્રિક છે,આસમાન અને જમીનની સત્તા તેના કબ્જા હેઠળ છે અને તેમના રક્ષણનો તેના ઉપર કોઈ બોજ નથી પડતો.

 ઇસ્લામમાં જબરદસ્તી નથી: ઇસ્લામ કબૂલ કરવામાં કોઈના ઉપર કોઈ જબરદસ્તી નથી,હિદાયત અને ગુમરાહીના રસ્તા ખુલ્લા મૂકી દેવામાં આવ્યા છે,દરેક પોતાની મરજી મુજબ રસ્તો અપનાવી શકે છે.

 અલ્લાહની રેહબરી અને શૈતાનની રેહબરી: અલ્લાહ તઆલા મોમિનોની અંધકાર(ગુમરાહી)થી રોશની (હિદાયત)તરફ રેહબરી ફરમાવે છે અને તાગૂત (શૈતાન અને તેના ચેલા) કાફિરોને રોશનીમાંથી અંધકાર તરફ દોરી જાય છે.

 નમરૂદની સમક્ષ હઝરત ઈબ્રાહીમ(અલ.)ની તાર્કિક દલીલ: હઝરત ઈબ્રાહીમ (અલ.)એ અલ્લાહનો પરિચય કરાવતાં નમરૂદની સામે દલીલ આપી કે અલ્લાહ સૂરજને પૂર્વથી ઉગાવીને પશ્ચિમમાં અઠમાવે છે તો તું જો રબ હોય તો પશ્ચિમથી ઉગાવીને બતાવ, આ વાત સાંભળી તે લાજવાબ થઈ ગયો.

 અલ્લાહ તઆલા પુનઃજીવિત કરવા પર સક્ષમ છે.: જેવી રીતે અલ્લાહ તઆલાએ જીવન આપ્યું, તે મૃત્યુ બાદ પુનઃજીવિત કરવા માટે પણ શક્તિશાળી છે,અલ્લાહ તઆલાએ હઝરત હિઝકીલ(અલ.)ને સો વર્ષ સુધી મુર્દા અવસ્થામાં રાખ્યા બાદ ફરી જીવિત કરી અને હઝરત ઇબ્રાહીમ (અલ.)ને ઝબહ કરેલા પક્ષીઓના અંગોને જોડીને તેમાં જીવ નાખી પોતાની આ શકિતનું દર્શન કરાવ્યું.

અલ્લાહના રસ્તામાં ખર્ચ કરવાના(ઝકાત સદકાત અદા કરવાના) આદાબ આ છે: (૧) દેખાવો કર્યા વિના ફક્ત અલ્લાહની રઝા(ખૂશી) માટે માલ ખર્ચ કરવો જેનો ષવાબ સાતસો ઘણો છે. (૨) કોઈને સારી વાત કહેવી અને માફ કરી દેવું એવા સદકાથી બેહતર છે જેમાં સદકો આપ્યા પછી કોઈને હેરાન કરવામાં આવે, માટે ઝકાત વગેરે આપ્યા પછી તકલીફ અથવા એહસાન બતાવી ષવાબ બરબાદ ન કરવો જોઇએ.(૩) રદ્દી અને ખરાબ માલ ખર્ચ ન કરવો.(૪) શયતાન હંમેશા મોહતાજીથી બિવડાવે છે, માટે શયતાનના બેહકાવામાં આવી ખર્ચ કરવાથી પાછા ન ફરવું.(૫) જરૂરત મુજબ છુપાઈને અથવા જાહેરમાં ખર્ચ કરવો.(૬) નફલ સદ્કો ગેર મુસ્લિમને પણ આપી શકાય છે,તેમને હિદાયત આપવી અલ્લાહનું કામ છે.(૭) માલ(ઝકાત વગેરે.)આપવામાં એવા લોકોને પ્રાથમિકતા આપવી જે અલ્લાહના દિનના કામોમાં લાગેલા છે અને કોઈની સામે હાથ નથી ધરતા,જેથી લોકો એવુ સમજે છે કે તેમને કંઈ જરૂરત નથી.

 વ્યાજુ લેવડ-દેવડની નહૂસત: વ્યાજ લેવા વાળાનું અલ્લાહ અને તેના રસૂલ સાથે એલાને જંગ છે કયામતના દિવસે તેને બેભાન હાલતમાં ઉઠાવવામાં આવશે, વ્યાજ માલની બરકતો ખતમ કરી નાખે છે.

