➥ અલ્લાહની હિકમતોને ન સમજનાર મૂર્ખાઓ: અલ્લાહની હિકમતોને ન સમજનાર મૂર્ખાઓ હંમેશા અલ્લાહના હુકમના ફેરબદલને વિવાદ બનાવી દે છે, દા.ત. યહૂદીઓ અને મુનાફિકોએ કિબ્લાની બદલી પછી ખોટી ચર્ચાઓ શરૂ કરી દીધી.
➥ ઉમ્મતે મુસ્લિમા શ્રેષ્ઠ ઉમ્મત છે:ઉમ્મતે મુસ્લિમાને અલ્લાહ તઆલાએ સર્વોત્તમ ઉમ્મત બનાવી છે જે કયામતના દિવસે બીજી ઉમ્મતોના(આમાલ) પર ગવાહ બનશે,અને મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ પોતાની ઉમ્મત(ના આમાલ)પર ગવાહ બનશે.
➥ કિબ્લાની તબદીલી વિશે: શરૂઆતમાં મુસલમાનોનો કિબ્લો મસ્જિદે અક્સા હતો,નબી સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની ઘણી ઈચ્છા હતી કે કાબા શરીફને કિબ્લો બનાવી દેવામાં આવે,મદીના શરીફમાં ગયા બાદ અલ્લાહ તઆલાએ વહી દ્વારા હુકમ આપ્યો કે હવે પછી તમે દુનિયામાં કોઈ પણ જગ્યાએ હોય,કાબા શરીફ તરફ મોઢું કરીને નમાઝ પઢો, પરંતુ યાદ રાખવું કે પ્રથમ મસ્જિદે અકસા તરફ નમાઝ પઢવી પણ અલ્લાહનો હુકમ હતો, તેના તરફ મોઢું કરીને પઢેલી નમાઝો પણ અલ્લાહના નજીક કબૂલ છે,તેનો ષવાબ પણ પૂરો આપવામાં આવશે.
➥ સબ્ર અને નમાઝ દ્વારા અલ્લાહની મદદ માંગો: જીવનમાં જાની અને માલી મુશ્કેલીઓ જરૂર આવશે, તેમાં સબ્ર અને નમાઝ દ્વારા અલ્લાહની મદદ માંગો, મુસીબતના સમયે "ઇન્ના લિલ્લાહી વ ઇન્ના ઇલયહી રાજીઉન" પઢો, સબ્ર કરનારા બંદાઓ ઉપર અલ્લાહની રહમતોની વર્ષા થાય છે.
➥ સફા અને મરવહ શું છે?: સફા અને મરવહ અલ્લાહના દીનની નિશાનીઓ છે, હજ અને ઉમરહમાં તેના તવાફ કરો.(જે વાજીબ છે.), અને જે માણસ ફર્ઝ અને વાજીબ સિવાય નફલ આમાલ કરે તો અલ્લાહ તઆલા તેની કદર કરનાર અને બદલો આપનાર છે.
➥ ઇલ્મની વાતોને છુપાવવાનો ગુનોહ: જે લોકો પોતાના વ્યક્તિગત ફાયદા ખાતર હિદાયત અને ઇલ્મની વાતોને લોકોથી છુપાવે છે(જેવી રીતે યહૂદી આલિમો છૂપાવતા હતા),અને તેના બદલામાં લોકો પાસેથી પૈસા વસુલે છે,તેઓ પોતાના પેટમાં આગના અંગારા ભરી રહ્યા છે, તેઓ જ્યાં સુધી તૌબા ન કરે ત્યાં સુધી અલ્લાહ અને ફરિશ્તાઓ તેમના ઉપર લાનત કરે છે.
➥ મોમિનની સૌથી વધુ મુહબ્બત અલ્લાહ સાથે હોય છે: કાફિર અને મુશરિક મૂર્તિઓ સાથે એવી મોહબ્બત કરે છે જેવી મોહબ્બત અલ્લાહ સાથે કરવી જોઇએ,અને મોમિનો અલ્લાહની સાથે અત્યંત મોહબ્બત રાખે છે.
➥ હલાલ રોઝી ખાઓ: હલાલ રોઝી ખાવાનો પ્રબંધ રાખો,ઇસ્લામમાં પૂરેપૂરા દાખલ થઇ જાઓ અને શયતાનના કહેવા મુજબ ન ચાલો, કેમ કે શયતાન હંમેશા ગુનાહો અને બુરાઈ તરફ લઈ જાય છે.
