【સૂરએ ફાતિહા   

 તમામ વખાણો ફક્ત અલ્લાહ તઆલા માટે છે, કારણ કે તે તમામ જહાનોનો પાલનહાર છે, પોતાની તમામ મખલૂકની જરૂરતોને પૂરી કરવાનો બંદોબસ્ત કરે છે,દુનિયામાં તેની રહમત મોમિન અને કાફિર બધા માટે છે અને આખિરતમાં ફક્ત મોમિનો માટે હશે, કયામતના દિવસે ફક્ત તેની બાદશાહી હશે.

આપણે તેની જ ઇબાદત કરીએ છીએ અને તેનાથી જ મદદ માંગીએ છીએ.

(દુઆ કરતા રહો કે) એ અલ્લાહ!અમને સીધો રસ્તો બતાવો,જેના પર ચાલનારાઓ ઉપર આપનું ઈનઆમ છે અને એવા લોકોના રસ્તાથી હિફાઝત ફરમાવો જેમનાથી આપ નારાજ છો અને જેઓ ગુમરાહ છે.

【સૂરએ બકરહ

 કુર્આન કોના માટે હિદાયત છે?:કુર્આનના અલ્લાહની કિતાબ હોવા વિશે કોઈ શંકા નથી,કુર્આન પરહેઝગારો માટે હિદાયતની કિતાબ છે, ગેબની વાતો (જન્નત, દોઝખ,આખિરત વગેરે) પર ઈમાન રાખવુ, નમાઝ કાયમ કરવી, અલ્લાહે આપેલ માલને તેના રસ્તામાં ખર્ચ કરવો, તમામ આસમાની કિતાબો પર ઈમાન લાવવું પરહેઝગારોના વિશેષ આમાલ છે.     

અકીદાની દ્રષ્ટિએ ત્રણ પ્રકારના લોકો હોય છે:(૧) મોમિન(જબાનથી અને દિલથી ઈમાન કબૂલ કરવાવાળા) (૨)કાફિર(ખુલ્લો ઈન્કાર કરવાવાળા) (૩) મુનાફિક(જબાનથી ઈમાન લાવી દિલમાં કુફ્ર છુપાવવાવાળા),ત્રણમાંથી ફકત મોમિન અલ્લાહના નજીક કામયાબ અને સીધા રસ્તા પર છે.

 જિદ્દી વલણના લોકો: જે કાફિરો પોતાની જીદ પર છે તેમનાં દિલો, કાન અને આંખો પર અલ્લાહે મોહર(સિક્કો)  લગાવી દીધી છે, કોઈ પણ જાતની શિખામણ અને વઇદ(અઝાબની ધમકી)નો તેમનાં દિલો પર કોઈ અસર નહી થાય.

 મુનાફિકોની હાલત: મુનાફિકો જમીનમાં બગાડ ફેલાવતા હતા,અને એમ કહેતા કે અમે સુધારણા કરી રહ્યા છીએ,સહાબાને બેવકૂફ કહેતા હતા,જાહેરમાં મુસલમાનોની સાથે હોવાનો દેખાવો કરી અંદરમાં દુશ્મનો સાથે દોસ્તી રાખતા હતા,તેમણે પોતાના માટે ખોટનો સોદો કર્યો, જેવી રીતે કોઈ માણસ પોતાની આસપાસ રોશની હોવા છતાં આંધળો હોવાના લીધે ફાયદો નથી ઉઠાવી શકતો,એવી જ રીતે નબી સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ,કુર્આન અને હિદાયતની વાતોના નજીક હોવા છતાં કોઇ ફાયદો ન ઉઠાવી શક્યા,બલ્કે જેવી રીતે માણસ આસમાનની વીજળી અને ગર્જનાઓ સાંભળી મોતની બીકે કાનો પર હાથ રાખી દે છે,એવી જ રીતે કુર્આનની આયતો (જેમાં તેમના કુફ્રની પોલ ખોલી ધમકીઓ આપવામાં આવતી હતી) સાંભળીને પોતાના કાન પર હાથ મુકી દેતા હતા.

 સૃષ્ટિનું સર્જન કોના માટે અને કેમ? દુનિયાની તમામ નેઅમતો(જમીન, આસમાન, વરસાદ, ફળ-ફ્રૂટ વગેરે) અલ્લાહે આપણા વપરાશ માટે બનાવી છે,તેનો ઉપયોગ કરી અલ્લાહની ઇબાદત કરવી આપણો પ્રાથમિક ફરજ છે.