 કરજ-ઉધારની લેવડ દેવડને લેખિતમાં રાખો: કરજ-ઉધારની લેવડ દેવડ ને લખીને તેના પર ગવાહો બનાવી લ્યો જેથી પાછળથી કોઈ તકરાર ન થાય અને કરજદાર પાસે પૈસાની સગવડ ન હોય તો તેને મુદ્દત આપો, અને જ્યારે ગવાહી આપવાની જરૂરત હોય ત્યારે ગવાહીને ન છુપાવો.

 અમુક મહત્વપૂર્ણ દુઆઓ: અલ્લાહ તઆલા બંદાને તેની તાકાત કરતાં વધારે પાબંદ નથી બનાવતા,અલ્લાહથી દુઆ કરતા રહો કે હે અલ્લાહ! ભૂલ ચૂક પર અમારી પકડ ન ફરમાવો,અમારી ઉપર પહેલી ઉમ્મતો જેવો બોજ ન મુકશો, અમોને અમારી તાકાત કરતાં વધારે બોજ ન આપશો.

【સૂરએ આલિ ઇમરાન

કુર્આનમાં બે પ્રકારની આયતો છે:(૧) જેનો મતલબ સાફ છે જેના પર અમલ કરવામાં આવે છે.(૨)જેનો મતલબ અલ્લાહ સિવાય કોઈ નથી જાણતું, આ પ્રકારની આયતો પર ફક્ત ઈમાન લાવવું કાફી છે, અમલ સાથે જેનો કોઈ સંબંધ નથી,છતાં પણ જેમના દિલોમાં કુટિલતા હોય છે તે બીજા પ્રકારની આયતોની પાછળ પડી લોકોમાં ફિત્ના ફેલાવવાનું કામ કરે છે.

 દુનિયા અને તેની દોલત ઘણી આકર્ષક છે.: દુનિયા અને તેની દોલત ઘણી આકર્ષક બનાવવામાં આવી છે પરંતુ તેનું અસ્તિત્વ ફાની છે જ્યારે કે પરહેઝગારો માટે જે જન્નત બનાવવામાં આવી છે તે દુનિયાની તુલનામાં વધુ આકર્ષક અને લાફાની(અનંત) છે.

 ઇસ્લામ જ કબૂલ થવા પાત્ર દીન છે.: અલ્લાહના નજદીક ફક્ત ઇસ્લામ જ કબૂલ થવા પાત્ર દીન છે, જે લોકો તેને કબૂલ કરી લે તો તે હિદાયત પર છે અને જે કબૂલ ન કરે તો નબીઓની જીમ્મેદારી ફક્ત વાત પહોંચાડી દેવાની છે.

 અલ્લાહની અપાર શક્તિઓ અને અધિકારો: અલ્લાહ હુકૂમત,ઈજ્જત,ઝિલ્લત બધાનો માલિક છે, જેને ચાહે આપે છે અને જેનાથી ચાહે છીનવી લે છે.

 અલ્લાહના મહબૂબ(પ્રિય) બનવાનો તરીકો: અલ્લાહના મહબૂબ બનવા અને ગુનાહોની માફી માટે નબી (સલ.)ના તરીકાની પેરવી જરૂરી છે.

પોતાની અવલાદ માટે હંમેશા નેક નિય્યત રાખો: હઝરત મરિયમ(અલ.)ની વાલિદાએ હમલ(ગર્ભ)ની હાલતમાં પોતાની થનારી અવલાદને મસ્જિદે અક્સાની ખિદમત માટે વકફ કરવાની નિય્યત કરી તો અલ્લાહ તઆલાએ તેમની આ નિય્યતને કબૂલ કરી અને હઝરત ઝકરિય્યહ(અલ.)જેવા નબીના હાથે તેમની વિશેષ રીતે તરબિયત થઈ તેમની અવલાદમાં બની ઈસરાઈલના આખરી નબી હઝરત ઇસા (અલ.)આવ્યા.