➥ કાફિરોનું પાયવિહોણું બહાનુ: કાફિરોને જ્યારે તવ્હીદ (એકેશ્વર્વાદ) તરફ દઅવત આપવામાં આવતી તો એમ કહી નકારી કાઢતા કે અમે અમારા બાપ-દાદાઓને આ તરીકા પર જ જોયા છે,જેના પર હાલ અમે છીએ,તેમને જવાબ આપવામાં આવ્યો કે આ તો કેવી વાત કે બાપ-દાદા ખોટા રસ્તા પર હોય તો પણ તેમની પરંપરાઓને ન છોડવામાં આવે?
➥ આધ્યાત્મિક (રૂહાની) રીતે બેહરા,ગુંગા અને આંધળા: નબીઓની વાતોને ન માનનારાઓની હાલત બેહરા,ગુંગા અને આંધળા વ્યક્તિ જેવી છે,જેઓ હક વાતને ન સાંભળી શકે છે, ન બોલી શકે છે અને ન જોઈ શકે છે.
➥ નેકીના કામો: કિબ્લાની તબદીલી પર વિવાદ ઉભો કરનારા યહૂદીઓને જવાબ આપવામાં આવ્યો કે ફક્ત પૂર્વ અને પશ્ચિમ તરફ મોઢું કરી લેવું કોઈ નેકી નથી,બલ્કે નેકીના કામો આ છે.(૧) અલ્લાહ તઆલા પર, કયામત, ફરિશ્તાઓ, આસમાની કિતાબો અને નબીઓ પર ઈમાન રાખવું.(૨) માલની મોહબ્બત હોવા છતાં તેને સગા-વહાલા, યતીમો,ગરીબો,મુસાફરો,સવાલીઓ પર અને ગુલામોને આઝાદ કરવા માટે ખર્ચ કરવો.(૩) નમાઝ અને ઝકાતની પાબંદી રાખવી.(૪) પોતાના કરારો અને વચનોને પૂરા કરવા.(૫) મુશ્કેલ પરિસ્થિતિઓમાં ધીરજ અને સબર રાખીને હક અને સચ્ચાઇ પર મક્કમ રહેવુ.
➥ કતલની સજા કતલ: ઇસ્લામી કાયદાશાસ્ત્ર અનુસાર કતલની સજા કતલ છે જેથી ભવિષ્યમાં બીજા માસૂમોની જાન બચાવી શકાય,પરંતુ મરનારના વારસદારો માફ કરી દે અથવા માલ પર સુલેહ કરી લે તો તેની પણ પરવાનગી છે.
➥ વસિય્યતને પૂરી કરો: શરઈ વસિય્યતને પૂરી કરવી જરૂરી છે, જો કોઈ વ્યક્તિ પોતાના વ્યક્તિગત હિત માટે વસિય્યત બદલી નાખે તો આ ઘણો મોટો ગુનોહ છે.
➥ રમઝાન મુબારકની ફઝીલત: રમઝાન ઘણો ફઝીલત અને બરકત વાળો મહીનો છે,જેમાં કુર્આન શરીફ ઉતારવામાં આવ્યું.રોઝા દરેક ઉમ્મત પર ફર્ઝ કરવામાં આવ્યા અને રોઝાનો હેતુ તકવા અને પરહેઝહગારીની પ્રાપ્તિ છે,જો કોઈ માણસ રમઝાનમાં બીમાર હોય અથવા શરઈ સફર પર હોય તો બીજા દિવસોમાં રોઝાની કઝા કરી શકે છે,રોઝાની હાલતમાં ખાવુ-પીવુ અને પત્નિ સાથે જાતીય સંબંધ બનાવવા જાઇઝ નથી,સૂર્યાસ્તથી સુબહે સાદિક સુધી ત્રણેય કામો હલાલ છે.
➥ પતિ અને પત્નિ એકબીજા માટે પોશાકની જેમ છે.: પતિ અને પત્નિનો સંબંધનો આપસી સંબંધ એવો છે જેવી રીતે માણસ અને પોશાક(લિબાસ)ની વચ્ચે સંબંધ હોય છે.
➥ રબને પુકારો તે જવાબ આપશે: અલ્લાહ પોતાના બંદાઓથી બિલકુલ નજીક છે, જ્યારે બંદો પોતાના રબને પુકારે છે તો તેને રબ તરફથી જવાબ આપવામાં આવે છે.
➥ રિવાજોને છોડી અસલ દીનને અપનાવો: જાહિલિયતના યુગમા લોકો હજના દિવસોમાં પોતાની મનઘડત માન્યતા મુજબ પોતાના ઘરના મૂખ્ય દરવાજાથી દાખલ થવાને બદલે ઘરની પાછળથી દાખલ થતા હતા,તેમને કહેવામાં આવ્યું કે પોતાના ઘડેલા રિવાજોને નેકી ન સમજો, રિવાજોને છોડીને તકવાવાળી જિંદગી અપનાવવી અસલ નેકીનું કામ છે.