 કુર્આનના ઇન્કારીઓને ખુલ્લો ચેલેન્જ: કુર્આનના ઇન્કારીઓને ચેલેન્જ કરવામાં આવે છે કે જો તમોને કુર્આનના અલ્લાહની કિતાબ હોવા વિશે કોઈ શંકા હોય તો તમે જાતે કોઈ નાની સરખી સૂરત બનાવી લાવો અને યાદ રાખો કે તમે કદાપિ આ ચેલેન્જને પૂરું નહી કરી શકો.

 માખી અને મચ્છરનું ઉદાહરણ: અલ્લાહ તઆલા હિદાયતની વાતો સમજાવવા માટે માખી મચ્છરનું ઉદાહરણ પણ બયાન કરે છે, ઈમાનવાળા તેનાથી ફાયદો ઉઠાવે છે અને કાફિરો તેની મજાક કરીને ગુમરાહ થાય છે.

 માનવી અલ્લાહનો નાયબ(પ્રતિનિધિ) છે: માનવીને અલ્લાહ તઆલાએ પોતાનો નાયબ(પ્રતિનિધિ) બનાવીને ધરતી પર મોકલ્યો,ઇલ્મ દ્વારા તેને ફઝીલત આપી,ફરિશ્તાઓને તેની સામે સજ્દો કરવાનો હુકમ આપ્યો, તે જમીન પર કયામત સુધી અલ્લાહનો નાયબ બનીને રહેશે, અલ્લાહની ઈબાદત,તેના હુકમો પર અમલ કરી તેને જમીન પર લાગુ કરવા તેની મુખ્ય જવાબદારી છે.  

 નમાઝ કોના માટે આસાન કોના માટે મુશ્કેલ?:માઝની પાબંદી ઘણી મુશ્કેલ છે,હાં,જે લોકો આખિરત પર ઈમાન રાખે છે અને દિલમાં અલ્લાહનો ખૌફ રાખે છે, તેમનાં માટે મુશ્કેલ નથી.

 બની ઈસરાઇલની નાશુક્રી અને નાફરમાનીઓ: બની ઈસરાઇલને અલ્લાહ તઆલાએ ફિરઓનના અત્યાચારથી મુક્તિ આપી, પરંતુ તેઓ અલ્લાહની કુદરત અને તેની અપાર નેઅમતો જોયા પછી પણ ના શુક્રી, મૂર્તિપૂજા,અલ્લાહની નાફરમાની અને તેના આદેશોનો અનાદર કરી નબીઓને સતાવતા રહ્યા,જેના અમુક ઉદાહરણો આ છે:(૧) હજરત મુસા (અલ.)થી અલ્લાહને નરીઆંખે જોવાની માંગ કરી.(૨) અલ્લાહની મદદ જોયા પછી પણ ગાયની પૂજામાં લાગી ગયા.(૩) અલ્લાહ તઆલાએ તવરાત પર અમલ કરવાનો,ફિરઓનથી મુક્તિ મેળવીને બીજા શહેરમાં સ્થાયી થતાં પહેલાં સિજદાની હાલતમાં શહેરમાં દાખલ થવાનો અને શનિવારે શિકાર ન કરવાનો હુકમ આપ્યો, જેનો તેમણે ભંગ કર્યો, અલ્લાહે રણ વિસ્તારમાં આસમાની ખોરાક(મન્નો સલ્વા) ની વ્યવસ્થા કરી, તેની જગ્યાએ પ્યાજ,દાળ,લસણ,કાકડી વગેરે સબજીઓની માંગ કરી,અલ્લાહના હુકમો પર આજ્ઞા પાલનની ભાવનાઓ સાથે અમલ ન કર્યો,તેનાથી બચવા માટે ખોટી યુક્તિઓ કરી,અમલ ન કરવા માટે બેકાર સવાલ કર્યા,છેવટે અલ્લાહના અઝાબના હકદાર બન્યા અને તેમના દિલો પથ્થરથી પણ વધુ સખત બની ગયા.(૪) અલ્લાહના નબીઓને કતલ કર્યા.(૫) હક વાતો સામે એવુ કહેવા લાગ્યા કે અમારા દિલ ગિલાફમાં બંધ છે.(અલ્લાહે વાસ્તવમાં તેમના દિલો પર મોહર લગાવી દીધી અને હિદાયતથી વંચિત કરી દીધા.)(૬) તેમના આલિમો દોલત અને પોતાનું વર્ચસ્વ બાકી રાખવા ખાતર હક વાત જાણવા છતાં તેનો ઈન્કાર કરતા હતા અને તવરાતની વાસ્તવિકતાઓને લોકોથી છુપાવતા હતા, જેથી લોકો તેમને છોડી નબી સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનું અનુકરણ ન કરવા લાગે.(૭) કુર્આન ઉતરતા પહેલાં તેના વસીલાથી દુઆઓ માંગતા હતા, પરંતુ જ્યારે કુર્આન આવી ગયું ત્યારે અદેખાઈમાં ઈમાન લાવવાને બદલે ઇન્કાર કર્યો.(૮) જિંદગીથી અત્યંત મુહબ્બત અને મોતને ના પસંદ કરતા હતા.(૯) હઝરત જિબ્રઇલ(અલ.)ને પોતાનો દુશમન કહેતા હતા.(૧૦) અલ્લાહની કિતાબોને છોડી જાદુ અને મેલી વિદ્યાઓ પાછળ લાગી ગયા,હારૂત અને મારૂત નામી ફરિશતાઓ(જે તેમની આજમાઈશ માટે મોકલવામાં આવ્યા હતા)થી જાદુઈ વિદ્યાઓ શીખીને પતિ-પત્નિ વચ્ચે ઝઘડા કરાવતા હતાં.