 હઝરત ઇસા(અલ.)ના મોઅજિઝા: હઝરત ઇસા(અલ.)ને અલ્લાહ તઆલાએ ઘણા મોઅજિઝા આપીને બની ઈસરાઈલ તરફ નબી બનાવીને મોકલ્યા,તેમણે પારણામાં લોકો સાથે વાતચીત કરી પોતાના નબી હોવાનો એકરાર કર્યો,તે માટીથી પક્ષીનું પુતળુ બનાવીને તેમાં ફૂંક મારતા તો તે વાસ્તવમાં પક્ષી બની જતુ,તે અંધ અને રક્તપિત્તની બીમારીવાળા વ્યક્તિ પર હાથ ફેરવતા તો તેઓ સાજા થઈ જતાં, મુર્દાને કુમ બિઇજ્નિલ્લાહ (અલ્લાહના હુકમથી ઉભો થઇ જા) કહી જીવતો કરી દેતા,વખત પહેલાં જ લોકોને બતાવી દેતા કે તમે શું ખાશો અને શું ઘરમાં ભેગુ કરશો?

 અલ્લાહની કુદરત સામે કઈ પણ અશક્ય નથી: હઝરત ઇસા(અલ.)નું બાપ વગર પેદા થવું અલ્લાહની કુદરત અને શક્તિ જોતાં કોઈ આશ્ચર્યની વાત નથી જેવી રીતે કે હઝરત આદમ(અલ.)ને માં અને બાપ વગર પેદા કર્યા.

 બધા આસમાની ધર્મોમાં તવ્હીદ(એકેશ્વરવાદ)ની દઅવત છે.: યહૂદીઓ અને ઇસાઈઓને ફક્ત એક જ વાતનું આમંત્રણ છે જે બધા આસમાની ધર્મો માટે સમાન વાત છે કે ચાલો શિર્કથી દૂર રહી એક અલ્લાહની ઈબાદત કરીએ અને મખલૂકને ખુદાઈના દરજ્જા સુધી ન પહોંચાડીએ.

 હઝરત ઇબ્રાહીમ (અલ.)નું વ્યક્તિત્વ: હઝરત ઇબ્રાહીમ (અલ.) યહૂદી અને ઈસાઈ ન હતા બલ્કે તે તો તમામ ગલત રસ્તાઓથી દૂર રહી એક અલ્લાહની ઈબાદત કરવાવાળા હતા.

 યહૂદીઓની ખયાનત: યહૂદીઓ તવરાતમાં મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની જે નિશાનીઓ હતી તેને લોકોથી છુપાવતા હતા, તેનું ખોટું અર્થઘટન કરી લોકો સમક્ષ રજૂ કરતાં હતા,જેથી લોકો આપ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ પર ઈમાન ન લાવે.

 યહૂદીઓમાં પણ સારા અને ખરાબ બંને પ્રકારના લોકો હતા: યહૂદીઓમાં અમૂક એવા લોકો હતા કે તેમની પાસે માલના ઢગલા પણ અમાનત તરીકે મૂકવામાં આવે તો વખત પર પરત કરી દે, જ્યારે અમુક એવા પણ હતા કે એક દીનાર પણ હોય તો પરત ન કરે.

 નબીઓની દઅવતનું કેન્દ્રબિંદુ: કોઈ પણ નબી લોકોને પોતાની ઈબાદત કરવાનું ન કહી શકે,બલ્કે તે લોકોને રબ્બાની (રબવાળા) બનવાની જ દઅવત આપી શકે.

 આલમે અરવાહમાં નબીઓથી શું પ્રતિજ્ઞા લેવામાં આવી?: અલ્લાહ તઆલાએ આલમે અરવાહમાં તમામ નબીઓ થી વાયદો(પ્રતિજ્ઞા) લીધો કે જો તમારી પાસે  છેલ્લા નબી અને છેલ્લી કિતાબ આવી જાય તો તમે પોતાની કિતાબ અને શરીઅતને છોડી તેમનો સાથ આપજો, આ બધી હકીકતો જાણતા અને ઓળખતા હોવા છતાં તેનો ઈન્કાર કરી યહૂદીઓએ જાતે પોતે જ પોતાને હિદાયતથી વંચિત કરી દીધા.

 ઇસ્લામ છોડીને બીજો કોઈ ધર્મ અપનાવનારનો અંજામ: જે માણસ ઇસ્લામ છોડીને બીજો કોઈ ધર્મ અપનાવશે તે અલ્લાહના નજીક કબૂલને પાત્ર નથી, આખિરતમાં તે પોતાનું નુકસાન ભોગવશે,અને જેમનું મૃત્યુ કુફ્ર્ની હાલતમાં જ થાય તો આખિરતમાં જમીન ભરીને સોનું પણ આપશે તો પણ પોતાને અઝાબથી બચાવી નહી શકે.અને ત્યાં કોઇ મદદગાર પણ નહી હોય.