➥ હજના અમુક મસાઈલ: હજ અને ઉમરહને શરૂ કર્યા પછી તેને પૂરા કરો, જો કોઈ રૂકાવત ઊભી થઈ જાય તો હરમની હદમાં કુરબાનીનું જાનવર ઝબહ કર્યા પછી જ હલક કરીને એહરામ ખોલો, હાંં, કોઈ માણસને બીમારીના લઈ હજ/ઉમરહ પહેલાં હલક કરવાની જરૂરત પડે તો તે ફિદિયો, સદકો અથવા કુરબાની કરીને હલક કરી શકે છે.
➥ હજની કુર્બાની કોના ઉપર વાજિબ છે?: જેને અલ્લાહ એક જ સફરમાં હજ અને ઉમરહ બંને ઇબાદતોની તવફીક આપે તો તે શુક્રિયા રૂપે એક જાનવરની કુરબાની આપે અને જો કોઈ માણસ આર્થિક રીતે સક્ષમ ન હોવાથી કુરબાની ન કરી શકે તો નવમી જિલ્હજ પહેલાં ત્રણ રોઝા અને હજથી ફારિગ થઈને સાત આમ કુલ દસ રોઝા રાખી લે.
➥ હજના આદાબ: હજના સફરમાં લડાઈ ઝઘડાથી બચવું,જરૂરતનો સામાન પોતાની સાથે રાખવો, અલ્લાહનો ઝિક્ર કરવો, અલ્લાહ તઆલાથી દુનિયા અને આખિરતની ભલાઈઓ માંગવી જોઈએ,જરૂરત મુજબ વેપાર પણ કરી શકાય છે.
➥ જબાન મધુર અને કર્મો કડવા: દુનિયામાં અમુક લોકો એવા પણ હોય છે જેમની જબાન મધુર અને કર્મો ઘણાં કડવા હોય છે,તેઓ જમીનમાં બગાડ અને ફસાદ ફેલાવવામાં અને લોકોનું જાની અને માલી નુકસાન કરવામાં અગ્રેસર હોય છે.
➥ દીનના રસ્તામાં આવનાર મુસીબતો પર મક્કમ રહો: જન્નતના હકદાર બનવા માટે દીનના રસ્તામાં આવનાર મુસીબતો પર મક્કમ રહેવું જરૂરી છે,પાછલી ઉમ્મતો પર એટલા કઠિન હાલાત આવ્યા કે તેઓ પોતાના નબી પાસે આવીને કહેતા કે અલ્લાહની મદદ ક્યારે આવશે?નબી તેમને સાંત્વના આપતા કે અલ્લાહની મદદ બિલ્કુલ નજીક છે.
➥ જે દેખાય છે તે હોતું નથી: ઘણી વાર જાહેરમાં સારી લાગનાર વસ્તુઓ વાસ્તવમાં ખરાબ અને ખરાબ લાગનાર વસ્તુઓ વાસ્તવમાં સારી હોય છે, જેનું જ્ઞાન ફક્ત અલ્લાહ પાસે છે, માટે અલ્લાહના ફેંસલા પર રાજી રહેવું જોઈએ.
➥ મુર્તદની આખિરતની સજા: જે માણસ મુર્તદ થઈ જાય અને તેજ હાલતમાં મરી જાય તો તેની નેકીઓ ખતમ થઈ જશે અને આખિરતમાં દોઝખનો હકદાર બનશે.
➥ નુકસાન મોટું ફાયદો નાનો: દારૂ અને જુગારમાં ભલે ફાયદો દેખાય છે પરંતુ તેનું નુકસાન ફાયદાથી ઘણું મોટુ છે.
➥ યતીમના માલના વહીવટ વિશે શરઈ માર્ગદર્શન: યતીમના માલનો વહીવટ યતીમના હિત અને ફાયદાને ધ્યાનમાં રાખીને કરવાનો રહેશે,જો કોઈ માણસ યતીમના માલને પોતાના માલ સાથે મિલાવી દે અને તેમાં યતીમનું કોઈ નુકસાન ન હોય,તો તેની પરવાનગી છે.
➥ મોમિનની કીમત: અલ્લાહના નજદીક મોમિન મર્દ અને ઓરત મુશરિક મર્દ અને ઓરત કરતાં વધુ કીમતી છે, ભલે મુશરિક સુંદરતામાં તથા સામાજિક રીતે ઉચ્ચ કક્ષાનું વ્યક્તિત્વ ધરાવતો હોય.