 યહૂદી આલિમોની દુર્દશા: પોતાના વ્યક્તિગત ફાયદા માટે પોતાના તરફથી વાતો ઘડી કાઢી તેને અલ્લાહ તરફ સંબધિત કરવાવાળાઓ માટે હલાકત અને દોઝખનો અઝાબ છે, જેવી રીતે કે યહૂદી આલિમો પૈસા ખાતર પોતાના તરફથી વાતો લખીને પૂછનારને ખૂશ કરવા એવું કહી દેતા હતા કે આ અલ્લાહનો જ હુકમ છે.

 સંપૂર્ણ શરીઅત પર ઈમાન રાખો અને અમલ કરો: પોતાની મરજી મુજબ અમૂક વાતો પર ઈમાન રાખવુ અને અમૂક વાતોનો ઇન્કાર કરવો દુનિયામાં રૂસ્વાઈ અને આખિરતમાં સખત અજાબનું કારણ છે, યહૂદીઓએ અલ્લાહ સાથે વાયદો કર્યો હોવા છતાં પોતાનું આત્મ સન્માન બચાવવા માટે લડાઈમાં પોતાના લોકોને કતલ કરી દેતા અને અમુકને જીલાવતન(તડીપાર) કરી દેતા હતા.

 નબી સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની સામે અપમાનજનક શબ્દો બોલનારા: જે શબ્દો/વાક્યોમાં નબી સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમની બે ઇજ્જતી અને અપમાનનો કોઇ અંશ પણ દેખાતો હોય તેવા શબ્દો/વાક્યો છોડી આદરણીય શબ્દો/વાક્યો વાપરવા જોઇએ, યહૂદીઓ અને મુનાફિકો આ પ્રકારના શબ્દો વાપરી નબી સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમનું અપમાન કરતા હતા,દા.ત. 'રાઇના' શબ્દનો અર્થ અરબીમાં અમારી સંભાળ રાખો થાય છે,પરંતુ તેઓ રાઇનામાં 'ઇ' ને  ખેંચીને બોલતા હતા,જેનો અર્થ 'અમારો ભરવાડ'થાય છે.(નઉઝુબિલ્લાહ)

 'નસ્ખ'(હુકમની તબદીલી) વિશે: જ્યાં સુધી શરીઅતની પૂર્ણાહુતિ ન થઈ હતી,અલ્લાહ તઆલાએ અમુક વખત લોકોની તબિયત અને માહોલ મુજબ મર્યાદિત સમયગાળા માટે કોઇ હુકમ આપ્યો, ત્યાર બાદ તેની જગ્યાએ તેનાથી બેહતર અથવા તેના જેવો બીજો હુકમ આપ્યો,જેને શરીઅતની પરિભાષામાં 'નસ્ખ' કહેવામાં આવે છે.(જેવી રીતે ડૉકટર દર્દીની હાલત જોઈને દવામાં ફેર બદલી કરે છે.),કાફિરો  આ વાતને પણ વિવાદ બનાવી દેતા હતા.

 જન્નતના હકદાર કોણ?: વાસ્તવમાં જન્નતના હકદાર તે લોકો છે જે ઇસ્લામ અપનાવી પોતાની ઈબાદત અલ્લાહ માટે ખાસ રાખે. કોઈ વિશેષ સમુદાય(યહૂદી, ઈસાઈ વગેરે.)નો તેના પર કોઈ હક નથી.

 અલ્લાહના બંદાઓને મસ્જિદથી રોકવાવાળા ઘણા મોટા ઝાલિમ છે: જે લોકો અલ્લાહના બંદાઓને મસ્જિદોથી રોકે અને તેની બરબાદીની કોશિશો કરે તેમના માટે દુનિયામાં રુસ્વાઈ અને આખિરતમાં સખત અઝાબ છે.