➥ માસિકસ્ત્રાવના દિવસોમાં જાતિય સંબંધ બનાવવા હરામ છે: માસિકના દિવસો નાપાકીનો સમયગાળો છે, તે દિવસોમાં જાતિય સંબંધ બનાવવાથી દૂર રહો, પાકીનો ખયાલ રાખો,અલ્લાહ તઆલા પાક રહેનાર લોકોને પસંદ કરે છે,નસલની વ્રુદ્ધિમાં ઓરતનું યોગદાન ખેતર(જેમાં પાક વ્રુદ્ધિ પામે છે.)ની માફક છે.
➥ 'ઇલા' નો હુકમ: જાહિલિયતના યુગમાં જે લોકો પોતાની બીવી પાસે ન જવાની કસમ ખાઈને જુલ્મ કરતા હતા,(જેને પરિભાષામાં 'ઇલા' કહેવામાં આવે છે.) તેને નાબૂદ કરવા માટે શરિઅતનો હુકમ છે કે જે લોકો આ પ્રકારની કસમ ખાઈ લે તેમને ફક્ત ચાર મહિનાની મુદ્દત છે કે કસમ તોડીને કફ્ફારો આપી દે,અન્યથા નિકાહ ખતમ થઈ જશે,એવી જ રીતે નેકીના કામો ન કરવાની કસમ ખાવાથી પણ રોક્વામાં આવ્યા.
➥ ઇદ્દતના અહકામ: તલાક થયેલ સ્ત્રી માટે ત્રણ માસિક સ્ત્રાવ સુધી ઇદ્દતમાં રહી હુકમોનું પાલન જરૂરી છે.દા.ત. બીજા નિકાહ ન કરવા, શણગાર ન કરવો, શરઈ જરૂરત વગર ઘરેથી બહાર ન નીકળવું વગેરે.
➥ પતિ અને પત્નિનું સ્થાન: પતિ-પત્નીના સમાન હકો અને જીમ્મેદારીઓ છે,પરંતુ જિમ્મેદારી પ્રમાણે પતિને પત્નિ પર એક દરજો શ્રેષ્ઠતા આપવામાં આવી છે.
➥ તલાક અગમ્ય સંજોગોમાં છે: જો પતિ અને પત્નિમાં નિભાવ શક્ય ન હોય તો જુદાઈ માટે તલાક છે,બે તલાક સુધી પત્નીને પાછી બોલાવી શકાય છે,પરંતુ ત્રણ તલાક આપ્યા પછી ત્યારે જ પાછી બોલાવી શકાય જ્યારે તે બીજા પુરુષ સાથે નિકાહ કરી લે, અને તે કોઈ કારણસર તેને તલાક આપી દે.
➥ બાળકને દૂધ પીવડાવવા વિશે શરઈ હુકમ: માં પોતાના બાળકને વધુમાં વધુ બે વર્ષ સુધી દૂધ પીવડાવે,બાપ સ્ત્રીનો પૂરો ખર્ચ ઉઠાવે, એક બીજાને તકલીફ પડે તેવું કોઈ કામ ન કરવું જોઈએ, અને જો માં-બાપ મહેનતાણું નક્કી કરી દૂધ પીવડાવવા માટે પોતાનું બાળક બીજી કોઈ સ્ત્રીને આપે તો તેની પણ ઇજાઝત છે.
➥ તલાક શુદા ઓરત પણ નિકાહ કરી શકે છે: તલાક શુદા ઓરતને ઇદ્દત પૂરી થયા બાદ પોતાની મનપસંદના મર્દ સાથે નિકાહ કરવાનો પૂરો અધિકાર છે, પરંતુ ઇદ્દત દરમિયાન નિકાહ કરવા અથવા નિકાહનો ચોખ્ખો પૈગામ આપવો જાઇઝ નથી.
➥ હકો અદા કરતી વખતે વિશાળદિલીથી કામ લો: જો જાતિય સંબંધ બાંધતા પહેલાં જ તલાક થઈ જાય તો ઓરતને નક્કી થયેલ મહરનો અડધો હિસ્સો આપો, નક્કી ન હોય તો પોતાની સગવડ મુજબ કંઈ પણ આપો, પોતાના પરસ્પર વ્યવહારોમાં એક બીજાના હકો અદા કરતી વખતે વિશાળદિલીથી કામ લો.
➥ ઈમાનની તાકત ભૌતિક તાકાત પર જીત મેળવી લે છે: અલ્લાહ તઆલાએ બની ઈસરાઈલના એક સમુદાયને હઝરત તાલુત અને દાઉદ (અલ.)ના નેતૃત્વમાં અમાલિકા જેવી જાલિમ અને તાકાતવર કોમ પર વિજય અપાવ્યો, જાલુત જેવા અત્યાચારીનો નાશ થયો, ઇતિહાસમાં અલ્લાહની મદદથી કમજોરના વિજયી અને તાકાતવાનના પરાજિત થવાના બનાવો પણ બન્યા છે.

0 Comments