 યહૂદીઓ અને ઈસાઈઓના કાવતરા: યહૂદીઓ અને ઈસાઈઓ બન્ને મુસલમાનોને તેમના દીનથી દૂર કરવાની પૂરી કોશિશો કરશે, તેમના કાવતરાઓથી પોતાને બચાવી હિદાયત પર કાયમ રહેવુ મુસલમાનોની જવાબદારી છે.

 આખિરતમાં સજાથી બચવાનો કોઈ રસ્તો નથી: સામાન્ય રીતે દુનિયામાં સજાથી છૂટવાના ચાર તરીકા હોય છે (૧) અસલ ગુનેહગારની જગ્યાએ બીજા નિર્દોષને પકડી લેવામાં આવે.(૨)કોઇ પ્રતિષ્ઠિત વ્યક્તિ ભલામણ કરી આપે.(૩) માલ લઈ છોડી દેવામાં આવે.(૪) કોઇ બળજબરી પૂર્વક મદદ કરી છોડાવી જાય, અલ્લાહની અદાલતમાં કોઇ પણ તરીકો ફાયદાકારક પુરવાર નહી થાય.

 હઝરત ઇબ્રાહીમ (અલ.);આજ્ઞાપાલનનો ઉત્તમ નમૂનો: ઝરત ઇબ્રાહીમ (અલ.) આજ્ઞાપાલનની કસોટીમાં કામયાબ થયા તો અલ્લાહે તેમને પોતાના ખલીલ અને લોકોના પેશવા બનાવ્યા, અને મુસલમાનોને મકામે ઈબ્રાહીમ પર નમાઝ પઢવાનો હુકમ આપ્યો,જેની વિશેષ ફઝીલત છે.

કોઈ પણ અમલ કર્યા પછી અલ્લાહથી તેની કબુલિયતની દુઆ માંગો: હજરત ઇબ્રાહીમ અને ઇસ્માઇલ(અલ.)એ કાબા શરીફના પાયાઓ પર તેની દિવાલોનું બાંધકામ કરવાનો મહામૂલી અમલ કર્યો, પણ સૌ પ્રથમ અલ્લાહથી કબૂલિયતની દુઆ કરી,અને તે વખતે પોતાની અવલાદમાં અલ્લાહની ફરમાબરદાર ઉમ્મત અને એક એવા નબીના આવવાની દુઆ માંગી જે લોકોને અલ્લાહની કિતાબની આયતો સંભળાવે,તેમના દિલોને ગંંદગીઓથી પાક કરે અને અલ્લાહની કિતાબ અને હિક્મત શિખવાડે,હઝરત મુહમ્મ્દ સલ્લલ્લાહુ અલયહિ વ સલ્લમ અને આપની ઉમ્મત ઇબ્રાહીમ (અલ.) ની આ દુઆની કબૂલિયત છે.

 પોતાની અવલાદના ઈમાનની ફિકર કરો: મોતની ઘડીએ પણ પોતાની અવલાદના દીન અને ઈમાનની ફિકર કરવી નબીઓનો તરીકો છે, હઝરત યાકૂબ (અલ.) એ મોતની ઘડીએ પોતાની અવલાદને મોત સુધી ઇસ્લામ પર કાયમ રહેવાની વસિય્યત કરી.

 મિલ્લતે ઇબ્રાહીમી: હઝરત ઇબ્રાહીમ(અલ.)ની મિલ્લતની પેરવી કરો જે ન યહૂદી હતા અને ન ઈસાઈ હતા,તેમની મિલ્લતથી તેજ માણસ દૂર જઈ શકે છે જે બેવકૂફ હોય,અને અલ્લાહના બધા નબીઓ પર ફરક કર્યા વગર ઈમાન રાખો.

 અલ્લાહનો રંગ: અલ્લાહનો રંગ શ્રેષ્ઠ છે ,પોતાને અલ્લાહના રંગમાં રંગી દો, એટલે કે જીંદગીના દરેક ક્ષણે અલ્લાહના હુકમોને ધ્યાનમાં રાખો.

 પોતાની ફિકર કરો: પાછલા લોકો પોતાના આમાલ(કર્મો)કરીને ચાલ્યા ગયા,દરેક માણસે પોતાના આમાલની ફિકર કરવી જોઈએ, કેમ કે કોઈને પોતાના પૂર્વજોના આમાલ વિશે પૂછવામાં નહી આવે,બલ્કે દરેકને પોતાના આમાલનો હિસાબ દેવાનો છે.